Air Force : રફાલની ફાઇટર જેટની એ ખાસિયતો જે તેને ખાસ બનાવે છે

રફાલ Image copyright Ani

વાયુસેનાદિવસ એટલે કે 8 ઑક્ટોબરના રોજ ભારતને પ્રથમ રફાલ યુદ્ધ વિમાન મળ્યું છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ફ્રાન્સમાં તેની પૂજા કરી ભારતને ફેબ્રુઆરી 2021 સુધીમાં આયોજન પ્રમાણે 18 રફાલ જેટ મળી જશે એમ પણ કહ્યું.

તેમણે પ્રથમ રફાલની ડિલવરી લેતી વખતે આજનો દિવસ ઐતિહાસિક ગણાવ્યો હતો અને તેનો શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો હતો.

ભારતને રફાલ યુદ્ધવિમાન મળી રહ્યાં છે જેને ફ્રાન્સની દસૉ કંપનીએ બનાવ્યાં છે અને તેની ખરીદીને લઈને મોટો વિવાદ પણ થયો છે.


ક્યારે થયો હતો રફાલનો કરાર?

Image copyright DASSAULT RAFALE

વર્ષ 2010માં યૂપીએ સરકારે ફ્રાન્સ સાથે ખરીદીની પ્રક્રિયા શરૂ કરી હતી. 2012થી 2015 સુધી વાતચીત ચાલતી રહી. 2014માં યૂપીએની જગ્યાએ મોદી સરકાર દેશમાં સત્તામાં આવી.

સપ્ટેમ્બર 2016માં ભારતે ફ્રાન્સ સાથે 36 રફાલ વિમાનો માટે લગભગ 59 હજાર કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2016માં કહ્યું હતું, "સંરક્ષણ સહયોગના સંદર્ભમાં 36 રફાલ યુદ્ધવિમાનોની ખરીદીને લઈને ખુશીની એ વાત છે કે બંને પક્ષો વચ્ચે કેટલીક નાણાકીય બાબતોને છોડીને સમજૂતી થઈ છે."


રફાલ પર શું છે વિવાદ?

Image copyright DASSAULT RAFALE

સપ્ટેમ્બર 2016માં આ સોદાને લઈને કૉંગ્રેસે દાવો કર્યો હતો કે યૂપીએ સરકાર વખતે એક રફાલ ફાઇટર જેટની કિંમત 600 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી હતી.

કૉંગ્રેસનું કહેવું છે કે મોદી સરકારના સમયે સોદાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું તો તેના પ્રમાણે દરેક રફાલની કિંમત 1600 કરોડ રૂપિયા થઈ ગઈ.

રફાલની ખરીદીમાં અનિયમિતતાના આરોપો લગાવતાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ શૌરી, યશવંત સિંહા અને વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં આ સોદાની સ્વતંત્ર તપાસ માટે અરજી કરી હતી.

જોકે, ડિસેમ્બર 2018માં આ મામલે કરવામાં આવેલી તમામ અરજીઓને નકારતાં કોર્ટની નજર હેઠળ તપાસની માગ પણ ફગાવી દેવાઈ.

એ બાદ પુનર્વિચાર માટેની અરજી દાખલ કરવામાં આવી. જેમાં કહેવામાં આવ્યું કે કોર્ટે આપેલા ચુકાદામાં કેટલીક તથ્યાત્મક ભૂલો છે.

એમાં એવું પણ કહેવાયું હતું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો સરકાર પાસેથી મળેલા બંધ પરબીડિયાની ખોટી જાણકારી પર આધારીત હતો. જેના પર કોઈએ સહી કરી નહોતી.

રફાલની કિંમત, તેની સંખ્યા અને અન્ય અનિયમિતતાને લઈને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું હતું, "કોર્ટનું કામ એ નથી કે તે નક્કી કરેલી રફાલની કિંમતની તુલના કરે. અમે મામલાનું અધ્યયન કર્યું, અમે સુરક્ષા અધિકારીઓ સાથે વાત કરી, અમે નિર્ણય લેવાની પ્રક્રિયાથી સંતુષ્ટ છીએ."

કોર્ટે એવું પણ કહ્યું, "અમે આ સરકારે 126 રફાલની જગ્યાએ 36 વિમાનનો જ સોદો કેમ કર્યો તેની તપાસ ના કરી શકીએ. અમે સરકારને એ ના કહી શકીએ કે તમે 126 રફાલ ખરીદો."


રફાલની ક્ષમતા પર કોઈ શંકા નહીં

Image copyright DASSAULT

ભારતીય વાયુસેનાએ રફાલને એક ખૂબ સારું યુદ્ધવિમાન દર્શાવતાં કહ્યું કે તેમાં જબરદસ્ત ક્ષમતાઓ છે.

સુરક્ષાનિષ્ણાત મારુફ રઝા કહે છે કે રફાલની ખાસિયતોને જોતાં તેને 'ફોર્સ મલ્ટીપ્લાયર' કહી શકાય.

તેઓ કહે છે કે રફાલ ભારતને મળ્યું તે સૌથી સારો નાણાકીય સોદો છે.

મારુફ રઝા કહે છે, "રફાલના મુકાબલે કોઈ યુદ્ધવિમાન સમગ્ર ભારતીય ઉપમહાદ્વીપમાં નથી. ચીન કે પાકિસ્તાન કોઈ દેશ પાસે નથી. આ જ કારણે તેના મામલે ખૂબ જ પ્રચાર થયો. તેની ખરીદીને લઈને વિવાદ થયો પરંતુ કશું સાબિત કરી શકાયું નહીં."

રઝા કહે છે, "તેની મિસાઇલ 300 કિલોમિટર દૂરથી ફાયર કરી શકાય છે. જે પોતાના ટાર્ગેટને બિલ્કુલ હિટ કરશે. રફાલની ઑપરેશનલ ઉપલબ્ધતા 65થી 70 ટકા સુધીની છે. જ્યારે સુખોઈની પચાસ ટકા સુધીની. એનો મતલબ એવો થયો કે સુખોઈનાં અડધાં વિમાન કોઈ પણ સમયે મૅન્ટેન્સમાં હોઈ શકે છે."

"આ મલ્ટીરોલ નહીં પરંતુ ઓમની રોલવાળું વિમાન છે. પહાડી વિસ્તાર કે નાની જગ્યા પર તે ઊતરી શકે છે."

સુરક્ષાનિષ્ણાત રાહુલ બેદી કહે છે કે આટલાં વિમાન પૂરતાં નથી. આપણે ગુણવતા જોઈએ છે પરંતુ સાથે સંખ્યા પણ જોઈએ છે.

જો તમે ચીન અને પાકિસ્તાનનો સામનો કરી રહ્યા છો તો તમારી પાસે યુદ્ધવિમાનોની સંખ્યા પણ જોઈએ.


રફાલ ફાઇટર જેટમાં કઈ ખૂબીઓ છે?

Image copyright DASSAULT
 • રફાલ વિમાન પરમાણુ મિસાઇલ ડિલિવર કરવામાં સક્ષમ છે.
 • દુનિયાના સૌથી સુવિધાજનક હથિયારોનો ઉપયોગ કરવાની ક્ષમતા.
 • રફાલમાં બે પ્રકારની મિસાઇલ છે. એકની રેન્જ દોઢસો કિલોમિટર અને બીજીની રેન્જ લગભગ ત્રણસો કિલોમિટર છે.
 • પરમાણુ હથિયારો સાથે રફાલ હવાથી હવામાં 150 કિલોમિટર સુધી મિસાઇલ છોડી શકે છે અને હવાથી જમીન સુધી તેની મારકક્ષમતા 300 કિલોમિટર છે.
 • રફાલ જેવું વિમાન ચીન અને પાકિસ્તાન પાસે પણ નથી.
 • ભારતીય વાયુસેનામાં ઉપયોગમાં લેવાઈ રહેલાં મિરાજ-2000નું ઍડવાન્સ વર્ઝન છે. ભારતીય ઍકફૉર્સ પાસે 51 મિરાજ -2000 છે.
 • દસૉ ઍવિએશનના જણાવ્યા પ્રમાણે રફાલની સ્પીડ મૅક 1.8 છે. એટલે કે 2020 કિલોમિટર પ્રતિ કલાક ઝડપ.
 • ઊંચાઈ 5.30 મીટર, લંબાઈ 15.30 મીટર. રફાલમાં આકાશમાં પણ ઇંધણ ભરી શકાય છે.
 • રફાલ લડાકુ વિમાનોનો અત્યાર સુધી અફઘાનિસ્તાન, લીબિયા, માલી, ઇરાક અને સીરિયા જેવા દેશોમાં લડાઈઓમાં ઉપયોગ થયો છે.
 • પૂર્વ સંરક્ષણમંત્રી મનોહર પર્રિકરે કહ્યું હતું કે રફાલનો ટાર્ગેટ સચોટ હશે. રફાલની વિઝિબિલિટી 360 ડિગ્રી હશે. પાઇલટે વિરોધીને જોવાના છે અને બસ બટન દબાવી દેવાનું છે. બાકીનું કામ કમ્યુટર કરી લેશે.
 • જોકે, ભારતને મળી રહેલા રફાલને અધિકારિક રૂપે પરમાણુ હથિયારથી સજ્જ કરવામાં આવ્યું નથી. આવું આંતરરાષ્ટ્રીય સંધિઓને કારણે કરવામાં આવ્યું છે.
 • જોકે, કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે ભારત મિરાજ -2000ની જેમ જ તેને પણ પોતાના હિસાબે વિકસિત કરી લેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ