કાશ્મીર : નેતાઓની નજરબંધી વચ્ચે કેવી રીતે થશે સ્થાનિક ચૂંટણી?

ફારૂક અબદુલ્લા Image copyright Getty Images

એક તરફ જ્યાં કાશ્મીર ખીણમાં રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા નાનામોટા નેતાઓ નજરબંધ છે ત્યાં બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં બ્લૉક ડેવલપમૅન્ટ કાઉન્સિલ(બીડીસી)ની ચૂંટણીઓની તૈયારીઓ થઈ રહી છે.

જમ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને હઠાવાયા બાદ અહીં પહેલી ચૂંટણી યોજાશે. બ્લૉક ડેવલપમૅન્ટ કાઉન્સિલની ચૂંટણી 24 ઑક્ટોબરના રોજ થવાની છે.

બ્લૉક ડેવલપમૅન્ટ કાઉન્સિલ પંચાયતી રાજની વ્યવસ્થાનું બીજું સ્તર છે. આમાં પંચ અને સરપંચ મતદાન કરે છે.

જમ્મુ-કાશ્મીરમાં 316 બ્લૉક છે, જેમાંથી 310 બ્લૉકમાં ચૂંટણી યોજાવાની છે.

એક તરફ જ્યાં ખીણમાં રાજકીય નેતાઓ નજરબંધ છે અને ઇન્ટરનેટ સેવા ઠપ છે ત્યારે વિપક્ષ ચૂંટણીને 'લોકતંત્રની મશ્કરી' ગણાવી રહ્યો છે.

ટીકાકારોના મતે કેન્દ્ર સરકારના આ પગલાને કારણે ખીણમાં 'રાજકીય શૂન્યતા' આવશે જેનાથી લોકોની વ્યવસ્થામાં આસ્થા ઘટશે.

જમ્મુમાં કૉંગ્રેસના રવીન્દર શર્મા ફરિયાદ કરે છે, "અમે ઉમેદવાર કેવી રીતે ઊભા કરીશું? જ્યારે અમે એમનો સંપર્ક કરી શકતા નથી તો ઉમેદવારોને કેવી રીતે પસંદ કરીશું? ખીણમાં અમારા તમામ નેતા નજરબંધ છે."

ઑગસ્ટમાં રવીન્દર શર્માને પત્રકારપરિષદ યોજતાં અટકાવી દેવાયા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.

કૉંગ્રેસે આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. પાર્ટીનું કહેવું છે કે તેમના નેતાઓનો સંપર્ક કરી શકાતો નથી.

જમ્મુ અને કાશ્મીર નેશનલ પૅન્થર્સ પાર્ટીના હર્ષદેવ સિંહ કહે છે, "ઉમેદવારો અમારા ચૂંટણીચિહ્ન પર લડી શકે એ માટેના ઑથૉરિટી પત્ર અમે તેમને આપી શક્યા નથી. આ કેવી ચૂંટણી છે."

હર્ષદેવ સિંહને હાલમાં જ જમ્મુમાં '58 દિવસની નજરબંધી' બાદ મુક્ત કરવામાં આવ્યા છે.

"લોકતંત્રનો અર્થ એ છે કે રાજકીય પક્ષો અને નેતાઓને સમાન તક મળે. આ લોકશાહીની મજાક છે. આ ચૂંટણી માત્ર ઔપચારિક છે. એ દેખાડવાનો પ્રયત્ન છે કે ખીણમાં ચૂંટણી યોજાઈ રહી છે."


Image copyright Getty Images

હર્ષદેવ સિંહના કહેવા પ્રમાણે તેમનો પક્ષ ભારતીય લોકશાહીને મજબૂત કરવા માટે આ ચૂંટણીમાં ભાગ લઈ રહ્યો છે.

નેશનલ કૉંફરન્સ અને પીડીપીના નેતાઓનું કહેવું છે કે તેઓ પોતાના કાર્યકરો અને ઉમેદવારોનો સંપર્ક કરી શકતા નથી.

નેશનલ કૉન્ફરન્સના દેવેંદરસિંહ રાણાનું કહેવું છે, "જ્યારે તમામ વસ્તુઓ લૉકડાઉનમાં છે તો આ સમયે રાજકારણની વાત કરવી યોગ્ય નહીં રહે."

"આવી સ્થિતિમાં રાજકીય હલચલ કેવી રહેશે? રાજકીય હલચલ માટે એક પ્રકારનો માહોલ જોઈએ. જ્યાં સુધી રાજકીય કાર્યકરો લોકોને નહીં મળે, લોકોની ભાવનાઓ, આકાંક્ષાઓને સમજીને નેતાઓ સુધી જાણકારી નહીં પહોંચાડે, ત્યાં સુધી વ્યવસ્થા કેવી રીતે ચાલશે."

આ વચ્ચે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠન સાથે જોડાયેલાં શેહલા રશીદે સોશિયલ મીડિયા પર ચૂંટણીલક્ષી રાજકારણને ત્યજવાની જાહેરાત કરી.

તેમણે લખ્યું, "જે ચાલી રહ્યું છે તે લોકતંત્ર નથી, પરંતુ લોકતંત્રની હત્યા છે. આ કઠપૂતળી સમાન નેતાઓને બેસાડવાની યોજના છે."

કેટલાક મહિનાઓ પહેલાં શેહલા રશીદ પૂર્વ આઈએએસ અધિકારી શાહ ફૈસલની 'જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમૅન્ટ' પક્ષમાં જોડાયાં હતાં.


રાજકીય ગતિવિધિઓ પર અસર

Image copyright Getty Images

જ્યારે જમ્મુ-કાશ્મીર ભાજપના રવીન્દર રૈના માનતા નથી કે નેતાઓની ધરપકડથી ખીણની રાજકીય ગતિવિધિઓ પર અસર પડે છે.

તેઓ કહે છે, "ઘાટીમાં મુખ્ય રાજકીય પાર્ટીઓના નેતાઓ પર કોઈ કેસ દાખલ થયો નથી. માત્ર ફારૂક અબ્દુલ્લાની સામે કેસ (પબ્લિક સેફ્ટી ઍક્ટ) લગાવવામાં આવ્યો છે અને તે પણ કારણ કે ગુપ્તચર સંસ્થાઓને ડર હતો કે તેઓ નિવેદનો આપીને સ્થિતિને ખરાબ કરી શકે છે."

"આ સિવાય બાકીના નેતાઓ હાઉસ અરેસ્ટમાં છે. પ્રિવેન્ટિવ કસ્ટડીમાં છે. આમની સામે સરકારે એફઆઈઆર દાખલ કરીને તેમને જેલમાં પૂરી દીધા છે જેમ તેઓ કરતા હતા."

ખીણમાં પૂર્વ મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લા, ફારૂક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી સિવાય સજ્જાદ લોન, શાહ ફૈસલ સિવાય પણ ઘણાં નેતાઓ અને પૂર્વ ધારાસભ્ય નજરબંધ છે.

ભાજપના રવીન્દર રૈનાના કહ્યા પ્રમાણે નેતાઓને નજરબંધ કરવાનું કારણ છે કે ક્યાંક તે હાલતને ખરાબ ન કરે, જેનાથી લોકોના જીવ ન જાય.

વહીવટી તંત્રે હાલમાં જ જમ્મુમાં નેતાઓની નજરબંધી પૂર્ણ કરી દીધી હતી.

રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકાર ફારૂક ખાનને એવું કહેતા મીડિયામાં દેખાડાયા કે દરેક વ્યક્તિનું આકલન કરીને કાશ્મીરના નેતાઓને પણ નજરબંધીમાંથી મુક્ત કરવામાં આવશે.

જમ્મુના નેતાઓને શ્રીનગરમાં પાર્ટીપ્રમુખ સાથે મુલાકાત કરવાની પરવાનગી આપવામાં આવી.

નેશનલ કૉન્ફરન્સના દેવેન્દર રાણા આ પ્રતિનિધિમંડળનો ભાગ હતા. તેમણે ઓમર અને ફારૂક અબ્દુલ્લા સાથે મુલાકાત કરી.

તેમણે કહ્યું, "આ સ્થિતિને લઈને દુઃખી છે. તેમને લોકોની સ્થિતિને લઈને ચિંતા છે."

પીડીપીના પ્રતિનિધિમંડળને પણ પાર્ટીપ્રમુખ મહેબૂબા મુફ્તીને મળવાની પરવાનગી મળી, પરંતુ એક નેતા પ્રમાણે વહીવટી તંત્ર પાસેથી મળેલી પરવાનગી અને મળવાના સમયની વચ્ચે એટલો ઓછો સમય હતો કે પ્રતિનિધિમંડળના સભ્યોને એટલા સમયમાં એકઠા કરીને શ્રીનગર જવા માટે પર્યાપ્ત સમય ન હતો.

ઘણા બધા પાર્ટી કાર્યકર્તાઓ અન્ડરગ્રાઉન્ડ છે અથવા ડરેલા છે અથવા જમ્મુ સહિત બીજા વિસ્તારોમાં ભાગી ગયા છે.

નેશનલ કૉન્ફરન્સ અને પીડીપીની ઑફિસ ખાલી પડી છે.

નજરબંધ થયેલા એક સરપંચે મને શ્રીનગર હાઈકોર્ટમાં કહ્યું, "અમે સામાન્ય ચૂંટણીઓમાં વોટ આપ્યો તેનું આ પરિણામ મળ્યું."

એ સરપંચ પર પબ્લિક સેફ્ટી ઍક્ટ લાગ્યો હતો.

આ કાયદો કોઈ પણ વ્યક્તિને સુરક્ષા અંગે ભય માનીને તેની તરત જ ધરપકડ કરવાનો અધિકાર આપે છે.

ઘણા બધા લોકો ફારૂક અબ્દુલ્લાની નજરબંધી અને તેમના પર લગાવેલા પીએસએના કારણે ચિંતિંત છે.


Image copyright Getty Images

એક વ્યક્તિએ કહ્યું, "ખીણમાં ફારૂક અબ્દુલ્લા સૌથી ઊંચા કદના ભારતીય હતા, પરંતુ તેમના ઉપર પીએસએ લાગી શકે તો કાંઈ પણ થઈ શકે છે."

કેટલાક લોકોએ કહ્યું, રાજકીય નેતાઓની સાથે જે થઈ રહ્યું છે તે યોગ્ય થયું છે, કારણ કે તેમણે "પોતાની તિજોરી ભરી અને લોકોની સેવા નથી કરી."

એવા સમયે જ્યારે જમીન પર ગતિવિધિઓ અટકી ગઈ હોય, વિપક્ષના નેતા બીડીસી ચૂંટણીની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.

જમ્મુ અને કાશ્મીર નેશનલ પેન્થર્સ પાર્ટીના હર્ષદેવ સિંહ કહે છે, "ઘાટીમાં 19582 પંચ અને સરપંચની સીટ છે. જેમાં 7528 પોસ્ટ ભરાયેલી છે."

"એનો અર્થ કે 64 ટકા જગ્યાઓ ખાલી છે. જો તમારી પાસે બીડીસી ચૂંટણી માટે વોટર નથી તો વોટ કોણ નાખશે? આ ચૂંટણીની શું વિશ્વસનીયતા છે?"

ખીણમાં નેશનલ કૉન્ફરન્સ અને પીડીપીના ભવિષ્યને લઈને અટકળો થઈ રહી છે.

બંને પાર્ટીઓનું રાજકારણ જમ્મુ-કાશ્મીરની સ્વાયત્તાને સુરક્ષિત રાખવાની આસપાસ ફરતું હતું.

જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370ને હઠાવ્યા પછી બંને પાર્ટીઓના પગ નીચેથી જમીન ખસી ગઈ છે.


Image copyright Getty Images

સરકારના આ નિર્ણયના સમર્થક કહે છે કે આનાથી જમ્મુ અને કાશ્મીરમાં અબ્દુલ્લા અને મુફ્તી પરિવારનો રાજકીય દબદબો પૂર્ણ કરીને નવા રાજનેતા તૈયાર કરવામાં મદદ મળશે.

હર્ષદેવ સિંહ આ વાતથી એકમત થતા નથી.

તેઓ કહે છે, "કોઈ રાજકીય પક્ષને ચલાવવા માટે કોને રાખવા, બંધારણે આ અધિકાર પાર્ટી અથવા તેના નેતાઓને આપ્યો છે. લોકો નિર્ણય કરે કે પાર્ટીને વોટ આપવો કે નથી આપવો."

"જો તેમને લાગે કે ખોટું કર્યું છે તેમની સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરો. પછી તમે તેમને કહો છો કે અમે તેમને ચૂંટણી લડવા નહીં દઈએ તો આપ જમ્મુ અને કાશ્મીરની અંદર કઈં રાજ્યવ્યવસ્થા ચલાવી રહ્યા છો?"

ડૉક્ટર નૂર મોહમ્મદ બાબા સેન્ટર યુનિવર્સિટી ઑફ કાશ્મીરના પોલિટિક્સ અને ગવર્નન્સ વિભાગમાં ભણાવે છે. તેઓ જમ્મુ-કાશ્મીરમાં "અરાજક્તા"ની ચેતવણી આપી રહ્યા છે.

"એવું લાગી રહ્યું છે અહીં લોકો પર થોપવાની યોજના છે. આનાથી લિડરશિપ નહીં થાય. આ એક દમનકારી રીત હશે. જેનાથી લોકોમાં ઘૃણા, બંડ, ગુસ્સો અને અવિશ્વાસ ઊભો થશે."

સ્થાનિક ભાજપના નેતાઓનો દાવો છે કે બીડીસી ચૂંટણીઓથી ખીણમાં નવા નેતા આવશે.

ભાજપના રવીન્દર રૈના કહે છે, "કાશ્મીરમાં કોઈ રાજકીય શૂન્ય નથી. અહીં હજારોની સંખ્યામાં પંચ અને સરપંચ છે. પછી બ્લૉક ડેવલપમૅન્ટ પ્રમુખની ચૂંટણી થશે..."

"જે જીતશે તેને કૅબિનેટ રૅન્ક મળશે. રાજકીય પાર્ટીઓની ગતિવિધિઓ ચાલુ છે."


શું આ સરળ હશે?

Image copyright Getty Images

ડૉક્ટર નૂર મોહમ્મદ બાબા કહે છે, "નેતા એક વ્યવસ્થામાંથી બહાર આવે છે. નેતા લોકોને એકઠા કરે છે, તેમની સમસ્યાઓ સાંભળે છે, તેમની સાથે જોડાય છે અને પછી વિશ્વાસનો સંબંધ બને છે. એવું થવામાં વર્ષો, દાયકાઓ લાગી જાય છે."

તેઓ કહે છે, "એ જરૂરી છે કે એક રાજકીય આંદોલનને ઊભરવા માટે આઝાદ નિષ્પક્ષ માહોલ હોય તો લોકોને સાથે લાવી શકાય, લોકોને પાસે લાવી શકાય અને લોકોનો ભરોસો મેળવી શકાય."

"વિશ્વાસ લાંબા સમયના સંબંધથી ઉદ્દભવે છે."

જમ્મુ-કાશ્મીરમાં ભાજપ 290 બ્લૉક્સમાં ચૂંટણી લડી રહ્યું છે. બાકી સીટો પર પાર્ટી અપક્ષ અથવા બીજા ઉમેદવારને સમર્થન કરી રહી છે.

હર્ષદેવ સિંહ કહે છે, "માત્ર એક જ પાર્ટી દરેક જગ્યાએ જઈ રહી છે અને તે છે ભાજપ. પાર્ટી એ ઇમ્પ્રેશન આપી રહી છે કે એકમાત્ર ભાજપ જ ચૂંટણી લડી રહી છે."

ભાજપના નેતા આને "બહાનું" કહે છે.

રવીન્દર રૈના કહે છે, "એનસી અને પીડીપીએ પંચાયતની ચૂંટણીઓનો બહિષ્કાર કર્યો હતો. એટલા માટે તેમની પાર્ટીઓના પંચ અને સરપંચ ન બન્યા."

"હવે તેમને ખ્યાલ છે કે તે બીડીસી ચૂંટણી નહીં જીતે. એટલા માટે આ પાર્ટી બહાનાં શોધી રહી છે."

"અમને અમારા નેતાઓના સંપર્કમાં કોઈ સમસ્યા થઈ રહી નથી. લૅન્ડલાઈન છે. અમારી રાજકીય ગતિવિધિઓ ચાલુ છે."

"અમે અમારા લોકોના સંપર્કમાં છીએ. મેં કાશ્મીરના તમામ જિલ્લાનો પ્રવાસ કર્યો છે. અમે ત્યાં કાર્યકર્તાઓની સાથે મિટિંગ કરી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ