'POK એક દિવસ ભારતના અધિકારક્ષેત્ર હેઠળ આવશે'

એસ. જયશંકર Image copyright Getty Images

ભારતે કહ્યું છે, "પાકિસ્તાનના કબજાવાળું કાશ્મીર(પીઓકે) એ ભારતનો ભાગ છે અને ભારતને આશા છે કે તે એક દિવસ ભારતના વાસ્તવિક અધિકારક્ષેત્ર હેઠળ આવશે."

નામ લીધા વગર પાકિસ્તાન તરફ સ્પષ્ટ ઇશારો કરતા ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું, "ભારત પોતાના એક પાડોશી તરફથી અલગ જ પડકારનો સામનો કરી રહ્યું છે. જ્યાં સુધી સરહદપારના આતંકવાદને સફળતાપૂર્વક પહોંચી વળવાનો સવાલ છે, ત્યાં સુધી એ પડકાર જ રહેશે, જ્યાં સુધી પડોશી એક સામાન્ય પડોશી નથી બની જતો."

અનુચ્છેદ 370ને હઠાવાયા બાદ વિશ્વમાં ભારતની છાપ ખરડાઈ કે કેમ તેમજ વૈશ્વિક મીડિયામાં આ અંગે ભારતની કરાયેલી ટિકા અંગે પણ વિદેશમંત્રીએ વાત કરી.

નોંધનીય છે કે ભારતપ્રશાસિત કાશ્મીરને ખાસ દરજ્જો આપતા અનુચ્છેદ 370ને તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા હઠાવાયા બાદ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરને લઈને ભારત સરકારે સંબંધિત નિવેદન આપ્યું છે.

મુસ્લિમ બહુમતી ધરાવતા જમ્મુ અને કાશ્મીરના રાજ્યને સૂચક સ્વાયત્તતા આપનારા ભારતનીય બંધારણના અનુચ્છેદ 370ને હંમેશાંથી સંવેદનશીલ માનવામાં આવતો હતો.

અનુચ્છેદ 370 હઠાવવાને એક મહિના કરતાં વધુ સમય થઈ ગયો, રાજ્યને 'લૉક-ડાઉન' કરાયું છે.

પાકિસ્તાને આ મામલાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઈ જવાની વાત કરી છે અને ભારત સાથેના વેપારી સંબંધો પણ ઘટાડી દીધા છે.

પાકિસ્તાન સાથે વાતચીત ફરીથી શરૂ કરવા અંગે પૂછાયેલા એક સવાલના જવાબમાં વિદેશમંત્રીએ કહ્યું, "વાતચીત શરૂ કરવા માટે પાકિસ્તાને પહેલાં આતંકવાદ વિરુદ્ધ પગલાં ભરવાં પડશે."

આવા જ અન્ય એક પ્રશ્નના જવાબમાં એસ. જયશંકરે કહ્યું કે સરહદપારના આતંકવાદ, જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જાને ખતમ કરવાની ઘટનાને વૈશ્વિક આલમ સમક્ષ વ્યક્ત કરાઈ છે અને ભારતનો અવાજ વિશ્વમંચ પર વધુ સારી રીતે સાંભળવામાં આવી રહ્યો છે.

"વિદેશનીતિને ઘડવાની આપણી ક્ષમતા અને ઇચ્છા પહેલાં કરતાં હવે ઘણી વધુ છે. વળી, 370 એ ભારતની આંતરિક બાબત છે. એટલે લોકો કાશ્મીર પર શું કહે છે એ અંગે બહુ વિચારો નહીં."

કાશ્મીરના મુદ્દે છપાયેલા અહેવાલો અંગે વાત કરતાં તેમણે કહ્યું, "હું મારી જાતને એક ઉત્સાહી વાચક ગણું છુ અને હું જોઉં છું કે અસ્થાયી અનુચ્છેદ 370 પર છપાતા મોટા ભાગના અહેવાલો પણ એવા જ છે અને જે પણ અસ્થાયી હોય છે, તેનો અંત આવે જ છે."

મહત્ત્વપૂર્ણ છે કે કાશ્મીરનો વિશેષ દરજ્જો હઠાવાયા બાદ પ્રદેશની 'પૂર્વ-કીર્તિ' પરત ફરશે એવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે.

જોકે, આ પગલાનો કેટલીય વિદેશી સરકારો અને આંતરરાષ્ટ્રીય મીડિયાએ વિરોધ કર્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગામી વિદેશયાત્રા અંગે પૂછાયેલા એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે 'ભારત-અમેરિકા વચ્ચેના સંબંધો ઘણા સારા છે.'

અમેરિકા સાથેનો વેપારવિવાદ ઉકેલવા માટે સરકાર કેટલાય મહિનાથી કામ કરી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા