મહારાષ્ટ્રની ચૂંટણીમાં કેટલું જોર વંશવાદના રાજકારણ પર

આદિત્ય ઠાકરે, ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ Image copyright PTI

મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં અનેક નવા યુવા ચહેરાઓ આ વખતે જોવા મળી રહ્યા છે. આ એક સારા સમાચાર છે પરંતુ મોટા ભાગના સ્થાપિત રાજકીય પરિવારમાંથી આવે છે.

આ ચૂંટણી અગાઉની ચૂંટણીઓની જેમ પરિવારોની આગામી પેઢી માટે લૉન્ચિંગ પૅડ બની ગઈ છે. મહારાષ્ટ્ર પણ વંશવાદના રાજકારણથી દૂર નથી.


પવાર અને ઠાકરે પરિવારની ત્રીજી પેઢી

Image copyright Getty Images

મહારાષ્ટ્રમાં ભારે પ્રભાવ ધરાવતાં રાજકીય પરિવારની ત્રીજી પેઢી મહારાષ્ટ્રની ચૂંટણીની સાક્ષી બનવા જઈ રહી છે.

પવાર અને ઠાકરે પરિવાર મહારાષ્ટ્રના રાજકારણમાં હંમેશાં પ્રથમ પરિવાર તરીકે ખ્યાતિ પામેલાં છે.

તેમની આજુબાજુમાં મહારાષ્ટ્રનું રાજકારણ વર્ષોથી ફરતું રહે છે.

આદિત્ય ઠાકરે શિવસેનાના સ્થાપક બાળ સાહેબ ઠાકરેના પ્રપૌત્ર છે.

ઠાકરે પરિવારમાંથી પહેલીવાર કોઈ વ્યક્તિ ચૂંટણી લડી રહી હોય તે આદિત્ય ઠાકરે છે તો તેમની સાથે જ રોહિત પવારની પણ આ પહેલી ચૂંટણી છે.

રોહિત પવાર નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ અને મરાઠાઓમાં વર્ચસ્વ ધરાવાતાં શરદ પવારના પ્રપૌત્ર છે.

શિવસેના હંમેશાં રાજ્યમાં એક શાસક પક્ષ તરીકે રહ્યો છે અને તેના સ્થાપક બાળ ઠાકરે મહારાષ્ટ્રના રાજકારણના એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિ રહ્યા છે.

પ્રાંતવાદ અને વિભાજનકારી હિંદુ રાજકારણને કારણે શિવસેનાએ મહારાષ્ટ્રમાં 1995માં મુખ્ય મંત્રીપદ મેળવ્યું અને 2014થી રાજ્ય અને કેન્દ્રમાં રહેલી ભારતીય જનતા પક્ષના નેતૃત્વવાળી એનડીએ સરકારનો ભાગ છે.

પરંતુ બાળ ઠાકરેએ ચૂંટણીના રાજકારણમાં કાયમ પોતાને 'રિમોટ કંટ્રોલ' તરીકે પોતાને પ્રસ્થાપિત કર્યા છે.

તેઓ ક્યારેય ચૂંટણી લડ્યા ન હતા. બાળ ઠાકરેના 2012માં અવસાન બાદ ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાનું નેતૃત્વ સંભાળ્યું.

ઉદ્ધવ જ નહીં પરંતુ તેમના ભત્રીજા રાજ ઠાકરેને પણ પોતાના કાકા બાળ ઠાકરેમાંથી પ્રેરણા મળી હતી.

રાજ ઠાકરેએ પણ પોતાની નવી રાજકીય પાર્ટી 'મહારાષ્ટ્ર નવનિર્માણ સેના'ની સ્થાપના કરી પરંતુ ચૂંટણી લડ્યા નહીં.

તેમણે એક વખત 2014માં પોતે ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી પરંતુ પછી લડ્યા ન હતા.

જોકે, હવે ઠાકરે પરિવારે ઐતિહાસિક નિર્ણય લઈને ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરેને ચૂંટણી લડાવવાનું નક્કી કર્યું.

આદિત્ય મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં મુંબઈની વરલી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.


આદિત્ય ઠાકરેએ પરંપરા કેમ તોડી?

Image copyright PTI
ફોટો લાઈન પિતા ઉદ્ધવની સાથે આદિત્ય ઠાકરે

ધવલ કુલકર્ણી, રાજકીય પત્રકાર છે એને તેમનું પુસ્તક 'ધ કઝીન ઠાકરેસ : ઉદ્ધવ, રાજ એન્ડ શેડૉવ્સ ઓફ ધેર સેનાઝ' તાજેતરમાં પ્રકાશિત થયું છે. તેઓ કહે છે, "તમે ભારતમાં તમામ રાજકીય પરિવારોને સમજી શકો છો પરંતુ ઠાકરે પરિવાર તે સહુથી અલગ છે."

"કરુણાનિધિ પરિવાર, મુફ્તી પરિવાર અને ગાંધી પરિવારથી વિપરિતઠાકરે પરિવાર વર્ષોથી ચૂંટણી લડવાથી દૂર રહેતો હતો. તે છતાં પણ તેણે સરકાર અને પક્ષ પર પોતાની પકડ પહેલાંથી જમાવી.

તેઓ કહે છે "ઠાકરેએ પરોક્ષ રીતે શાસન કર્યું હતું. આ દ્વિમુખી શાસનપદ્ધતિએ તેની પોતાની કેટલીક છદ્ય પરંપરાઓને બનાવી હતી."

તે વધુમાં કહે છે, "જ્યારે પહેલીવાર ભાજપ અને શિવસેનાની સરકાર સત્તા પર આવી ત્યારે બાળ ઠાકરેનો તે સમયના મુખ્યમંત્રી મનોહર જોષી સાથે સતત સંઘર્ષ ચાલતો હતો."

"જોષીના સ્થાને નારાયણ રાણેને મુખ્યમંત્રી બનાવાયા. પરંતુ રાણેને તેમના વિદ્રોહ માટે વધારે ખ્યાતિ મળી જ્યારે તેમણે 2005માં શિવસેનાને મુશ્કેલીમાં પહોંચાડી દીધું."

"એ વખતે બાળ ઠાકરેએ પોતે જેને રિમોટ કન્ટ્રોલ દ્વારા ચલાવવામાં આવી સરકાર કહી હતી તેમાં તિરાડ ઊભી થઈ.

"આનું સૌથી મોટું કારણ એ સામે આવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી સંપૂર્ણ રીતે પાર્ટીના પ્રમુખને નિયંત્રણમાં ન રહી શકે. આ રીતે આદિત્યની ચૂંટણીના મેદાનમાં એન્ટ્રી શિવસેનાના 'રિમોટ કંટ્રોલ'થી સરકાર ચલાવવાના રાજકારણનો અંત માનવામાં આવે છે."

કુલકર્ણી કહે છે, "શિવસેના આક્રમક સંસ્થા છે. જેથી ઠાકરે પરિવારના સભ્યનો સરકારમાં પ્રવેશ સરકાર સાથેના સંઘર્ષને ઘટાડશે."


નવી પેઢીને અજમાવી રહ્યો છે પવાર પરિવાર

Image copyright Getty Images

મહારાષ્ટ્રના રાજકારણમાં બહુ મહત્ત્વનું સ્થાન ધરાવતા પવાર પરિવારની પણ ત્રીજી પેઢી રાજકારણમાં આવી રહી છે.

શરદ પવારના પ્રપૌત્ર અને તેમના ભત્રીજા રાજેન્દ્ર પવારના દીકરા, રોહિત પવાર તેમની પહેલી ચૂંટણી કરજાત-જામખેડ વિધાનસભા બેઠકથી લડી રહ્યા છે.

ઠાકરે પરિવારની જેમ તેમણે ક્યારેય પણ ચૂંટણીમાં રસ ન લીધો હોય તેવું બન્યું નથી.

શરદ પવારે મહારાષ્ટ્રના રાજકારણમાં વર્ષો સુધી પોતાનું વર્ચસ્વ રાખ્યું અને પછી તેમના દીકરી સુપ્રિયા સુલે તેમની જ લોકસભા સીટ પરથી સંસદસભ્ય તરીકે ચૂંટાયાં.

આ ઉપરાંત શરદ પવારના ભત્રીજા અને એનસીપી નેતા અજિત પવાર રાજ્યના ઉપમુખ્યમંત્રી પણ બન્યા હતા.

2019ની ચૂંટણી પવાર પરિવાર માટે લૉન્ચિંગની સિઝન બની છે. અજિત પવારના દીકરા પાર્થ મે મહિનામાં ચૂંટણી લડ્યા અને હારી ગયા. હવે તેમના પ્રપૌત્રને લૉન્ચ કરાયા છે.


વંશવાદમાં ભાજપ પણ નથી પાછળ

Image copyright PANKAJA MUNDE
ફોટો લાઈન પંકજા અને પ્રતિમા મુંડે

ભારતીય જનતા પાર્ટીએ હંમેશા દાવો કર્યો છે કે તેમની પાર્ટીમાં પરિવારવાદ નથી અને તેમની પાર્ટી અલગ છે. આ મામલે તેણે કૉંગ્રેસ પાર્ટીની ઘણી ટીકા કરી છે.

જોકે, રાજકારણમાં પરિવારવાદને મામલે મહારાષ્ટ્ર ભાજપ અલગ નથી.

ભાજપે રાજકીય પરિવારમાંથી આવતાં 25 ઉમેદવારોને ટિકિટ આપી છે. પરિવારવાદના અનેક મોટા નામ ભાજપમાં છે.

ગોપીનાથ મુંડેના દીકરી પંકજા મુંડે પરાલી વિધાનસભા પરથી ચૂંટણી લડી રહ્યાં છે. તેઓ ફડણવીસ સરકારમાં બાળ અને મહિલા કલ્યાણમંત્રી હતાં.

તેમનાં બહેન પ્રિતમ બીડ લોકસભા સીટ પરથી સંસદસભ્ય છે.

ભાજપે જ્યારે તેના પીઢ નેતા એકનાથ ખડસેને ટિકિટ ન આપી ત્યારે મોટો રાજકીય ભડકો થયો હતો.

એમને ભ્રષ્ટાચારના આરોપોને લઈને મંત્રીમંડળમાંથી હઠાવવામાં આવ્યા હતા.

જોકે, ભાજપે એકનાથ ખડસેના દીકરી રોહિણી ખડસેને ટિકિટ આપી છે. ખડસેના પૂત્રવધૂ રક્ષા હાલ સંસદસભ્ય છે.

આકાશ ફુંડકર બુલઢાણાના ખામગાંવથી લડી રહ્યા છે. તેઓ પૂર્વ ભાજપના નેતા પાંડુરંગ ફુંડકરના પુત્ર છે.

નાસિક મધ્ય મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહેલાં દેવયાની ફરંડે ભાજપના પીઢ નેતા એન એસ ફરંડેના પુત્રવધૂ છે.

મહારાષ્ટ્રની અન્ય પાર્ટીઓમાંથી કેટલાંક નેતાઓ ભાજપમાં સામેલ થઈ ગયા છે. આમાં પરિવારવાદની પરંપરાને આગળ વધારનારા પણ છે.

એનસીપીના પૂર્વ નેતા અને મંત્રી રહેલાં ગણેશ નાઈક પોતાના દીકરા સંદીપ નાઈકની સાથે ભાજપમાં ભળી ગયા છે.

સંદીપને નવી મુંબઈથી ભાજપના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે બીજેપીના રાજ્યસભા સાંસદ છે. કૉંગ્રેસમાંથી ધારાસભ્ય એવા તેમના પુત્રએ ચૂંટણીના ફૉર્મ ભરવાના એક દિવસ અગાઉ ભાજપમાં પ્રવેશ કર્યો અને તેઓ હવે ભાજપના ઉમેદવાર છે.


Image copyright PTI
ફોટો લાઈન રાધાકૃષ્ણ વિખે પાટીલ

મધુકર પિચડ અને તેમનો દીકરો વૈભવ દાયકાઓ સુધી શરદ પવારના વફાદાર હતા પરંતુ હવે વૈભવ ભાજપની ટિકિટ પરથી અકોલાથી ચૂંટણી લડી રહ્યા છે.

રાણા જગજિતસિંહનો શરદ પવાર સાથે પારિવારિક સંબંધ હતો. તેઓ એનસીપીમાંથી ધારાસભ્ય હતા અને તેમના પિતા પદ્મસિંહ એનસીપીના સંસદસભ્ય હતા .

પરંતુ બંને ભાજપમાં જોડાઈ ગયા. રાણા જગજિતસિંહ ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં એક બીજો કદ્દાવર રાજકીય પરિવાર અહમદનગરનો વિખે પરિવાર છે. આ પરિવાર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છે.

રાધાકૃષ્ણ વિખે પાટિલ લોકસભાની 2019 ચૂંટણીની જાહેરાત સુધી વિધાનસભામાં કૉંગ્રેસના વિપક્ષના નેતા હતા.

તેમના દીકરા ડૉ. સુજય વિખે પાટિલ ભાજપની ટિકિટ પરથી લોકસભાની ચૂંટણી જીતી ગયા અને હવે પિતા રાધાકૃષ્ણ પણ ભાજપની ટિકિટ પરથી ચૂંટણીના મેદાનમાં છે.


કૉંગ્રેસ અને એનસીપીમાં વંશવાદ

Image copyright FACEBOOK/SUPRIYA SULE

એ વાતની સતત ટીકા કરવામાં આવી રહી છે કે કૉંગ્રેસ અને એનસીપીમાં અમુક પરિવારોનું જ પ્રભુત્વ રહ્યું છે અને એ પરિવારો પાર્ટીઓને ચલાવી રહ્યા છે.

ગઠબંધનમાં પણ જે ટિકિટો આપવામાં આવી છે એમાં વંશવાદ પર જોર આપવામાં આવે છે.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી અને કૉંગ્રેસના દિવંગત નેતા વિલાસરાવ દેશમુખના દીકરા અમિત દેશમુખ લાતૂરથી ધારાસભ્ય છે અને ફરીથી અહીંથી ચૂંટણી લડી રહ્યા છે.

પરંતુ આ ચૂંટણીમાં દેશમુખ પરિવારમાંથી તેઓ એક જ નથી. તેમના ભાઈ ધીરજ પણ લાતૂર ગ્રામીણથી ચૂંટણી લડી રહ્યા છે.

વિશ્વજીત કદમ દિવંગત કૉંગ્રેસ નેતા પતંગરાવ કદમના દીકરા છે. તે પોતાના પિતાની સીટ કડેંગાંવ-પાલુસથી ચૂંટણી લડી રહ્યા છે.

પૂર્વ કેન્દ્રિય ગૃહ મંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર શિંદેના દીકરી પ્રણતિ શિંદે સોલાપુરથી ચૂંટણી લડી રહ્યાં છે.


Image copyright PTI
ફોટો લાઈન પ્રણતિ શિંદે

ધનંજય મુંડેને ક્યારેક ગોપીનાથ મુંડેના વારસદાર તરીકે જોવામાં આવતાં હતા. પરંતુ વરિષ્ઠ મુંડેએ ભત્રીજાના સ્થાને પોતાની દીકરીને વારસદાર તરીકે પસંદ કરતાં ધનંજય એનસીપીમાં જોડાઈ ગયા.

તેઓ મહારાષ્ટ્ર વિધાનસભામાં પાર્ટીના નેતા છે અને પોતાની બહેન પંકજાની સામે એનસીપીની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.

વરિષ્ઠ એનસીપી નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ ઉપમુખ્યમંત્રી છગન ભૂજબળ યેવલાથી એનસીપીની ટિકિટ પરથી ચૂંટણીના મેદાનમાં છે તો તેમના દીકરા પંકજ એનસીપીમાંથી નંદગાવ બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે.

ધ હિંદૂના રાજકીય સંવાદદાતા આલોક દેશપાંડે કહે છે, "આનો કોઈ તોડ નથી પરંતુ તેમની જીતને કારણે જ વંશવાદનું રાજકારણ ચાલતું જ રહે છે, કોઈ પણ સત્તાધારી પાર્ટી હોય."

તે કહે છે, "જોકે આ પરિવારોની પાસે વર્ષોથી વફાદાર મતદાતા છે એટલા માટે તેમના વિસ્તારોમાં તેમનો વિરોધ થતો નથી."

"આજ કારણે દરેક પાર્ટી તેમને પોતાની તરફ ખેંચવા માંગે છે અને એ રીતે વંશવાદ ચાલ્યા જ કરે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો