અરબ સાગરમાં ફરી વાવાઝોડાની સ્થિતિ, ગુજરાતને ખતરો નહીં

વાવાઝોડું Image copyright Imd

ગુજરાત પરથી ચોમાસાની શરૂઆતમાં જ 'વાયુ' વાવાઝોડાનો ખતરો ટળ્યો હતો અને તે સૌરાષ્ટ્રના દરિયાકિનારાની એકદમ નજીકથી પસાર થયું હતું.

હવામાન ખાતાની આગાહી મુજબ ફરી અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન ઊભું થયું છે. જે સાયક્લોનમાં પરિવર્તિત થશે. જોકે, તેનો ગુજરાતને કોઈ ખતરો નથી.

આ ડિપ ડિપ્રેશન આવનારા સમયમાં સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઈને ઓમાન તરફ આગળ વધશે.

આવનારા 60 કલાકમાં ઓમાનના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે.

હાલ તે સૌરાષ્ટ્રના વેરાવળથી પશ્ચિમ દિશામાં 330 કિલોમિટર દૂર છે અને 18 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

ગુજરાતમાં ચોમાસું આ વખતે લંબાઈ શકે છે અને તે ઑક્ટોબર મહિનામાં પૂર્ણ થાય તેવી પણ શક્યતા છે.


#INDvSA: દક્ષિણ આફ્રિકા સામે ભારતનો કારમો પરાજય

Image copyright Getty Images

બેંગલુરુમાં રવિવારે રમાયેલી ત્રીજી અને અંતિમ ટી-20 મૅચમાં દક્ષિણ આફ્રિકા સામે ભારત 9 વિકેટે હારી ગયું છે. ત્રણ મૅચની આ સિરીઝ 1-1થી ડ્રો થઈ છે.

આ સિરીઝની પહેલી મૅચ વરસાદના કારણે રદ્દ થઈ હતી અને બીજી મૅચમાં ભારત જીત્યું હતું.

આ અંતિમ મૅચમાં આફ્રિકાના કૅપ્ટન ડિકોક 79 રન કરીને અણનમ રહ્યા. આફ્રિકાની માત્ર એક વિકેટ પડી, જે હાર્દિક પંડ્યાએ ઝડપી હતી.

ટૉસ જીતીને બેટિંગ માટે મેદાનમાં ઊતરેલી ભારતીય ટીમના બૅટ્સમૅન ક્રીઝ પર ટકી શક્યા નહીં. ભારત તરફથી શિખર ધવને સૌથી વધુ 36 રન કર્યા. જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ 9-9 રન જ કર્યા.

ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ 19-19 રન કર્યા અને હાર્દિક પંડ્યાએ 14 રન કર્યા હતા. ભારતે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 134 રન કર્યા. હવે ભારતની બધી જ આશાઓ ટેસ્ટ સિરીઝ પર છે. જે 2 ઑક્ટોબરના રોજ શરૂ થશે.


તો આજે જમ્મુ-કશ્મીરમાં સોનાની છતો હોત - અમિત શાહ

Image copyright Getty Images

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ છે, ત્યારે ગોરેગાંવની એક સભાને સંબોધતા ગૃહમંત્રી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે જો જમ્મુ-કશ્મીરની રાજ્ય સરકારે ફંડનો યોગ્ય ઉપયોગ કર્યો હોત તો આજે લોકોના ઘરોમાં સોનાની છતો હોત.

ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ મુજબ રવિવારે અમિત શાહે કહ્યું કે પીઓકે માટે જવાહરલાલ નહેરુ જવાબદાર છે કારણ કે 1949માં તેઓ ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે યુદ્ધવિરામ માટે સહમત થયા હતા.

નહેરુ પર આક્ષેપ મૂકતાં તેમણે કહ્યું, સરદાર પટેલે અન્ય રાજ્યોની જેમ જ કાશ્મીર સંઘ પણ ભારતને સોંપ્યો હતો. પણ નહેરુ 1948માં યુએન ચાર્ટરના અનુચ્છેદ 35 મુજબ પાકિસ્તાનના હુમલાને યુએનમાં લઈ ગયા.

જો તેમણે યુએન ચાર્ટરના અનુચ્છેદ 51નો અભ્યાસ કર્યો હોત તો પીઓકે આજે ભારતમાં હોત. નહેરુના બદલે સરદારે કાશ્મીર મુદ્દા કામ કર્યું હોત તો પીઓકે અસ્તિત્વમાં જ આવ્યું ન હોત.


ગુજરાતના ખેલાડીઓ ખેલમહાકૂંભના ઇનામોની રાહમાં

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં ત્રીજો ખેલમહાકુંભ પૂરો થયો તેને એક વર્ષ થઈ ગયું છે. જોકે, હજી પણ વિજેતા ખેલાડીઓ ઇનામ અને સર્ટિફિકેટની રાહ જોઈ રહ્યા છે.

અમદાવાદ મિરરના અહેવાલ મુજબ વિજેતા થયેલી 21 ટીમ 75 હજાર રૂપિયાથી 5 લાખ સુધીના ઇનામ અને સર્ટિફિકેટની રાહ જોઈ રહી છે.

ગયા વર્ષે જૂનથી ઑક્ટોબર દરમિયાન આ રમતો યોજાઈ હતી, જેના લગભગ 252 વિજેતાઓ છે.

ગુજરાત સરકારે રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ખેલમહાકુંભની શરૂઆત કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો