ગુજરાત રોજગારીમાં નંબર-1નો વિજય રૂપાણીનો દાવો, તો આટલા બેરોજગારો કેમ?

 • પાર્થ પંડ્યા
 • બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન,

'ગરીબી, બેકારી અને ભ્રષ્ટાચાર વિકાસને રૂંધવાનું કામ કરે છે. અને એનાં નિવારણની દિશામાં આગળ વધવા માટે ગુજરાત કટિબદ્ધ છે.'

'ગુજરાત છેલ્લા એક દાયકાથી રોજગારીનું સર્જન કરવામાં નંબર વન છે.' આ શબ્દો ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીના છે.

ગુજરાત અને દેશભરમાં મંદીની મારની બૂમો પડી રહી છે અને ઑટોમોબાઇલ, કાપડ તથા હીરાઉદ્યોગનાં યુનિટ બંધ થઈ રહ્યાં છે.

આની વચ્ચે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાતમાં બેરોજગારી ઘટી રહી છે.

શું ગુજરાત ખરેખર રોજગારીમાં નંબર વન છે? શું ગુજરાતમાં ખરેખર રોજગારીની તકો વધી રહી છે?

વિજય રૂપાણીએ શું કહ્યું?

ઇમેજ કૅપ્શન,

2011-12માં ગુજરાતમાં બેરોજગારી 0.5 ટકા હતી જે વધીને 2017-18માં 4.8 ટકા થઈ ગઈ છે.

રાજ્યવ્યાપી રોજગાર ભરતીમેળા પખવાડિયાના ભાગરૂપે 19 સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમને સંબોધતી વખતે મુખ્ય મંત્રીએ કહ્યું, "ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ઑફ ઇન્વેસ્ટમૅન્ટ બન્યું છે ત્યારે ગુજરાતમાં હજી પણ નવા રોજગારો માટે નવાં ઇન્વેસ્ટમૅન્ટ્સ અને ફેકટરીઓ આવી રહી છે."

"ગરીબી, બેકારી અને ભ્રષ્ટાચાર વિકાસને રૂંધવાનું કામ કરે છે. અને એનાં નિવારણની દિશામાં આગળ વધવા માટે ગુજરાત કટિબદ્ધ છે."

"મને એ કહેતાં આનંદ થાય છે કે છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી નવા રોજગારોના સર્જનમાં ગુજરાત નંબર વન છે."

મુખ્ય મંત્રીએ આ દાવો એ સમયે કર્યો છે કે જ્યારે નિર્મલા સીતારમણે કૉર્પોરેટ ટૅક્સ 30 ટકાથી ઘટાડીને 22 ટકા કરી દીધો છે.

'ગુજરાતમાં બંધ થઈ રહેલા ઉદ્યોગો'

ઇમેજ કૅપ્શન,

ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનાં યુનિટ બંધ થઈ રહ્યાં છે જેના કારણે કામદારો પોતાની રોજગારી ગુમાવી રહ્યા છે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણી જ્યારે મંદીને ભ્રમ માત્ર ગણાવી રહ્યા છે ત્યારે ગુજરાતી ઉદ્યોગોની શું સ્થિતિ છે એ જાણવાનો બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો.

ગુજરાતના મહત્ત્વપૂર્ણ ઉદ્યોગોની સ્થિતિ સારી નથી એવો નિષ્ણાતોનો મત છે.

'સેન્ટર ફૉર ડેવલપમૅન્ટ અલ્ટરનેટિવ્સ'નાં પ્રોફેસર ઇન્દિરા હિરવે કહે છે કે તાજેતરના સ્લૉ ડાઉનમાં ગુજરાતમાં બેરોજગારી ખૂબ વધી છે.

તેઓ કહે છે, "આ સ્લૉ ડાઉન દરમિયાન MSME એકમો, ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી, ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી, ડાયમંડ કટીંગ ઍન્ડ પૉલિશિંગ ઇન્ડસ્ટ્રીમાં બેરોજગારી વધી છે, ત્યારે એવી કઈ ઇન્ડસ્ટ્રી છે જ્યાં રોજગારી વધી એ ખ્યાલ નથી આવતો."

ગુજરાતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની સ્થિતિ કફોડી છે અને સુરત જેવાં શહેરોમાંથી કામદારો હિજરત કરી રહ્યા છે.

ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનાં યુનિટ બંધ થઈ રહ્યાં છે જેના કારણે કામદારો પોતાની રોજગારી ગુમાવી રહ્યા છે.

ગુજરાતમાં રોજગારીની સ્થિતિ

ઇમેજ કૅપ્શન,

રોજગારી મામલે જસ્ટ જોબ્સ ઇન્ડેક્સમાં ગુજરાત છઠ્ઠા ક્રમે

હાર્દિક પટેલ અને રાહુલ ગાંધીએ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને 2019ની લોકસભાની ચૂંટણી વખતે સત્તા પક્ષ ભાજપ સામે બેરોજગારીનો મુદ્દો ઉપાડ્યો હતો.

ત્યારે આંકડા જોતાં ખ્યાલ આવશે કે મુખ્ય મંત્રીના દાવા અનુસાર રોજગારીની ક્ષેત્રે ગુજરાત કેટલા ક્રમે છે?

ભારતનાં 21 રાજ્યોમાં રોજગારી અને અન્ય લાભોની સ્થિતિ અંગે જસ્ટ જૉબ્સ ઇન્ડેક્સની યાદી જાહેર કરાઈ હતી, જેમાં ગુજરાતનો ક્રમ છઠ્ઠો હતો.

આ યાદીમા ગુજરાત પહેલાં અનુક્રમે છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર અને કેરળ હતા.

વર્ષ 2010થી 2018ના આંકડાના આધારે આ અનુક્રમ તૈયાર કરવામાં આવ્યો હતો. આ યાદીમાં ભારતનાં ઉત્તર-પૂર્વનાં સાત રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો.

 • જસ્ટ જોબ્સના આ રિપોર્ટમાં રોજગારીની બાબતમાં ગુજરાતનો સ્કોર 100માંથી 76 છે. જ્યારે 95 સ્કોર સાથે છત્તીસગઢ પ્રથમ ક્રમે છે.
 • વેતનની સમાનતાને મામલે ગુજરાતનો સ્કોર 100માંથી 46 છે.
 • જ્યારે રોજગારીમાં સ્ત્રી-પુરુષ સમાનાતા મામલે 31 અને કામદારોને લાભો આપવાના મામલે 13 છે.

શું ગુજરાતમાં બેરોજગારી ઘટી છે?

વિજય રૂપાણીએ એવું પણ કહ્યું હતું કે બેરોજગારીની યાદીમાં ગુજરાત નીચે જઈ રહ્યું છે.

તાજેતરમાં 2017-18ના રોજગારીના આંકડા NSSO(નેશનલ સૅમ્પલ સર્વે ઑફ ઇન્ડિયા) દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા.

આ આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં બેરોજગારીની ટકાવારી વધી છે.

 • 2011-12માં ગુજરાતમાં બેરોજગારી 0.5 ટકા હતી જે વધીને 2017-18માં 4.8 ટકા થઈ ગઈ છે.
 • 2017-18ના આંકડા પ્રમાણે શહેરી વિસ્તારમાં બેકારીનું પ્રમાણ 5.2 ટકા અને ગ્રામ્ય વિસ્તારમાં બેકારીનું પ્રમાણ 4.3 ટકા છે.

ગુજરાતના યુવાવર્ગમાં બેકારીનું પ્રમાણ પણ વધ્યું છે.

 • ગ્રામ્ય વિસ્તારમાં યુવાવર્ગની બેરોજગારીની ટકાવારી 2011-12માં 0.8 ટકા હતી જે વધીને 2017-18માં 14.9 ટકા થઈ ગઈ છે.
 • જ્યારે શહેરી વિસ્તારમાં યુવાવર્ગની બેરોજગારી 2011-12માં 2.1 ટકા હતી જે વધીને 2017-18માં 10.7 ટકા થઈ છે.

ગુજરાતના શિક્ષિત બેરોજગાર

ઇમેજ કૅપ્શન,

NSSOના રિપોર્ટ પ્રમાણે 2017-18માં બેરોજગારીનો દર છેલ્લાં 45 વર્ષોની તુલનામાં સૌથી વધારે રહ્યો હતો.

 • ગુજરાતમાં ડિપ્લોમા કે સર્ટિફિકેટ કૉર્સ સુધીનો અભ્યાસ ધરાવતા લોકોમાં બેરોજગારીનું પ્રમાણ 30.3 ટકા છે.
 • સ્નાતક સુધીનો અભ્યાસ ધરાવતા 9.1 ટકા, અનુસ્નાસ્તક સુધીનો અભ્યાસ ધરાવતા 12.8 ટકા લોકો બેરોજગાર છે.

ઉલ્લેખનીય છે કે NSSOનો આ રિપોર્ટને નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે ફગાવી દીધો હતો.

આ રિપોર્ટ પ્રમાણે દાવો કરાયો હતો કે 2017-18માં બેરોજગારીનો દર છેલ્લાં 45 વર્ષોની તુલનામાં સૌથી વધારે રહ્યો હતો.

જે પછી જાન્યુઆરી 2019માં નીતિ આયોગના વાઇસ ચૅરમૅન રાજીવ કુમારે આ રિપોર્ટ વિશે કહ્યું હતું કે 'રિપોર્ટની ખરાઈ થઈ નથી અને આ રિપોર્ટ માટે ઉપયોગમાં લેવાયેલા ડેટાની પણ ખરાઈ થઈ નથી.'

જોકે બીજી તરફ NSSO સાથે જોડાયેલા બે અધિકારીઓએ રાજીનામાં આપતાં કહ્યું હતું કે સરકાર તેમના રિપોર્ટને જાહેર કરવાની ના પાડી રહી છે.

'ગુજરાતમાં યોગ્ય રોજગારી નથી'

ઇમેજ કૅપ્શન,

'ગુજરાતે જો રોજગારી આપવી હોય તો યોગ્ય ધોરણો પ્રમાણેની રોજગારી આપવી જોઈએ.'

ઇંદિરા હિરવે કહે છે કે ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશન(ILO)એ કહ્યું છે કે રોજગારી હોય તો યોગ્ય હોવી જોઈએ અને સામાજિક સુરક્ષા મળવી જોઈએ.

તેઓ કહે છે, "ગુજરાતમાં તેનું પ્રમાણ ઘણું ઓછું છે, કદાચ તે 7-8 ટકા છે. આ આંકડો પણ સંગઠિત ક્ષેત્રોનો છે. તાજેતરમાં વેતનના દરો ઘટ્યા છે એટલે ગુજરાતમાં યોગ્ય રોજગારી નથી."

"ગુજરાત જો રોજગારી આપવી હોય તો યોગ્ય ધોરણો પ્રમાણેની રોજગારી આપવી જોઈએ."

ઇંદિરા હિરવે કહે છે, "બાંધકામ કામદારોની સ્થિતિ અમાનવીય હોય છે. તેમને વેતન પણ ઓછું મળે છે, રહેવા-ખાવાની કોઈ યોગ્ય સુવિધા હોતી નથી."

"સ્ત્રી-પુરુષ આવક સમાનતાના મામલામાં આપણે બહું જ પાછળ છીએ અને છેલ્લાં વર્ષોમાં સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે."

ગુજરાતના ઉદ્યોગોની હાલની સ્થિતિ જોતા લાગે છે કે આગામી સમયમાં ગુજરાતમાં બેરોજગારીની સ્થિતિ વધારે આકરી બનશે.

'રોકાણ વધ્યું પણ રોજગારી ન વધી'

અતુલ કોહલી, કાંતા મુરલી અને ક્રિસ્ટોફર જૅફ્રલૉટ જેવાં રિસર્ચ-સ્કોલરે 'બિઝનેસ ઍન્ડ પોલિટિક્સ ઇન ઇન્ડિયા' નામનું પુસ્તક લખ્યું છે.

આ પુસ્તક વિશેના એક લેખમાં ક્રિસ્ટોફર લખે છે, "2009-10થી 2012-13 દરમિયાન ગુજરાત એવું રાજ્ય હતું જ્યાં ઉદ્યોગ ક્ષેત્રે સૌથી વધારે રોકાણ થયું હતું પણ તેનું રોજગારીસર્જનમાં પરિવર્તિત ન થઈ શક્યું."

તેઓ તામિલનાડુ અને ગુજરાતની તુલના કરતાં લખે છે "વર્ષ 2013માં ગુજરાતના ઉદ્યોગોનું દેશની ફિક્સ્ડ કૅપિટલમાં રોકાણ 17.7 ટકા હતું પણ તેમાંથી સર્જાતી નોકરીઓનું પ્રમાણ 9.8 ટકા હતું."

"બીજી તરફ તામિલાનડુનું દેશની ફિક્સ્ડ કૅપિટલમાં રોકાણ 9.8 ટકા હતું પણ તેમાંથી સર્જાતી નોકરીઓની ટકાવારી 16 ટકા હતી."તેમના મતે ઉદ્યોગો ગુજરાતમાં આવ્યા એની પાછળનાં વિવિધ કારણો પૈકી એક એ પણ છે કે ગુજરાતમાં સસ્તો શ્રમ ખરીદી શકાય છે.

2011ના NSSOના રિપોર્ટને ટાંકતા તેઓ લખે છે કે શહેરી વિસ્તારમાં કામ કરતા કામદારોનાં દિવસદીઠ સરેરાશ વેતન બહુ ઓછાં છે.

તે દેશની સરેરાશથી તો ઓછાં છે અને ઉત્તર પ્રદેશમાં કામ કરતા કામદારોનાં વેતન કરતાં પણ ઓછાં છે.

હીરાઉદ્યોગની ઘટતી ચમક

ઇમેજ કૅપ્શન,

કારખાનાં બંધ થયાં પછી જાણે કે રત્નકલાકારોની આત્મહત્યાનો શિરસ્તો શરૂ થઈ ગયો છે.

ગુજરાતમાં સુરતનો હીરાઉદ્યોગનું કદ એટલું મોટું હતું કે વિશ્વના 42 ટકા રફ ડાયમંડ અહીં પૉલિશ થતા હતા.

સુરત અને ભાવનગરમાં 2017માં દિવાળીની રજાઓ બાદ હીરા પૉલિશિંગનાં અનેક કારખાનાં ખૂલ્યાં જ નથી.

એ પછી સંખ્યાબંધ કારખાનાં બંધ થયાં એવા અહેવાલો સ્થાનિક અખબારોમાં પ્રકાશિત થતા રહ્યા છે.

કારખાનાં બંધ થયાં પછી જાણે કે રત્નકલાકારોની આત્મહત્યાનો શિરસ્તો શરૂ થઈ ગયો છે.

ડાયમંડ વર્કર્સ ઍસોસિએશનના અગ્રણીઓ અને સ્થાનિકો સાથેની વાતચીતના આધારે ખ્યાલ આવે છે કે અમરેલી અને ભાવનગર જિલ્લામાં 80 ટકા કારખાનાં બંધ થઈ ગયાં છે.

હીરાઉદ્યોગના 60 હજાર કામદારો બેકાર

ઇમેજ કૅપ્શન,

'2017થી અત્યાર સુધીમાં રાજ્યમાં 100થી વધારે રત્નકલાકારોએ આત્મહત્યા કરી છે'

'ગુજરાત ડાયમંડ વર્કર્સ યુનિયન'ના પ્રમુખ રણમલ જીલરિયા કહે છે કે સુરતમાં હીરા પૉલિશિંગનાં 100થી વધારે યુનિટ બંધ થઈ ગયાં છે અને 2017થી અત્યાર સુધીમાં રાજ્યમાં 100થી વધારે રત્નકલાકારોએ આત્મહત્યા કરી છે.

બિઝનેસ ઇનસાઇડર એક અહેવાલમાં લખે છે, '2018થી ગુજરાતની ડાયમંડ પૉલિશિંગ સેક્ટરના 60 હજાર જેટલા કામદારો બેકાર થઈ ગયા છે.'

બંધ થઈ ગયેલાં યુનિટના કામદારો તો બેકાર થયા જ છે, એ ઉપરાંત અનેક યુનિટમાંથી રત્નકલાકારોને છૂટા કરી દેવાયા છે એવું કામદાર મંડળોના આગેવાનો જણાવે છે.

ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પણ બેહાલ

ઇમેજ કૅપ્શન,

એપ્રિલ 2019થી જુલાઈ 2019 સુધીમાં 20 મિલોને બંધ કરવાની ફરજ પડી છે.

દેશની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં લાકો લોકો નોકરીઓ ગુમાવી ચૂક્યા છે ત્યારે ગુજરાતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની સ્થિતિ પણ કફોડી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે એપ્રિલ 2019થી જુલાઈ 2019 સુધીમાં 20 મિલોને બંધ કરવાની ફરજ પડી છે.

જે મિલોમાં કામ ચાલી રહ્યું છે તેમાં પણ અગાઉની તુલનામાં માત્ર 50-70 ટકા જેટલું જ ઉત્પાદન થઈ રહ્યું છે.

ફેડરેશન ઑફ સુરત ટૅક્સટાઇલ ઍસોસિયેશનના પ્રમુખ રંગનાથના કહેવા પ્રમાણે, 'સુરતમાં તાજેતરમાં જ 60 જેટલાં પ્રોસેસહાઉસો બંધ થઈ ગયાં છે અને ઍમ્બ્રૉઇડરીનાં 80 ટકા યુનિટ બંધ થઈ ગયાં છે.'

વણાટકામ સાથે સંકળાયેલા આશરે 40 ટકા કારીગરો પરત પોતાનાં વતન જતા રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો