કૉર્પોરેટ ટૅક્સમાં ઘટાડો : 'દેશ ઇવેન્ટ મૅનેજમૅન્ટથી નહીં ઇકોનૉમિક મૅનેજમૅન્ટથી ચાલે છે.'

નિર્મલા સીતારમણ Image copyright Getty Images

કૉંગ્રેસે કેન્દ્રીય કૉર્પોરેટ ટૅક્સમાં ઘટાડો કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયની ટીકા કરી છે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે.

કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ નવી દિલ્હીમાં એક પત્રકારપરિષદમાં કહ્યું," આવકવેરામાં રાહત આપવી જ હતી તો નોકરી કરતા લોકો, મિડલ ક્લાસ લોકોને ઇનકમટૅક્સમાં રાહત કેમ નથી આપી?"

તેમણે આરોપ મૂક્યો કે અર્થવ્યવસ્થાની બાબતમાં સરકાર એક કદમ આગળ અને ચાર પાછળ જાય છે અને આ રાહત ફક્ત ડગમગી રહેલા સેન્સેક્સ ઇન્ડેક્સને બચાવવામાં આપવામાં આવી છે.

આ નિર્ણયથી કૉર્પોરેટ જગતને વર્ષે 1 લાખ 45 હજાર કરોડની છૂટ આપવામાં આવી તો એ નુકસાનની ભરપાઈ દેશને કેવી રીતે થશે એનો જવાબ નાણા મંત્રી અને વડા પ્રધાને દેશને આપવો જોઈએ એવી વાત પણ તેમણે કરી.

કૉર્પોરેટ ટૅક્સમાં 7 ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે જેઓ મંદી અને ભાજપ સરકાર દ્વારા આર્થિક મિસમૅનેજમૅન્ટને કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે તેવા આવકવેરો ભરનાર સાધારણ લોકોને કેમ એક પૈસાની રાહત આપવામાં નથી આવી એવો સવાલ પણ તેમણે કર્યો.

રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું,"જો આ જ એક માત્ર માળખાકીય સુધાર અને આર્થિક દૃષ્ટિ કેન્દ્ર સરકાર પાસે રહી ગઈ છે તો પછી આ રાહત સાધારણ લોકોને કેમ આપવામાં નથી આવી રહી?"

વ્યકિતગત ઇન્કમટૅક્સ ભરનારા લોકો 30 ટકા ટૅક્સ આપશે અને હજારો-કરોડોનો નફો રળનાર કંપનીઓ 22 અને 15 ટકા ટૅક્સ આપશે આ કેવી રીતે ન્યાયસંગત અને ઉચિત વાત ગણાવી શકાય એવો સવાલ પણ રણદીપ સિંહ સુરજેવાલાએ કર્યો.

એમણે કહ્યું કે સરકાર બજેટ પાસ કરનારી સંસદની વારંવાર અવહેલના કેમ કરી રહી છે?

એમણે કહ્યું કે 70 વર્ષમાં આ એવી પહેલી સરકાર છે જે પોતે પાસ કરેલા બજેટને રદ કરી નાખે છે અથવા તો સુધારો કરી તેને પાછું લઈ લે છે. આ દેશની સંસદીય પરંપરાનું અપમાન છે.

તેમણે સવાલ કર્યો કે શું આ ટૅક્સ રાહત આપવાથી મંદી દૂર થઈ જશે?

આગળ તેમણે કહ્યું, "વડા પ્રધાન મોદીની કેન્દ્ર અને અન્ય રાજ્યોની સરકાર માત્ર ઇવેન્ટ મૅનેજમૅન્ટ અને ઇકોનૉમિક મિસમૅનેજમૅન્ટની કરે છે."

રણદીપ સિંહ સુરજેવાલાએ ઉમેર્યું, "દેશ ઇવેન્ટ મૅનેજમૅન્ટથી નહીં ઇકોનૉમિક મૅનેજમૅન્ટથી ચાલે છે."

આ અગાઉ કૉગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરીને આ જાહેરાતને અમેરિકાના હ્યુસ્ટનમાં હાઉડી મોદીના કાર્યક્રમ સાથે જોડ્યો હતો.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું, "આશ્ચર્યની વાત છે કે શેરબજારમાં ઉછાળો લાવવા માટે પોતાના #HowdyIndianEconomy કાર્યક્રમ માટે વડા પ્રધાન શું કરવા જઈ રહ્યા છે."

"1.4 લાખ કરોડ રૂપિયાથી વધારેના ખર્ચે થઈ રહેલો હ્યુસ્ટનનો કાર્યક્રમ દુનિયાનો સૌથી મોંઘો કાર્યક્રમ છે પરંતુ કોઈ પણ સમારોહ અર્થતંત્રની એ વાસ્તવિકતાને છુપાવી નહીં શકે જે હાઉડી મોદીએ ભારતમાં પેદા કરી છે."


નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

નરેન્દ્ર મોદી અમેરિકાની યાત્રા પર જઈ રહ્યા છે તે પહેલાં નિર્મલા સીતારમણની જાહેરાત સ્વાગત કર્યું.

તેમણે ટ્વીટ કર્યું, "કૉર્પોરેટટૅક્સમાં ઘટાડો એ ઐતિહાસિક નિર્ણય છે. આનાથી મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળશે, દુનિયાભરના રોકાણકારોને આકર્ષવામાં મદદ મળશે, ભારતના ખાનગી સેક્ટરની હરીફાઈની ક્ષમતા વધશે, નોકરીની તકો વધશે."

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે અર્થતંત્રને ગતિ આપવા માટે કૉર્પોરેટ ટૅક્સમાં ઘટાડાની જાહેરાત કરી છે.

તેમણે કહ્યું કે બજારમાં મુદ્રા પ્રવાહ જાળવી રાખવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

આ જાહેરાતમાં નિર્મલા સીતારમણે ઘરેલુ કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે ટૅક્સમાં ઘટાડાની જાહેરાત કરી હતી.

તેમણે કૉર્પોરેટ ટૅક્સને 30 ટકાથી ઘટાડીને 22 ટકા કર્યો છે. જોકે સરચાર્જ અને સેસ જોડાતા 25.17 ટકા જેટલો થઈ જશે.

કેન્દ્ર સરકારના આ નિર્ણયથી શેરબજારમાં 1,921 પૉઇન્ટ જેટલો ઉછાળો આવ્યો અને સેન્સેક્સ 38,014 અંક સાથે બંધ થયો.

એક સમયે સેન્સેક્સમાં 2000 અંકનો ઉછાળો જોવા મળ્યો જે પાછલા એક દાયકામાં એક દિવસમાં આવનાર સૌથી મોટો ઉછાળો છે. 550 અંક સાથે નિફ્ટીએ પણ રેકર્ડ તોડ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો