Top News : નિર્મલા સીતારમણ, 'GSTમાં સમસ્યા હોય તો પણ હવે તે કાયદો છે'

નિર્મલા સીતારમણની તસવીર Image copyright Getty Images

શુક્રવારે કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓની એક બેઠક મળી હતી, જેમાં ગુડ્સ ઍન્ડ સર્વિસિઝ ટૅક્સની (GST) આવક કઈ રીતે વધારી શકાય, તે અંગે વિચારણા કરવામાં આવી હતી.

'લાઇવ મિન્ટ'ના અહેવાલ મુજબ, છેલ્લા કેટલાક મહિનાઓથી GSTમાંથી કરસ્વરૂપે કેન્દ્ર સરકારને જે આવક થઈ રહી છે, તે તેના નિર્ધારિત લક્ષ્યાંક કરતાં ઘણી ઓછી છે.

પુણે ખાતે ઉદ્યોગપતિઓ તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સાથે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મુલાકાત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું:

"હવે GSTની ટીકા ન થઈ શકે. દેશની સંસદ તથા તમામ રાજ્યોની વિધાનસભાઓએ તેને પસાર કર્યો છે. તેમાં ખામી હશે, પરંતુ માફ કરજો તે હવે દેશનો 'કાયદો' છે."

આ બાબત કેન્દ્ર સરકાર માટે ચિંતાનો વિષય છે, કારણ કે કાયદાની જોગવાઈઓ મુજબ જો GSTની આવક ઓછી હોય તો પણ તે રાજ્ય સરકારોને તેનો ફાળો આપવા માટે બંધાયેલી છે, ચાહે તેની પાસે નાણાંકીય સંસાધનો હોય કે ન હોય.


ગુજરાતમાં દારૂ સામે અભિયાન

Image copyright Getty Images

ગુજરાત પોલીસના ડીજીપી (ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ)ની કચેરીએ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનને ફૅક્સ પાઠવીને તેમના વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના વેચાણ સામે એક અઠવાડિયા સુધી કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી છે.

અંગ્રેજી અખબાર 'ટાઇમ્સ ઑફ ઇંડિયા'ના અહેવાલ મુજબ 10થી 16મી ઑક્ટોબર સુધી આ કાર્યવાહી ચાલશે.

પ્રિવેન્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચ, ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ તથા જિલ્લા-રાજ્યના મૉનિટરિંગ સૅલ આ અભિયાનમાં જોડાશે.

તાજેતરમાં રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત તથા ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી વચ્ચે રાજ્યામાં દારૂના વેચાણ મુદ્દે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું, જે બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

ડીજીપી શિવાનંદ ઝાના કહેવા પ્રમાણે, તહેવારોનો સમય છે તથા છ વિધાનસભા બેઠક ઉપર પેટા-ચૂંટણી યોજાવાની હોવાથી સાવચેતીનાં પગલાં રૂપે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


દિલ્હીમાં નવું ઍરપૉર્ટ શરૂ

દિલ્હીમાં ભારતીય વાયુદળના હિંડન ઍરબેઝ પાસે સિવિલ ઍરપૉર્ટ શરૂ કરવામાં આવ્યું છે.

અહીંથી ઉત્તરાખંડના પિથોરાગઠ તથા અન્ય શહેરો માટે વિમાનસેવા શરૂ થશે. હાલમાં એક ખાનગી કંપની દ્વારા નવ બેઠકવાળાં વિમાનોની સેવા શરૂ કરવામાં આવી છે.

ન્યૂઝ એજન્સી 'એ.એન.આઈ' અનુસાર આ ફ્લાઇટનું હવાઈભાડું રૂ. 2500 જેટલું રહેશે, આગામી દિવસોમાં આ સેવાઓને દહેરાદુન, શિમલા, હુબલી જેવાં શહેરોમાં પણ વિસ્તારવાની યોજના છે.

આ તકે ઉત્તરાખંડના મુખ્ય મંત્રી ત્રિવેન્દ્રસિંહ તથા ગાઝિયાબાદની બેઠક ઉપરથી સંસદસભ્ય જનરલ (રિટાયર્ડ) વી. કે. સિંહ પણ હાજર હતા.

માર્ચ-2018માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિંડન ખાતે નાગરિક ઉડ્ડયન સેવાઓની શરૂઆત કરી હતી, પરંતુ હાલ સુધી ત્યાંથી કોઈ ફ્લાઇટ ઊપડતી ન હતી.


ચીન ઉપરના નવા પ્રતિબંધ USએ મોકૂફ રાખ્યા

Image copyright Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમણે ચીનના સામાન ઉપર નવી જકાત લાદવાની પ્રક્રિયાને મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.

અગાઉ આવતા અઠવાડિયાથી 30 ટકા વધુ જકાત લાદવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.

ટ્રમ્પના કહેવા પ્રમાણે, 'સંધિનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે, હવે તેને લેખિતમાં લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.'

આ અહેવાલને પગલે અમેરિકાના શેરબજારમાં ઉછાળો આવ્યો હતો, પરંતુ સંધિ અંગે સ્પષ્ટતાનો અભાવ જણાતા બજાર બંધ થવાની થોડી મિનિટો પહેલાં વેચવાલી જોવા મળી હતી.

બીજી બાજુ, સંધિ માટે વાટાઘાટો કરી રહેલા ચીનના પ્રતિનિધિ લીયુ હીએ વાટાઘાટોની પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

જો, બંને પક્ષકારો સહમત થશે તો ડિસેમ્બર મહિનામાં ચીલી ખાતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તથા ટ્રમ્પ મળવાના છે, ત્યારે આ કરાર ઉપર હસ્તાક્ષર થઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો