NIA પર CBI જેમ જ 'સરકારી પોપટ' બની ગયાનો આરોપ કેમ થાય છે?

સાધવી પ્રજ્ઞા Image copyright Getty Images

ચોથી જૂન, 2011ના રોજ લખનૌમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી મળી હતી. તે વખતે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.

રાષ્ટ્રીય કારોબારીમાં સંબોધન વખતે નરેન્દ્ર મોદીએ એનઆઈએ એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે એનઆઈએની રચના ભારતના સંઘીય માળખાની વિરુદ્ધ છે અને રાજ્યોની કાયદા-વ્યવસ્થામાં સીધી દખલ છે.

કેન્દ્ર સરકાર રાજ્યોને અલગ રાખીને આતંકવાદ સામે એકલી લડવા માગે છે અને તે સંઘીય માળખા માટે યોગ્ય નથી એવું મોદીએ કહ્યું હતું.

તારીખ બદલાઈ ગઈ છે અને મુખ્યમંત્રી મોદી હવે વડા પ્રધાન છે. સાથે જ એનઆઈએ વિશેના વિચારો પણ બદલાઈ ગયા છે. ગયા મહિને જ મોદી સરકારે સંસદમાં એનઆઈએ સુધારા ખરડો પાસ કરાવી લીધો છે.

ખરડો પસાર થયા પછી એનઆઈએ વધારે સત્તા મળી છે. હવે આતંકવાદી હુમલાની તપાસ કરવા માટે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના આદેશની રાહ જોવાની એનઆઈએને જરૂર રહેતી નથી.

રાજ્ય સરકારની મંજૂરી વિના પણ એનઆઈએને તપાસ અને કાનૂની કાર્યવાહી કરવાનો અધિકાર મળી ગયો છે.

ત્રાસવાદ સામેની લડાઈમાં ભારતની સંસદ એક છે એવો સંદેશ જાય તે માટે બધા પક્ષોને આ ખરડાનું સમર્થન કરવાની હાકલ ગૃહ મંત્રી અમિત શાહે ખરડાને સંસદમાં મૂકતી વખતે કરી હતી.

વિપક્ષે આરોપ મૂક્યો કે સરકાર એનઆઈએનો ઉપયોગ કરીને ભારતને 'પોલીસ સ્ટેટ' બનાવી દેવા માગે છે.

જૂન 2011માં મુખ્યમંત્રી મોદીની ટીકા પર જે રીતે મનમોહન સિંહ સરકારે પ્રતિક્રિયા આપી હતી, તે રીતે જ આ વખતે અમિત શાહે આવી ટીકાઓને હસી કાઢી છે.


ઇન્વેસ્ટિગેશન અને પ્રૉસિક્યુશન એજન્સી

Image copyright Getty Images

2008માં મુંબઈ પર આતંકી હુમલો થયો તે પછી મનમોહન સિંહ સરકારે એનઆઈએની રચના કરી હતી. તેના ખરડાનું નામ હતું નેશનલ ઇન્વેસ્ટિગેશન બિલ 2008.

એનઆઈએમાં ઇન્વેસ્ટિગેશન શબ્દ છે, એટલે કે તપાસ કરવી. તો શું એનઆઈએ માત્ર તપાસ કરનારી સંસ્થા છે? ના, એનઆઈએ માત્ર તપાસ એજન્સી નથી, પણ કાનૂની કાર્યવાહી કરનારી સંસ્થા પણ છે.

તપાસ કરવી એટલે કોઈ પણ મામલામાં માહિતી અને પુરાવા એકઠા કરવા અને કાનૂની કાર્યવાહી એટલે અદાલતમાં કેસ દાખલ કરીને, આરોપનામું ઘડીને આગળની કાર્યવાહી કરવી.

ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં ખાતરીપૂર્ણ રીતે ન્યાય મળે તે માટે તપાસ અને મુકદ્દમો બંને અલગ ચાલે તેવી વાત કહેવામાં આવી છે.

પશ્ચિમના મોટાભાગના દેશોમાં આ જ પદ્ધતિએ કામ ચાલે છે પરંતુ એનઆઈએમાં તેવું કરવામાં આવ્યું નથી.

સીબીઆઈમાં પણ આવું નથી. બંને સંસ્થા તપાસ ઉપરાંત કાયદાકીય કાર્યવાહી કરનારી સંસ્થા છે. અર્થાત એનઆઈએ કેન્દ્ર સરકારના આદેશ પ્રમાણે તપાસ કરશે અને બાદમાં કાનૂની કાર્યવાહીમાં પણ સરકારની દખલ રહેશે.

અમેરિકામાં મુકદ્દમાનું કામ એફબીઆઈ જેવી તપાસ એજન્સી પાસે નથી, પણ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ પાસે છે. એ જ રીતે બ્રિટનમાં મુકદ્દમો ચલાવવાનું કામ ક્રાઉન પ્રૉસિક્યુશન સર્વિસ પાસે છે.

માલેગાંવ વિસ્ફોટ (2008) કેસના સ્પેશિયલ પ્રૉસિક્યુટર રોહિણી સાલિયને 2015માં આક્ષેપ કર્યો હતો કે આ કેસના આરોપીઓ સામે નરમ વલણ રાખવા માટે તેમના પર દબાણ થયું હતું.

રોહિણીએ એનઆઈએના એસપી સુહાસ વરકે પર આક્ષેપ મૂક્યો હતો.

રોહિણીનું કહેવું હતું કે કેસને નબળો પાડવા માટે દબાણ થયું હતું, જેથી બધા આરોપીઓ છુટી જાય. આ બોમ્બ વિસ્ફોટ કેસમાં ભોપાલથી લોકસભાની ચૂંટણી જીતેલાં પ્રજ્ઞાસિંહ ઠાકુર પણ આરોપી છે.

ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઇન્ટરવ્યૂમાં રોહિણીએ કહ્યું હતું, ''એનડીએની સરકાર આવી તે પછી એનઆઈએના અધિકારીઓના ફોન મારા પર આવ્યા હતા.''

''હું જે મામલાની તપાસ કરતી હતી, તેમાં હિંદુ ઉગ્રવાદીઓ પર આરોપો હતા. મને કહેવામાં આવ્યું કે તેઓ વાત કરવા માગે છે. એનઆઈએના તે અધિકારીએ કહ્યું કે ઉપરથી આ મામલામાં નરણ વલણ માટે જણાવાયું છે.''

લોકસભામાં એનઆઈએ 2019ના ખરડા પર ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ કહ્યું કે ઇન્વેસ્ટિગેશન અને પ્રૉસિક્યુશન અલગ રહેવા જોઈએ.


ઇન્વેસ્ટિગેશન અને પ્રૉસિક્યુશનનું સાથે હોવું જોખમી?

મનીષ તિવારીએ કહ્યું, ''1997માં વિનીત નારાયણ જજમેન્ટ આવ્યું હતું. તે જજમેન્ટને 22 વર્ષ થઈ ગયા છે, પણ આજ સુધી ઇન્વેસ્ટિગેશન અને પ્રૉસિક્યુશન અલગ કરી શકાયા નથી. ઇન્વેસ્ટિગેશન પણ સરકારના આદેશથી થશે અને પ્રૉસિક્યુશન ઉપર પણ હાઇકમાન્ડનું નિયંત્રણ હશે તો ન્યાય કેવી રીતે મળશે?''

''હું કોઈ સરકારને દોષ આપવા માગતો નથી, પણ ભારતીય ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમનો આ બહુ અગત્યનો મુદ્દો છે.''

મનીષ તિવારીએ કહ્યું કે સરકાર આ ખરડો લાવી છે ત્યારે તેણે એ વાતની કાળજી રાખવી જોઈએ કે ઇન્વેસ્ટિગેશન અને પ્રૉસિક્યુશન પર કોઈ એક જ વ્યક્તિનું નિયંત્રણ ના રહે. બંને એક બીજાથી સ્વતંત્ર ચાલે તે રીતે થવું જોઈએ.

સુપ્રીમ કોર્ટના સિનિયર ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણનું પણ માનવું છે કે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ સરકારથી સ્વતંત્ર રહીને કામ કરતી હોવી જોઈએ.

પ્રશાંત ભૂષણે બીબીસીને જણાવ્યું કે, ''ઇન્વેસ્ટિગેશન અને પ્રૉસિક્યુશન બંનેને એકબીજાથી સ્વતંત્ર એટલા માટે રખાયા છે કે કોઈની મનમાની ના ચાલે અને એક પ્રકારે સાવધાની રહે.''

''હવે તો સરકાર જ તપાસનો આદેશ આપશે, સરકાર જ આરોપનામું દાખલ કરશે. કાયદા પ્રમાણે ઇન્વેસ્ટિગેશન અને પ્રૉસિક્યુશન ન્યાયતંત્ર પાસે હોવા જોઈએ, પણ તે સરકારના નિયંત્રણમાં છે.''

એનઆઈએની રચનાને 10 વર્ષ થયા છે. આ દસ વર્ષમાં 244 મામલામાં એજન્સીએ તપાસ કરી છે.

એનઆઈએની સત્તાવાર વેબસાઇટ પ્રમાણે આરોપનામું દાખલ કર્યા બાદ આમાંના 37 કેસમાં પૂર્ણ અથવા આંશિક તપાસ પછી ચુકાદા આવી ગયા છે. 35 કેસમાં સજા થઈ છે.

આ રીતે જોઈએ તો દોષિતોને સજા આપવાની બાબતમાં એનઆઈએની સફળતાનો દર 91.2 ટકા છે.

એએનઆઈની રચનાના પાંચ વર્ષ પછી એટલે 2009થી 2014 સુધીમાં આ એજન્સી માત્ર એક જ ઉગ્રવાદી હુમલાની તપાસને અંજામ સુધી પહોંચાડી શકી છે. તે કેસ હતો કોઝીકોડ બસ ડિપો બ્લાસ્ટ. તેમાં બે લોકોને આજીવન કેદની સજા થઈ હતી.


NIAનો ઇતિહાસ

Image copyright Getty Images

રાજ્યસભામાં 17 જુલાઈએ કેન્દ્રના ગૃહ રાજ્ય મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું હતું કે ''2009થી 2014 સુધી કોંગ્રેસ સરકાર હતી અને તે દરમિયાન એનઆઈએ દ્વારા 80 કેસ દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 38 કેસમાં ચુકાદા આવ્યા છે અને 33 કેસમાં સજા થઈ છે.

કન્વિક્શન રેટ 80 ટકા રહ્યો છે. 2014માં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ અત્યાર સુધીમાં 195 કેસ દાખલ કરાયા છે અને તેમાંથી 15માં ચુકાદા આવ્યા છે અને બધામાં સજા થઈ છે. 100 ટકા કન્વિક્શન રેટ રહ્યો છે.''

સરકારના આ દાવા સામે રાજ્યસભામાં કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે ''સરકાર 100 ટકા સફળતાનો દાવો કરે છે, તે બધા જ કેસમાં રાજ્યોની પોલીસે ધરપકડો કરી હતી અને તપાસ કરી હતી.''

''પછીથી આરોપીઓને એનઆઈએને સોંપી દેવાયા હતા. તેની આગળ એનઆઈએએ કશું કર્યું નહોતું.

સિંઘવીએ કહ્યું કે, ''આતંકવાદના મોટા કેસોમાં એનઆઈએની કામગીરી જરાય સારી રહી નથી.''


NIA કન્વિક્શન રેકર્ડ પર સવાલ

શું એનઆઈએના કન્વિક્શન રેટના વખાણ થવા જોઈએ?

સ્વિટ્ઝર્લેન્ડની બર્ન યુનિવર્સિટીમાંથી 'ટેરર પ્રૉસિક્યુશન ઇન ઇન્ડિયા' એવા વિષય પર પીએચડી કરી રહેલા શારિબ એ અલી કહે છે, ''એનઆઈએના પ્રૉસિક્યુશનમાં પ્લી બાર્ગેનિંગની રીત અજમાવાય છે.''

''પ્લી બાર્નેગિંગનો અર્થ છે આરોપી અદાલતી કાર્યવાહી વિના જ પોતાનો ગુનો કબૂલી લે છે. તેની સામે કેટલીક રાહત આપવામાં આવે છે.''

''ભારતમાં આ નવી વાત છે, જ્યારે અમેરિકામાં રીત વધારે પ્રચલિત છે. તેમાં આરોપીને જણાવાય છે કે કાનૂની કાર્યવાહી લાંબી ચાલશે અને બહુ ખર્ચ થશે એટલે તમારો ગુનો સામેથી કબૂલ કરી લો.''

શારિબ કહે છે, ''એનઆઈએની પ્રક્રિયામાં અને ચાર્જશીટમાં બહુ લાંબો સમય લાગે છે. કોઈ એક કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં એનઆઈએ સરેરાશ ચારથી પાંચ વર્ષ લગાડે છે.''

''તે દરમિયાન આરોપીએ પાંચથી છ વર્ષ જેલમાં રહેવું પડે છે. એટલે એવું કહેવાય છે કે આટલા વર્ષ જેલમાં રહ્યા છો તો હવે ગુનો કબૂલી લો.''

''આવા કેસ પણ કન્વિક્શનમાં આવે છે. ટાડામાં કન્વિક્શન રેટ એક ટકાથી પણ ઓછો હતો. આતંકવાદી કાયદાઓનો ઇતિહાસ રહ્યો છે કે તેમાં કન્વિક્શન રેટ બહુ ઓછો રહે છે. પરંતુ એનઆઈએના કન્વિક્શનનો રેટ અચાનક વધી ગયો.''


NIAની તપાસ પર રાજકીય દબાણ

Image copyright Getty Images

ઘણા નિષ્ણાતો એવું માને છે કે જે ઉગ્રવાદી હુમલાઓમાં હિંદુ સંગઠનો સાથે જોડાયેલા લોકોનાં નામ આવ્યા, તેમાં એનઆઈની ભૂમિકા શંકાસ્પદ રહી હતી.

2004થી 2008 વચ્ચે સાત બૉમ્બ બ્લાસ્ટ થયા હતા. 2006 અને 2008માં મહારાષ્ટ્રના માલેગાંવમાં, 2006માં સમજૌતા એક્સપ્રેસ, 2007માં અજમેર દરગાહ, 2007માં હૈદરાબાદ મક્કા મસ્જિદ અને 2008માં ગુજરાતમાં મોડાસામાં.

આ વિસ્ફોટના કેસોમાં હિન્દુવાદી સંગઠન 'અભિનવ ભારત'ના વડા આરોપી હતા અને ઘણા આરોપીઓના વર્તમાન સત્તાધારી પક્ષ ભાજપ સાથે સંબંધો રહ્યા હતા.

આ નામો આ પ્રમાણે છે - મેજર રમેશ ઉપાધ્યાય, લેફ્ટનન્ટ કર્નલ શ્રીકાંત પ્રસાદ પુરોહિત, સુધાકર ચતુર્વેદી, સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, ઇન્દ્રેશ કુમાર, સ્વામી અસીમાનંદ અને સુનીલ જોશી.

આ કેસમાં પ્રથમ ધરપકડ થઈ તે પછી તરત જ સુનીલ જોશીની 2007માં હત્યા થઈ ગઈ હતી.

અસીમાનંદે 2011માં હુમલો કર્યાનું કબૂલી લીધું હતું, પણ બાદમાં તેઓ ફરી ગયા હતા.

18 મે 2007ના રોજ હૈદરાબાદની ચાર સદી જૂની મક્કા મસ્જિદમાં શુક્રવારની નમાઝ વખતે વિસ્ફોટ થયો હતો. તેમાં નવ લોકોના મોત થયા હતા અને 58 લોકો ઘાયલ થયા હતા.

લગભગ 11 વર્ષ બાદ 16 એપ્રિલ 2018ના રોજ એનઆઈએની વિશેષ અદાલતે મક્કા મસ્જિદ વિસ્ફોટના પાંચેય આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા.

આજ સુધી એ સ્પષ્ટ થયું નથી કે મસ્જિદમાં બૉમ્બ વિસ્ફોટ કોણે કર્યો હતો. જસ્ટિસ કે. રવિન્દ્ર રેડ્ડીએ પાંચેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા પછી પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું.

તેમનું રાજીનામું સ્વીકારાયું નહિ, તે પછી તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી આપી હતી. તેમણે કહ્યું હતું કે પોતે હવે ન્યાયતંત્રમાં કામ કરવા માગતા નથી.

સમાચાર સંસ્થા પીટીઆઈને ટાંકીને ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ પ્રકાશિત કરેલા 22 સપ્ટેમ્બર 2018ના અહેવાલ અનુસાર જસ્ટિસ રેડ્ડીએ રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

રેડ્ડીએ ત્યારે કહ્યું હતું કે તેમણે ભાજપના પ્રમુખ અમિત શાહ સાથે મુલાકાત કરી છે. આખરે ન્યાયાધીશે શા માટે રાજીનામું આપ્યું તેનો જવાબ આજ સુધી નથી મળ્યો.


એનડીએ સરકાર આવી એટલે તપાસ બદલાઈ ગઈ?

Image copyright Getty Images

2014માં એનડીએની ભારે બહુમતી સાથે સત્તા મળી. ત્યારબાદ હિંદુ સંગઠનો સાથે જોડાયેલા આતંકવાદી હુમલાના આરોપીઓ સામે ચાલી રહેલા કેસોની દિશા બદલાતી ગઈ તેવો આરોપ પણ અનેક લોક મૂકે છે.

સમઝૌતા એક્સપ્રેસબ્લાસ્ટ કેસ : એનડીએ સરકાર આવી તેના ત્રણ મહિના પછી સમઝૌતા એક્સપ્રેસના આરોપી અસીમાનંદને ઑગસ્ટ 2014માં પંજાબ હરિયાણા હાઈ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. એનઆઈએએ જામીનનો વિરોધ કર્યો નહોતો.

કર્નલ પુરોહિત સામે એટીએસે આરોપનામું દાખલ કર્યું હતું, પણ એનઆઈએ ક્લિન ચીટ આપી દીધી.

21 માર્ચ, 2019ના રોજ અસીમાનંદ સહિત ચારેય આરોપીઓને નિર્દોષ છોડી મૂકાયા. સમઝૌતા એક્સપ્રેસમાં થયેલા વિસ્ફોટમાં કુલ 68 લોકોના મોત થયા હતા.

અજમેર બ્લાસ્ટ કેસ: 2017માં સ્થાનિક અદાલતે અસીમાનંદે આ કેસમાંથી મુક્ત કરી દીધા હતા. સુનીલ જોશીની 2007માં હત્યા થઈ હતી. તે મામલામાં એનઆઈએની વિશેષ અદાલતે તેમને દોષિત ઠેરાવ્યા હતા.

ત્યારબાદ આરએસએસના પૂર્વ પ્રચારક દેવેન્દ્ર ગુપ્તા અને ભાવેશ પટેલને આજીવન કેદની સજા થઈ હતી. તેમાં સાધ્વી પ્રજ્ઞા અને ઇન્દ્રેશ કુમારને છોડી દેવાયા ત્યારે એનઆઈએ સામે સવાલો ઊભા થયા હતા.

માલેગાંવ બ્લાસ્ટ કેસ : 2016માં એનઆઈએએ સાધ્વી પ્રજ્ઞાનું નામ આરોપનામામાં દાખલ ન કરીને તેમને ક્લિન ચીટ આપી દીધી હતી.

2017માં બૉમ્બે હાઈ કોર્ટે પ્રજ્ઞા ઠાકુરને જામીન આપ્યા હતા. આ જ કેસના મુખ્ય આરોપી કર્નલ પુરોહિતને સુપ્રીમ કોર્ટમાંથી આ વર્ષે જામીન મળ્યા છે.

મોડાસા બ્લાસ્ટ કેસ : આકેસમાં કોઈ પુરાવા ના મળ્યા તેના કારણે 2015માં તેને બંધ કરી દેવાનો નિર્ણય એનઆઈએએ લીધો હતો.

Image copyright Getty Images

લોકો સવાલ પૂછી રહ્યા છે કે મોદી સરકાર આવી તે પછી આ ત્રાસવાદી હુમલામાં આરોપી તરીકે રહેલા હિંદુ સંગઠનોના સભ્યો છુટી કેમ રહ્યા છે?

ગયા મહિના રાજ્યસભામાં એનઆઈએ 2019 સુધારા ખરડા પર ગયા મહિને ચર્ચા થઈ તે દરમિયાન આવો જ સવાલ કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ ગૃહ પ્રધાન અમિત શાહને પૂછ્યો હતો.

તેના જવાબમાં અમિત શાહે જણાવ્યું હતું કે અદાલતનો ચુકાદો ચાર્જશીટના આધારે હોય છે.

તેમણે કહ્યું કે આ બધા જ કેસમાં ચાર્જશીટ અગાઉની કોંગ્રેસની સરકારોએ જ તૈયાર કરી હતી. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે પોતાને જ આ સવાલ પૂછવો જોઈએ કે ચાર્જશીટ આટલી નબળી કેમ તૈયાર થઈ હતી?

તેની સામે અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે માત્ર ચાર્જશીટના આધારે અદાલત ચુકાદા આપતી નથી. તેના માટે ન્યાયાધીશ સામે યોગ્ય રજૂઆત કરવી જોઈએ, જે મોદી સરકારે કરી નહોતી.

સિંઘવીએ પૂછ્યું કે આરોપીઓ નિર્દોષ છુટ્યા પછી એનઆઈએએ શા માટે અપીલ કરી નથી. તેના જવાબમાં શાહે જણાવ્યું હતું કે અપીલ કરવાનો નિર્ણય કાનૂની અધિકારી દ્વારા લેવાતો હોય છે અને કાનૂની અધિકારીએ અપીલ કરવા જણાવ્યું નહોતું.


એનઆઈએની વિશ્વસનીયા સામે શંકા?

Image copyright Getty Images

એનઆઈએની વિશ્વસનીયતા અંગેના સવાલના જવાબમાં આતંકવાદના વિષય પર લખતા જાણીતા લેખક અને ઇન્સ્ટિટ્યૂટ ફોર કૉન્ફ્લિક્ટ મેનેજમેન્ટના ડિરેક્ટર અજય સાહની કહે છે કે, "હિંદુત્વની બાબતમાં એનઆઈએની ભૂમિકા બરાબર રહી નથી.

અજય સાહની કહે છે કે "તે નિર્દોષ છે કે દોષી છે તે આપણે કહી શકતા નથી. પરંતુ એક વાત એકદમ સ્પષ્ટ લાગે છે કે કાં તો એનઆઈએ કોંગ્રેસ સરકાર વખતે રાજકીય દબાણના કારણે ખોટું બોલતી હતી, અથવા હવે એનડીએ સરકારમાં ખોટું બોલી રહી છે."

"અગાઉ એનઆઈએ એવું કહેતી હતી કે આ લોકો ગુનેગારો છે, એટલું જ નહિ ફાંસીને લાયક છે. હવે નવી સરકારમાં એવું કહેવાનું શરૂ કર્યું છે કે પોતાની પાસે કોઈ પુરાવા નથી."

સાહની કહે છે, "આ એજન્સીનો રાજકીય ઉપયોગ થઈ રહ્યો છે તે સ્પષ્ટ છે, પણ કોણ કરી રહ્યું છે તે વિશે ટિપ્પણી ન કરી શકું."

"એટલું નક્કી છે કે એનઆઈએ કાં તો પહેલાં ખોટું બોલતી હતી અથવા હવે ખોટું બોલે છે."

"કોંગ્રેસ સરકાર વખતે કહેલું કે પુરતા પુરાવા છે અને આ લોકોને ફાંસી આપવી જોઇએ. સરકાર બદલાઈ ગઈ એટલે પુરાવા પણ ગાયબ થઈ ગયા."

"હવે મુસ્લિમ આરોપીઓ સામેની દુશ્મનાવટ વધી છે. હું એનઆઈએ એક્ટ સાથે જ સહમત નથી. બંધારણીય પ્રશ્નો ઊભા થાય તેવી સંસ્થા કોઈ બનાવે તો તેની સાથે કેવી રીતે સહમત થઈ શકાય?''

સાહની માને છે કે હાલમાં દરેક સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે.

તેઓ કહે છે, "તમે કોઈ સંસ્થાને બહુ જ સત્તા આપો અને અપેક્ષા રાખો કે તે સત્તાનો દુરુપયોગ નહિ કરે તે કેવી રીતે બને."

"મને લાગે છે કે એનઆઈએને અપાયેલી સત્તા યોગ્ય નથી. કોંગ્રેસે એનઆઈએની રચના કરી હતી અને આજેય તેને પોતાની ભૂલનો અહેસાસ નથી."

"આવી સંસ્થા અને કાયદા મારફતે સરકારનો વિરોધ કરનારા લોકોને ફસાવવામાં આવે છે. વર્ષો સુધી કેસ ચાલ્યા કરે અને તે રીતે વિરોધીઓને તોડી નાખવામાં આવે.''

જોકે ઘણા મહત્વના કેસોમાં સરકારી વકીલ તરીકે કામગીરી કરનારા ઉજ્જવલ નિકમ એવું માનતા નથી કે રાજકીય દબાણમાં કોઈને ફસાવી શકાય.

તેઓ કહે છે, "કોંગ્રેસ હોય કે ભાજપ બધી સરકારો વખતે આવા કેસોમાં પ્રચાર ચાલે છે. હું છેલ્લા 30-40 વર્ષોથી સ્પેશ્યલ પબ્લિક પ્રૉસેક્યુટર તરીકે કામ કરું છું. મેં ક્યારેય જોયું નથી કે કોઈ નિર્દોષ નાગરિકને સરકારે પોતાના સ્વાર્થ માટે ફસાવી હોય."

"હા, એવું બની શકે કે ઓછા પુરાવા હોવા છતાં કેટલાક સામે પગલાં લેવાય. તે વખતે વિપક્ષનો આરોપ હોય કે બદલાની ભાવનાથી કામગીરી થાય છે. સમઝૌતા એક્સપ્રેસ, મક્કા મસ્જિદ અને માલેગાંવ બ્લાસ્ટ વિશે મને વધારે જાણકારી નથી.''


એનઆઈએમાં મોદી સરકારે શું ફેરફારો કર્યા?

Image copyright Getty Images

એનઆઈએ સુધારા ખરડો 2019 સંસદમાં પસાર થયા પછી એજન્સીને વધુ સત્તા મળી છે.

ઉજ્જવલ નિકમે તેને યોગ્ય ઠેરવી કહે છે કે ભારત પર હજીય ત્રાસવાદી હુમલાનું જોખમ છે ત્યારે આવું કરવું જરૂરી છે.

જોકે અજય સાહની કહે છે કે કાયદો અને વ્યવસ્થા રાજ્યોના અધિકારક્ષેત્રમાં આવે છે. એનઆઈએ તેમાં દખલગીરી કરે છે.

દખલગીરીની આ જ વાત 2011માં એનઆઈએની ટીકા કરતી વખતે મોદીએ પણ કહી હતી.

એનઆઈએ સુધારા ખરડા 2019 દ્વારા ત્રણ મહત્વના પરિવર્તનો કરવામાં આવ્યા છે.

  • એનઆઈએ હવે ઍટમિક ઍનર્જી ઍક્ટ, 1962 અને યુએપીએ ઍક્ટ 1967 હેઠળના ગુનાઓની તપાસ પણ કરી શકશે. આ ઉપરાંત તે માનવ તસ્કરી, નકલી નોટો, પ્રતિબંધિત શસ્ત્રોનું ઉત્પાદન અને વેચાણ, સાયબર-આતંકવાદ અને વિસ્ફોટક પદાર્થ એક્ટ, 1908 હેઠળ આવતા ગુનાઓની તપાસ પણ કરી શકશે. એનઆઈએ સમગ્ર દેશમાં લાગુ પડશે અને તેના અધિકારીઓ પાસે પોલીસ અધિકારીઓ જેવી જ સત્તા રહેશે.
  • કાયદામાં સુધારા સાથે એનઆઈએ પાસે એવી સત્તા આવી છે કે તે ભારતીયો વિરુદ્ધ થયેલા ગુનાની તપાસ વિદેશ જઈને પણ કરી શકે છે.
  • સેશન્સ કોર્ટને હવે એનઆઈએની વિશેષ અદાલતનો દરજ્જો આપવામાં આવશે. આવી અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂક જે તે રાજ્યોની હાઈ કોર્ટના ચીફ જસ્ટિસની ભલામણ ઉપર કેન્દ્ર સરકાર કરશે.

એનઆઈએનો રાજકીય ઉપયોગ

હૈદરાબાદથી જીતેલા લોકસભાના સાંસદ અને કાયદાની સમજણ ધરાવતા અસદુદ્દીન ઓવૈસી માને છે કે એએનઆઈએ સરકાર સરળતાથી રાજકીય ઉપયોગ કરી શકે તેવી એજન્સી એનઆઈએ બની ગઈ છે.

તેઓ કહે છે, "કોઈ પણ લોકતંત્રમાં ડિરેક્ટર ઑફ પબ્લિક પ્રૉસિક્યુર સ્વતંત્ર હોય છે, પરંતુ અહીં બંનેને એક કરી દેવાયા છે. તેના કારણે ન્યાય નહીં, પણ અન્યાય નિશ્ચિત થશે."

ઓવૈસી કહે છે, "મક્કા મસ્જિદ બ્લાસ્ટમાં એવા પ્રૉસિક્યૂટર નિમાયા હતા, જેમણે ક્યારેય ક્રિમિનલ કેસ તો ઠીક, એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટનો કેસ પણ નહીં લડ્યો હોય."

"કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી દીધા, તેની સામે અપીલ પણ તમે ન કરો. સમઝૌતા એક્સપ્રેસ બ્લાસ્ટમાં પણ બધા આરોપીઓ છુટી ગયા, તે ચુકાદાને પડકારાયો નથી."

"ભીમા કોરેગાંવ કેસમાં પૂણે પોલીસે કહ્યું હતું કે વડા પ્રધાનની હત્યાનું ષડયંત્ર છે. બાદમાં અદાલતમાં દસ્તાવેજો રજૂ થયા તેમાં તેનો કોઈ ઉલ્લેખ જ નહોતો. આ કેસમાં તમામ આરોપીઓ પર યુએપીએ લગાવી દેવામાં આવ્યો છે."

ઓવૈસી કહે છે કે "સરકારો બદલાઈ જવાથી ન્યાય મેળવવાના અધિકારને નાબૂદ કરી શકાય નહીં."

તેઓ કહે છે, "આતંકવાદ સામેની લડાઈ તમે વિચારધારાને આધારે ન લડી શકો. મક્કા મસ્જિદ, અજમેર અને સમઝૌતા એક્સપ્રેસમાં માર્યા ગયેલા લોકોને આપણે શું કહીશું?"

"શું આતંકવાદ સામેની આપણી લડત સિલેક્ટિવ લડત છે? માલેગાંવના કેસમાં મુસ્લિમ યુવાનોને વર્ષો સુધી કોઈ ગુના વિના જેલમાં રહેવું પડ્યું, તેનું વળતર કોણ આપશે?"

"આ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સામે હજીય કેસ ચાલે છે. તેમની સામે આતંકવાદનો આરોપ છે અને છતાં તમે ચૂંટણીમાં ટિકિટ આપી અને જીતી પણ ગયા. પાકિસ્તાની ત્રાસવાદીઓ સામે લડીને જીવ આપી દેનારા વીર હેમંત કરકરેની મજાક તેઓ ઉડાવે છે.''

ઓવૈસી કહે છે કે "અગાઉ એનઆઈએના કોઈ અધિકારીએ ખોટું કર્યું હોય, તો તેમની સામે કાર્યવાહી થતી હતી. ચિદમ્બરમે તે જોગવાઈ બંધ કરી દીધી. હવે આ સુધારાઓ પછી રાજ્ય સરકારોની મંજૂરી લેવાની જરૂર પણ રહી નથી."


એનઆઈએ કોના તાબામાં?

Image copyright Getty Images

સંશોધન કરી રહેલા શારિબ અલી કહે છે કે એનઆઈએ પર ન્યાયિક નહીં, પણ વહીવટીય અંકુશ છે. એટલે કે તે સરકારના નિયંત્રણ હેઠળ છે, ન્યાયતંત્રના નિયંત્રણમાં નથી.

શારિબ કહે છે, "તમે જુઓ કે એનઆઈએ કોર્ટમાં ન્યાયાધીશની નિમણૂક સંબંધિત રાજ્યોની હાઈ કોર્ટના ચીફ જસ્ટિસની સલાહ લીધા પછી થાય છે."

"તેનો અર્થ એ થયો કે માત્ર તપાસ નહીં, ન્યાય પ્રક્રિયા પર પણ તમારું નિયંત્રણ છે. અગાઉ ત્રાસવાદી હુમલાના કેસોમાં જુદા જુદા વકીલો સરકારી વકીલ બનતા હતા. પરંતુ છેલ્લા 20 વર્ષથી ઉજ્જવલ નિકમ નામની એક વ્યક્તિ જ તે ભૂમિકામાં જોવા મળે છે."

"નિકમ હંમેશાં એક અવાજમાં વાતો કરે છે. એનઆઈએ હવે બંધ કવરમાં જજને પુરાવા આપે છે. જેમ કે કોઈ કેસમાં ન્યાયાધીશને લાગે કે બહુ દમ નથી અને જામીન આપી શકાય છે, પરંતુ એનઆઈએ જામીન અરજી સામે બંધ કવરમાં પુરાવા આપે છે. તેમાં શું અપાયું છે તે કોઈને જણાવાતું નથી અને જામીન રદ કરી દેવામાં આવે છે.''

શારિબ કહે છે કે "એનઆઈએ કોર્ટે આપેલા આખરી ચુકાદાને જ હાઈ કોર્ટમાં પડકાર ફેંકી શકાય છે."

"મતલબ કે સેશન કોર્ટમાં તથ્યોનો ઉપયોગ કેવી રીતે થયો છે અથવા કેવા તથ્યોને સામેલ કરવામાં આવ્યા છે એનાથી જો તમે સંતુષ્ટ ન હો તો પણ તે બાબત સામે હાઈ કોર્ટમાં પડકાર ફેંકી શકાતો નથી."

શારિબ કહે છે કે "આખરી ચુકાદાને હાઈ કોર્ટમાં પડકારવામાં આવે ત્યારે એનઆઈએ એજન્સીએ ફૅક્ટ્સનો કેવો ઉપયોગ કર્યો તેની ચર્ચા થતી નથી. હાઈ કોર્ટમાં ફક્ત કાનૂની મામલે જ દલીલો થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ