નરેન્દ્ર મોદીની ભત્રીજીનું પર્સ ચોરાયું, 56,000ની રોકડ સહિત દસ્તાવેજો ગુમાવ્યાં

નરેન્દ્ર મોદી Image copyright Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભત્રીજી દમયંતી મોદીનું પર્સ નવી દિલ્હીમાં ચોરાઈ ગયું છે.

આ પર્સમાં 56,000 રૂપિયાની રોકડ અને પાન કાર્ડ, મતદાર કાર્ડ જેવા દસ્તાવેજો હતા.

જોકે, નરેન્દ્ર મોદીના ભત્રીજી જ ભોગ બન્યાં છે એવું નથી. આ અગાઉ દમયંતી મોદીના પિતા અને નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી પણ દિલ્હીમાં જ 30,000 રૂપિયાનો ફોન ગુમાવી ચૂક્યા છે.

દમયંતી મોદી પતિ વિકાસ મોદી અને બે દીકરીઓ સાથે અમૃતસરના પ્રવાસે ગયા હતાં.

12 ઑક્ટોબરે સાંજે 4 વાગે તેમને પાછા ગુજરાત જવાનું હતું. અમૃતસરથી દિલ્હી આવીને ફ્રેશ થવા માટે તેમણે ગુજરાતી સમાજમાં રૂમ બૂક કરાવ્યો હતો.

તેઓ સામાન ઊતારી રહ્યા હતા તે વખતે સ્કૂટી પર આવેલા બે અજાણ્યા લોકોએ તેમનું પર્સ ચોરી લીધું હતું.

આ અંગે દિલ્હી પોલીસમાં સિવિલ લાઇન્સના એસીપી અશોક ત્યાગીએ બીબીસી ગુજરાતીને કહ્યું કે આ અંગે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસની ટીમ આ કેસની તપાસ કરી રહી છે.

દમયંતી મોદી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીના દીકરી છે.

દમયંતી મોદી સુરત આરટીઓ પાસે પતિ વિકાસ મોદી અને બે દીકરીઓ સાથે રહે છે.

દમયંતી મોદી ગૃહિણી છે અને તેમના પતિ વિકાસ મોદી વેપારી છે.

નવી દિલ્હીમાં ચેઇન અને પર્સ સ્નેચિંજની ગુનાખોરી ઘણી વધારે છે. 2018ના આંકડાઓ મુજબ રાજધાનીમાં દરરોજ 18 જેટલી સ્નેચિંગની ઘટનાઓ બને છે.

2018માં સપ્ટેમ્બર સુધીમાં દિલ્હી પોલીસના આંકડાં મુજબ સ્નેચિંગની 5034 ઘટનાઓ બની હતી.


પિતા પણ બની ચૂક્યા છે ભોગ

Image copyright The India Today Group

દમયંતી મોદી સાથે બનેલી આ ઘટના બાબતે બીબીસી ગુજરાતીના સહયોદી ભાર્ગવ પરીખે એમનાં પિતા પ્રહલાદ મોદી સાથે વાતચીત કરી.

પ્રહલાદ મોદી રેશનિંગ ઍશોસિયેસનના પ્રમુખ છે.

પ્રહલાદ મોદીએ આ અંગે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે ''દિલ્હીની અંદર કાયદો અને વ્યવસ્થા નામની કોઈ ચીજ નથી. ચોરોને છૂટો દોર મળેલો છે. સામાન્ય નાગરિકની સુરક્ષા ક્યાંય નથી. દિલ્હીમાં કોઈ કોઈની વાત સાંભળતું નથી.''

એમણે કહ્યું કે ''આ પહેલાં હું ખુદ દિલ્હી હતો ત્યારે મારો 30,000 રૂપિયાનો મોબાઈલ ખોવાઈ ગયો હતો. જેની ફરિયાદ દિલ્હી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે. આમ છતાં હજી સુધી એ કેસમાં કંઈ થયું નથી.''

''મારી દીકરીના 56,000 ગયા એ પણ પરત આવે એવી શક્યતા મને લાગતી નથી કારણ કે કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે.''


પરિવારની સુરક્ષાનો સવાલ

Image copyright Getty Images

પ્રહલાદ મોદીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પોતાની અને પરિવારની સુરક્ષાનો મુદ્દો પણ ઉપસ્થિત કર્યો.

પ્રહલાદ મોદીએ કહ્યું કે તેઓ પોતે અસુરક્ષા અનુભવે છે.

એમણે કહ્યું કે ''મને અને મારા પરિવારને અગાઉ સરકારે સુરક્ષા આપેલી હતી પરંતુ 26 મે, 2019થી કોઈક અગમ્ય કારણસર તે સુરક્ષા પાછી ખેંચી લીધી છે. હું રેશનિંગના દુકાનધારકોના ઍસોસિયેશનનો પ્રમુખ છું. વારંવાર મારે દેશના અલગ અલગ વિસ્તારમાં જવાનું થાય છે.''

પોતાને અનેક પ્રકારની ધમકીઓ મળતી હોવાનો દાવો કરી તેઓ કહે છે ''હું સરકાર સામે અવાજ પણ ઊઠાવું છું. અગાઉ સુરક્ષા આપેલી હતી તો મને સલામતી લાગતી હતી પરંતુ હવે હું મારી જાતને અસલામત અનુભવું છું.''

પ્રહલાદ મોદી કહે છે ''દિલ્હીમાં મારી દીકરી અને જમાઈ સાથે જે ઘટના બની એ પછી પણ મારે વાત થયા મુજબ પોલીસ તરફથી કોઈ સરખી મદદ મળી નથી.''

જોકે, એસીપી અશોક ત્યાગીનું કહેવું છે કે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

પ્રહલાદ મોદીનું કહેવું છે કે સુરક્ષાને લીધે જ હું મારા પરિવારને બહુ જાહેરમાં લાવતો નથી અને મને હવે મારી દોહિત્રીઓની સુરક્ષાની પણ મને ચિંતા થાય છે.

પ્રહલાદ મોદી કહે છે કે ''મારે મારો 30,000નો ફોન ભૂલી દવો પડ્યો તેમ મારી દીકરીના 56,000 પણ ભૂલી જ જવા પડશે.''

તેઓ આ દિવાળી વેકેશનમાં બહાર જવાનું આયોજન કરી રહ્યા હતા પરંતુ હવે સુરક્ષાને કારણે ફેરવિચારણા કરશે એમ પણ તેમણે બીબીસીને કહ્યું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો