કાશ્મીર : ચીફ જસ્ટિસ બોલ્યા કે જરૂર પડી તો શ્રીનગર પણ જઈશ

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ Image copyright Getty Images

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જમ્મુ-કાશ્મીરની સ્થિતિ સામાન્ય કરવા માટે કહ્યું છે. ઉચ્ચ અદાલતે કૉંગ્રેસ નેતા ગુલામનબી આઝાદને શ્રીનગર, બારામુલા, અનંતનાગ અને જમ્મુ જવા માટે પરવાનગી આપી છે.

સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે આઝાદ ત્યાં જનસભા કે જાહેર ભાષણ આપી શકશે નહીં.

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ એમ પણ કહ્યું જો જરૂર પડે તો તેઓ જાતે જમ્મુ-કાશ્મીર જઈ શકે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાષ્ટ્રહિતમાં સ્કૂલ, હૉસ્પિટલ અને જનપરિવહને સુચારુ રૂપે કામ કરવું જોઈએ.

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ની જોગવાઈ દૂર કરવાના વિરોધમાં થયેલી અરજી પર સોમવારે સુનાવણી કરતાં કોર્ટે આ ટિપ્પણી કરી હતી.

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ કહ્યું, "અમે કેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીરને નિર્દેશ આપીએ છીએ કે તેઓ આ અરજીના સંબંધમાં સપ્ટેમ્બર સુધીમાં જ એક ઍફિડેવિટ દાખલ કરે."


Image copyright EPA

પૂર્વ મુખ્ય મંત્રી ફારૂક અબ્દુલ્લાને છોડવાની માગ સાથે દાખલ થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીરને એક નોટિસ પણ પાઠવી છે.

આ મામલે આગામી સુનાવણી 30 સપ્ટેમ્બરે હાથ ધરાશે.

એમડીએમકેના નેતા વાઇકોએ ફારૂક અબ્દુલ્લાને છોડવાની માગ કરવા અરજી કરી હતી.

તેમનો દાવો હતો કે ફારૂક અબ્દુલ્લાને 15 સપ્ટેમ્બરે દિવંગત પૂર્વ મુખ્ય મંત્રી અન્નાદુરાઈની 111મી વર્ષગાંઠ નિમિત્તે કાર્યક્રમ માટે ચેન્નાઈ આવવાનું હતું, પરંતુ તેમનો સંપર્ક નહોતો થઈ શક્યો.

પત્રકાર અનુરાધા ભસીન તરફથી તેમનાં વકીલ વૃંદા ગ્રોવરે કહ્યું કે પ્રતિબંધનો આ 43મો દિવસ છે અને તેમના અસીલને નજરકેદ રાખવા ગેરદાયદે છે.

વૃંદા ગ્રોવરે કોર્ટમાં કહ્યું, "તેઓ જાણવા માગે છે કે કયા કાયદાને આધારે આ પ્રતિબંધો થોપવામાં આવ્યા છે?"

Image copyright Getty Images

ઍટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલે સરકાર તરફથી કહ્યું કે મીડિયાકર્મીઓને તેમના કામ માટે લૅન્ડલાઇન અને અન્ય સંચાર સુવિધાઓ આપવામાં આવે છે.

તેમણે એવો પણ દાવો કર્યો કે ઘણાં છાપાંઓ છપાય છે અને ઘણી ટીવી ચૅનલોનું પ્રસારણ પણ ચાલુ છે.

તેમણે અનુરાધા ભસીનના એ દાવાનું ખંડન કર્યું કે લોકો મેડિકલ સુવિધાઓથી વંચિત છે.

તેમણે દાવો કર્યો કે આ દરમિયાન આખા જમ્મુ-કાશ્મીરમાં 5.5 લાખ લોકોએ ઇલાજ માટે ઓપીડી સેવાનો લાભ લીધો છે.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારનો દાવો છે કે જમ્મુ-કાશ્મીરના 92 ટકા ક્ષેત્રમાં હવે કોઈ પ્રતિબંધ નથી.

પાંચ ઑગસ્ટે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ની જોગવાઈને રદી કરી હતી. બાદમાં ત્યાંની સંચારસેવા અને અવરજવર સીમિત કરી દેવાઈ હતી.

રવીશ કુમારે કહ્યું હતું, "આ સમજવું બહુ જરૂરી છે કે જમ્મુ-કાશ્મીરના 92 ટકા વિસ્તારમાં કોઈ પ્રતિબંધ નથી. લૅન્ડલાઇન કનેક્શન સંપૂર્ણ રીતે ચાલુ થઈ ગયું છે."

"બધાં ટેલિફોન ઍક્સચેન્જ કામ કરી રહ્યાં છે. મોબાઇલ સંપર્ક પણ વધારાઈ રહ્યો છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો