દુનિયાની અડધી ધનસંપત્તિ ફક્ત 2043 લોકો પાસે જ કેમ છે?

મહિલા Image copyright Getty Images

વર્લ્ડ ઇનઇક્વાલિટી રિપોર્ટ 2018 ઉપર અછડતી નજર નાખીએ તો વિશ્વના જુદાં જુદાં ભાગોમાં આવકની અસમાન વહેંચણી એ સાર્વત્રિક પ્રવર્તમાન ઘટના છે.

યુરોપમાં ટોચના 10 ટકા લોકો 37 ટકા આવક મેળવે છે. એ જ રીતે ચીનમાં 41 ટકા, રશિયામાં 46 ટકા અને કૅનેડામાં 47 ટકા, સબ સહરાન આફ્રિકામાં 54 ટકા, બ્રાઝિલ અને ભારતમાં 55 ટકા તેમજ મધ્ય-પૂર્વમાં 61 ટકા આવક માત્ર ટોચના 10 ટકા લોકો મેળવે છે.

આનું સીધું તારણ એ નીકળે છે કે ખૂબ ઓછી વ્યક્તિઓના હાથમાં મોટી રકમ આવે છે. આને પરિણામે આવક તેમજ, તેને ફળસ્વરૂપ નીપજતી સંપત્તિ અને સંસાધનોની અસમાન વહેચણીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે.

એક રસપ્રદ તારણ એવું છે કે અમેરિકામાં આવકના આ અસમાન ધોરણો મહદંશે અસમાન શૈક્ષણિક ક્ષમતાને આભારી છે.

આમ શિક્ષણની તકો પણ અસમાન આવક અને એ રીતે સામાજિક અસમાનતા ઊભી કરવાનું એક કારણ બને છે.


'બળિયાના બે ભાગ'

Image copyright Getty Images/AFP

બીજું તારણ એવું નીકળે છે કે એશિયામાં ચીન અને ભારતનો વિકાસ થવાને કારણે દુનિયાની અડધોઅડધ ગરીબ વસતિની આવકમાં 1980 પછી સારો એવો વધારો થયો છે.

આમ છતાંય 'બળિયાના બે ભાગ' નીતિ અનુસાર દુનિયામાં સૌથી વધુ આવક મેળવનારા ટોચના એક ટકા લોકોની આવકમાં 1980 પછી 50 ટકા જેટલો વધારો નોંધાયો છે.

આથી તદ્દન વિરુદ્ધ વિશ્વની તળિયાની 50 ટકા વસતીની આવક માત્ર 9 ટકા રહી છે. અને આ કારણથી અસમાનતા કુદકે ને ભૂસકે વધતી રહી છે.

આમ, બીજા વિશ્વયુદ્ધ બાદ થોડોક સમય સામ્યવાદી વિચારધારાની બોલબાલા હેઠળ રશિયા અને ચીન જેવા દેશોમાં આર્થિક અસમાનતા તેમજ ટોચની અને તળિયાની આવક વચ્ચેનો તફાવત ધોવાઈ જશે એ ધારણા હતી તે સાચી પડી નથી.

આટલાં વર્ષે કદાચ કહી શકાય કે સામ્યવાદનો પાયાનો સિદ્ધાંત નિષ્ફળ ગયો છે.

આપણે જ્યારે આ મુદ્દાની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે 1980થી 2016 એટલે કે લગભગ સાડા ત્રણ દાયકા કરતા વધુ સમયમાં વિશ્વમાં વ્યક્તિગત આવકમાં વધારો અને અસમાનતાની સ્થિતિ શું રહી છે તેની ઉપર નજર રાખી લેવી જરૂરી પણ છે.


વિકાસ અને અસમાનતા સાથે-સાથે

કુલ સંચિત રિયલ ગ્રોથ પ્રતિ વયસ્ક
આવક વર્ગ ચીન યૂરોપ ભારત રશિયા યૂએસ-કૅનેડા વિશ્વ
કુલ વસતી 831% 40% 223% 34% 63% 60%
નીચેના 50% 417% 26% 107% -26% 5% 94%
મધ્યના 40% 785% 34% 112% 5% 44% 43%
ટૉપ 10% 1316% 58% 469% 190% 123% 70%
ટૉપ 1% 1920% 72% 857% 686% 206% 101%
ટૉપ 0.1% 2421% 76% 1295% 2562% 320% 133%
ટૉપ 0.01% 3112% 87% 2078% 8239% 452% 185%
ટૉપ 0.001% 3752% 120% 3083% 25269% 629% 235%

આમ આ અસમાનતા એ વિકાસની સાથોસાથ વિકસતી અથવા વકરતી સમસ્યા બની રહી છે એમ કહેવું જરાય અતિશયોક્તિ નથી.

આવકને સીધો સંબંધ 'ક્રિએશન ઓફ વેલ્થ' એટલે કે અસ્કયામતોની ઉત્પત્તિ અને વહેંચણી સાથે રહેલો છે.

વર્લ્ડ બૅન્કના રિપોર્ટ મુજબ વિશ્વમાં કુલ વસતીના ૨૬ ટકા વસતી (2 અબજ) ગરીબ છે, જે દિવસના 3 ડૉલરથી ઓછું કમાય છે. જ્યારે દિવસના 5 ડૉલર જેટલું કમાતી વસતી 46 ટકા છે.

આનો અર્થ એ નથી થતો કે 50 ટકા જેટલું વિશ્વ ગરીબીમાં જીવે છે. એનો અર્થ એ પણ નથી થતો કે અમેરિકામાં બધા પૈસાદાર લોકો જ રહે છે.

અમેરિકામાં પણ બે ટંકની રોટી માટે મથામણ કરતા લોકો છે. ત્યાં પણ આવકના સાધનોની અસમાન વહેચણીનો પ્રશ્ન આપણા જેટલો જ વિકરાળ છે.

દુનિયામાં કુલ 2043 અત્યંત ધનાઢ્ય એવા અબજોપતિ છે. જેમાંથી 585 અમેરિકામાં, 476 ચીનમાં, 131 ભારતમાં, 114 જર્મનીમાં અને 96 રશિયામાં છે.

આમ સામ્યવાદી ચીન કે રશિયામાં અબજોપતિ હોઈ જ ન શકે અને બધી જ મિલકત સૌની સહિયારી મિલકત હશે એવી છાપ એક સમયે પ્રવર્તતી હતી, તેને આજની સ્થિતિએ ખોટી પડે છે.

આમ આખી દુનિયાની ધનસંપત્તિના લગભગ અડધો અડધ કરતાં વધુ ભાગના માલિકો માત્ર 2043 લોકો હોય તો કુલ 7.5 અબજની વસતી ધરાવતી આ દુનિયામાં સંપત્તિ અને સંસાધનોની વહેચણીની અસમાનતા કેટલી છે તે વિચારવું રહ્યું.

આટલું પૂરતું ન હોય તેમ વિકાસશીલ અને અલ્પવિકસિત એટલે કે સાવ ગરીબ દેશો, દુનિયાની અડધોઅડધ વસતી ધરાવે છે ત્યારે આ દેશોમાં વહેંચવા જેવું કંઈ હોય તો તે ગરીબી અને ભૂખમરો છે.

આ સમજીએ તો આજનું વિશ્વ અતિધનાઢ્ય, ધનાઢ્ય, પેટે પાટા બાંધીને બે છેડાં ભેગા કરનાર મધ્યમ વર્ગ, એની નીચે માંડ પેટિયું રળી ખાનાર ગરીબ વર્ગ અને એથી પણ નીચે ખૂબ મોટી સંખ્યામાં જેમને બે ટંકનું ખાવાનું પણ નસીબ નથી હોતું એવા દરિદ્રનારાયણની વસતીમાં વહેચાયેલું છે.

આપણે દુનિયાને કદાચ આ પ્રમાણે ત્રણ ભાગમાં વહેચી શકીએ.

શેઠિયા એટલે કે એવા ધનાઢ્ય અને અતિ ધનાઢ્ય

પેટિયા એટલે કે મજૂરી કરીને બે ટંકનું પ્રમાણમાં સરળતાથી રળી ખાતા.

અને વેઠિયા એટલે પેટે પાટા બાંધી છોકરાંને અડધાં ભૂખ્યાં રાખી અને પેલા શેઠિયાઓ માટે હાડચામડી નિચોવીને ક્યાંક ખાણોમાં તો ક્યાંક કારખાનાઓમાં, ક્યાંક અગરોમાં, ક્યાંક ખેતરોમાં મજૂરી કરી સંપત્તિનું ઉપાર્જન કરતાં, પણ ભાગ્યે જ કાંઈ પામતા દરિદ્રનારાયણ.

સંપત્તિ અને સંસાધનોની અસમાન વહેંચણી માત્ર ગરીબ અને અતિગરીબ દેશોમાં જ નથી, તવંગર દેશોમાં પણ વિકરાળ આંતરિક અસમાનતાઓ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો