TOP NEWS : ગુજરાત ભ્રષ્ટાચારની ફરિયાદના મામલે સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે

ભ્રષ્ટાચાર Image copyright Getty Images

દેશમાં ભ્રષ્ટાચારના જે ગુના નોંધાયા છે, તેમાં ગુજરાતનો ક્રમ ત્રીજો છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલમાં નીતિ આયોગના સંદર્ભ સાથે લખાયું છે કે ગુજરાતમાં એક કરોડ રહેવાસીઓ દીઠ 1,677.34 ભ્રષ્ટાચારના કેસ નોંધાયા છે.

આ યાદીમાં 2,492.45 કેસ સાથે તામિલનાડુ અને 2,489.83 કેસ સાથે ઓડિશામાં ગુજરાત કરતાં ભ્રષ્ટાચારના વધુ કેસ નોંધાવાની વાત કરાઈ છે.

ઍન્ટી-કરપ્શન બ્યુરો (એસીબી)ના આંકડા મુજબ વર્ષ 2017 કરતાં બમણા કેસ વર્ષ 2018માં નોંધાયા છે. જ્યારે 2017 કરતાં આરોપીઓની સંખ્યા ત્રણ ગણી વધીને 216થી 729 થઈ ગઈ છે.

અહેવાલમાં ભ્રષ્ટાચારના ઉદાહરણ માટે ગુજરાત સ્ટેટ લૅન્ડ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન (જીએસએલડીસી)નો કિસ્સો રજૂ કરાયો છે.

તેમાં થઈ રહેલા વ્યાપક ભ્રષ્ટાચારના પગલે નવેમ્બર 2018માં ગુજરાત સરકારે જીએસએલડીસી વિખેરી નાંખ્યું.

જીએસએલડીસી પર એસીબી દ્વારા પડાયેલા એક દરોડા દરમિયાન રૂપિયા 56 લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી.

તે ઉપરાંત જમીનકૌભાંડ, નકલી બિલ જેવી ગેરરીતીઓ અને અધિકારીઓ દ્વારા ખેડૂતો પાસેથી લાંચ લેવાની ઘટનાઓ પણ સામે આવી હતી.


વર્લ્ડ બૉક્સિંગ ચૅન્પિયનશિપમાં ભારતને પ્રથમ વખત રજતચંદ્રક

Image copyright Getty Images

વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં ભારતને પ્રથમ વખત રજતચંદ્રક મળ્યો છે.

ભારતના અમિત પંઘાલ રશિયામાં રમાઈ રહેલી વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં 52 કિલોની શ્રેણીમાં ઉઝબેકિસ્તાનના શાખોબિદીન જોઇરોવ સામે ફાઇનલ મૅચ રમ્યા.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ તેઓ ફાઇનલ મૅચ 5-0થી હાર્યા પરંતુ દેશ માટે રજતચંદ્રક મેળવનારા પ્રથમ ખેલાડી બની ગયા.

તેમના ઉપરાંત મનીષ કૌશિકે પણ આ વર્ષે કાંસ્યપદક મેળવ્યું છે.

આ પહેલાં ભારત તરફથી ચાર ખેલાડીઓ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં કાંસ્યપદક જીતી ચૂક્યા છે. વર્ષ 2009માં વિજેન્દ્ર સિંહ કાંસ્યપદક જીત્યા હતા.


ઉકાઈ ડૅમ ભયજનક સપાટીથી માત્ર બે ફૂટ દૂર

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

ઉકાઈ બંધનું જળસ્તર ભયજનક સપાટીની નજીક પહોંચી ગયું છે. શનિવારે બંધનું જળસ્તર ભયજનક સપાટીથી માત્ર બે ફૂટ જ નીચે રહ્યું હતું.

જેને પગલે વહિવટી તંત્રને તાપી નદીમાં 92,000 ક્યુસેક પાણી છોડવાની ફરજ પડી હતી.

ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ મુજબ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં ઉપરવાસમાં વરસાદ થવાથી ઉકાઈ બંધનું જળસ્તર 343.16 ફૂટ સુધી પહોંચી ગયું હતું. બંધના જળસ્તરની ભયજનક સપાટી 345 ફૂટ નક્કી કરાઈ છે.

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પાણી છોડ્યા બાદ હાલ આ બંધમાં 94 ટકા પાણી ભરેલું છે.

સુરત સિંચાઈ વિભાગના સુપરિન્ટેન્ડેન્ટ એચ. આર. મહાકાલે કહ્યું, "બંધની ઊંચાઈ 352 ફૂટની છે,તેથી અમે બંધ 345 ફૂટ સુધી ભરવાનું નક્કી કર્યું છે. તેથી હાલ ચિંતાનું કોઈ કારણ નથી. હવે ચોમાસું પૂરું થવાને માત્ર એક અઠવાડિયા જેટલો જ સમય છે, તેથી અમે મોટા પ્રમાણમાં પાણી છોડવાનું શરૂ કરી દીધું છે."


જરૂરી પગલાં લેવાનો સાઉદીનો નિર્ણય

સાઉદી અરેબિયાના વિદેશમંત્રી અદલ-અલ-ઝુબૈરે કહ્યું છે કે સાઉદી યોગ્ય તપાસ કરીને જરૂરી પગલાં લેવા તૈયાર છે. તેમના જણાવ્યા અનુસાર સાઉદીનાં તેલનાં ઉત્પાદક એકમો પર કરાયેલા હુમલામાં ઈરાનનાં શસ્ત્રોનો ઉપયોગ કરાયો હતો.

જ્યારે ઈરાને આ હુમલાની જવાબદારી સ્વીકારવા ઇનકાર કરી દીધો છે.

અમેરિકાએ કહ્યું છે કે તેઓ પોતાની સેના સાઉદી અરેબિયામાં મોકલી રહ્યું છે. તો ઈરાની સેનાના અધિકારીએ અગાઉથી જ કહી ચૂક્યા છે કે તેઓ કોઈ પણ હુમલાખોરનો નાશ કરવા માટે તૈયાર છે.

નોંધનીય છે કે 14 સપ્ટેમ્બરના રોજ સાઉદીનાં તેલનાં એકમો પર યમનના હૌથી વિદ્રોહીઓએ હુમલો કર્યો હતો.

આ વિદ્રોહીઓને ઈરાનનું સમર્થન પ્રાપ્ત છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો