મંદીએ માત્ર ભ્રમ છે - ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી

વિજય રૂપાણી Image copyright facebook/Vijay Rupani

ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ અનુસાર ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે મંદી તો માત્ર ભ્રમ છે.

રાજ્ય સરકારે ગ્રીન ક્લિન એનર્જી ઉત્પાદનને વેગ આપવા સાથે MSME એકમોને પણ સૌરઊર્જા ઉત્પાદનનો વ્યાપક લાભ મેળવી શકે તેવો નિર્ણય લીધો છે.

આ અંગે જાહેરાત દરમિયાન મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન મંદી મામલે નિવેદન આપ્યું છે.

જ્યારે મુખ્ય મંત્રીને પૂછવામાં આવ્યું કે મંદીને કારણે હાલ કેટલાંક MSME બંધ થવાને આરે છે? તેના જવાબમાં વિજય રૂપાણીએ કહ્યું, "હાલ આવા કોઈ આંકડા પ્રાપ્ત થયા નથી. મંદી તો માત્ર ભ્રમ છે. અત્યાર સુધી કોઈ MSMEના એકમો બંધ થઈ ગયાં હોય એવું સામે આવ્યું નથી."

મુખ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે જો કદાચ મંદીની અસર ઉદ્યોગો પર થતી હશે, તો સરકારનો નિર્ણય તેમને મદદ કરશે. તેમના પ્રમાણે રાજ્યમાં 33 લાખ MSME યુનિટ છે.


ગુજરાતમાં આગામી બે દિવસ માટે ભારે વરસાદની આગાહી

Image copyright Getty Images

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં 1000 મિલીમિટર કરતાં વધારે વરસાદ પડ્યો છે. આવો વરસાદ છેલ્લાં 10 વર્ષમાં ત્રીજી વખત પડ્યો છે.

ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદની સરખામણીએ આ વર્ષે 22.5% વધારે વરસાદ પડ્યો છે. દર વર્ષે સરેરાશ 816 મિલીમિટર વરસાદ પડે છે.

અરબ સાગરમાં લૉ પ્રેશર સર્જાવાના કારણે હવામાન વિભાગે ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.

સ્કાયમેટ વેધરની માહિતી પ્રમાણે અત્યાર સુધી ગુજરાત અને તેના દક્ષિણમાં આવેલા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી છે કે અમદાવાદ, સુરેન્દ્રનગર અને સુરતમાં પણ આગામી સમય દરમિયાન હળવો વરસાદ પડી શકે છે.

સ્કાયમેટની માહિતી મુજબ સપ્ટેમ્બર 22 સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સહિત અમરેલી, પોરબંદર, દ્વારકા અને જૂનાગઢમાં વરસાદ ધીમી ધારે ચાલુ રહેશે.

સપ્ટેમ્બર 22 બાદ વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ સપ્ટેમ્બર 27થી ફરી ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

નવરાત્રિ દરમિયાન પણ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે.


3 દિવસમાં 83.06 લાખ રૂપિયાનો દંડ!

Image copyright Getty Images

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે ટ્રાફિકના નવા નિયમ લાગુ થયા બાદ માત્ર 3 દિવસમાં અમદાવાદમાં 83.06 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

આ નિયમ સોમવારથી લાગુ થયો હતો. જ્યારે ટ્રાફિક પોલીસે બુધવાર સુધીમાં 83.06 લાખનો દંડ વસૂલ્યો છે.

એવી શક્યતા છે કે આ આંકડો એક-બે દિવસમાં એક કરોડ પર પહોંચી શકે છે.

જોકે, બુધવારે રાજ્ય સરકારે એમ કહીને થોડી રાહત આપી છે કે હેલ્મેટ ન પહેરવા તેમજ પીયુસી સર્ટિફિકેટ ન હોવા પર દંડની જોગવાઈ 15 ઑક્ટોબરથી લાગુ થશે.


ઇઝરાયના નવા વડા પ્રધાન કોણ હશે?

Image copyright Getty Images

ઇઝરાયલની ચૂંટણીમાં મતગણતરી બાદ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમના મુખ્ય પ્રતિદ્વંદ્વી બેની ગેન્ટ્ઝની આગેવાનીવાળા ગઠબંધનને બહુમતી મળતી જોવા મળી રહી નથી.

ઇઝરાયલમાં છેલ્લા છ મહિનામાં બીજી વખત સામાન્ય ચૂંટણી યોજાઈ છે.

સ્થાનિક મીડિયા પ્રમાણે મંગળવારના રોજ યોજાયેલા મતદાનમાં બન્ને પ્રમુખ પાર્ટીઓને એટલી બેઠકો મળી નથી કે તેઓ બહુમતી ધરાવતી સરકાર બનાવી શકે. તેવામાં સવાલ ઊઠે છે કે ઇઝરાયલના આગામી વડા પ્રધાન કોણ હશે.

નેતન્યાહુએ ગેન્ટ્ઝ સાથે ગઠબંધન સરકાર બનાવવા માટે વાતચીત શરૂ કરવા અનુરોધ કર્યો છે.

ગેન્ટ્ઝે કહ્યું છે કે તેઓ ગઠબંધનની સરકાર ઇચ્છે છે પરંતુ તે ત્યારે જ શક્ય છે જ્યારે તેનું નેતૃત્વ તેઓ જાતે કરશે.

તેમની પાર્ટીએ નેતન્યાહુ સાથે ગઠબંધન કરવાની ના પાડી દીધી છે. નેતન્યાહુ ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા છે.


નાસાને મળી વિક્રમ લૅન્ડરની તસવીર

Image copyright ISRO.GOV.IN

ચંદ્રયાન-2ના વિક્રમ લૅન્ડર સાથે સંપર્ક સાધવાની સમયસીમા સમાપ્ત થઈ રહી છે ત્યારે ડીએનએમાં પ્રકાશિત અહેવાલ અનુસાર નાસાના મૂન ઑર્બિટરે ચંદ્રના એ ક્ષેત્રની તસવીર લીધી છે જ્યાં પહોંચીને ચંદ્રયાન-2 સાથે ભારતનો સંપર્ક તૂટી ગયો હતો.

નાસાએ નિવેદન આપ્યું છે કે લ્યૂનર રિકૉનિસંસ ઑર્બિટર અંતરિક્ષયાને 17 સપ્ટેમ્બરના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવની ઘણી તસવીર લીધી છે, જ્યાં વિક્રમ લૅન્ડરે ઊતરવાનો પ્રયાસ કર્યો હતો.

હવે એક ટીમ આ તસવીરોનું વિશ્લેષણ કરશે અને જૂની તસવીરો સાથે તેની સરખામણી કરીને જોશે કે તેમાં વિક્રમ લૅન્ડર દેખાય છે કે નહીં.

અહેવાલ પ્રમાણે સપ્ટેમ્બર 21ના રોજ ચંદ્ર પર અંધકાર છવાઈ જશે જ્યારબાદ વિક્રમ લૅન્ડરને શોધવું અશક્ય બની જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો