મંદીમાં સામાન્ય જનતાની બચત પર કેવી અસર થાય છે?

મજૂર Image copyright Getty Images

આર્થિક મોરચે ભારત માટે ખરાબ સમાચાર આવવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ચાલુ નાણાકીય વર્ષમાં ઘણાં સેક્ટરમાં પડતી બાદ વિશ્વબૅન્કે પણ ભારતીય અર્થતંત્રના વૃદ્ધિદરનું અનુમાન છ ટકા કરતાં પણ ઘટાડી દીધું છે.

ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિકાસદર 5 ટકા સુધી પહોંચ્યા બાદ અને ઑટો સૅક્ટરમાં ભારે સુસ્તી બાદ સરકારે કેટલાક ઉપાયોની જાહેરાત કરી છે.

સરકારનું કહેવું છે કે અર્થતંત્રમાં સુસ્તી છે અને તેના નિરાકરણ માટે તમામ ઉપાય કરાઈ રહ્યા છે, જ્યારે કેટલાક અર્થશાસ્ત્રીઓ માને છે કે અર્થતંત્રમાં મંદી આવી ચૂકી છે, વિકાસદર નકારાત્મક થઈ ચૂક્યો છે.

પરંતુ સરકાર અને અન્ય અર્થશાસ્ત્રીઓ આ પરિસ્થિતિને અર્થતંત્રની સુસ્તી ગણાવી રહ્યા છે.

પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કૉ-ઑપરેટિવ બૅન્ક લિમિટેડ પર લેવડદેવડ અંગે આરબીઆઈએ અંકુશ લાદી દીધો છે, ત્યાર બાદથી જ બૅન્કના ગ્રાહકો પરેશાન છે.

બે દિવસ પહેલાં એચડીએફસી બૅન્કના ચૅરમૅન દીપક પારેખે કહ્યું હતું કે સિસ્ટમમાં સામાન્ય માણસની બચતની સુરક્ષા માટે કોઈ ઉપાય નથી.

સતત વધી રહેલી બૅન્કોની એનીપીએ અને સરકારની તરફથી આ એનપીએ માફ કરવાના કારણે બૅન્કો પરનું દબાણ વધી ગયું છે.

આવી પરિસ્થિતિમાં સામાન્ય માણસ બૅન્કોને લઈને થોડા ચિંતિત છે.

પરંતુ વિશ્વ અને દેશમાં જે આર્થિક પરિસ્થિતિ છે, એની સામાન્ય માણસના જીવન પર કેવી અસર પડશે. વાંચો આર્થિક બાબતોના જાણકાર આશુતોષ સિંહાના સંક્ષિપ્ત વિચાર...


હાલ અર્થતંત્રની પરિસ્થિતિ શું છે?

Image copyright Getty Images

સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આ જે પરિસ્થિતિ છે તે એવી નથી કે ભારતની અર્થવ્યવસ્થા હવે સંપૂર્ણપણે ધરાશાયી થવા લાગી છે, પરંતુ એટલું તો જરૂર છે કે અર્થતંત્રનો વૃદ્ધિદર ઘટી ગયો છે.

પહેલાં જ્યાં આપણે લગભગ સાડા છ કે સાત ટકાના દરે વિકાસ સાધી રહ્યા હતા, હવે આ વિકાસદર ઘટીને 5 ટકાના આસપાસ થઈ ગયો છે.

બીજું કે આ કોઈ નવી વાત નથી. આવું પહેલાં પણ બની ચૂક્યું છે.

જાન્યુઆરીમાં જ્યારે રોજગારીના આંકડાનો રિપોર્ટ આવ્યો ત્યારે સરકારે ચૂંટણીના કારણે એ રિપોર્ટને માનવાનો ઇન્કાર કરી દીધો.

પરંતુ દેખીતું છે કે લોકો પાસે નોકરીઓની કમી છે. આ વાતને કોઈ જ નકારી શકે એમ નથી, પરંતુ આ કયા સ્વરૂપે દેખાઈ રહ્યું છે એ સમજવું જોઈએ.

તેમાં એક પક્ષ કંપનીઓનો છે અને બીજો પક્ષ સામાન્ય કામદારનો. જે સંગઠિત અને અસંગઠિત બંને ક્ષેત્રમાં છે.

કંપનીઓ માટે અર્થશાસ્ત્રી સૌથી અગત્યના કોર સૅક્ટર ડેટા પર નજર રાખે છે. તે જીડીપીનો લગભગ 38 ટકા ભાગ હોય છે.

Image copyright Getty Images

આ ડેટામાં પેટ્રોલિયમ, ઇલેક્ટ્રિસિટી અને માઇનિંગ વગેરે ક્ષેત્ર સામેલ હોય છે. એ ઉત્પાદન કરનાર કંપનીઓ તેનો વપરાશ કરે છે.

દર મહિને તેના આંકડા આવે છે અને તેનાથી એ સ્પષ્ટ છે કે આ ક્ષેત્ર દોઢેક વર્ષથી નબળું ચાલી રહ્યું છે.

ક્ષેત્રમાં પહેલાં જેવી ઝડપ નથી દેખાઈ રહી. એની પાછળ પ્રત્યક્ષ કે પરોક્ષપણે નોટબંધી અને કેટલાંક અન્ય કારણો હોઈ શકે.

અમે અને આપ દર મહિને જે જરૂરી વસ્તુઓ ખરીદીએ છીએ તેના વપરાશમાં ઘટાડો થયો છે. જે કારણે લોકો હવે પૈસા બચાવવા ઇચ્છે છે.

તેથી નાણામંત્રીએ ગયા મહિને કૉર્પોરેટ ટૅક્સમાં કાપ મૂકવાની વાત કરી હતી, પરંતુ તમને ખૂબ ઓછું એવું જોવા મળશે કે કંપનીઓ દ્વારા આ કાપનો લાભ ગ્રાહક સુધી પહોંચતો કરવામાં આવે.


બૅન્કોની હાલત

Image copyright REUTERS

મંદી દરમિયાન વ્યાજના દરો પર પણ અસર થાય છે અને એ સ્પષ્ટ દેખાઈ પણ રહ્યું છે, પરંતુ તેનું વધુ એક કારણ એ પણ છે કે સ્ટેટ બૅન્ક અને બીજી સરકારી બૅન્કો હાલ એવી સ્થિતિમાં નથી કે તેઓ લૉન આપી શકે.

પહેલાંની લોનની ચુકવણી બાકી રહી જવાને કારણે તેમની પાસે મૂડી જ ઓછી થઈ ગઈ છે.

તેઓ આજકાલ ટ્રેડ ફાયનાન્સ પર કામ કરી રહ્યા છે. જેમ કે કોઈ નાના દુકાનદારને પૈસા આપ્યા, તેમની પાસે સામાન આવ્યો અને જ્યારે તેમને પૈસા મળે છે ત્યારે તેઓ બૅન્કની લોન ચૂકવી આપે છે.

તેમાં બે-ત્રણ કે છ મહિના કરતાં વધારે સમય નથી લાગતો. જ્યારે કોઈ કંપનીને નવી ફૅકટરી સ્થાપવા કે નવા પ્રોજેક્ટ માટે અપાયેલી લૉન પાછી મળવામાં 10 વર્ષ લાગી જાય છે.

બૅન્કો હવે પ્રોજેક્ટ પર વધારે જોખમ નથી લઈ રહી.

આરબીઆઈએ 11 બૅન્કોને સુધારાની કૅટેગરી એટલે કે પ્રૉમ્પ્ટ કેરેટિવ ઍક્શન હેઠળ મૂકી છે. કેટલીક બૅન્કો તેનાથી બહાર થઈ ગઈ છે.

જે બૅન્કો બાકી રહી છે તેમની સ્થિતિમાં સુધારો નહીં થાય તો લોકોના પૈસા ડૂબી શકે છે. તેથી આરબીઆઈ કેટલીક બૅન્કોનો વિલય કરીને તેમને જીવિત રાખવાનો પ્રયત્ન કરશે.

જોકે 2008ની મંદી એકદમ અલગ હતી. હાલ આપણે એની આસપાસ પણ નથી.


રિયલ એસ્ટેટની હાલત

Image copyright ALOK PUTUL/BBC

જો રિયલ એસ્ટેટ પર પડેલી અસરની વાત કરીએ તો આપણાં મુખ્ય 6થી 8 શહેરોમાં મોટી સંખ્યા એવાં ઘરોની છે જેમાં લોકોના પૈસા ફસાયેલા છે.

જો આ ઘર તૈયાર ન થયાં તો માગ નહી વધે. એક વાર માગ ઘટી જાય તો તેનું ફરીથી સર્જન કરવું ખૂબ જ મુશ્કેલ કામ હોય છે.

2008ની મંદીમાં તો કંઈક એવું બન્યું હતું કે બજાર ખૂબ જ જબરદસ્ત પ્રકારે ગબડી ગયું હતું.

આ સિવાય ગ્રાહકોના બજારમાં ખૂબ ઝડપથી કિંમતો વધી હતી અને પેટ્રોલ, કાચા તેલની કિંમત 147 ડૉલરની નજીક પહોંચી ગઈ હતી.

આ કારણે અર્થતંત્ર પર બેવડો માર પડ્યો હતો. લોકો નોકરીઓ ગુમાવી રહ્યા હતા. કંપનીઓ ઉત્પાદન ઘટાડી રહી હતી.

ઉદાહરણ તરીકે જનરલ મોટર્સે હમર નામની પોતાની એક કારનું ઉત્પાદન 2008માં બંધ કરી દીધું હતું.

હાલ જોઈએ તો જે કંપનીઓ વિસ્તાર માટે રોકાણ કરવા માગે છે તેમને બૅન્ક પાસેથી લૉન નથી મળી રહી.

કંપનીઓની અંદર પણ એવો વિશ્વાસ નથી જોવા મળી રહ્યો કે લોકો તેમનો સામાન ખરીદશે. તેથી તેઓ પણ નવી ફૅકટરીઓ સ્થાપવામાં રસ નથી દાખવી રહ્યા.

આવી પરિસ્થિતિમાં જો બૅન્ક દેવાળું ફૂંકે તો લોકોની મુશ્કેલીમાં વધારો તો થવાનો જ છે.

જોકે આ મુશ્કેલીનો ઉપાય એ થઈ શકે કે બીજી બૅન્ક આવી બૅન્કને ખરીદી લે છે જેથી લોકો પર પડતી તેની ખરાબ અસરને ઘટાડી શકાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો