ચીમનભાઈ પટેલ કે નરેન્દ્ર મોદી : સરદાર સરોવર બંધના નિર્માણનું શ્રેય કોને?

ચીમનભાઈ પટેલ અને મેધા પાટકર Image copyright Getty Images

18 ઑક્ટોબર, 2000ના દિવસે વર્ષ 1995થી અટકાવી દેવાયેલા સરદાર સરોવર બંધનું બાંધકામ આગળ વધારવા સુપ્રીમ કોર્ટે લીલી ઝંડી આપી.

આ મંજૂરી મળતાંની સાથે જ બંધનું બાંધકામ આગળ વધ્યું અને તેની ઊંચાઈ 138 મીટર સુધી લઈ જવાઈ.

હાલમાં સરદાર સરોવર બંધનું જળસ્તર પહેલી વાર 138.68 મીટરે પહોંચ્યું છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને 'નમામિ દેવી નર્મદે મહોત્સવ'ની ઉજવણી કરાઈ રહી છે.

ત્યારે એ સવાલ થવો સહજ છે કે આખરે સરદાર સરોવર બંધના નિર્માણનો શ્રેય કોને ફાળે જાય?

ઇતિહાસ પર નજર કરતાં માલૂમ પડે કે સરદાર સરોવર બંધ બાંધવામાં અને નર્મદાનાં પાણીને ગુજરાતમાં અલગઅલગ વિસ્તારમાં પહોંચાડવામાં ગુજરાતના તમામ મુખ્ય મંત્રીઓનો ફાળો રહ્યો છે.

જોકે, પૂર્વ મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલના કાર્યકાળ 'ઘટનાપ્રચુર અને બહુ મહત્ત્વનો રહ્યો' હોવાનું જાણકારોનું માનવું છે.

'નર્મદાને ગુજરાતની જીવાદોરી' ગણાવનારા પણ ગુજરાતના ચીમનભાઈ પટેલ હતા.


જો વિશ્વબૅન્ક ભંડોળ નહીં આપે તો...

Image copyright Getty Images

વાત 90ના દાયકાની છે. નર્મદા બચાવો આંદોલનનાં નેતા મેધા પાટકરે ગુજરાતમાં નર્મદા નદીમાં 'જળસમર્પણ'ની ચીમકી ઉચ્ચારી હતી.

આંદોલન પ્રત્યેની તેમની નિષ્ઠાને ધ્યાને લેતાં તેમને હળવાશથી લેવાની કોઈ ભૂલ કરે એમ નહોતું.

મેધાની ચીમકી કેન્દ્ર સરકારને ઝુકાવી સમાધાન માટે વાતચીતના ટેબલ પર લાવવા માટે હતી.

જોકે, તેમને અડગ લડત ગુજરાતના એ વખતના મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલ આપી હોવાનું ઉદય મહુરકર પોતાના લેખમાં લખે છે.

મહુરકર લખે છે, 'ચીમનભાઈ પટેલે એ મામલાને અત્યંત ચતુરાઈપૂર્વક ઉકેલ્યો હતો. જ્યાં જળસમર્પણ કરવાની મેધાએ ચીમકી આપી હતી એ મણીબેલીનો માર્ગ બંધ કરી દેવાયો હતો અને સમય રહેતા તેમની અટકાયત કરી લેવાઈ હતી.'

એ ચીમનભાઈ પટેલ જ હતા કે જેમણે કહ્યું હતું 'જો સરદાર સરોવર બંધ' માટે વિશ્વબૅન્ક ભંડોળ નહીં આપે તો હું વિદેશમાં રહેતા ગુજરાતીઓ પાસેથી ભંડોળ મેળવી લઈશ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર બંધની 138.68 મિટર ઊંચાઈનાં જે વધામણાં કર્યાં હતાં એ ઊંચાઈની મંજૂરી પણ ચીમનભાઈના કાર્યકાળ દરમિયાન જ મળી હતી.


'મેધા પાટકરને હરાવ્યાં'

Image copyright Getty Images

સરદાર સરોવર બંધ અને નર્મદા વિવાદના જાણકાર વિદ્વાન વિદ્યુત જોશી જણાવે છે,

"જ્યારે અમરસિંહ સોલંકીએ પુનર્વસન પૉલિસી રજૂ કરીને બંધનું કામ આગળ વધારવાનું કહ્યું એટલે તુરંત જ મેધા પાટકરનું 'નર્મદા બચાવો આંદોલન' શરૂ થયું."

"આ મામલે છેક વિશ્વબૅન્ક સુધી ધા નાખવામાં આવી. વિશ્વબૅન્કે 'મૉર્સ કમિશન' રચ્યું જેને જવાબ આપવાનું કામ ચીમનભાઈ પટેલે કર્યું."

"નર્મદા બચાવો આંદોલનવાળા આયોજન પંચ સુધી પહોંચ્યા તો ચીમનભાઈ ત્યાંથી પણ 'ઍન્વાયર્મેન્ટલ ક્લિયરન્સ' લઈ આવ્યા. પૈસાની જરૂર પડી તો બૉન્ડ જાહેર કર્યાં અને પ્રકલ્પ માટે પૈસા એકઠા કર્યા."

સરદાર સરોવર બંધનો વિરોધ અને નર્મદા બચાવો આંદોલને વેગ પણ ચીમનભાઈના કાર્યકાળ દરમિયાન જ પકડ્યો હતો.

એ ચીમનભાઈ પટેલ જ હતા જેમણે મેધા પાટકર સામે ટક્કર ઝીલી હતી.

જોશી જણાવ્યા અનુસાર 'ચીમનભાઈએ મેધા પાટકરને ખેરકૂવા આંદોલન વખતે 'ફિલ્ડ'માં હરાવ્યાં હતાં.'

'નર્મદા સાથે ગુજરાતની અસ્મિતાને જોડવાનું કામ પણ ચીમનભાઈએ કર્યું હતું.'


ઘટનાપ્રચુર કાર્યકાળ

Image copyright Kalpitbhchech

ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને નર્મદા બંધ પ્રકલ્પનાના પૂર્વ અધિકારી ડૉ. જય નારાયણ વ્યાસ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે,

"આ પ્રોજેક્ટના લૉન્ચિંગમાં જે ત્રણ વ્યક્તિના ફાળાને હું મહત્ત્વનો ગણો છું એ છે ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ, સનત મહેતા અને ચીમનભાઈ પટેલ."

"ચીમનભાઈના કાર્યકાળ દરમિયાન જ સરદાર સરોવર બંધ વિરુદ્ધનું આંદોલન વ્યાપક બન્યું હતું. તેમનો કાર્યકાળ એકદમ ઘટનાપ્રચુર હતો."

ચીમનભાઈના કાર્યકાળ દરમિયાન જ નર્મદા બંધની ઊંચાઈ 92 મીટરે પહોંચી હતી.

વ્યાસ ઉમેરે છે, "કન્ટિન્યુઅન્સ કૉન્ક્રિક લાઇનિંગ માટેનાં મશીનો આપણે ત્યાં નહોતાં બનતાં એટલે વિદેશથી મગાવવાં પડ્યાં. આપણા કૉન્ટ્રેક્ટરો પણ આવો બંધ બાંધવાનો અનુભવ નહોતો. પણ આપણે એ કરી બતાવ્યું અને આ બધું ચીમનભાઈ પટેલ અને સનત મહેતાના કાર્યકાળ દરમિયાન થયું."


નરેન્દ્ર મોદીની ભૂમિકા

Image copyright Getty Images

વાત વર્ષ 2006ના એપ્રિલ માસની છે. સરદાર સરોવર બંધની ઊંચાઈની સમીક્ષા કરવા માટે એ વખતના કેન્દ્રીય જળસંસાધન મંત્રી સૌફુદ્દીન સૌઝે 'રિવ્યૂ કમિટી ઑફ ધ નર્મદા કંટ્રોલ ઑથોરિટી'ની બેઠક બોલાવી હતી.

સરદાર સરોવર બંધની ઊંચાઈ અંગે કેન્દ્ર સરકારના આ વલણ વિરુદ્ધ ગુજરાતના એ વખતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં 51 કલાકનાં ધરણાં પર બેઠા હતા.

એ વખતે સરદાર સરોવર બંધની ઊંચાઈમાં વધુ 12 મીટરનો વધારો કરવાથી પૂરતું પાણી અને જરૂરી વીજળી મળી રહેશે એવો દાવો કરાયો હતો.

જોકે, આવું કરવાથી વધુ લોકો વિસ્થાપિત થશે અને ખેતીની વધુ જમીન ડૂબમાં જશે એવો વિરોધમત વ્યક્ત કરાયો હતો.

મોદીએ સરદાર સરોવર બંધના મામલે એ વખતના કેન્દ્રીય જળસંસાધન મંત્રી સૈફુદ્દીન સોઝ પર 'બિનજરૂરી' દખલ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

વિદ્યુત જોશી સરદાર સરોવર બંધના નિર્માણમાં મોદીની ભૂમિકા અંગે વાત કરતા જણાવે છે, "કેન્દ્રની મંજૂરી મેળવવા માટે મોદી ઉપવાસ પર બેઠા હતા. મેઇન કૅનાલો અને બ્રાન્ચ કૅનાલોનાં બાંધકામમાં ઝડપ લાવવાનું કામ મોદીએ કર્યું. બંધની ઊંચાઈ વધારવાનું કામ પણ તેમણે ઝડપથી કર્યું."

"બંધનું બાંધકામ જે 121.92 મીટર પર અટક્યું હતું તેને નરેન્દ્ર મોદીએ પુનર્વસન અને અન્ય પ્રશ્નોના ઉકેલ સાથે 138 મીટર પર પહોંચાડ્યું હતું."

"મેઈન કૅનાલ અને બ્રાન્ચની કૅનાલ ઝડપથી બાંધવાનું અને બંધની ઊંચાઈ વધારવાનું જે કામ હતું તે નરેન્દ્ર મોદીએ ઝડપથી પૂર્ણ કરાવ્યું."

જોકે, વર્ષ 2000 જ્યારે સુપ્રીમ કોર્ટે સરદાર સરોવર બંધનું બાંધકામ આગળ વધારવા માટે લીલી ઝંડી આપી ત્યારે નરેન્દ્ર મોદી ચિત્રમાં ક્યાંય ન હોવાનું વૉટર મૅનેજમૅન્ટ ઍક્સપર્ટ હિમાંશુ ઠક્કર જણાવે છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે, "પ્રકલ્પ પોતાની રીતે આગળ વધ્યો છે અને એ વખતે કેન્દ્રમાં યૂપીએની સરકાર હતી. એ રીતે જોતાં આમાં મોદીની કોઈ ભૂમિકા નથી."

અહીં નોંધનીય છે કે વર્ષ 2014માં મોદી વડા પ્રધાન બન્યા અને એક પખવાડિયાની અંદર નર્મદા કન્ટ્રોલ ઑથોરિટીએ બંધની ઊંચાઈ 121.92 મિટરથી વધારીને 138.68 મિટર કરવા 'ફાઇનલ ક્લિયરન્સ' આપી દીધું હતું.

આ ઉપરાંત 17 જૂન 2017ના રોજ ઑથોરિટીએ 30 દરવાજા બંધ કરીને સરદાર સરોવર બંધની મહત્તમ ઊંચાઈ 163 મિટર સુધી વધારવાનું નક્કી કર્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ