બુલેટ ટ્રેન : હાઈકોર્ટે આ મામલે ખેડૂતોની તમામ પિટિશન ફગાવી દીધી

બુલેટ ટ્રેનની પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને લઈને ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે.

ગુજરાત હાઈકોર્ટે ખેડૂતો દ્વારા જમીન સંપાદન મામલે કરવામાં આવેલી અરજીના સંદર્ભે આ ચુકાદો આપ્યો છે અને ખેડૂતોની તમામ પિટિશનો ફગાવી દીધી છે.

જસ્ટિસ અનંત દવે અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે આ ચુકાદો આપ્યો છે.

ખેડૂતો તરફથી વકીલ આનંદ યાજ્ઞિકે બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાને જણાવ્યું કે હાઈકોર્ટે ખેડૂતોની 123 પિટિશનો ફગાવી દીધી છે.

ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે ગુજરાત સરકારે જમીન સંપાદન અધિનિયમમાં જે ફેરફાર કરેલો છે એ કરવાનો એમને અધિકાર છે.

ખેડૂતોનો વળતરનો મુદ્દો હાઈકોર્ટે હજી ખુલ્લો રાખ્યો છે પણ સરકારે ચૂકવેલ વળતરને યોગ્ય પણ ગણાવ્યું છે.

હાઈકોર્ટે કહ્યું કે જો ખેડૂતોને હાલના વળતરથી સંતોષ ન હોય તો ભૂતકાળમાં રાજ્યમાં હાઈ-વે અને એક્સપ્રેસ હાઇ-વે નિર્માણમાં ખેડૂતોને ચૂકવવામાં આવેલા વળતરને આધારે તેઓ રજૂઆત કરી શકે છે.

પ્રોજેક્ટના સોશિયલ ઇમ્પેક્ટ ઍસેસમૅન્ટનો મુદ્દો પણ હાઈકોર્ટે ફગાવી દીધો. હાઈકોર્ટે કહ્યું કે એ થયું નથી પંરતુ ઝીકાની ગાઇડલાઇન મુજબ જે સરવે થયો છે તે વાજબી છે.

ખેડૂતો તરફી વકીલ આનંદ યાજ્ઞિકે આ ચુકાદા અંગે નિરાશા વ્યક્ત કરી કહ્યું કે ચુકાદો વાંચીને આગળની રણનીતિ નક્કી કરીશું. સુપ્રીમ કોર્ટમાં જવાનો માર્ગ ખુલ્લો છે અને એ સિવાય જમીની સ્તરે પણ લડત આપવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન મામલે ચુકાદા આપી પ્રોજેક્ટ આગળ વધારવા લીલી ઝંડી આપી છે.

જસ્ટિસ એ. એસ. દવેના નેતૃત્વ હેઠળની બૅન્ચે આ મામલામાં જાન્યુઆરી મહિનામાં જ સુનાવણી પૂર્ણ કરી લીધી હતી અને તેનો ચુકાદો મોકૂફ રાખ્યો હતો.

અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન સામે ગુજરાત સહિત મહારાષ્ટ્રના ખેડૂતો પણ વિરોધ કરી રહ્યા છે.

એવું માનવામાં આવે છે કે 320 કિલોમિટરની સ્પીડે દોડનારી બુલેટ ટ્રેન માત્ર ત્રણ કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચી જશે.

આ મામલે 1,000 ખેડૂતોએ એકસાથે મળીને હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટમાં અલગ અલગ 123 પિટિશનો દાખલ થઈ હતી.


ખેડૂતોનો વિરોધ કેમ?

Image copyright T G Patel
ફોટો લાઈન ખેડૂતોના વકીલ આનંદ યાજ્ઞિક

ખેડૂતો જમીન સંપાદન મામલે જે વળતર મળી રહ્યું છે તેના મામલે વિરોધ કરી રહ્યા છે.

રાજ્ય સરકાર જમીન મામલે જે વળતર આપે છે તેના કરતાં વધારે વળતર ખેડૂતો માગી રહ્યા છે.

ખેડૂતોની માગણી છે કે જમીનનું વળતર વર્તમાન બજારભાવને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે નહીં કે 2011માં નક્કી કરેલા જંત્રીના ભાવના આધારે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જે ખેડૂતોની જમીન જઈ રહી છે તેમનું કહેવું છે કે જમીનનું વળતર કેન્દ્ર સરકારના જમીન સંપાદનના કાયદા અનુસાર થવું જોઈએ નહીં કે ગુજરાત સરકારે સુધારેલા કાયદા અનુસાર.

ખેડૂતોના વિરોધમાં એક મહત્ત્વની બાબત એ છે કે તેઓ ગુજરાત સરકારે જમીન સંપાદનના કાયદામાં કરેલા ફેરફારનો વિરોધ કરી રહ્યા છે.

ખેડૂતોના વકીલ આનંદ યાજ્ઞિકે બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું, "મૂળ કાયદામાં પુનર્વસન અને પુનઃસ્થાપનની જે શરતો હતી તે ગુજરાત સરકારે ઉડાડી દીધી છે."

"આ જ રીતે આ કાયદા હેઠળ કોઈ પણ પ્રોજેક્ટના અમલ પહેલાં જે-તે ગામની મંજૂરી અતિ આવશ્યક હતી, તે શરતનો પણ છેદ ઉડાડી દીધો છે."

મહત્ત્વના અન્ય મુદ્દા વિશે તેમણે કહ્યું, "કાયદા પ્રમાણે આ પ્રકારના પ્રોજેક્ટના આવવાથી સમાજ ઉપર કેવી અસર થશે, તેને લાભ થશે કે ગેરલાભ, તે શરત પણ સરકારે કાઢી નાખીને કોઈ સોશિયલ ઇમ્પૅક્ટ ઍસેસમૅન્ટ કરવામાં આવ્યું નથી."

આ મામલે 1,000 ખેડૂતોએ હાઈકોર્ટમાં એક ઍફિડેવિટ દાખલ કરી હતી અને કહ્યું હતું કે જમીન સંપાદન માટે તેમણે સંમતિ આપી નથી.


શું છે આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ?

Image copyright Getty Images
 • મુંબઈથી અમદાવાદ વચ્ચે 508.17 કિલોમિટરનો હાઈ-સ્પીડ રેલ કૉરિડોર બનશે
 • જેના ઉપર હાઈ-સ્પીડ ટ્રેન દોડાવવામાં આવશે.
 • મુંબઈ અને અમદાવાદ વચ્ચે 12 સ્ટેશન બનાવવામાં આવશે જ્યાં આ ટ્રેન ઊભી રહેશે.
 • કુલ 508.17 કિલોમિટર અંતરમાંથી માત્ર 21 કિલોમિટરનો ટ્રેક જ જમીનમાં રહેશે જ્યારે બાકીનો ટ્રેક એલિવેટેડ હશે.
 • આ માટે જાપાન સરકાર સાથે ભારત સરકારે કરાર કર્યો છે.
 • જાપાન સરકાર રૂપિયા 88 હજાર કરોડનું ધિરાણ ભારતને 50 વર્ષ માટે 0.01 ટકાના દરે આપશે.
 • બાકીના પૈસા ભારતીય રેલવે બજાર કે સરકારની ગ્રાન્ટમાંથી ઊભા કરશે.
 • 2014-15ના અંદાજ પ્રમાણે પ્રોજેકટનો ખર્ચ રૂપિયા 98 હજાર કરોડ થતો હતો.
 • હવે આ પ્રોજેક્ટ ખર્ચ રૂપિયા 1 લાખ 10 હજાર કરોડ થઈ ગયો છે.
 • IIM અમદાવાદના એક અભ્યાસ પ્રમાણે આ પ્રોજેક્ટને વાયેબલ બનાવવા માટે દૈનિક એક લાખ પેસેન્જર મુસાફરી કરે તે જરૂરી છે.
 • તેનું ભાડું પ્રતિ પેસેન્જર રૂપિયા 4000થી 5000 હોય તો પ્રોજેકટ નફો કરતો થાય.
 • આ પ્રોજેક્ટ માટે કોઈ ટેન્ડર પ્રક્રિયા થઈ નથી. પરંતુ જાપાન સરકારની ભલામણના આધારે કોન્ટ્રાકટ અપાયો છે.
 • મુંબઈ-અમદાવાદ વચ્ચેનું અંતર અંદાજે 2.07 કલાકમાં કાપી શકાશે.
 • શરૂઆતમાં પ્રતિ ટ્રેન માત્ર 750 પેસેન્જર મુસાફરી કરી શકાશે. પછી તેની ક્ષમતા 1250ની કરાશે.
 • દર 20 મિનિટે એક ટ્રેન દોડશે.
 • નેશનલ હાઈ-સ્પીડ રેલ કૉર્પોરેશન દૈનિક બુલેટ ટ્રેનની 70 ટ્રિપ દોડાવવા માંગે છે. એટલે કે દૈનિક 52,500 મુસાફરો સફર કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ