TOP NEWS : 2018માં 43,600 લોકો હેલમેટ વિના ટુ-વ્હિલર ચલાવતાં મૃત્યુ પામ્યાં

હેલમેટ Image copyright Getty Images

હાલ દેશભરમાં અને ગુજરાતમાં ટ્રાફિકના દંડની રકમમાં વધારો થયો છે. અનેક જગ્યાએ લોકોએ હેલમેટ અને પીયુસી લેવા માટે લાઇનો લગાવી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગયા વર્ષે 2018માં હેલમેટ વિના ટુ-વ્હીલર ચલાવતા 43,600 લોકો અકસ્માતમાં મૃત્યુ પામ્યાં હતાં.

આ મોતનો આંકડો 2017ના વર્ષ કરતાં 21 ટકા વધારે હતો. 2017માં હેલમેટ વિના અકસ્માતમાં 35,975 લોકોનાં મોત થયાં હતાં.

આ સમયગાળામાં મોટરસાઇકલની પાછળ હેલમેટ વિના બેઠેલા 15,360 લોકો મૃત્યુ પામ્યાં હતાં.

તો ગુજરાતમાં હેલમેટ વિના ટુ-વ્હિલર ડ્રાઇવ કરી રહેલા 958 લોકો ગયા વર્ષે અકસ્માતમાં મોતને ભેટ્યા હતા.


નરેન્દ્ર મોદી કેવડિયા પહોંચી નર્મદામૈયાની પૂજાઅર્ચના કરશે

Image copyright Getty Images

ગુજરાત સરકાર દ્વારા વડા પ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે જિલ્લાઓ અને શહેરોમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાત પ્રવાસે છે. આજે તેમનો જન્મદિવસ પણ છે.

નરેન્દ્ર મોદી આજે કેવડિયા કૉલોની ખાતે આવેલા સરદાર સરોવર ડૅમ પર પહોંચશે, જ્યાં નર્મદામૈયાની પૂજાઅર્ચના કરશે.

ગુજરાત સરકાર દ્વારા 'નમામિ દેવી નર્મદે મહોત્સવ' કાર્યક્રમ આખા ગુજરાતમાં ઉજવાઈ રહ્યો છે અને મુખ્ય સમારોહમાં કેવડિયામાં યોજાશે.

ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર ડૅમની તેની ઐતિહાસિક જળસપાટી 138.68 મીટર પહોંચ્યો છે.

સોમવારે વડા પ્રધાન મોદી અમદાવાદ ઍરપૉર્ટ પર પહોંચ્યા હતા.

જ્યાં મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમનું સ્વાગત કર્યું હતું.


ટ્રાફિકભંગ બદલ ઊઠકબેઠક કરાવનાર PSI સસ્પેન્ડ

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારના નવા મોટર વ્હિકલ ઍક્ટ પ્રમાણે દેશભરમાં ટ્રાફિકભંગના નવા દંડનો અમલ શરૂ થઈ ગયો છે.

ગુજરાતમાં ટ્રાફિક પોલીસે નક્કી કરેલો નવો દંડ લેવાનો શરૂ કર્યો છે.

પંચમહાલ જિલ્લાના કાલોલના નામે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક પોલીસકર્મી કેટલાક લોકોને ઊઠકબેઠક કરાવી રહ્યા છે.

કહેવાય છે કે ટ્રાફિક નિયમોના ભંગ બદલ તેમને ઊઠકબેઠક કરાવી હતી.

મીડિયામાં છપાયેલા અહેવાલો પ્રમાણે પીએસઆઈનું નામ એમ.એલ. ડામોર હોવાનું જાણવા મળ્યું છે.

આ વીડિયો પોલીસના ધ્યાને આવતાં જિલ્લા પોલીસવડા લીના પાટીલે તેમને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.


ઈરાન આખા વિસ્તારને અસ્થિર કરી રહ્યું છે : નૈટો

Image copyright Reuters

નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન (નૈટો)એ એ વાત પર ચિંતા વ્યક્ત કરી છે કે સાઉદી અરબમાં તેલ ઉત્પાદનો પર હુમલાઓ બાદ તણાવ વધી રહ્યો છે.

નૈટો મહાસચિવ જેન્સ સ્ટોલ્ટેનબર્ગનું કહેવું છે, "ઈરાન આખા વિસ્તારને અસ્થિર કરી રહ્યું છે. અમે બધા પક્ષોને કહીએ છીએ કે આ પ્રકારના હુમલાઓ ફરી વાર ન થાય તેનું ધ્યાન રાખે."

આ અગાઉ અમેરિકાએ કેટલીક સેટેલાઇટ તસવીરો જાહેર કરીને ઈરાન પર હુમલામાં સામેલ થવાનો આરોપ મૂક્યો હતો, જેને ઈરાને ફગાવી દીધો હતો.

વ્હાઇટ હાઉસમાં સંવાદદાતાઓ સાથે વાત કરતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈરાન સાથે યુદ્ધ નથી ઇચ્છતા, પરંતુ તેમણે ભાર દઈને એમ પણ કહ્યું કે અમેરિકા કોઈ પણ સંઘર્ષ માટે તૈયાર છે.

બીજી તરફ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ તુર્કીની રાજધાની અંકારામાં રશિયા અને તુર્કીના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો