પહાડની ગુફાઓમાંથી મળતી શિલાજિત ઔષધી ખાસ કેમ છે?

શિલાજિત મધ્ય એશિયાના પર્વતોમાંથી મળે છે
ફોટો લાઈન શિલાજિત મધ્ય એશિયાના પર્વતોમાંથી મળે છે

"1985ની આ વાત છે. મેં વિચાર્યું કે શિલાજિતમાં એવું તો શું છે કે લોકો થોડી પીએ છે, આખો કપ પીને જોઉં તો ખરો. કપ ભરીને હું પી ગયો કે તરત ચક્કર આવવા લાગ્યા."

"મેં તરત જ ડોલ ભરીને પાણી મારી પર રેડી દીધું અને દોડીને ડૉક્ટર પાસે પહોંચ્યો. મેં કહ્યું કે મેં એક કપ શિલાજિત પીધી છે. એટલું કહીને હું બેભાન થઈ ગયો."

"ચાર કલાક પછી હું હોશમાં આવ્યો. ડૉક્ટરે મને જોરથી થપ્પડ મારી અને કહ્યું કે બીજી વાર આવી ભૂલ કરતો નહીં."

હુંઝા ખીણના અલીઆબાદ ગામના રહેવાસી કરીમુદ્દીનની આ વાત છે.

1980થી પિતા સાથે શિલાજિત બનાવવાનો ધંધો તેઓ કરે છે. તેમના ઘરની છત પર શિલાજિત સુકાઈ રહી હતી ત્યાં તેમની સાથે અમારી વાતચીત થઈ હતી.


શિલાજિત શું છે અને કેવી રીતે બને છે?

ફોટો લાઈન પહાડોમાંથી શિલાજિત એકઠી કરવામાં આવે છે

શિલાજિત મધ્ય એશિયાના પર્વતોમાંથી મળે છે. પાકિસ્તાનમાં મોટા ભાગે ગિલગિટ-બાલ્ટિસ્તાનના પહાડોમાંથી શિલાજિત એકઠી કરવામાં આવે છે.

કરીમુદ્દીન સમજાવે છે કે પર્વતમાં બનેલી ગુફાઓમાં વર્ષો સુધી ધાતુઓ અને છોડના ઘટકો એકબીજામાં ભળી જાય તેમાંથી શિલાજિત બને છે.

અમુક વર્ષો સુધી તે આ રીતે તૈયાર થાય તે પછી તેને બહાર કાઢવામાં આવે છે.

જોકે શિલાજિત શોધવાનું કામ ધારીએ તેટલું સરળ નથી. ગગનચુંબી પહાડોની વચ્ચે ખતરનાક અને મુશ્કેલ રસ્તાઓ પરથી પસાર થઈને ગુફાઓ સુધી પહોંચવું પડે છે.

કરીમુદ્દીનના કારીગરો સૂરજ નીકળે તે પહેલાં જ શિલાજિત શોધવા માટે પર્વતો તરફ નીકળી જાય છે. શિલાજિતની શોધમાં ઘણી વાર દિવસો નીકળી જાય છે.

શિલાજિત તૈયાર થાય તે પહેલાં બે મહત્ત્વના તબક્કા હોય છે.

1. ગગનચુંબી પહાડોમાંથી શિલાજિતની શોધ

2. શિલાજિત લાવ્યા પછી તેને સાફ કરીને તૈયાર કરવાની પ્રક્રિયા


શિલાજિતની શોધ

ફોટો લાઈન ચારથી પાંચ લોકો ભેગા મળીને શિલાજિત શોધવા નીકળે છે

પહાડોની ટોચ પર જઈને શિલાજિતને શોધવાની રીત તમે જુઓ અને તમારા રૂવાડાં ઊભાં ન થઈ જાય તો તમારી હિંમતને દાદ દેવી પડે.

કેટલાક કલાકોનો પ્રવાસ કરીને હું પહાડોની ટોચ પર પહોંચ્યો ત્યારે મારી પણ આવી જ હાલત હતી.

ઉપરથી બરફથી છવાયેલાં શિખરો દેખાય, સાથે જ શિખરો વચ્ચે વસેલી હુંઝા ખીણના નયનરમ્ય દૃશ્યથી આંખો ભરાઈ જાય.

હુંઝા ખીણની આસપાસના પર્વતોમાંથી શિલાજિત શોધી લાવવાનું કામ કરનારા અહીંના ખૂણેખૂણાથી પરિચિત હોય છે.

છેલ્લાં 15 વર્ષથી આ કામ કરી રહેલા ગાઝી કરીમ કહે છે કે "શિલાજિત માટે ક્યારેક થોડા કલાકોથી માંડીને કેટલાય દિવસો સુધીની રખડપટ્ટી કરવી પડે."

પહાડોમાંથી કાચું શિલાજિત લાવીને તેને શહેરોના દુકાનદારોને વેચી દેવામાં આવે છે. દુકાનદારો તેને ખાસ પદ્ધતિથી સાફ કરીને શિલાજિત તૈયાર કરે છે અને ગ્રાહકોને વેચે છે.

સામાન્ય રીતે ચારથી પાંચ લોકો ભેગા મળીને શિલાજિત શોધવા નીકળે છે. તેમાંથી એકનું કામ ચા અને ખાવાનું બનાવવાનું હોય છે.

બાકીના લોકો ખડક પર દોરડાને ચુસ્ત રીતે બાંધે છે અને લટકાવે છે. તે પછી એક વ્યક્તિ શિલાજિત મળવાની શક્યતા હોય તે ગુફાની અંદર દોરડાના સહારે ઊતરે છે.

ગાઝી સમજાવે છે કે "અમે દૂરબીનની ગુફાઓની અંદર જોઈએ છીએ, જેથી શિલાજિત છે કે નહિ તેની ખબર પડે. નજીક ગયા પછી તેની ચોક્કસ પ્રકારની ગંધથી અમને ખબર પડી જાય."

વાતચીત કરવાની સાથે ગાઝીએ કુશળતા સાથે 90 અંશના ખૂણે ટોચ પરથી નીચે ઊતરવાનું શરૂ કર્યું.

નીચે ગુફાની અંદર ગયા પછી થોડી વાર પછી ગાઝીએ સાથીઓને જોરથી બૂમ મારીને કહ્યું કે શિલાજિત મળી ગઈ છે.

ગાઝી સમગ્ર પ્રક્રિયા સમજાવતા કહે છે, "માણસ નીચે ગુફામાં ઊતરે ત્યાં બેસવાની જગ્યા હોય છે. શિલાજિત કાઢીને તેને ગુણમાં ભરવામાં આવે છે."

"પહેલા ગુણને ઉપર ખેંચી લેવામાં આવે છે. બાદમાં અમે પોતે પણ તે દોરડાના સહારે ઉપર આવી જઈએ છીએ."

સમગ્ર કામગીરી લગભગ અડધો કલાકમાં પૂરી થઈ ગઈ.

કામના જોખમ વિશે તેઓ કહે કે "જો દોરડું બાંધતી વખતે ગાંઠ બરાબર ના લાગી હોય કે સેફ્ટી બેલ્ટ બરાબર બાંધેલો ન હોય તો ખૂલી જવાનું જોખમ રહેલું હોય છે."

જોકે ગાઝી કહે છે કે સારું છે કે આજ સુધી તેમની સાથે આવી કોઈ દુર્ઘટના થઈ નથી.

દર વખતે અલગઅલગ જથ્થામાં શિલાજિત મળતી હોય છે.

તેઓ કહે છે "આજ સુધીમાં એક વાર સૌથી વધુ 20 મણ મળી હતી. કેટલીક વાર એવું પણ બને કે ગુફામાંથી કશું ના મળે અને ખાલી હાથે પાછા આવવું પડે."


શિલાજિતને ફિલ્ટર કરવાની પ્રક્રિયા

ફોટો લાઈન કરીમુદ્દીન 1980થી આ કામ કરે છે

ગુફામાંથી મળતા પથ્થરોમાં અંદર ખાસ પદાર્થ તરીકે શિલાજિત રહેલી હોય છે. આ કારીગરો શહેરમાં જઈને દુકાનદારોને તે વેચી દે છે. દુકાનદારો તેને સાફ કરીને તેને ફિલ્ટર કરવાનું કામ કરે છે.

કરીમુદ્દીન 1980થી આ કામ કરે છે. તેઓ કહે છે કે તેમના પિતાએ સૂર્યપ્રકાશમાં ફિલ્ટર કરવાનું શરૂ કર્યું. તે રીતે તૈયાર કરેલી શિલાજિતને તેમણે 'આફતાબી શિલાજિત' નામ આપ્યું હતું.

પહાડોમાંથી લાવેલા મોટા પથ્થરોને પહેલાં તોડીને નાના-નાના ટુકડા કરવામાં આવે છે. ટુકડાઓને પાણી ભરેલી મોટી ડોલમાં નાખીને મોટા ચમચાથી તેને હલાવવામાં આવે છે.

પાણીને વલોવવામાં આવે છે, જેથી પથ્થરોમાં રહેલું શિલાજિત પાણીમાં ભળી જાય. થોડા કલાકો પછી પાણીની સપાટી પર એકઠા થયેલા કચરાને દૂર કરવામાં આવે છે.

કરીમુદ્દીન કહે છે, "આ પાણીને એક અઠવાડિયા સુધી અમે એમ જ રાખી મૂકીએ છીએ. અઠવાડિયામાં પાણીનો રંગ સાવ કાળો થઈ જાય છે. તેનો અર્થ એ કે હવે પથ્થરોમાંથી શિલાજિત પાણીમાં બરાબર ભળી ગઈ."

ફોટો લાઈન કરીમુદ્દીન શિલાજિત તૈયાર કરવાની પ્રક્રિયામાં ત્રીસથી ચાલીસ દિવસ લે છે

આ પ્રક્રિયા દરમિયાન શિલાજિત ધરાવતા પાણીમાંથી હાનિકારક પદાર્થોને દૂર કરવાનું એક મહત્ત્વનું કામ પણ હોય છે.

તેઓ કહે છે, "લોભ, ઉતાવળ અને કમાણીની લાલચમાં ઘણા લોકો આ પાણીને ફક્ત કાપડથી ગાળીને ત્રણથી ચાર કલાક સુધી જ ઉકાળે છે."

"તે રીતે પાણી જલદી ઘાટું થઈ જાય છે. તે રીતે શિલાજિત તૈયાર થઈ જાય, પણ તે ફાયદાકારક ઓછી અને નુકસાનકારક વધારે હોય છે."

કરીમુદ્દીન કહે છે કે તેના બે મોટા ગેરફાયદા છે. પ્રથમ એ કે કપડાથી ગાળ્યું હોય તેના કારણે નુકસાનકારક પદાર્થો અંદર રહી ગયા હોય. બીજું, શિલાજિતવાળા પાણીને ઉકાળીને ઘાટું કરી દેવાથી તેમાં રહેલા ફાયદાકારક ખનીજ તત્ત્વો પણ નાશ પામે છે.

કરીમુદ્દીન શિલાજિત તૈયાર કરવાની પ્રક્રિયામાં ત્રીસથી ચાલીસ દિવસ લે છે.

ફિલ્ટર કરવા માટે ખાસ મશીનનો ઉપયોગ કરે છે. તેમણે વિદેશથી આ મશીન મંગાવ્યું છે અને પોતાના હરિફોની નજરે ના ચડે તે માટે છુપાવીને રાખ્યું છે.

તેઓ કહે છે, "અમારી સફળતાનું રહસ્ય છે કે અમે શુદ્ધ શિલાજિત બનાવીએ છીએ."


શિલાજિત બનાવવાનો અંતિમ તબક્કો

ફોટો લાઈન શિલાજિતનો જથ્થો તૈયાર કરીને તેને મેડિકલ ટેસ્ટ માટે મોકલાય છે

ફિલ્ટર કર્યા પછી શિલાજિતનું પાણી કાચથી બનેલાં ખાનાંમાં રાખવામાં આવે છે. લગભગ એક મહિના સુધી પાણી સુકાતું રહે છે.

ખાનામાં શિલાજિતવાળું થોડું-થોડું પાણી ઉમેરાતું રહે છે. તે રીતે વાસણ ભરેલું રખાય છે અને તે રીતે આખરે મહિના પછી આફતાબી શિલાજિત તૈયાર થાય છે. તેને પેકિંગ કરીને દુકાનદારો સુધી પહોંચાડવામાં આવે છે.

કરીમુદ્દીન કહે છે કે તે શિલાજિતનો જથ્થો તૈયાર કર્યા પછી દરેક વખતે તેનો નમૂનો મેડિકલ ટેસ્ટ માટે મોકલે છે. તેનું સર્ટિફિકેટ શિલાજિત શુદ્ધ હોવાનું પ્રમાણ હોય છે. પ્રમાણપત્રમાં નોંધાયેલું હોય છે કે તેમાં 86 પ્રકારનાં ખનિજતત્ત્વો છે.

કરીમુદ્દીન કહે છે કે તેઓ શિલાજિત 10 ગ્રામના 300 રૂપિયાથી 600 રૂપિયા સુધીની કિંમતે વેચે છે. શિલાજિતની કિંમત તેની માંગ અને પુરવઠા પર આધારિત હોય છે. દુકાનદારો બાદમાં પોતાને ફાવે તેવી કિંમતે તેને વેચતા હોય છે.


અસલી અને નકલીની ઓળખ

ફોટો લાઈન શું ગંધથી શિલાજિતથી ઓળખ કરી શકાય?

દુકાનદારો શિલાજિતને પારખવા માટે તેના ગંધ પર આધાર રાખતા હોય છે. પરંતુ કરીમુદ્દીન કહે છે કે તે સાચી રીત નથી.

તેઓ ઉમેરે છે, "જથ્થામાં વધારો કરી દેવા ઘણા લોકો લોટમાં તેની ભેળસેળ કરતા હોય છે. લોટમાં શિલાજિતની થોડી માત્રા ઉમેરી દો તો પણ તેમાં અસલી શિલાજિત જેવી જ ગંધ આવે છે."

તેઓ કહે છે કે "અસલી શિલાજિત છે કે નહીં એ જાણવાનો સરળ ઉપાય એ છે કે દુકાનદાર પાસે મેડિકલ સર્ટિફિકેટ માગવામાં આવે. તેમાં 86 પ્રકારનાં ખનીજો છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ."


શિલાજિત વાયગ્રાની જેમ કામ કરતું નથી, પરંતુ તેના ફાયદા શું છે?

ફોટો લાઈન શિલાજિતથી શરીરની ઉષ્મા અને રક્ત પરિભ્રમણ વધે છે

કરીમુદ્દીન કહે છે, "શિલાજિત વિશે લોકોમાં ઘણી ગેરસમજ છે. હકીકતમાં તેમાં રહેલાં ખનિજો શરીરમાં રહેલી ઊણપને પૂરી કરવાનું કામ કરે છે."

"તેના કારણે શરીરની ઉષ્મામાં વધારો થાય છે અને રક્ત પરિભ્રમણ વધે છે. પરંતુ તે વાયગ્રાની જેમ કામ કરતું નથી."

ઇસ્લામાબાદમાં રહેતા ડૉ. વાહીદ મેરાજ કહે છે, "તેમાં આયર્ન, જસત, મૅગ્નેશિયમ જેવાં 85થી વધુ ખનીજપદાર્થ હોય છે. આ બધા ખનીજો માનવશરીરમાં લોહીનું પરિભ્રમણ વધારે છે અને રોગપ્રતિકારકશક્તિ વધારે છે."

તેઓ વધુમાં કહે છે, "માણસની નર્વસ સિસ્ટમને યોગ્ય રાખવામાં પણ તેનો ઉપયોગ થાય છે. તેના કારણે અલ્ઝાઇમર, ડિપ્રેશન અને માનસિક રોગો માટે ફાયદાકારક છે."

ડૉ. મેરાજ કહે છે કે "ઉંદર પર કરવામાં આવેલા ટેસ્ટમાં ખ્યાલ આવ્યો કે તેનાથી શુગર લેવલ પણ જળવાઈ રહે છે. તેના કારણે શુગરનું પ્રમાણ જાળવી રાખવા માટે પણ તે દવા તરીકે વપરાય છે."

આ ઉપરાંત હાડકાં અને સાંધા માટે પણ ખૂબ ફાયદાકારક છે એમ તેઓ કહે છે.

શિલાજિતના ઉપયોગથી થનારા નુકસાન વિશે વાત કરતાં તેઓ કહે છે કે "યોગ્ય રીતે ફિલ્ટર કરેલું ના હોય તો વધારે નુકસાન થઈ શકે છે. તેનો વધારે ઉપયોગ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે."


શિલાજિતનું યોગ્ય પ્રમાણ

ફોટો લાઈન હૃદયરોગના દર્દીઓને શિલાજિત ન લેવાની સલાહ અપાય છે

કરીમુદ્દીન કહે છે કે "સુકા ચણાના એક દાણા જેટલી જ શિલાજિત લેવી જોઈએ. ગરમ દૂધમાં ભેળવીને પીવી જોઈએ. પચાસ વર્ષથી મોટી ઉંમરના લોકો બે-ત્રણ મહિના સુધી રોજ તેને લઈ શકે છે. યુવાનોએ અઠવાડિયામાં બે દિવસથી વધુ વખત ન લેવી જોઈએ."

બ્લડપ્રેશરના દર્દીઓએ તેનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ એવી ચેતવણી તેઓ આપે છે.

"એક સાથે 86 ખનીજતત્ત્વો પેટમાં જાય ત્યારે આમ પણ બ્લડપ્રેશર વધી જતું હોય છે. તેથી પહેલાંથી જેનું બ્લડપ્રેશર વધારે હોય, તેમણે શિલાજિત બિલકુલ લેવી જોઈએ નહીં."

આ ઉપરાંત હૃદયરોગના દર્દીઓએ પણ શિલાજિત લેવી જોઈએ નહીં એમ તેઓ ઉમેરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો