નરેન્દ્ર મોદીને મળેલો 500 રૂપિયાનો ગમછો શું 11 કરોડમાં વેચાયો?

નરેન્દ્ર મોદી Image copyright Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઉપહારોની હરાજી અંગે સોશિયલ મીડિયામાં દાવો કરાઈ રહ્યો છે કે 'પીએમ મોદીને મળેલો 500 રૂપિયાનો ગમછો (શરીર લૂછવાનું કપડું) 11 કરોડ રૂપિયામાં લિલામ થયો છે અને લિલામીથી મળનારા પૈસા વડા પ્રધાન રાહતકોષમાં દાન કરી દેવાયા છે.'

દક્ષિણપંથી વલણ ધરાવતા સેંકડો ફેસબુક અને ટ્વિટર યૂઝરોએ આ દાવા સાથે કેટલીક તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યાં છે, જેમાં પીએમ મોદીને 'અવતારપુરુષ' દર્શાવાયા છે.

અમને જાણવા મળ્યું કે વોટ્સઍપ પર પણ આ સંદેશને શૅર કરવામાં આવી રહ્યો છે.

બીબીસીના ઘણા વાચકોએ વોટ્સઍપના માધ્યમથી આ સંદેશ અમને મોકલ્યો છે અને તેની ખરાઈ જાણવાની ઇચ્છા વ્યક્ત કરી છે.


Image copyright SM VIRAL POST

એ સાચી વાત છે કે નવી દિલ્હીસ્થિત 'રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય'માં છેલ્લા એક વર્ષમાં વડા પ્રધાન મોદીને મળેલી 2772 ભેટનું પ્રદર્શન યોજાયું હતું અને ઇન્ટરનેટના માધ્યમથી તેની હરાજી થઈ રહી છે.

કેન્દ્રીય સાંસ્કૃતિકમંત્રી પ્રહલાદસિંહ પટેલે 14 સપ્ટેમ્બર, 2019માં આ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું અને કહ્યું હતું, "ઉપહારોમાં પેઇન્ટિંગ્સ, સ્મૃતિચિહ્ન, મૂર્તિઓ, શાલ, પાઘડી, જૅકેટ અને પારંપરિક સંગીત વાદ્યયંત્ર સામેલ છે, જેની કિંમત 200 રૂપિયાથી લઈને અઢી લાખ રૂપિયા સુધી નક્કી કરાઈ છે. સરકારી વેબસાઇટ pmmementos.gov.inના માધ્યમથી લોકો આ ઉપહારોની બોલી લગાવી શકે છે."

Image copyright SM VIRAL POST

પરંતુ સોશિયલ મીડિયામાં ચાલી રહેલી 'પીએમ મોદીને મળેલા 500 રૂપિયાના ગમછાની 11 કરોડ રૂપિયાની હરાજી'ની ચર્ચાને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે ખોટી ગણાવી છે.

સંસ્કૃતિ મંત્રાલય અનુસાર 3 ઑક્ટોબર, 2019 સુધી ચાલનારા ઉપહારોની હરાજીમાં હજુ સુધી એક પણ ઉપહાર 11 કરોડ રૂપિયામાં વેચાયો નથી.


પીએમ રાહતકોષમાં દાનનું સત્ય

Image copyright PMMEMENTOS.GOV.IN

પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરોના ડીજી અરવિંદ જૈને લિલામીની આ યોજનાના નિયમોનો હવાલો આપતાં બીબીસીને કહ્યું,

"ભારતના સાંસ્કૃતિક મંત્રાલય હેઠળ આવતું રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય વડા પ્રધાનને મળેલા ચૂંટેલા ઉપહારોનું ઑનલાઇન હરાજીનું આયોજન કરે છે."

"માત્ર ભારતીય નાગરિક આ હરાજીમાં ભાગ લઈ શકે છે અને હરાજી અંતર્ગત વેચાયેલો કોઈ પણ ઉપહાર સંગ્રહાલય દ્વારા માત્ર ભારતમાં જ ડિલિવર થઈ શકે છે."

તેમણે કહ્યું, "નિયમો પ્રમાણે ઉપહારોની હરાજીથી જે પણ ફંડ જમા થાય છે તેનો ગંગા નદીની સફાઈ માટે ભારત સરકાર દ્વારા બનાવાયેલા 'નમામિ ગંગે પ્રોગ્રામ'માં ઉપયોગ થશે."

હરાજીથી મળેલી ધનરાશિને વડા પ્રધાન રાહતકોષમાં દાન કરવાની અફવા પર અરવિંદ જૈને કહ્યું, "પીએમને મળેલી ભેટની હરાજીથી આવનારા પૈસા કોઈ અન્ય પ્રોગ્રામમાં આપી શકાતા નથી."

"સાત મહિના અગાઉ જે હરાજી થઈ હતી, તેમાંથી મળેલી ધનરાશિ પણ 'નમામિ ગંગે પ્રોગ્રામ' માટે આપી દેવાઈ હતી."

કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય અનુસાર 27 જાન્યુઆરીથી 9 ફ્રેબુઆરી 2019 વચ્ચે પીએમ મોદીને મળેલી ભેટની હરાજી કરાઈ હતી, જેની સંપૂર્ણ જાણકારી સરકારી વેબસાઇટ pmmementos.gov.in પર ઉપલબ્ધ છે.


કળશની એક કરોડમાં હરાજી

Image copyright PMMEMENTOS.GOV.IN

સરકારી વેબસાઇટ pmmementos.gov.in અનુસાર આ લખાઈ રહ્યું છું ત્યાં સુધી 16 સપ્ટેમ્બર 2019 સુધી થયેલી હરાજીમાં એક ઉપહાર સૌથી વધુ કિંમત એક કરોડ ત્રણ રૂપિયામાં વેચાયો હતો.

આ એક ચાંદીનો કળશ છે, જે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વડા પ્રધાન મોદીને ભેટસ્વરૂપે આપ્યો હતો.

કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયે તેની લઘુતમ કિંમત 18 હજાર રૂપિયા નક્કી કરી હતી.

તાજેતરની હરાજીમાં પીએમ મોદીને મળેલા એક નારંગી અંગવસ્ત્રની 60 હજાર રૂપિયા બોલી કરાઈ હતી, જે સત્તાવાર રીતે આ અંગવસ્ત્રની અત્યાર સુધીની સૌથી વધુ બોલી છે.

Image copyright PMMEMENTOS.GOV.IN

સરકારી અધિકારીઓનું માનવું છે કે પીએમ મોદીને ભેટમાં મળેલાં અંગવસ્ત્રોની હજુ પણ વધુ બોલી બોલાઈ શકે છે, કેમ કે આ હરાજી 3 ઑક્ટોબર સુધી ચાલશે.

સરકારી વેબસાઇટ અનુસાર 9 ફેબ્રુઆરી 2019ના દિવસે પીએમ મોદીના ઉપહારોમાંથી સિલ્ક કપડાની એક લાલ શાલની છ લાખ રૂપિયામાં હરાજી થઈ હતી.

ઇન્ટરનેટ પર આ અંગે સર્ચ કરતા અમને જાણવા મળ્યું કે દૈનિક જાગરણ સહિત અન્ય કેટલીક વેબસાઇટોએ 15 સપ્ટેમ્બર, 2019માં આ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે પીએમ મોદીને મળેલી ભેટની હરાજી શરૂ થતાં જ તેમના 500 રૂપિયાના ગમછાની 11 કરોડ રૂપિયામાં બોલી બોલાઈ છે.


વેબસાઇટ પર ટેકનિકલ ખામી

Image copyright TWITTER

સોશિયલ મીડિયામાં આ વેબસાઇટ્સના સ્ક્રીનશોટ્સ પણ ભ્રામક દાવાઓ સાથે શૅર કરાઈ રહ્યા છે.

આ અંગે જ્યારે અમે રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલયની ઑફિસમાં વાત કરી તો અમને જણાવાયું કે "pmmementos.gov.in એક નાની ટેકનિકલ ખામીને કારણે થોડો સમય હરાજીમાં સામેલ એક અંગવસ્ત્રની કિંમત 11 કરોડ દેખાઈ રહી હતી."

"અન્ય ભેટની કિંમતમાં પણ આવી ગરબડ થઈ હતી. બાદમાં તેને ઠીક કરી દેવાઈ હતી. મીડિયામાં જ્યાં પણ આ ખબર છપાઈ હતી ત્યાં અમે સૂચના આપી હતી કે તેઓ પોતપોતાની ખબરને સુધારી લે."

રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય અનુસાર જૉઇન્ટ સેક્રેટરી પ્રણવ ખુલ્લર પીએમ મોદીને મળેલી ભેટની હરાજીનું કામ સંભાળી રહ્યા છે.

બીબીસીએ મંગળવારે પ્રણવ ખુલ્લર સાથે પણ આ અંગે વાત કરવાની કોશિશ કરી હતી. જ્યારે પણ એમનો જવાબ મળશે ત્યારે તેને અહીં સામેલ કરીશું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો