મહેન્દ્ર સિંહ ધોની હવે ફરી ભારતીય ક્રિકેટ ટીમમાં જોવા નહીં મળે?

ધોની Image copyright Getty Images

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની વિશ્વકપ સેમિફાઇનલમાં ભારતના હાર્યા બાદથી ક્રિકેટના મેદાનથી બહાર છે.

તેમના રિટાયરમૅન્ટ વિશે અલગ-અલગ અટકળો હતી પરંતુ અત્યારે ધોની અને બીસીસીઆઈ બંને આ બાબતે ચૂપ છે.

દક્ષિણ આફ્રીકા સામે શરૂ થયેલી ટી-20 સિરીઝમાં પણ ધોની ટીમમાંથી બહાર છે, આ સિરીઝનો પ્રથમ મૅચ વરસાદને કારણે અટકી પડ્યો હતો.

આ પહેલાં વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં પણ ધોની ટીમમાં નહોતા સામેલ થયા.

ક્રિકેટ સમીક્ષક અયાઝ મેમણ માને છે કે ધોનીના રમવા પર સસ્પેન્સનું કોઈ કારણ હોવું જ ન જોઈએ.

મેમણ કહે છે, "ધોની આગળ રમશે કે નહીં, આ બાબતનો નિર્ણય તેમણે પોતે લેવાનો છે. જ્યારે તે આ બાબતે નિર્ણય લેશે ત્યારે તેઓ સામે આવીને જાણ કરશે. આના પર સસ્પેન્સનું કોઈ કારણ નથી."

વિશ્વ કપ ક્રિકેટ ટુર્નામેન્ટના સેમિફાઇનલમાં ન્યુઝીલૅન્ડ સામે હારીને બહાર થવાની વાત જૂની થઈ ગઈ છે.

ત્યાર બાદ ભારત વેસ્ટ ઇન્ડીઝની સામે ટી-20, વન ડે અને ટેસ્ટ સિરીઝ પણ હારી ચૂક્યું છે પણ ધોની હજુ યાદ આવ્યા જ કરે છે.

છેલ્લા કેટલાક દિવસોમાં સવારથી સાંજ સુધી અટકળોનું બજાર ગરમ છે કે ક્યાંક ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું શટર બંધ તો નથી કરવા જઈ રહ્યા. જોકે, હજી સુધી આ અફવા જ સાબિત થઈ છે.

હકીકતમાં આ અફવાનું કારણ બન્યા ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલી.

તેમણે એક તસવીર પોસ્ટ કરી અને આખી દુનિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ.

વિરાટ કોહલીએ એક તસવીર પોસ્ટ કરી જેમાં તેમણે લખ્યું, "હું એ મૅચ ક્યારેય નહીં ભૂલી શકું. એ ખાસ રાત હતી. આ વ્યક્તિએ મને ફિટનેસ ટેસ્ટની જેમ દોડાવ્યો હતો."

ખરેખર તો કોહલી ધોની સામે ઝૂકેલા નજરે પડે છે અને આ તસવીર 2016ના વર્લ્ડ ટી-20 મૅચમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતનો વિજય થયો હતો.

આ મૅચમાં ભારતે ધોની-કોહલીના સિંગલ્સ અને ડબલ્સની મદદથી 161 રનનું મુશ્કેલ લક્ષ્ય પૂરૂં કર્યું હતું.

કોહલીના આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયામાં ઝડપથી આ અફવા ફેલાઈ કે એમએસ ધોની સંન્યાસની જાહેરાત કરવાના છે.

જોકે ધોનીનાં પત્ની સાક્ષીએ થોડી જ વારમાં ટ્વીટ કરીને આ વાતને અફવા ગણાવી હતી.


ધોનીની જગ્યા લેવા કોણ તૈયાર?

Image copyright Getty Images

તો છેલ્લા કેટલાય સમયથી ધોનીના રિટાયરમૅન્ટને લઈને ચાલતી ચર્ચા વચ્ચે સવાલ તો એ જ છે કે અત્યારે નહીં તો ક્યારે?

તેના જવાબમાં અયાઝ મેમણ કહે છે, "ધોનીને ક્યાં સુધી રમવું છે, તે ધોની અને પસંદગીકર્તાઓએ નક્કી કરવાનું છે. જો પસંદગીકર્તાઓને લાગશે કે ધોની માટે ટીમમાં જગ્યા નથી તો આ વિશે ધોની સાથે ચર્ચા કરવાની જરૂર પડે. સાથે એ પણ જોવું રહે કે ધોનીની જગ્યા કોણ લઈ શકશે?"

ધોનીની જગ્યા કોણ લઈ શકશે આ એક મોટો પ્રશ્ન છે. છેલ્લા કેટલાય મહિનાઓથી ઋષભ પંતને તૈયાર કરવામાં આવી રહ્યા છે.

મહેન્દ્ર સિંહ ધોની ટેસ્ટ ક્રિકેટ છોડી ચૂક્યા છે એટલે ધોની અને ઋષભ પંતની સરખામણી માત્ર વન ડે અને ટી-20માં જ કરી શકાય. વિશ્વ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધોની અને પંત સાથે-સાથે રમ્યા હતા.

છેલ્લે વેસ્ટ ઇન્ડીઝ સામે ધોની હાજર નહોતા, છતાંય ઋષભ પંત વેસ્ટ ઇન્ડીઝમાં વન ડેમાં બહુ કમાલ કરી શક્યા નહોતા.

જોકે, ટી-20 સિરીઝની એક મૅચમાં તેમણે નૉટ આઉટ 65 રન બનાવ્યા હતા. તે પહેલાં આઠ મૅચમાં તેમણે 0, 4, નૉટ આઉટ 40, 28, 3, 10, 4 રન બનાવ્યા હતા.

આ રન બતાવે છે કે ક્રિકેટના આ સૌથી નાના સ્વરૂપમાં ઋષભ પંત ધોનીની જગ્યા લેવાનું તો દૂર તેમનો પડછાયો પણ નહોતા બની શક્યા.


ધોની કેમ મહત્ત્વપૂર્ણ છે?

Image copyright Getty Images

હજુ ભારતીય ક્રિકેટ ટીમમાં મહેન્દ્ર સિંહ ધોનીનું મહત્ત્વ યથાવત છે.

આ વિશે ટીમના કૅપ્ટન વિરાટ કોહલી પોતે જવાબ આપી ચૂક્યા છે.

વિરાટ કહે છે, "ધોની તેમની ટીમમાં સૌથી અનુભવી ખેલાડી છે અને અનુભવનો કોઈ તોડ નથી."

કોઈ માને કે ન માને પણ અનુભવની કોઈ કિંમત નથી અને ધોની જ્યાં સુધી ટીમમાં રહેવા માગે ત્યાં સુધી ટીમ માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે.

હવે જ્યારે ભારતની ટીમનો ટાર્ગેટ 2020માં યોજાનાર વિશ્વ ટી-20 સ્પર્ધા છે, જેના માટે યોગ્ય ટીમની પસંદગી કરવાની છે ત્યારે એ જોવું રહ્યું કે ધોનીની જેમ જવાબદારીપૂર્વક કોઈ ક્રિકેટ રમે છે કે નહીં.

નહીં, તો પછી ધોની માટે કહેવું રહ્યું, "એટલા ખરાબ તમે પણ નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો