પશ્ચિમ બંગાળ : મુર્શીદાબાદના ટ્રિપલ મર્ડરમાં RSS એંગલ? - ગ્રાઉન્ડ રિપોર્ટ

રવિ પ્રકાશ Image copyright RAVI PRAKASH/BBC

મુર્શીદાબાદ જિલ્લાથી 12 કિલોમિટર દૂર આવેલા જિયાગંજમાં વસેલા એક પરિવારના ત્રણ સભ્યોની હત્યાને લઈને ઇન્ટરનેટ પર ભારે ચર્ચા છે. પોલીસનો દાવો છે કે તેમને મર્ડરનો ભએદ ઉકેલી લીધો છે.

એક તો જે રીતે ઘરમાં ઘૂસીને ત્રણ લોકોની હત્યા કરવામાં આવી છે એ કારણે અને મૃતક શિક્ષકને આરએસએસ સાથે જોડાયેલા હોવાનું કહેવાઈ રહ્યું છે.

પશ્વિમ બંગાળ પોલીસે આ હત્યાકાંડને ઉકેલવાનો દાવો કરતા કહ્યું કે આ હત્યાઓ પૈસાના વિવાદના કારણે કરવામાં આવી છે. આ હત્યા પાછળ રાજકીય કે ધાર્મિક કારણ ન હોવાનું પણ પોલીસે જણાવ્યું છે.

આ હત્યાકાંડની સાથે જોડાયેલા અનેક સવાલોના જવાબ મળ્યા નથી.

કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મૃતક બંધુપ્રકાશ પાલના પિતા અમર પાલનો પણ સમાવેશ થાય છે.

ધરપકડ કરાયેલી વ્યક્તિમાંથી કોઈ પણ વ્યક્તિ બિનહિંદુ નથી. પોલીસનું કહેવું છે કે "ધરપકડ કરાયેલા કેટલાક લોકોને પૂછપરછ કરીને છોડી દેવાશે."


ટ્રિપલ મર્ડરની પાછળ પૈસાનો વિવાદ : પોલીસ

Image copyright Ravi prakash

મુર્શીદાબાદ પોલીસે એક પ્રેસ કૉંફરન્સમાં કહ્યું કે આ મામલામાં શાહપુર બરલા ગામના એક યુવાન ઉત્પલ બેહરાની ધરપકડ કરવામાં આવી છે. જેને મુખ્ય આરોપી માનવામાં આવે છે.

મુર્શીદાબાદના એએસપી મુકેશ કુમારે એક પ્રેસ કૉંફરન્સમાં કહ્યું, "બંધુ પ્રકાશ પાલ પ્રાથમિક શાળામાં ભણાવવાની સાથે અનેક પ્રકારની વીમા કંપનીઓની સાથે કામ કરતા હતા."

"આ સિવાય તે એક નેટવર્કિંગ કંપની ગ્રીન ક્લોરીની સાથે પણ જોડાયેલા હતા. આ કંપની લૉન અપાવતી હતી. તે શૅરબજાર અને મ્યુચ્યુઅલ ફંડના બિઝનેસમાં પણ હતા."

"10 ઑક્ટોબરે રામપુર હાટમાં સ્ટૉક ગુરુ નામની એક ઑફિસ પણ ખોલવાના હતા. તેના બે દિવસ પહેલાં જ તેમની હત્યા કરવામાં આવી છે."

પોલીસે દાવો કર્યો છે કે આ ઘટનામાં તેમણે પોતાના ગામ અને બીજા ગામના ઘણાં લોકો પાસેથી પૈસા લીધા હતા.

એએસપી મુકેશ કુમારે કહ્યું, "તેમણે કેટલાક લોકો પાસેથી પૈસા લીધા પરંતુ પોતાની પાસે રાખી લીધા. આ કારણે લોકો અને તેમની વચ્ચે મતભેદ ઉભા થયા હતા અને તેમના માથે ઘણું દેવું હતું."


'પડોશીઓએ ભાગતા જોયા'

એએસપીએ આ પણ કહ્યું, "બંધુ પ્રકાશ પાલે પોતાના ગામ શાહપુર-બરલાના માધવ બેહરાના દીકરા ઉત્પલ બેહરા પાસેથી પણ પૈસા લીધા હતા. આ છતાં બે હપતા જમા નહોતા કરાવ્યા."

"બંધુ પ્રકાશ પાલ પાસે બેહરાએ પોતાના પૈસા માગ્યા, પરત ન કરતાં તેમણે પ્રકાશ પાલની હત્યા કરવાની યોજના બનાવી."

એએસપીએ કહ્યું, "ઉત્પલને જિયાગંજ સ્થિત પ્રકાશ પાલના ઘરના લોકેશનની જાણકારી નહોતી. તે પાંચ ઑક્ટોબરે જિયાગંજ સદર ઘાટ ખાતે આવેલાં પોતાની બહેનના ઘરે ગયા પરંતુ પ્રકાશ પાલના ઘરનો ખ્યાલ આવ્યો ન હતો."

"આ પછી સાત ઑક્ટોબરે પણ રેકી કરાવામાં આવી અને ઘરનું ઠેકાણું મેળવી લીધું."

એએસપીને કહ્યું, "બીજા દિવસે ઉત્પલ તેમના ઘરે ગયા. બંધુ પ્રકાશ પાલે દરવાજો ખોલ્યો. આ પછી તરત બંધુ પ્રકાશ પાલ પર પાછળથી હુમલો કરીને તેમની હત્યા કરી દીધી."

"બીજા રૂમમાં જઈ તેમનાં પત્નીને મારી. છેવટે દીકરા આર્યપાલની પણ હત્યા કરી દીધી. આ દરમિયાન બંધુ પ્રકાશ પાલના પડોશીઓએ તેને ભાગતા જોયા હતા."

પોલીસનો દાવો છે કે ઘણા પુરાવાઓના આધારે ઉત્પલ બેહરાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે, "તેણે પોતાનો ગુનો કબૂલ્યો છે. સદર સ્ટેશનના સીસીટીવી ફુટેજ અને મોબાઈલ ફોનની ડિટેઇલ પણ જોવામાં આવી છે."

'આરએસએસ સાથે સંબંધ નથી'

Image copyright Ravi Prakash/BBC

મૃતકનાં માતાનો દાવો છે કે બંધુપ્રકાશ પાલનો સંબંધ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અથવા ભારતીય જનતા પાર્ટી સાથે નહોતો.

એવામાં આ રહસ્ય વધારે ગંભીર બની રહ્યું છે કે બંધુપ્રકાશ પાલ, તેમનાં ગર્ભવતી પત્ની બ્યૂટી પાલ અને સાત વર્ષના દીકરા આર્ય પાલની હત્યા કોણે કરી અને શા માટે કરી?

પોલીસને શંકા છે કે આ ત્રણેયના હત્યાકાંડનું કારણ રાજકીય નહીં પણ વ્યક્તિગત છે.

પશ્વિમ બંગાળ પોલીસના એડીજી (લૉ ઍન્ડ ઑર્ડર) જ્ઞાનવંત સિંહે બીબીસીને કહ્યું કે, "હાલ સુધીની તપાસમાં એ વાત સ્પષ્ટ થઈ છે કે આ ટ્રિપલ હત્યાકાંડનું કારણ રાજકીય અથવા ધાર્મિક નથી, જેવો કે સોશિયલ મીડિયા પર પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે."

મૃત્યુ પામેલા બંધુપ્રકાશ પાલ વ્યવસાયે શિક્ષક હતા. તે ઇન્સ્યૉરન્સ અને ચેઇન માર્કેટિંગનું કામ પણ કરતા હતા.

પોલીસને લાગતું હતું કે તેમની હત્યાનું કારણ ફાઇનાન્સિયલ અથવા પારિવારિક હોઈ શકે છે. પોલીસ હાલ તમામ વિષયોની તપાસ કરી રહી છે.


સીઆઈડી પણ સહયોગ કરી રહી છે

Image copyright RAVI PRAKASH/BBC
ફોટો લાઈન હત્યાકાંડના આરોપીઓને પકડવાની માગ કરતું એક પોસ્ટર

સીઆઈડીની એક ટીમે રવિવારે સાગરદિધી પોલીસ સ્ટેશનના શાહપુર-બરલા ગામમાં મૃતકનાં માતા વાતચીત કરી.

એ ટીમના સભ્યો ત્યાંથી 19 કિલોમિટર દૂર જિયાગંજ પોલીસ સ્ટેશનના લેબુબગાન સ્થિત તે ઘરમાં પણ ગયા, જ્યાં બંધુપ્રકાશ પાલ, તેમનાં પત્ની અને બાળક સાથે રહેતા હતા.

તેમણે દોઢ વર્ષ પહેલાં જ પોતાનું ઘર બનાવ્યું હતું. ત્યારથી તેઓ પોતાનાં માતાના ગામ શાહપુર-બરલાથી અહીં આવીને રહેવા લાગ્યા હતા.

જોકે તેઓ રોજ ટ્રેનથી પોતાના ગામ બારલા જતાં હતા, જેથી ત્યાંની પ્રાથમિક શાળામાં ભણાવી શકે.

તે સ્કૂલ તેમનાં માતાના ઘરેથી થોડાંક જ ડગલાં દૂર છે. ત્યાં ભણાવ્યા પછી તેઓ દરરોજ સાંજે પોતાના ગામ જિયાગંજમાં પરત ચાલ્યા જતા. જેથી પત્ની અને એકમાત્ર દીકરા સાથે રહી શકે.

આ વચ્ચે મુર્શીદાબાદના એસપી મુકેશ કુમારે દાવો કર્યો છે કે પોલીસને ઘણા પુરાવાઓ મળ્યા છે. તેઓ કહે છે કે તેની તપાસ ચાલી રહી છે અને બહુ જલદી કેસની ગૂંચ ઉકેલી નાખવામાં આવશે.

મુકેશ કુમારે કહ્યું, "અમને મૃતકનો સંબંધ ભાજપ અથવા આરએસએસ સાથે હોવાના હાલ સુધી કોઈ પણ પુરાવા મળ્યા નથી. એવું લાગી રહ્યું છે કે આ વાતનો ખોટી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે."


શું સાચું અને શું ખોટું?

Image copyright RAVI PRAKASH /BBC
ફોટો લાઈન પ્રતાપ હાલદાર (ડાબે અને સફેદ શર્ટમાં), બીજેપીના મંડળ અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીના જિયાગંજ મંડળના અધ્યક્ષ પ્રતાપ હાલદાર લેબુબગાન વિસ્તારમાં બંધુપ્રકાશ પાલના પડોશી છે.

તેમણે બીબીસીને કહ્યુ કે "બંધુપ્રકાશ ભાજપના કાર્યકર્તા નહોતા, પરંતુ લોકો કહી રહ્યા છે કે તેઓ આરએસએસથી જોડાયેલા હતા."

આનો કોઈ પુરાવો છે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, "આરએસએસની શાખાઓનું કોઈ રજિસ્ટર હોતું નથી. જોકે પુરાવો આપવો અસંભવ છે કે તે સંઘની શાખામાં જતા હતા કે નહીં. જોકે આ વાત સંઘના લોકો વધારે કહી શકશે."


પાક્કી રીતે કહેવું મુશ્કેલ

Image copyright RAVI PRAKASH/BBC

આરએસએસના મુર્શીદાબાદ જિલ્લાના પ્રમુખ સમર રાયે બીબીસી સાથેની વાતચીતમાં દાવો કર્યો છે કે બંધુપ્રકાશ પાલ સંઘના સ્વયંસેવક હતા અને જિયાગંજવાળા તેમના ઘરમાં સંઘની કેટલીક બેઠકો પણ યોજાઈ હતી. પરંતુ તેમની બંધુપ્રકાશ સાથે કોઈ મુલાકાત થઈ નહોતી.

સમર રાયે બીબીસીને કહ્યું, "તેમણે મારી સાથે સંઘની કોઈ મિટિંગમાં અથવા શાખામાં ભાગ લીધો ન હતો. પરંતુ મને સંઘના કેટલાક સ્વયંસેવકોએ કહ્યું કે બંધુપ્રકાશ પાલ અમારી શાખામાં આવતા હતા."

"આ આધારે અમે લોકો તેમની સ્વયંસેવક હોવાની વાત કરી રહ્યા છીએ, પરંતુ અમારી પાસે તેમની કોઈ તસવીર કે દસ્તાવેજીકરણ નથી."

મૃતક બંધુપ્રકાશ પાલનાં માતા માયા પાલના એકમાત્ર પુત્ર હતા. તેમનાં માતા હાલ 70 વર્ષનાં છે.

માયા પાલ પોતાના સાત ભાઈબહેનોમાં સૌથી મોટાં છે. લગ્નનાં કેટલાંક વર્ષો પછી જ તેમણે પોતાના પતિનો સાથ છોડી દીધો હતો.

આ પછી તેઓ પોતાના પિયર શાહપુર-બરલા આવી ગયાં અને પોતાના ભાઈના ઘરે રહેવાં લાગ્યાં.

અહીં રહેતાં તેમણે પોતાના દીકરા બંધુપ્રકાશ, તેમનાં જોડિયા બહેન બંધુ પ્રિયા અને મોટાં દીકરી બંધુ પ્રીતિને ઉછેર્યાં. હવે આ બંનેનાં લગ્ન થઈ ગયાં છે.

તેમનાં નાનાં દીકરી બંધુ પ્રિયાનું ઘર પણ જિયાગંજના આ મહોલ્લામાં છે, જ્યાં બંધુપ્રકાશે નવું ઘર બનાવીને રહેવાનું શરૂ કર્યું હતું.

જોકે પછીનાં વર્ષોમાં તેમણે પોતાના ભાઈના ઘરથી થોડે દૂર એક મકાન ખરીદી લીધું હતું. ત્યારથી તેઓ પોતાના દીકરા, વહુ અને ભત્રીજાની સાથે ઘરમાં રહેતાં હતાં.

દોઢ વર્ષ પહેલાં જ્યારે બંધુપ્રકાશ ગામ છોડીને જિયાગંજ ચાલ્યા ગયા, ત્યારથી તેઓ ત્યાં એકલા રહેતાં હતાં.


"મારો દીકરો કોઈ પાર્ટીમાં નહોતો"

Image copyright RAVI PRAKASH /BBC
ફોટો લાઈન મૃતકનાં માતાનું કહેવું છે કે તેમનો દીકરો આરએસએસ સાથે જોડાયેલો નહોતો

માયા પાલે બીબીસીને કહ્યું, "બંધુપ્રકાશનો બીજેપી, આરએસએસ કે કોઈ પાર્ટી સાથે સંબંધ નહોતો. તેમની પાસે જે પણ ફંડ માગવા આવતા હતા, તેમને આપતા હતા."

"પરંતુ તેઓ માત્ર પોતાનું કામ કરતા હતા. રાજકારણ સાથે તેમનો દૂર-દૂર સુધી કોઈ સંબંધ ન હતો. મને સમજાતું નથી કે લોકો ખોટું કેમ બોલી રહ્યા છે અને ટીવી-સમાચારમાં ખોટાખોટા સમાચાર કેમ છાપી રહ્યા છે."

માયા પાલે એ પણ કહ્યું, "પોલીસ જો ઇચ્છે તો એ જ દિવસે હત્યારાને પકડી શકતી હતી, પરંતુ હવે છ દિવસ પછી કોઈ પકડાયું નથી. એવામાં પોલીસ પર કેવી રીતે વિશ્વાસ કરાય?"


પ્રકાશના પિતાએ કર્યાં છે બે લગ્ન

Image copyright RAVI PRAKASH /BBC
ફોટો લાઈન બંધુપ્રકાશ પાલનું ઘર

પહેલાં પત્ની માયા પાલ દ્વારા જન્મેલાં ત્રણ બાળકો પછી બંધુપ્રકાશ પાલના પિતા અમર પાલ રામપુર હાટ સ્થિત પોતાના ઘરમાં એકલા રહેવા લાગ્યા.

બાદમાં તેમણે બીજાં લગ્ન કરી લીધાં. તે પત્ની દ્વારા પણ તેમને બે દીકરી થઈ.

ગામના લોકોએ કહ્યું કે આ જ કારણે બંધુપ્રકાશ પાલનો તેમના પિતા સાથે વિવાદ થતો હતો. આ જ કારણે પોલીસે મૃતકના પિતાની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.


રાજકારણ રમવાનો આરોપ

Image copyright RAVI PRAKASH /BBC
ફોટો લાઈન બંધુપ્રકાશ પાલ જ્યાં ભણાવતા હતા તે સ્કૂલ

તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ અને પાર્ટીના મુર્શીદાબાદ જિલ્લાના અધ્યક્ષ અબુ તાહેર ખાને બીબીસીને કહ્યું, "ભાજપ ગંદું રાજકારણ કરી રહ્યું છે. અમને ખ્યાલ નથી કે તે ખોટા સમાચાર ફેલાવીને શું સાબિત કરવા માગે છે."

"હવે જ્યારે પરિવારના લોકોએ કહ્યું છે કે શિક્ષકનો સંબંધ આરએસએસ સાથે ન હતો, ત્યારે અમે શું ટિપ્પણી કરીએ."

"આની નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે અને સમય થતાં આનો ખુલાસો પણ થઈ જશે કે આ હત્યાકાંડમાં કયા લોકો સામેલ છે."

હત્યારાઓની ધરપકડ બાદ જ ખ્યાલ આવશે કે હત્યાકાંડનો સાચો ઇરાદો શો હતો, આ મામલામાં કોઈ રાજકીય કોણ છે કે નહીં. હાલ તો અનેક પ્રકારના દાવા કરવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ