નરેન્દ્ર મોદી : પર્યાવરણની રક્ષા સાથે પણ વિકાસ કરી શકાય

મોદી Image copyright Ani

સરદાર સરોવર ડૅમ દરવાજા બંધ થયા બાદ પ્રથમ વખત તેની ઐતિહાસિક સપાટી 138.68 મીટરે પહોંચ્યો છે.

અહીંની મુલાકાત લેતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ યોજનાનો લાભ ચાર રાજ્યના લોકો અને ખેડૂતોને મળી રહ્યો છે. પર્યાવરણને સંરક્ષિત કરીને કેવી રીતે વિકાસ કરી શકાય છે તેનું જીવંત ઉદાહર કેવડિયામાં દેખાઈ રહ્યું છે.

મોદીએ શું કહ્યું?

•સરદાર પટેલે જોયેલું સપનું વર્ષો બાદ પૂરું થયું છે.

•પહેલી વાર સરદાર સરોવર ડૅમને આટલો ભરાયેલો જોયો છે.

•એક સમયે ડૅમની 122 મીટરની જળસપાટી બહુ મોટી વાત ગણાતી હતી.

•સરદાર સરોવર ડૅમ પાછળ અનેક સાધુ-સંતો, સામાજિક સંગઠનો, સેવાભાવી લોકોનું યોગદાન છે.

•આજના દિવસે જેમણે જેમણે યોગદાન આપ્યું છે એવા તમામ લોકોને હું વંદન કરું છે.

•આજે માત્ર કેવડિયામાં જ નહીં પણ આખા ગુજરાતમાં ઉત્સાહ છે.

•ગુજરાતમાં તળાવો, નદીઓની સાફસફાઈ થઈ રહી છે અને આગામી દિવસોમાં મોટા પાયે વૃક્ષારોપણ પણ થવાનું છે, જે ખૂબ જ સરાહનીય કાર્ય છે.

•તેનાથી આપણું 'જળજીવન મિશન' આગળ વધશે અને દેશમાં જળજીવનનું આંદોલન સફળ થશે.

•આપણે જનભાગીદારીથી અનેક કામો આગળ ધપાવનાં છે.

આ સમયે ગુજરાત સરકાર 'નમામિ દેવી નર્મદે મહોત્સવ'ની ઉજવણી કરી રહી છે.

સરદાર સરોવર પહોંચ્યા બાદ મોદી કેવડિયા ખાતે આવેલી ઈકો-ટુરિઝમ સાઇટને જોવા પહોંચ્યા હતા.

જે બાદ તેમણે અહીં નર્મદાની પૂજા કરી હતી અને આરતી પણ ઉતારી હતી.

અહીં વડા પ્રધાન મોદી નર્મદાની પૂજા અને આરતી કરશે. જે બાદ વડા પ્રધાન આ કાર્યક્રમમાં ભાષણ આપશે.

સરદાર સરોવર ખાતે આવેતા કેકટસ ગાર્ડનની પણ નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધી હતી.

ગત રાત્રે વડા પ્રધાન અમદાવાદ પહોંચ્યા હતા અને તે બાદ તેઓ આજે હેલિકૉપ્ટર દ્વારા સરદાર સરોવર ડૅમ પહોંચ્યા હતા.

સરદાર સરોવર ડૅમ પહોંચ્યા બાદ મોદીએ જંગલ સફારીની મુલાકાત પણ લીધી હતી.

અહીં મોદી સાથે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી, ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ અને ગુજરાતના રાજ્યપાલ પણ છે.


સરદાર સરોવરનો ઇતિહાસ

Image copyright Ani

નર્મદા નદી પર આવેલું સરદાર સરોવર ગુજરાતનાં હજારો ગામડાંને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે.

1961માં જવાહરલાલ નહેરુ દ્વારા સરદાર સરોવરનો પાયો નંખાયો હતો. જોકે, જે બાદ ડૅમનું કામ શરૂ થઈ શક્યું નહોતું.

સરદાર સરોવર શરૂઆતથી જ વિવાદમાં રહ્યું છે. ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર ચાર રાજ્યો વચ્ચેની આ પરિયોજનામાં અનેક ઉતારચઢાવ આવ્યા છે.

ચાર રાજ્યો વચ્ચેના વિવાદને કારણે 1969માં નર્મદા વોટર ડિસ્પ્યૂટ ટ્રિબ્યૂનલની સ્થાપના કરવામાં આવી.

10 વર્ષ સુધી મથામણ કર્યા બાદ આખરે ટ્રિબ્યૂનલે 1979માં પોતાનો ચુકાદો આપ્યો અને રાજ્યો વચ્ચે પાણી અને વીજળીની વહેંચણી નક્કી થઈ.

આખરે વર્ષો બાદ નર્મદા કંટ્રોલ ઑથોરિટીએ 2014માં ડૅમ પર દરવાજા મૂકવાની મંજૂરી આપી.

જોકે, દરવાજા મૂકવા સાથે એ શરત હતી કે તેને બંધ કરી શકાશે નહીં અને ખુલ્લા જ રાખવા પડશે.

દરવાજા બંધ કરવાથી મધ્ય પ્રદેશ અને ગુજરાતનાં કેટલાંક ગામો પાણીમાં ડૂબી જતાં હતાં.

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઑગસ્ટ 2017 સુધીમાં સરદાર સરોવર ડૅમના કારણે પ્રભાવિત થતાં લોકોનું સ્થળાંતર પૂર્ણ કરવાનું હતું.

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને મધ્ય પ્રદેશને 400 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

જેથી અસરગ્રસ્ત 600 પરિવારો કે જેમણે ડૅમ પ્રોજેક્ટના કારણે જમીન ગુમાવી હતી તેમને વળતર ચૂકવી શકાય.

મંજૂરી મળ્યા બાદ સરદાર સરોવર પર 30 દરવાજા મૂકવાનું કામ શરૂ થયું હતું અને તે 2017 પૂર્ણ થયું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો