E-Cigarettes પર પ્રતિબંધ મુકાયો એના પર લોકોએ આપી આવી પ્રતિક્રિયા

નિર્મલા સીતારમણ Image copyright ANI

કેન્દ્ર સરકારે ઈ-સિગારેટ પર પૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.

બુધવારે કૅબિનેટ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયની જાણકારી આપતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ઈ-સિગારેટ પર પૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું, હવે ઈ-સિગારેટનાં ઉત્પાદન, વિક્રય, પરિવહન, આયાત, નિકાસ, સંગ્રહ કે વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે."

આ અંગે એક વટહુકમ લાવવામાં આવ્યો છે. આ વટહુકમના ઉલ્લંઘન બદલ વધુમાં વધુ એક વર્ષની સજા અને એક લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે યુવાનોના સ્વાસ્થ્ય પર ઈ-સિગારેટની અસરને ધ્યાનમાં લઈને પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તેમણે અમેરિકામાં કરવામાં આવેલા એક અભ્યાસને ટાંક્યો અને કહ્યું કે આંકડા પ્રમાણે ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતાં બાળકોમાં ઈ-સિગારેટનું ચલણ 77.8 ટકા વધ્યું છે. જ્યારે માધ્યમિક સ્કૂલના વિદ્યાર્થીઓમાં ઈ-સિગારેટનું ચલણ 48.5 ટકા વધ્યું છે.


અમેરિકામાં થયેલાં મૃત્યુ

Image copyright Getty Images

નિર્મલા સીતારમણે કહ્યું, અમેરિકામાં વેપિંગ( ઈ-સિગારેટના સેવનને વેપિંગ કહેવાય છે)થી 7 લોકોનાં મૃત્યુ થયાં છે. જો કે વૈજ્ઞાનિક અધ્યયનમાં આ સાબિત થવાનું બાકી છે કે લાંબા સમય સુધી ઈ-સિગારેટ વાપરવાથી શું નુકસાન છે.

નિર્મલા સીતારમણે કહ્યું કે દેશમાં ઈ-સિગારેટની ઘણી બ્રાન્ડ છે પણ તેનું નિર્માણ વિદેશમાં કરવામાં આવે છે અને ભારતમાં આયાત કરવામાં આવે છે. ઈ-સિગારેટથી નીકળતા ધુમાડામાં બહુ વધારે નિકોટિન હોય છે.

ગત ફેબ્રુઆરીમાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટૅન્ડર્ડ્સ કંટ્રોલ ઑર્ગેનાઇઝેશને બધાં રાજ્યોમાં ઈએનડીએસ (ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ) પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

જોકે એ પછી ડાયરેક્ટોરેટ જનરલ ઑફ હેલ્થ સર્વિસિઝના આદેશને દિલ્લી હાઈકોર્ટે સ્થગિત કર્યો હતો.

ધૂમ્રપાન ન કરનાર લોકોમાં નિકોટિનની લત વધવાને ધ્યાનમાં લઈને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે ઈ-સિગરેટ પર પૂર્ણ પ્રતિબંધની સલાહ આપી હતી.


સોશિયલ મીડિયા પર ચર્ચા

Image copyright Getty Images

નિર્મલા સીતારમણની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર આ વિશે લોકોએ પોતાના અલગ-અલગ મત આપ્યા.

અમુક લોકોએ કેન્દ્ર સરકારનો નિર્ણયને આવકાર્યો હતો તો કેટલાકે સવાલ કર્યો કે સામાન્ય સિગારેટ તંબાકુની જગ્યાએ ઈ-સિગારેટ પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો છે.

સંગીત નામનાં ટ્વિટર યૂઝરે લખ્યું, "ઈ-સિગારેટ બૅન. લાગે છે કે આ પગલું આપણા સ્વાસ્થ્યને બચાવવા કરતાં તંબાકુ કંપનીઓને બચાવવા માટે લેવામાં આવ્યું છે. જો સાચે જ તમને ચિંતા હોય તો સિગારેટને પૂર્ણ રીતે પ્રતિબંધિત કરવામાં આવે."

વિપુલ મિશ્રા નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું છે, "કેન્દ્ર સરકારે બહુ સારું કામ કર્યું છે, તંબાકુના પ્રૉડક્ટ્સની અવગણના કરીને ઈ-સિગરેટ પર પ્રતિબંધ મૂક્યો. તમારી પાસેથી આથી વધારે આશા હતી."

અવિનવ નામના ટ્વિટર યૂઝરે ટીખળ કરતાં લખ્યું, "તંબાકુવાળી સિગારેટ સ્વાસ્થ્ય માટે સારી છે, તેના પર પ્રતિબંધ ન મૂકવો જોઈએ. ઈ સિગારેટ સ્વાસ્થ્ય માટે સારી નથી, તેના પર બૅન મૂકવો જોઈએ."

સ્લીપી આઉલ નામના ટ્વિટર હૅન્ડલ પર લખવામાં આવ્યું હતું, "ઈ-સિગારેટ ભારતમાં પ્રતિબંધિત છે. હવે સામાન્ય સિગારેટનું વેચાણ વધશે અને તેનાથી કર વસૂલીમાં વધારો થશે."

તો કેટલાક લોકોએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો.

ગૌરવ મિશ્રા નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું, "સરકારે ઈ સિગારેટના વેચાણ, સ્ટોરેજ અને વપરાશ પર પ્રતિબંધ મૂક્યો, સારો નિર્ણય!"

પુલકિત નામના ટ્વિટર યૂઝરે એક તસવીર પોસ્ટ કરી અને લખ્યું, "સિગારેટ અને તંબાકુના પ્રૉડક્ટ પર પ્રતિબંધ નહીં મૂકવા પર ઈ સિગારેટ ઉત્પાદકોએ કહ્યું 'શું આ છે તમારી ઇક્વાલિટી'?"

રાશી કક્કડ નામનાં ટ્વિટર યૂઝરે લખ્યું, ધૂમ્રપાનના બધા જ પ્રકારને બંધ કરવા જોઈએ. સત્ય એ છે કે ઈ સિગારેટે એક નવો જ વર્ગ આકર્ષિત થયો છે જેમાં કિશોરો અને તેનાથી પણ નાના બાળકો સામેલ છે.

ડ્રિમર નામના ટ્વિટર યૂઝરે લખ્યું, તંબાકુવાળી સિગારેટ ટૅક્સ અપાવે છે, ઈ સિગારેટ અમેરિકામાં ટૅક્સ આપે છે, એટલે આપણે ઈ-સિગારેટ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો