'અસલમભાઈ'ના નામે દુર્ગાપૂજામાં અડચણ ઊભી કરવામાં આવી? : ફેક્ટ ચૅક

વીડિયોની તસવીર Image copyright SWARJYA

સોશિયલ મીડિયામાં દુર્ગાપૂજાના મંડપમાં અડચણ ઊભી કરનારી એક વ્યક્તિનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.

વીડિયો શૅર કરતી વખતે દાવો કરવામાં આવી રહ્યો છે કે "આ વ્યક્તિ દુર્ગાપૂજાના મંડપમાં ઘૂસીને ભજન બંધ કરાવે છે અને લોકોને કહે છે કે અહીં મોદી નહીં આવે, કૉલોનીમાં રહેવું હોય તો અસલમ ભાઈ હોય તો અસલમભાઈ કહેવું પડશે."

Image copyright TWITTER

37 સેકંડના આ વીડિયોમાં વાદળી રંગનાં જિન્સ-શર્ટ અને ટોપી પહરેલી એક વ્યક્તિ પોતાના એક સાથી સાથે દુર્ગાપૂજાના મંડપની તરફ આગળ વધે છે અને લોકોને સંગીત બંધ કરવા માટે કહે છે.

એ બાદ એ વ્યક્તિ ત્યાં હાજર લોકોને કહે છે કે "કૉલોનીમાં રહેવું હોય તો અસલમભાઈ કહેવું પડશે. અહીં મોદીજી નહીં આવે, અસલમભાઈ જ આવશે."

વાઇરલ થઈ રહેલો આ વીડિયો મુંબઈના મલાડનો હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો 50 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને 25 હજારથી વધુ શૅર કરાયો છે.

Image copyright FACEBOOK

સોશિયલ મીડિયા ઉપરાંત 'સ્વરાજ્ય' નામની એક ન્યૂઝ વેબસાઈટે પણ આ વીડિયોને સમાચાર તરીકે પ્રસિદ્ધ કર્યો છે.

Image copyright SWARJYA

બીબીસીના વાચકોએ પણ વૉટ્સઍપ દ્વારા અમને આ વીડિયો મોકલ્યો અને આ અંગે સત્ય જાણવાની ઇચ્છા વ્યક્ત કરી.

બીબીસીએ કરેલી તપાસમાં જાણવા મળ્યું કે વાઇરલ થઈ રહેલો આ વીડિયો ખોટી રીતે અને ભ્રામક સંદેશાની સાથે ફેલાવવામાં આવી રહ્યો છે.


વીડિયોનું સત્ય

Image copyright Facebook

રિવર્સ ઇમેજ સર્ચ દ્વારા ખ્યાલ આવે છે કે દુર્ગાપૂજાના મંડપમાં જે વ્યક્તિ અડચણ ઉભી કરે છે તે વ્યક્તિનું ફેસબુક પર નામ 'આશિષ સિંહ' છે.

તેની ફેસબુક પ્રોફાઈલ પર વાઇરલ થઈ રહેલો વીડિયો પણ જોઈ શકાય છે. આ વીડિયો તેમણે 8 ઑક્ટોબર, 2019ના રોજ સાંજે સાડા સાત વાગ્યે પોસ્ટ કર્યો હતો.

તેમની ફેસબુક પ્રોફાઈલ પ્રમાણે આશિષ એક જીમના માલિક છે અને સાથે જ 'યુવા એક્તા સામાજિક સંસ્થા'ના ઉપાધ્યક્ષ છે.

બીબીસીએ જ્યારે આશિષનો સંપર્ક કર્યો ત્યારે તેમણે બીબીસીને કહ્યું કે તેમનું નામ આશિષ સિંહ છે અને સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલો વીડિયો મલાડના માલોની વિસ્તારનો છે.

આશિષે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "હું પોતે એક હિંદુ છું અને વીડિયોને માત્ર મનોરંજનના હેતુથી બનાવ્યો હતો. મારા વીડિયોને કેટલાક લોકો ખોટા સંદેશ સાથે ફેલાવી રહ્યા છે, જેનાથી સાંપ્રદાયિક માહોલ બગડી શકે."

આશિષ આગળ કહે છે કે વીડિયોમાં તે જે વ્યક્તિ સાથે મંડપમાં જાય છે, તેમનું નામ નદીમ શેખ છે અને બીજી વ્યક્તિ પાસે તે 'અસલમભાઈ'નું નામ લવા માટે કહે છે, તેમનું નામ રવિશંકર દુબે છે.

આશિષે કહ્યું કે વીડિયો વાઇરલ થયા પછી તેમણે અને રવિએ એક બીજો વીડિયો સોશિયલ મીડિયો પર પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે લોકોને અપીલ કરી હતી કે તે તેમના દુર્ગાપૂજાના મંડપવાળા વીડિયોને ખોટી રીતે શૅર ન કરે.

આ પછી તેમણે 10 ઑક્ટોબરે માલવાની પોલીસ-સ્ટેશનમાં આ સંદર્ભમાં એક ફરિયાદ પણ નોંધાવી હતી.

જેમાં તેમણે લખ્યું છે- મનોરંજન અને મિત્રતામાં બનાવેલા તેમના આ વીડિયોને કેટલાક લોકો દ્વારા મહારાષ્ટ્રની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એવી રીતે ખોટા સંદેશા સાથે ફેલાવવામાં આવી રહ્યો છે કે જેનાથી ચૂંટણીમાં સાંપ્રદાયિક માહોલને બગાડી શકાય.


કોણ છે મલાડના 'અસલમભાઈ'?

આશિષે કહ્યું કે અસલમ શેખ પશ્વિમ મલાડથી કૉંગ્રેસના હાલના ધારાસભ્ય છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસની ટિકિટ પરથી મલાડની બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે.

પોલીસને આપેલા નિવેદનમાં આશિષે અસલમ શેખનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે તેમના વીડિયોને વિસ્તારના હાલના ધારાસભ્ય અસલમ શેખની વિરુદ્ધ ખોટી રીતે પ્રસ્તુત કરવામાં આવે છે. ધારાસભ્ય અસલમ શેખને આ વીડિયો સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો