મોરારિબાપુ : રામથી નીલકંઠ અને અહમદ પટેલથી મોદી સુધીની કહાણી

મોરારિબાપુ Image copyright Getty Images

વર્ષ 1992, સંઘ પરિવાર દ્વારા આયોજિત રામની 'પાદુકા પૂજન'નો કાર્યક્રમ. અહીં બાપુ કહે છે કે હવે દેશના યુવાનોને કેસરિયાં કરવાનો સમય આવી ગયો છે. શહીદીને સ્વીકારો, રામમંદિર ના બને ત્યાં સુધી લડતા રહો.

ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સાથે હરિદ્વારમાં પતંજલિ યોગપીઠમાં મોરારિબાપુ અન્ય સંતોની સાથે સ્ટેજ પર બેઠા છે.

બાબા રામદેવ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોદી અને રામદેવ પાસપાસે બેઠા છે.

વર્ષ 2013, અને સમય છે 2014ની લોકસભા ચૂંટણી પહેલાંનો. રમેશ ઓઝા સહિત ગુજરાત અને દેશના અન્ય સંતો પણ સ્ટેજ પર છે.

આ કાર્યક્રમમાં મોરારિબાપુ કહે છે, "નિર્ણય રાષ્ટ્રે કરવાનો છે, મેં એકવાર અમદાવાદમાં કહ્યું હતું એ નિવેદનને હું છોડીશ નહીં, ફરીથી કહી રહ્યો છું ગંગાના કિનારે, પતંજલિ યોગપીઠમાં. મને લાગે છે કે અમારા મુખ્ય મંત્રી ગુજરાતને ચલાવી રહ્યા છે, ચલાવી રહ્યા નથી, મને લાગે છે કે તેઓ એવી રીતે રાજ કરી રહ્યા છે કે જાણે કોઈ અનુષ્ઠાન કરી રહ્યું હોય."

Image copyright Kalpit S Bhachech

વર્ષ 2005. સ્થળ છે ગાંધીજીએ સ્થાપેલો સાબરમતી આશ્રમ. મોરારિબાપુની કથામાં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી હાજરી આપે છે.

2005ના એ કિસ્સાને મોરારિબાપુ બાબા રામદેવના કાર્યક્રમમાં ફરી યાદ કરતા કહે છે, "એ કથામાં મેં કોઈ પ્રસંગમાં વ્યાસપીઠ પરથી કહ્યું હતું, હું તો બાવો છું કંઈ પણ છોડી શકું છું."

મોરારિબાપુ મોદી સામે ઇશારો કરતા કહે છે, "તો આ વ્યક્તિએ પણ ખુરશીમાં બેઠાંબેઠાં કહ્યું કે હું પણ બાવો છું." આટલું કહી મોરારિબાપુ ઉમેરે છે કે આજે એક બાવો બાવાઓ સાથે બેઠો છે.

વર્ષ 2012, મોરારિબાપુ ન્યૂઝ 24 ટીવી ચેનલને ઇન્ટરવ્યૂ આપે છે. આ મુલાકાતમાં તેમને દેશની સ્થિતિ વિશે પ્રશ્ન પૂછવામાં આવે છે.

પ્રશ્નના જવાબમાં મોરારિબાપુ કહે છે, "જે રૂપે દેશ ચાલી રહ્યો છે તે અંગે કહું તો પ્રસન્નતા થાય તેવું દૃશ્ય નથી. મેં ખૂબ આદરપૂર્વક આદરણીય વડા પ્રધાનને કહ્યું હતું કે આવી પરિસ્થિતિમાં ભીષ્મ ના બનવું જોઈએ, ભીમ બનવું જોઈએ."

"એક સભામાં જ્યાં ભીષ્મ જેવા મહાપુરુષને બોલવાની જરૂર હતી ત્યાં તેઓ ચૂપ રહ્યા અને ભીમ ઊછળી પડ્યો હતો"

"આજનો માહોલ મને કંઈક એવો જ લાગે છે જેમાં ભીષ્મ ના થવું જોઈએ, તેમાં ભીમ થવું જોઈએ."

મોરારિબાપુની ખાસિયત એ છે કે તેઓ રાજકારણમાં સીધું કંઈ નથી કહેતા પરંતુ પરોક્ષ રીતે ઘણું બધું કહી દે છે.

નીલકંઠના અભિષેકને લઈને ચાલી રહેલા વિવાદમાં ગુજરાતના સંતોમાં મોખરાનું સ્થાન ધરાવતા મોરારિબાપુ ફરી ચર્ચામાં આવ્યા છે.

સ્વામીનારાયણ સંપ્રદાયના વિરોધ અને સમાધાનની વાતો બાદ પણ મોરારિબાપુએ હથિયાર હેઠાં મૂક્યાં નથી.


મોરારિબાપુનો ઉદય

Image copyright chitrakutdhamtalgajarda.org

મોદીથી લઈને અંબાણી સુધીની સીધી પહોંચ ધરાવતા મોરારિબાપુનો જન્મ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં 25 સપ્ટેમ્બર, 1946ના રોજ થયો હતો.

રાજકારણથી પ્રત્યક્ષ રીતે દૂર રહેનારા અને મોઘમ રીતે ઘણું બધું કહી દેનારા બાપુ હજી પણ તેમના પરિવાર સાથે તલગાજરડામાં જ રહે છે.

પોતાના દાદાને જ ગુરુ માનતા અને તેઓ કોઈને શિષ્ય બનાવવામાં માનતા નથી. તેમણે વારંવાર કહ્યું છે કે તેમને કોઈ શિષ્ય નથી.

તેમના દાદા ત્રિભુવનદાસ પાસેથી તેમણે રામચરિતમાનસની ચોપાઈઓ શીખી અને તેને કંઠસ્થ કરી.

તેમની વેબસાઇટમાં આપેલી જાણકારી પ્રમાણે 12 વર્ષની વયે તેમને સમગ્ર રામચરિતમાનસ કંઠસ્થ થઈ ગયું હતું. જે તેમણે પાંચ વર્ષની ઉંમરથી શીખવાનું શરૂ કર્યું હતું.

શરૂઆતમાં થોડા લોકોને ચોપાઈઓ સંભળાવવાની શરૂઆત કરનારા બાપુએ રામકથાની શરૂઆત 1960માં તલગાજરડાથી જ કરી હતી.

જે બાદ એક દાયકા સુધી મહુવા તાલુકા અને ભાવનગર જિલ્લામાં મોટા ભાગની કથાઓ કરનારા મોરારિબાપુ આજે 800થી વધુ કથાઓ કરી ચૂક્યા છે.

70ના દાયકાથી ગુજરાત અને ગુજરાતીઓમાં લોકપ્રિય થયા બાદ અને બે દાયકાઓ સુધી દેશભરમાં રામકથા કર્યા બાદ વર્ષ 1982માં તેઓ રામકથાને લઈને વિદેશમાં યુનાઇટેડ કિંગ્ડમ પહોંચ્યા. એ તેમની વિદેશમાં યોજાયેલી પ્રથમ કથા હતી.

વરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝાના જણાવ્યા પ્રમાણે તેઓ ખૂબ સારા વક્તા, સારા કથાકાર હતા. તેમના હાજરજવાબીપણાએ તેમની લોકપ્રિયતા વધારી દીધી.

જે બાદ 80ના દાયકાના અંતમાં શરૂ થયેલા રામજન્મભૂમિ આંદોલનમાં પણ તેમણે વિશ્વ હિંદુ પરિષદ જેવા સંગઠનનો સાથ આપ્યો.

Image copyright Getty Images

1989 આવતા સુધી તો રામમંદિરની ચળવળ દેશભરમાં જોર પકડી ચૂકી હતી. આ સમયે તેમણે રામમંદિર બાંધવા માટે લઈ જવામાં આવનારી શિલાઓનું પૂજન કર્યું. જે હિંદુત્વને એકદમ બંધબેસતું હતું.

રમેશ ઓઝા કહે છે કે આ સમયે કોમવાદી માનસિકતાના ઉભાર માટે પ્રયત્નો કરવામાં આવતા હતા ત્યારે તેમણે આ શિલાઓનું પૂજન કરેલું.

ઓઝાના કહેવા પ્રમાણે, "મોરારિબાપુએ સરકી જવાની અને નીકળી જવાની આવડત અને ત્યારબાદ ધીમેધીમે સાહિત્યકારો અને પત્રકારો સાથે પણ સારા સંબંધો વિકસાવાનું શરૂ કર્યું."

પત્રકારત્વ અને સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોના જણાવ્યા પ્રમાણે રામમંદિરની દેશભરમાં ચાલેલી ચળવળ બાદ મોરારિબાપુમાં ધીરેધીરે પરિવર્તન આવ્યું અને તેઓ છીછરી ધાર્મિક વિચારસરણી, ભક્તોનાં ટોળાં અને કોમવાદ જેવી વાતોથી તેઓ દૂર થતા ગયા.

ત્યારબાદ તેમણે વ્યાવસાયિક કથા કરવાનું પણ બંધ કરી દીધું તથા તેમની કેટલીક સંસ્થાઓ પણ વીખેરી નાખી અને કથામાં બાપુએ સામાજિક સુધારાઓને વધારે મહત્ત્વ આપવાનું શરૂ કર્યું.

સૌરાષ્ટ્રના દરિયાકિનારે વહેલ માછલીને બચાવવાની હોય કે મુસ્લિમ સમાજની છોકરીઓનાં લગ્નમાં મદદ કરવાની હોય, મોરારિબાપુ હંમેશાં આગળ રહ્યા.

દલિતો અને મુસ્લિમો તથા સમાજના વંચિતો સાથે પણ આસાનીથી ભળી જનારા બાપુએ ગણિકાઓ અને કિન્નરોને પણ પોતાની કથામાં આમંત્રણ આપ્યું.

Image copyright Getty Images

રામકથામાં પોતે એક પણ રૂપિયો ન લેવાની વર્ષો પહેલાં જાહેરાત કરનાર મોરારિબાપુ ગુજરાતના ધરતીકંપ, બિહારનું પૂર, પુલવામા હુમલા વખતે દાન આપવા માટે આગળ આવ્યા.

કૈલાસ પર્વતની તળેટીમાં, કચ્છમાં દરગાહની પાસે તથા બનારસના સ્મશાન ઘાટમાં રામકથાનું આયોજન કરનારા મોરારિબાપુએ બ્રિટન, અમેરિકા, બ્રાઝિલ, ઑસ્ટ્રેલિયા, ઇઝરાયલ, જાપાન, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, ઓમાન, ઝામ્બિયા, તાન્ઝાનિયા, કમ્બોડિયાથી લઈને દક્ષિણ આફ્રિકા સુધી કથાઓ કરી છે.

વિશ્વભરમાં કરોડો અનુયાયીઓ ધરાવતા મોરારિબાપુ રામકથામાં બૌદ્ધ, ઇસ્લામ, જૈન અને ખ્રિસ્તી ધર્મનાં ઉદાહરણો પણ આપતા રહે છે.

મોરારિબાપુની શક્તિનો પરચો ત્યારે મળે છે જ્યારે તેમના આશ્રમમાં ત્યાં ઉજવાતા અસ્મિતા પર્વમાં 'રામ કે નામ' નામની ડૉક્યુમૅન્ટરી બનાવનારા આનંદ પટવર્ધન પણ હોય અને મોદી સરકાર સામે સતત બોલનારા તથા મેગ્સેસે ઍવૉર્ડ મેળવનારા રવીશ કુમાર પણ હોય છે.

2006માં 'વેટિકનથી આવનારા ગુજરાતમાં ધર્મપરિવર્તન કરે છે' એવું કહેનારા મોરારિબાપુ 2014માં રોમમાં જઈને રામકથા કરે છે.


રામમંદિર અને મોરારિબાપુ

Image copyright CHITRAKUTDHAMTALGAJARDA.ORG

રામકથા કરનારા અને પોતાને રામના ભક્ત ગણાવનારા મોરારિબાપુ અયોધ્યામાં રામમંદિર બનાવવાની અનેક વખત તરફેણ અને માગ કરી ચૂક્યા છે.

સંવાદ અને સ્વીકૃતિમાં માનતા હોવાનું કહેનારા બાપુ વિશ્વ હિંદુ પરિષદ, ભાજપ કે બજરંગદળની જેમ રામમંદિર મામલે હવે આક્રમક નથી.

રામજન્મભૂમિના આંદોલન વખતે આજના સૌમ્ય દેખાતા મોરારિબાપુ રામમંદિર બાંધવા મામલે આક્રમક હતા.

રામકથાથી રામમંદિરની માગ કરનારા બાપુ 1992માં પાદુકા પૂજન વખતે કહે છે કે અમે રામરથ યાત્રાનું આયોજન કર્યું (અડવાણીના નેતૃત્વમાં), અમે શિલાન્યાસ કર્યો અને પાદુકાનું પૂજન પણ કર્યું. અહીં ત્રણ સત્ય પૂર્ણ થાય છે. જોકે, સરકાર આને હકારાત્મ રીતે લઈ રહી નથી. આ સત્ય પર ક્રૂર મજાક છે અને જ્યારે સત્યની મજાક કરવામાં આવે ત્યારે ચોથા સત્યનો ઉપયોગ કરવાનું જરૂરી બની જાય છે. એ ચોથું સત્ય છે શક્તિ (પાવર, બળ). હવે દેશના યુવાનોને કેસરિયા કરવાનો સમય આવી ગયો છે. શહીદીને સ્વીકારો, રામમંદિરના ના બને ત્યાં સુધી લડતા રહો. સમયની માગ છે કે હિંદુએ એક થવું જોઈએ. (કાસ્ટ ઍન્ડ ડેમૉક્રેટિક પૉલિટિક્સ ઇન ઇન્ડિયા, P:304)

1989માં વીએચપી સાથે રહીને રામમંદિરની શિલાઓનું પૂજન કરનારા અને રામજન્મભૂમિ આંદોલનમાં આક્રમક થનારા બાપુ રજત શર્મા સાથે 'આપ કી અદાલત'માં કહે છે કે રામમંદિર બનવું જોઈએ પરંતુ મંદિરની બહાર બૂમો પાડીને તેના માટે કંઈ ના કરી શકાય.

નીલકંઠ વિવાદમાં ક્યારેક ઉગ્ર જોવા મળેલા બાપુ આ કાર્યક્રમમાં કહે છે, "હું રેલી કાઢું, નારેબાજી કરું એ મારા સ્વભાવમાં નથી. રામમંદિર થવું જોઈએ પરંતુ જેટલું થઈ શકે એટલું સમજૂતીથી, સ્વીકારથી થવું જોઈએ."

મોરારિબાપુના આ સ્વભાવ વિશે વાત કરતા વરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝા કહે છે કે તેમનામાં ધીમેધીમે ઘણો બદલાવ આવ્યો છે. તેઓ આ પ્રકારના ધર્મકારણથી ધીરેધીરે દૂર થઈ ગયા છે.


ગુજરાતનાં રમખાણો અને મોરારિબાપુની ભૂમિકા

Image copyright Kalpit S Bhachech
ફોટો લાઈન 2002નાં રમખાણો દરમિયાન મોરારિબાપુની હાજરીમાં અમદાવાદ ખાતે યોજાયેલી શાંતિ યાત્રા

વર્ષ 2002, ગોધરામાં કારસેવકો ટ્રેનમાં સળગાવી દેવાયા બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં રમખાણો ફાટી નીકળ્યાં.

અનેક લોકોનાં મૃત્યુનું કારણ બનનારાં આ રમખાણોમાં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની ભૂમિકા વિશે પણ સવાલો થયા.

આ એ સમય હતો જ્યારે કેશુભાઈના ગયા બાદ ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રીની તરીકે સત્તામાં આવ્યા હતા.

રમખાણો સમયની સ્થિતિ અને મોરારિબાપુના કાર્ય વિશે વાત કરતા વરિષ્ઠ પત્રકાર પ્રકાશ ન. શાહ કહે છે, "આ સમયે બાપુએ 'કેટલુંક ના કરવું જોઈએ' એવું કહ્યું પરંતુ સાધારણ રીતે તેમનું વલણ સત્તા, પ્રતિષ્ઠાન સાથે હોય એવું હતું."

"રમખાણો વખતે તેમણે જુહાપુરા પાસે શાંતિ અને એકતા માટેની એક સભા પણ કરી."

"શરૂઆતમાં મેં, ચુનીકાકા અને ઇલાબહેને શાંતિકૂચનું આયોજન કર્યું હતું. જેમાં મોરારિબાપુ અને ગુણવંતભાઈ આગળ પડતા હતા."

"જોકે, મોરારિબાપુની છાપ એવી છે કે તે બધું કર્યા પછી પણ સત્તા તરફ જરા ઝૂકતા હોય એવું લાગે."

"આમ છતાં પણ રમખાણો પછી તેમના અનુયાયી વર્ગને ના ગમે એવું પગલું તેમણે શાંતિકૂચ કરીને લીધું હતું. કેમ કે, અમદાવાદમાં જે વિસ્તારોમાંથી આ કૂચ નીકળી ત્યાં તેમના અનુયાયી હોય તેવા પટેલો અને અન્ય સવર્ણજ્ઞાતિના લોકો હતા."

શાહ કહે છે કે મોરારિબાપુ કથા દ્વારા અમન અને એકતાની વાત કરે છે પરંતુ તે નારાયણભાઈ દેસાઈની ગાંધીકથા જેવી નથી.

તેઓ કહે છે કે જેમણે હિંસા કરી હોય તેઓ જ એકરાર કરે અને ક્ષમા માગે એટલે કે રિકન્સિલિયેશન કમિશનની પ્રવૃતિ. આવું કોઈ કામ તેમણે કર્યું ન હતું. તેથી તેમની કથા અધૂરી રહી જાય છે.


મોરારિબાપુ, અસિમાનંદ અને ઘરવાપસી

Image copyright chitrakutdhamtalgajarda.org

ગુજરાતમાં 2002માં ગોધરાકાંડ પછી થયેલાં રમખાણોની શાહી હજી સુકાઈ નથી, નરેન્દ્ર મોદી તેની બીજી ટર્મ માટે ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે. આવા સમયે ગુજરાતમાં શબરીધામની વાતો થવાની શરૂ થાય છે.

'ધ કેરાવન બુક ઑફ પ્રોફાઇલ'માં સુપ્રિયા નાયર લખે છે કે ઑક્ટોબર 2002માં અસીમાનંદે ગુજરાતના ડાંગ જિલ્લામાં શબરીધામ બનાવવાનું શરૂ કર્યું.

હિંદુ માન્યતા પ્રમાણે આ સ્થળે ચૌદ વર્ષના વનવાસ દરમિયાન રામ શબરીને મળ્યા હતા અને તેમના હાથે બોર ખાધા હતા.

'ધ હિંદુ' અને 'કેરાવન'ના અહેવાલ પ્રમાણે અહીં મોરારિબાપુ, અસીમાનંદ અને ઘરવાપસીની કથા શરૂ થાય છે.

અહીં મંદિર અને આશ્રમ બનાવવા માટે જરૂરી ભંડોળ મેળવવા માટે અસીમાનંદે મોરારિબાપુની રામકથાનું આયોજન કર્યું.

બુકમાં કરાયેલા દાવા પ્રમાણે એ સમયના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત રમખાણો બાદ ફરીથી ચૂંટણી લડવા જઈ રહ્યા હતા. આ સમયે તેઓ ચૂંટણીપ્રચાર કરી રહ્યા હતા. તેઓ અહીં સ્ટેજ પર આવીને મોરારિબાપુને મળે છે.

સુપ્રિયા નાયરના દાવા મુજબ આ રામકથામાંથી જ મોરારિબાપુએ શબરીધામમાં કુંભમેળો ભરાવો જોઈએ તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.

'ફ્રન્ટલાઇન' મૅગેઝિનના અહેવાલ મુજબ મોરારિબાપુએ કુંભના આયોજનની વાત કરતા કહ્યું હતું, "અહીં કુંભ આયોજિત થવો જોઈએ, કારણ કે અહીં શબરીએ રામને બોર ખવડાવ્યાં હતાં."

આ અહેવાલમાં ડાયોન બુન્શા લખે છે કે આમ તો ભારતમાં માત્ર ચાર કુંભમેળા હોય છે પરંતુ વિશ્વ હિંદુ પરિષદે મોરારિબાપુની ઇચ્છાને ધ્યાને રાખીને અહીં પાંચમો કુંભમેળો આયોજિત કર્યો.

સુપ્રિયા નાયર તેમની બુકમાં લખે છે કે 2006માં અસીમાનંદના આશ્રમથી 6 કિલોમિટર દૂર શબરીકુંભની શરૂઆત થઈ.

આ મેળામાં જાણીતી ધાર્મિક વ્યક્તિઓએ હાજરી આપી, અહીં સ્ટેજ પર મોરારિબાપુની સાથે આસારામ, જયેન્દ્ર સરસ્વતી અને સાધ્વી ઋતંભરા તથા તે સમયના વિશ્વ હિંદુ પરિષદના ફાયરબ્રાન્ડ નેતા પ્રવીણ તોગડિયા, અશોક સિંઘલ અને ભાજપના નેતાઓ પણ હતા.

'ધ હિંદુ'ના અહેવાલ પ્રમાણે મોરારિબાપુએ અહીં બાઇબલનો સંદર્ભ ટાંકતા કહ્યું હતું કે ઈસુ પણ ધર્મ પરિવર્તનની વિરુદ્ધ હતા.

તેમણે કહ્યું હતું, "આજે અનેક લોકો વેટિકનથી અહીં આવે છે અને ધર્મ પરિવર્તન કરાવે છે. પણ જો અમે ઘર વાપસી કરાવીએ તો શું એ ખોટું છે? આ કાર્યક્રમ શાંતિ અને સહિષ્ણુતા માટે છે, જે હિંદુત્વનો એક ભાગ છે. કોઈએ આનાથી ડરવાની જરૂર નથી."

સુપ્રિયા નાયરના દાવા મુજબ અસીમાનંદે મોરારિબાપુ, મોદી અને આરએસએસના નેતાઓની મદદથી ડાંગમાં હાઈ-પ્રોફાઇલ ઘરવાપસી શરૂ કરાવી હતી.

જે બાદ અસીમાનંદની અજમેર દરગાહ, મક્કા મસ્જિદ અને સમજોતા એક્સપ્રેસમાં બૉમ્બબ્લાસ્ટના આરોપી તરીકે ધરપકડ થઈ અને શબરીધામનો કૉન્સેપ્ટ ભાંગી પડ્યો.

જોકે, બાદમાં અસીમાનંદ આ તમામ મામલાઓમાંથી આરોપમુક્ત થયા.


મહુવા, ખેડૂતો, નિરમા અને મોરારિબાપુ

Image copyright Getty Images

સમય 2008ના વર્ષનો છે અને નરેન્દ્ર મોદી રમખાણોનો પડછાયો છોડીને વિકાસના રસ્તે આગળ નીકળી ગયા છે.

આ એ સમય હતો જ્યારે ગુજરાતમાં મોટી મોટી કંપનીઓ માટે લાલજાજમ બિછાવવામાં આવતી હતી.

બિઝનેસમૅનો જ્યારે ગુજરાતના વિવિધ વિસ્તારો પર નજર દોડાવી રહ્યા હતા ત્યારે મોરારિબાપુના જિલ્લામાંથી જ ખેડૂતો મોદી સરકાર અને નિરમાના સિમેન્ટ પ્લાન્ટ સામે પડ્યા.

ભાજપના જ ધારાસભ્ય રહી ચૂકેલા કનુભાઈ કલસરિયાની આગેવાનીમાં શરૂ થયેલું આ આંદોલન જોતજોતામાં જનઆંદોલન બની ગયું.

નરેન્દ્ર મોદીની સરકારમાં સૌથી સફળ કહેવાય એવું આ ખેડૂત આંદોલન હતું. મોરારિબાપુ આ જ જિલ્લાના છે તેથી ખેડૂતોની ઇચ્છા હતી મોરારિબાપુની પહોંચ જો મોદી સુધી હોય તો તેઓ તેમને સાથ આપે.

નિરમાના સિમેન્ટ પ્લાન્ટથી ખેડૂતોને નુકસાન જાય એમ હતું અને આ મામલે ખેડૂતો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા જ્યાં તેમને જીત મળી હતી.

આ મામલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા આંદોલનના આગેવાન કનુભાઈ કલસરિયાએ કહ્યું કે બાપુએ આંદોલનથી એક પ્રકારે અંતર રાખ્યું હતું.

તેમણે કહ્યું, "આ આંદોલન સમયે બે-ત્રણ વખત હું બાપુને મળ્યો હતો. એકવાર બાપુએ મને ખાસ બોલાવ્યો હતો."

"તેમણે કહ્યું કે આમાં સંવાદથી કંઈ ના કરી શકાય, કોઈ મધ્યમ માર્ગ ના કાઢી શકાય? બાપુનો આગ્રહ આ પ્રકારે હતો."

"હાઈકોર્ટમાં અમારો કેસ ચાલી રહ્યો હતો અને ચુકાદો આવવાનો બાકી હતો ત્યારે બાપુએ મને બોલાવ્યો હતો."

"બાપુએ મને કહ્યું કે કરસનભાઈ (નિરમાના માલિક) સાથે વાત કરીને કોઈ મધ્યમ માર્ગની વાત કરીએ તો, મેં બાપુને કહ્યું કે કરસનભાઈ ચર્ચા કરે પછી જોઈએ."

"મેં બાપુને કહ્યું કે તમારે મધ્યસ્થી કરવી પડે તો શક્ય બને. બાપુએ મધ્યસ્થી કરવાની હા પાડી અને મને અનુકૂળ સમય પણ પૂછ્યો."

"જે બાદ કરસનભાઈ તલગાજરડા આવ્યા પરંતુ બાપુએ મને કોઈ સમાચાર આપ્યા નહીં, કરસનભાઈ બાપુને મળીને નીકળી ગયા."

"પછી બીજા દિવસે બાપુએ મને બોલાવ્યો, બાપુએ મને કહ્યું કે કરસનભાઈ આવ્યા હતા. તેમની એવી દલીલ હતી કે જો કનુભાઈ આપણી વાત માને જ નહીં તો ચર્ચા કરીને શું ફાયદો."

કનુભાઈનું કહેવું છે કે ખેડૂતોની ઇચ્છા હતી કે બાપુ સાથે આવે પરંતુ મોરારિબાપુ આને રાજકીય મામલો ગણાવીને એક પ્રકારે જનઆંદોલનથી અંતર જાળવી રાખ્યું.


અહમદ પટેલ, અંબાણી, મોદી અને મોરારિબાપુ

Image copyright Kalpit S Bhachech
ફોટો લાઈન મોરારિબાપુ અને નરેન્દ્ર મોદીની વર્ષ 2006ની તસવીર

2019ની લોકસભાની ચૂંટણીને બે મહિના જેટલો સમય બાકી છે, દેશભરમાં ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજા કાર્યકાળ માટે જનતા સમક્ષ જઈ રહ્યા છે.

આ સમયે મોરારિબાપુ રજત શર્માના એક પ્રશ્નના જવાબમાં કહે છે, "હું ઘણી વાર કહી ચૂક્યો છું અને ફરી એક વાર કહી રહ્યો છું કે રાજનીતિમાં રહેલા લોકો શામ-દામ-દંડ-ભેદ કરતા રહે છે તે તેઓ જ જાણે પરંતુ અમારા વડા પ્રધાનની રાષ્ટ્રભક્તિ પર કોઈ આંગળી ના ઉઠાવી શકે."

2005 અને 2013 મોદી ગુજરાતમાં રાજ નહીં પરંતુ અનુષ્ઠાન કરી રહ્યા હોવાનું કહેનારા બાપુ આ કાર્યક્રમમાં પાછું એવું પણ કહે છે કે તમારા આત્માના અવાજે મત આપજો.

પ્રત્યક્ષ રીતે રાજકારણથી દૂર રહેનારા મોરારિબાપુ ગુજરાતના મુખ્ય મંત્રીથી લઈને મોદી વડા પ્રધાન બને ત્યાં સુધી તેમને વારેતહેવારે મળતા રહે છે.

અનેક વાર મોદી સામે ચાલીને બાપુને મળવા ગયા છે, કોઈ કાર્યક્રમમાં સાથે મળ્યા છે અને તેમની કથામાં પણ હાજરી આપી છે.

બીજી તરફ મોદી વડા પ્રધાન બન્યા બાદ યુનેસ્કોમાં સંબોધન આપતા મોરારિબાપુને યાદ કરે છે.

મોદી કહે છે, "હાલના દિવસોમાં પેરિસ રામમય થઈ ગયું છે, પૂજ્ય બાપુની નિશ્રામાં બધા લોકો રામની ભક્તિમાં ડૂબ્યા છે. જેઓ ઇન્દ્રની સામે પણ કથાનો સમય નથી બદલતા તેમણે આજે નરેન્દ્રની માટે કથાનો સમય બદલી નાખ્યો."

"તેનું કારણ બાપુની રગેરગમાં રામભક્તિ પણ છે અને રાષ્ટ્રભક્તિ પણ છે. આજ મારી પાસે સમય હોત તો હું જરૂર તેમની ચરણવંદના કરવા જતો"

Image copyright Getty Images

આ ઉપરોક્ત ઉદાહરણો જ બંનેના સંબંધોને સમજવામાં મદદરૂપ થશે.

વરિષ્ઠ પત્રકાર રાજ ગોસ્વામી કહે છે કે મોરારિબાપુએ જનતા તરફથી સરકારને સવાલ પૂછ્યા હોય, જરૂર પડી હોય ત્યાં ભૂલ કે ત્રુટિઓ બતાવી હોય એવું બન્યું નથી.

તેઓ કહે છે, "આમ તો તેઓ સાર્વજનિક સંત છે પણ અમુક બાબતો પર નહીં બોલવાનું તેમનું વલણ સૂચક છે. સામાન્ય રીતે તેમની છાપ સરકાર કે સત્તા તરફી રહી છે."

વર્ષ 2004નું છે અને મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચેના સંબંધો બગડી ચૂક્યા છે. નવેમ્બર મહિનો છે કોકિલાબહેન મોરારિબાપુને ગુજરાતમાં તેમના ઘરે મળવા જાય છે.

આશરે બે કલાક સુધી મોરારિબાપુ સાથે વાત કર્યા બાદ કોકિલાબહેન આશ્રમમાંથી નીકળે છે. તે સાથે જ મોરારિબાપુ બંને ભાઈઓ વચ્ચે મધ્યસ્થી કરે તેવી અટકળો શરૂ થાય છે.

આ પહેલાં ઑક્ટોબર મહિનામાં બાપુ એવું નિવેદન આપી ચૂક્યા હતા કે જો કોકિલાબહેન ઇચ્છશે તો તેઓ અંબાણી પરિવારને સલાહ આપશે.

અંબાણી પરિવારના આધ્યાત્મિક ગુરુ મનાતા મોરારિબાપુ એક વખતે પત્રકારો સાથેની વાતચીતમાં એકરાર કરે છે કે તેમણે બંને પક્ષને નુકસાન ન જાય તે રીતે સમાધાન કરવાની સલાહ આપી હતી.

મીડિયાના અહેવાલો અનુસાર કોકિલાબહેન બંને પુત્રો વચ્ચે સમાધાન કરાવવા માટે મોરારિબાપુને એક કરતાં વધારે વખત મળ્યાં હતાં.

ભાજપની તરફેણમાં બોલવાના આરોપો જેમના પર લાગ્યા છે તે મોરારિબાપુએ કૉંગ્રેસના નેતા અને સોનિયા ગાંધીના એક સમયના સલાહકાર અહમદ પટેલની હૉસ્પિટલ માટે ફંડ ભેગું કરવા માટે પણ રામકથા કરી હતી.

વાત 1981ની છે જ્યારે અહમદ પટેલની હૉસ્પિટલ માટે બાપુએ અંક્લેશ્વરમાં કથા કરી હતી અને આશરે 4 લાખ જેટલું ભંડોળ એકઠું કરી આપ્યું હતું.

હવે આ મામલો 2017માં ફરી યાદ એટલા માટે આવ્યો હતો કે ગુજરાતની ચૂંટણી પહેલાં રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આક્ષેપ કર્યો હતો કે અહમદ પટેલની હૉસ્પિટલમાં કામ કરતી જે વ્યક્તિની ધરપકડ થઈ છે તેના ISIS સાથે સંબંધો છે. જેથી અહમદ પટેલે રાજીનામું આપવું જોઈએ. જોકે, અહમદ પટેલ તરફથી આ આરોપો નકારી દેવામાં આવ્યા હતા.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર અહમદ પટેલ જ્યારે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ હતા ત્યારે પણ મોરારિબાપુએ તેમને ફંડ એકઠું કરવામાં મદદ કરી હતી.

ગુજરાતના લોકો સાથે બિઝનેસમૅનોની નજીક રહેનારા મોરારિબાપુ નિરમાના માલિકને પણ બોલાવી શકે અને અંબાણીને પણ સલાહ આપી શકે એટલી ઔદ્યોગિક જગતમાં પહોંચ ધરાવે છે.

સુરતમાં હીરાના વેપારીઓ બાપુની કથાનું આયોજન કરે અને આફ્રિકા અને રવાન્ડાના બિઝનેસમૅનો પણ બાપુને કથા કરવા બોલાવે. આમ દેશથી લઈને વિદેશ સુધી ગુજરાતી વેપારી પરિવારો સુધી બાપુની પહોંચ છે.


સાહિત્ય, લેખકો અને બાપુ

Image copyright facebook/kirtidan gadhvi

સ્વામીનારાયણ સંપ્રદાય સાથે નીલકંઠ મામલે વિવાદ થયા બાદ કેટલાક કલાકરો અને લેખકોએ સ્વામીનારાયણ સંપ્રદાયએ આપેલો રત્નાકર ઍવૉર્ડ પરત કરી દીધો છે.

તલગાજરડામાં અસ્મિતા પર્વથી લઈને વિદેશમાં યોજાતી કથાઓમાં કલાકારો અને લેખકોને સાથે લઈ જતા બાપુ ગુજરાતનાં સાહિત્ય વર્તુળો અને કલાકારોમાં ગુરુના પદે છે.

મોરારિબાપુ પોતાના ગુરુ છે એવું કહીને ઍવૉર્ડ પરત કરનારા માયાભાઈ આહીર હોય, કીર્તિદાન ગઢવી હોય કે ઓસમાણ મીર હોય, તેઓ બાપુની કથામાં અચૂક જોવા મળે છે.

નીલકંઠના વિવાદ અને સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓના નિવેદન બાદ કાજલ ઓઝા વૈદ્ય, જય વસાવડા અને સાહિત્ય અકાદમીના પૂર્વ પ્રમુખ ભાગ્યેશ જહા સહિતના લેખકો અને કવિઓ સ્વામીનારાયણ સંપ્રદાય સામે બાપુની પડખે આવીને ઊભાં હતાં.

રાજ ગોસ્વામી આ મામલે કહે છે, "સાહિત્યકારો કે કલાકારો તેમની તરફેણ કરે છે તેમાં મુદ્દા આધારિત કે સિદ્ધાંત આધારિત તરફેણ નથી ઓળખાણ આધારિત તરફેણ છે."

"તેમના કારણે અમુક લેખકો નભે છે એટલે તરફેણ કરે જ અને અમુક લેખકો તેમની છાવણીમાં નથી એટલે વિરોધ કરી રહ્યા છે."

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રોફેસર ભરત મહેતા કહે છે કે મોરારિબાપુએ અસ્મિતા પર્વમાં સાહિત્યકારો, લોકકલાકારો અને સામાજિક કાર્યકરોને બોલાવ્યા એટલું નહીં પણ તેમને તેમની વિચારધારા રજૂ કરવાની એક સ્પેસ આપી.

તેઓ કહે છે, "અહીં જમણેરી-ડાબેરી કે અન્ય એમ તમામ વિચારધારાના લોકો બોલી શકે છે અને ટીકા પણ કરી શકે છે. એટલે તેઓ સાહિત્કારો લોકકલાકારો વચ્ચે લોકપ્રિય થઈ શક્યા."

"જોકે, જ્યારે સામાજિક કે રાજકીય બાબતોમાં બોલવાનું હોય ત્યારે તેઓ ચૂપ રહ્યા હોય એવું પણ બન્યું છે. મહુવાનું આંદોલન તેનું એક મોટું ઉદાહરણ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ