નરેન્દ્ર મોદી-શી જિંનપિંગની મુલાકાત માટે મામલ્લપુરમની પસંદગી કેમ?

મામલ્લપુરમ Image copyright Getty Images

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મામલ્લપુરમ (મહાબલિપુરમ)માં મળી રહ્યા છે. તે સ્થળ તામિલનાડુના ચેન્નાઈની બહારના ભાગમાં દરિયાકિનારે આવેલું ઐતિહાસિક સ્થળ છે. મામલ્લપુરમ મહાબલિપુરમના નામે પણ ઓળખાય છે.

ભારતની આર્થિક રાજધાની મુંબઈને છોડીને મુલાકાત માટે કેમ મહાબલિપુરમની પસંદગી કેમ કરવામાં આવી?

મામલ્લપુરમ ચેન્નાઈના પૂર્વીય કોસ્ટ રોડ પર 62 કિલોમિટરના અંતરે આવેલું છે. અહીં યુનેસ્કોએ જાહેર કરેલી વર્લ્ડ હેરિટેજ સાઈટ પણ આવેલી છે.

પલ્લવ સમયગાળામાં અહીં એક જ પથ્થરમાંથી રથ, શિલ્પ અને ગુફામંદિર બનાવવામાં આવ્યાં હતાં. મહાબલિપુરમ તામિલનાડુનું મહત્ત્વનું પ્રવાસનસ્થળ છે.

હાલ સુધી મહાબલિપુરમમાં મુલાકાતનું સ્થળ અને ક્યાં વિસ્તારની મુલાકાત મહાનુભાવો લેવાના છે તેની જાહેરાત થઈ નથી.

તેઓ શોર મંદિર, અર્જુન તપસ્યા કરે છે તેનું નકશીકામ અને કૃષ્ણના સ્થાપત્યની મુલાકાત લઈ શકે છે.

કદાચ વીઆઈપી મુલાકાતને કારણે જ અર્જુનની તપસ્યાના નકશીકામની જાળવણીનું કામ અટકી ગયું છે.


સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ

Image copyright ARUN SANKAR

વિસ્તારમાં સુરક્ષાને ધીમેધીમે વધારવામાં આવી રહી છે. 16.5 ચોરસ કિલોમિટર વિસ્તારમાં આવેલા નગરના તમામ રસ્તાઓને રિપૅર કરવામાં આવ્યા છે.

સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તમામ મુખ્ય રસ્તાઓ પર સીસીટીવી કૅમેરા છે.

સ્થાનિક પોલીસ દ્વારા વિસ્તારની તમામ હોટલ, લૉન્જ અને રિસોર્ટમાં રહેતા લોકોની માહિતી એકઠી કરવામાં આવી છે. દરિયામાં સર્ફિંગ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

4 ઑક્ટોબરથી માછીમારોને દરિયા ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. 500 કરતાં પણ વધારે પોલીસ જવાનોને સુરક્ષાના હેતુથી તહેનાત કરવામાં આવ્યા છે.

સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે 20 સપ્ટેમ્બરના રોજ ચીનની ઍમ્બૅસીના અધિકારીઓએ મહાબલિપુરમની મુલાકાત લીધી હતી.

તમિલનાડુના મુખ્ય મંત્રી પલાનીસમી અને ઉપમુખ્ય મંત્રી ઓ. પન્નીરસેલવમે ગત બુધવારે મહાબલિપુરમની મુલાકાત લીધી અને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી.


ઐતિહાસિક મહાબલિપુરમ

Image copyright Getty Images

ઇતિહાસમાં રસ ધરાવતાં લોકો અને પ્રવાસીઓ માટે મહાબલિપુરમમાં જોવા માટે ઘણું છે.

વારાહ ગુફામંદિર

આ મંદિરમાં ઘણાં બધાં સુંદર શિલ્પો છે. વારાહનું શિલ્પ અહીં હોવાથી તેને વારાહામંદિર કહે છે.

એવું પણ માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ ભગવાન નરસિંહ માટે કરવામાં આવ્યું હતું. દીવાલ સાથે જોડાયેલા બે પૂર્ણ સ્તંભ અને બે અન્ય સ્તંભ છે.

ગર્ભગૃહ અંદર નહીં પણ બહાર છે. દીવાલમાં એક વારાહનું શિલ્પ પણ કોતરેલું છે.

અર્જુનની તપસ્યાવાળી મૂર્તિ

આ મૂર્તિ સ્થલસયના પેરુમાલ મંદિરની પાછળથી મળી આવી છે અને તે એક મોટા પથ્થર પર કોતરાયેલી છે.

જે 30 મિટર ઊંચી અને 60 મિટર પહોળી છે, તેને અર્જુનની તપસ્યા અથવા ભગીરથની તપસ્યાની કોતરણી કહેવાય છે.

રથમંદિર

સામાન્ય રીતે આ મંદિરને પાંડવોના રથમંદિરનું રૂપમાં જોવામાં આવે છે. જે એક જ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે.

ઘણા લોકોનું માનવું છે કે આ મંદિરો પાંચ પાંડવો માટે બનાવવામાં આવ્યાં હશે, પરંતુ તેમની અહીં કોઈ પ્રતિમા નથી.

એવું કહેવાય છે કે આ મંદિર શિવ, વિષ્ણુ અને કોત્રાવાઈ (દેવી)નાં છે. દરેક મંદિરની આગવી શિલ્પકળા છે.


દરિયાકાંઠે આવેલાં મંદિર

Image copyright Getty Images

મહાબલિપુરમ નામ બે કિનારા મંદિરની છબિને સ્પષ્ટ કરે છે. આ મંદિરો નરસિમ્હા બીજાએ બંધાવ્યાં હતાં, જેમને રાજસિમ્હા પણ કહેવામાં આવે છે.

જ્યારે 2004માં તામિલનાડુ સુનામીની ઝપેટમાં આવ્યું ત્યારે આ મંદિરમાં પાણી ઘૂસ્યાં હતાં, પરંતુ કોઈ નુકસાન થયું નહોતું. આ મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ પણ છે.

મહાબલિપુરમ તામિલનાડુમાં યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલાં ત્રણ વારસાસ્થળમાંનું એક છે.

તમિળ મારાબુ ટ્રસ્ટના આર. ગોપુએ કહ્યું, "તામિલનાડુના સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં મહાબલિપુરમનું સ્થાન મહત્ત્વનું માનવામાં આવે છે."

"મહાબલિપુરમ પછી, ઈંટો અને લાકડાથી બનેલાં મંદિરોને બદલે પથ્થરનાં મંદિરો બંધાવવામાં આવ્યાં હતાં."

ગોપુએ વધુમાં કહ્યું કે ભારતમાં ઘણાં ગુફામંદિરો આવેલાં છે.

ઘણાં મંદિરો એવાં છે જેને પહાડો ચીરીને બંધાવ્યાં હતાં, મહાબલિપુરમ જ એક એવું સ્થળ છે જ્યાં ભારતની આ તમામ વસ્તુઓ એક જ સ્થળે જોવા મળે છે.

એવું માનવામાં આવે છે કે આ મંદિરોનું નિર્માણ નરસિમ્હા વર્મા પ્રથમના શાસનકાળ (ઈ.સ. 630થી ઇ.સ. 680)માં કરવામાં આવ્યું હતું.

જોકે આ મંદિરોનું કામ તેમના શાસનમાં પૂર્ણ થઈ શક્યું નહોતું.

એવું માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ મહેન્દ્રવર્મન બીજા અને પરમેશ્વરવર્મનના શાસનમાં બન્યું હતું.


મહાબલિપુરમમાં મુલાકાત કેમ?

Image copyright Getty Images

તો કેમ તામિલનાડુને ભારતના કૂટનૈતિક સંબંધોમાં સ્થાન આપવામાં આવ્યું? વિદેશ મંત્રાલયે તેની કોઈ જાણકારી હાલ સુધી આપી નથી.

ગત વખતે 27, 28 એપ્રિલ, 2018માં વડા પ્રધાન મોદી અને જિનપિંગ વુહાનમાં મળ્યા હતા.

આ મુલાકાતે 2017માં ડોકલામમાં થયેલા ઘર્ષણ પછી કેટલાક મુદ્દાઓને ધીમા પાડ્યા હતા. આ પછી મિટિંગ થઈ રહી છે.

થાન્નાત્ચિ થામિઝગામના કૉ-ઑર્ડિનેટર અને પુથિયા વલ્લારસુ ચીનના લેખક આઝિ સેન્થિલનાથન કહે છે, "ભારત સાર્ક દેશો કરતાં વધારે બંગાળની ખાડીની આસપાસના દેશો પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે."

"તે બંગાળની ખાડીમાં પણ પોતાનું વર્ચસ્વ બતાવવા માગે છે. તેથી જ તેણે બંગાળની ખાડી નજીક એક વિસ્તાર પસંદ કર્યો છે."

"સંરક્ષણ એકસ્પો, તામિલનાડુમાં સંરક્ષણ કૉરિડૉરની યોજના આ તમામ તરફ ઇશારો કરે છે."

પરંતુ વરિષ્ઠ પત્રકાર આર. કે. રાધાક્રિષ્નનનો મત અલગ છે.

તેઓ કહે છે, "આ રાજકારણ છે. ભાજપ તામિલનાડુને આકર્ષવા માગે છે. આ એનો જ એક ભાગ છે."

"વડા પ્રધાન તમિળ ભાષામાં બોલે છે અને જ્યાં પણ જાય છે ત્યાં તમિળની પ્રશંસા કરે છે. આ સિવાય તામિલનાડુમાં બેઠક થવાનું કોઈ રાજદ્વારી કારણ નથી."

તેમણે વધુમાં કહ્યું, "જો ભારતે બંગાળની ખાડીમાં પોતાનું આધિપત્ય સ્થાપવું હોત તો તેમણે વિશાખાપટ્ટનમને પસંદ કરવું હતું. ત્યાં નેવીનું હેડક્વાર્ટર આવેલું છે."

"જો પાકિસ્તાન સાથે બેઠક યોજવા માટે ઉત્તરનાં રાજ્યોનો વિરોધ હોય તો દક્ષિણ ભારતની પસંદગી કરી શકાય."

તેમણે વધુમાં ઉમેર્યું કે, "કોઈ પણ કારણ વિના અહીં બેઠક થઈ રહી છે. એ દર્શાવે છે કે કેન્દ્ર સરકાર તામિલનાડુને પ્રાધાન્ય આપી રહી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ