#100WOMEN : આ વર્ષે વિશ્વની 100 પ્રભાવશાળી મહિલાઓમાં સામેલ છે આ ભારતીય નારીઓ

ભારતીય મહિલાઓ

નારીની પ્રેરણાત્મક કથાઓ વૈશ્વિક સમુદાય સમક્ષ રજૂ કરી શકાય તે માટે 2013થી બીબીસીએ BBC 100 Women સૂચિ તૈયાર કરે છે.

અગાઉનાં વર્ષોમાં અમે બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતી, જુદાજુદા વર્ગની સ્ત્રીઓનો અમારી યાદીમાં સમાવેશ કરતા આવ્યા છીએ.

જેમાં મેકઅપ ઉદ્યમી બોબી બ્રાઉનથી માંડીને સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ અમીના મોહમ્મદ, ચળવળકાર મલાલા યુસફઝઇ, ઍથ્લિટ સિમોન બાઇલ્સ, સુપર મૉડલ એલેક વેક, સંગીતકાર એલિસિયા કીઝ અને ઑલિમ્પિક ચેમ્પિયન બૉક્સર નિકોલા એડમ્સનો સમાવેશ થયો હતો.

બીબીસીની આ ઍવૉર્ડ વિનિંગ સિરીઝ છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરી રહી છે, ત્યારે 2019 માટે બીબીસીએ એવી યાદી તૈયાર કરી છે જેથી થીમ છે ધ ફિમેલ ફ્યૂચર - નારી ભવિષ્ય.

2019ની યાદી બહાર પડી ચૂકી છે અને 100 વૈશ્વિક નારીની યાદીમાં આ વખતે સાત ભારતીય મહિલાઓનો સમાવેશ થયો છે.


અરણ્યા જોહર, કવયિત્રી

સ્ત્રી-પુરુષ વચ્ચેના ભેદ, માનસિક સ્વાસ્થ્ય અને દેખાવની બાબતમાં હકારાત્મકતા જેવા વિષયોને અરણ્યા કવિતાના માધ્યમથી વ્યક્ત કરતાં રહે છે.

તેમણે યૂટ્યૂબ પર 'એ બ્રાઉન ગર્લ્સ ગાઇડ ટૂ બ્યુટી' એવા નામે વીડિયો મૂક્યો છે, તેને અત્યાર સુધીમાં 30 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

ભવિષ્ય માટેનું તેમનું વિઝન :

"જો સ્ત્રીઓ કામકાજમાં જોડાઈ જાય તો વૈશ્વિક જીડીપીમાં 28 અબજ ડૉલરનો વધારો થાય. શા માટે આપણે દુનિયાની અડધી વસતીની શક્યતાઓને દબાવીને રાખી રહ્યા છીએ? સ્ત્રી-પુરુષના ભેદભાવ વિનાનું વિશ્વ કેવું હશે? એવા સમાન વિશ્વ માટે હજી આપણે કેટલી રાહ જોવી પડશે?"


સુસ્મિતા મોહન્તી, અંતરીક્ષ ઉદ્યમી

'ભારતીય અવકાશ નારી' એવા હુલામણા નામે જાણીતા થયેલા સુસ્મિતા સ્પેસશિપ ડિઝાઇનર છે. તેમણે ભારતનું પ્રથમ સ્પેસ સ્ટાર્ટ-અપ શરૂ કર્યું છે.

ક્લાઇમેટના મુદ્દે પણ તેઓ સક્રિય છે અને તેઓ પોતાના બિઝનેસના માધ્યમથી અવકાશમાંથી ક્લાઇમેટ ચેન્જ પર નજર રાખીને તેને વધારે સારી રીતે સમજવા માગે છે.

ભવિષ્ય માટેનું તેમનું વિઝન :

"મને એવો ભય છે કે ત્રણ કે ચાર પેઢી પછી આપણી પૃથ્વી વસવાલાયક નહીં રહી હોય. હું આશા રાખું માનવજાત પર્યાવરણ બચાવવા માટેની કટોકટીની કાર્યવાહીનો અનુભવ કરશે."


વંદના શિવા, પર્યાવરણવિદ્

1970ના દાયકામાં વૃક્ષોને બચાવવા માટે તેને વળગીને ચીપકો આંદોલન કરનારી નારીઓમાં તેઓ પણ એક હતાં.

આજે વિશ્વના પર્યાવરણના ક્ષેત્રના અગ્રણી તરીકે તેઓ જાણીતાં બન્યાં છે અને તેમને ઑલ્ટરનેટિવ નોબેલ પીસ પ્રાઇઝ પણ મળ્યું હતું. 'ઇકોફેમિનિસ્ટ' તરીકે જાણીતા વંદના મહિલાઓને કુદરતની સંરક્ષક તરીકે જુએ છે.

ભવિષ્ય માટેનું તેમનું વિઝન :

"હું આશા રાખું છું કે મહિલાઓ વિનાશ અને પતનની મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ ચીંધશે અને સૌ માટેના ભવિષ્યનું બીજ રોપશે."


નતાશા નોએલ, યોગનિષ્ણાત

નતાશા એ યોગિની અને વેલનેસ કોચ છે. તેઓ યોગની તાલીમ પણ આપે છે.

પોતાના શરીર અંગે સકારાત્મક થવા માટે પ્રેરતા નતાશા ઘણી વાર મોકળામને પોતાના બચપણની પીડાને સોશિયલ મીડિયામાં વ્યક્ત કરતાં રહે છે.

નાનપણમાં તેમણે માતા ગુમાવ્યાં હતાં અને જાતીય શોષણનો પણ ભોગ બન્યાં હતાં.

ભવિષ્ય માટેનું તેમનું વિઝન :

"ભવિષ્ય માટેની મારી આશા એવી છે કે આપણે સૌ એવા જગતમાં જીવીએ, જ્યાં બધા મનુષ્યોનું સશક્તીકરણ થયું હોય. એકસમાન તક અને એકમાન પાયાનું સ્વાતંત્ર્ય.... સૌ કોઈ પોતાના ઇમોશનલ ઇન્ટેલિજન્સ (EQ) અને ઇન્ટેલિજન્સ ક્વોટિયન્ટ (IQ), કે જેથી કરુણામય અને જાગૃત મનુષ્યનું સર્જન થાય."


પ્રગતિ સિંહ, ડૉક્ટર

ડૉક્ટર પ્રગતિ સિંહે અસેક્સ્યુઆલિટી વિશે સંશોધન કરવાનું શરૂ કર્યું, ત્યારે તેમને એવી સ્ત્રીઓના સંદેશ મળતા થઈ ગયા હતા, જેમને સેક્સમાં જરાય રસ નહોતો, પણ કુટુંબે નક્કી કરેલા લગ્નના બંધનમાં બંધાઈ જવું પડે તેમ હતું.

તેથી તેમણે એવી બેઠકોનું આયોજન કરવાનું શરૂ કર્યું, જેમાં નોન-સેક્સ્યુઅલ સંબંધોમાં રસ ધરાવતા લોકો સામેલ થઈ શકે.

આજે તેઓ અસેક્સ્યુઅલ લોકો માટે ઇન્ડિયન એસીસ એવા નામે ઑનલાઇન કૉમ્યુનિટી ચલાવે છે.

ભવિષ્ય માટેનું તેમનું વિઝન :

"એ સમય પાકી ગયો છે કે આપણે આપણા ફેમિનીઝમમાં (નારીવાદ)માં વધુમાં વધુ નારીવાદી બાબતોને સામેલ કરીએ, જેમાં 'સખ્તાઈ-મજબૂતાઈ' ઓછી હોય અને 'કરુણા' વધારે હોય."


શુભલક્ષ્મી નંદી, સ્ત્રી-પુરુષ સમાનતાનાં નિષ્ણાત

શુભલક્ષ્મી છેલ્લાં 15 વર્ષથી ઇન્ટરનેશનલ સેન્ટર ફૉર રિસર્ચ ઑન વિમેન સાથે કામ કરીને એશિયામાં સ્ત્રી-પુરુષ સમાનતાના ક્ષેત્રમાં કામ કરી રહ્યાં છે.

મહિલા ખેડૂતોની સ્થિતિ પર તેમણે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સ્ત્રીઓ પર થતા અત્યાચારના નિવારણ માટે તથા સ્ત્રીશિક્ષણ વધારવા માટે પણ તેમણે કામ કર્યું છે.

ભવિષ્ય માટેનું તેમનું વિઝન :

"ભવિષ્ય વિશેની મારી આશા એવી છે કે સ્ત્રીઓ ઘરમાં ન પૂરાઈ ન રહે અને મહત્ત્વહીન ન બની રહે."

"ખેતરો, જંગલો, કારખાનાં, શેરીઓ અને ઘરોમાં - તેઓ જે પણ કામ કરે છે તેની નોંધ લેવાય."

"સ્ત્રીઓ પોતે સંગઠિત થશે અને અર્થતંત્ર તથા સમાજમાં પોતાના પ્રદાનને વધારે સ્પષ્ટપણે રજૂ કરે. સરકારી આંકડા અને નીતિઓમાં પણ વળતર મેળવતી અને વળતર વિના કામ કરતી મહિલાઓના કાર્યની નોંધ લેવાય."


પરવીના અહંગર, માનવાધિકાર કાર્યકર

Image copyright Bcc

પરવીના 'કાશ્મીરની લોખંડી મહિલા' તરીકે જાણીતા છે. કાશ્મીરમાં ભારતીય શાસનના વિરોધમાં જાગ્યો ત્યારે 1990માં તેમનો કિશોર વયનો પુત્ર ગુમ થઈ ગયો હતો.

કાશ્મીરમાં તે સમયગાળામાં હજારો 'ગુમ' થયા હતા, તેમાં તેનો સમાવેશ થતો હતો.

તેના કારણે પરવીનાએ ઍસોસિયેશન ઑફ પેરેન્ટ્સ ઑફ ડિસઅપ્પિયર્ડ પરસન્સ (APDP), ગુમ થયેલાના વાલીઓનું મંડળ એવી સંસ્થાની સ્થાપના કરી.

તેઓ કહે છે કે હજીય તેમણે પોતાના પુત્રને ફરીથી મળવાની આશા છોડી નથી. આવતાં વર્ષે તે વાતને 30 વર્ષ થશે.

ભવિષ્ય માટેનું તેમનું વિઝન :

"પરાણે ગુમ કરી દેવાની વાતને કારણે, મારા પુત્રને ગુમાવી દેવાની મારી પીડાને કારણે મને ન્યાય અને જવાબદારી માટેની લડત લડવાની પ્રેરણા મળી હતી."

"હું દુનિયાને વધારે સારી બનાવવા, ખાસ કરીને મહિલાઓ માટે વધારે સારી બનાવવા માટે કાર્ય કરવા માગું છું."

"આજની દુનિયામાં, ખાસ કરીને ઘર્ષણ અને યુદ્ધ ચાલતું હોય તેવા વિસ્તારોમાં, સ્ત્રીઓના અધિકારોના મુદ્દાને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવે તે જરૂરી છે."

બીબીસી 100 નારીની યાદીમાં સામેલ મહિલાઓની એક પરિષદ 22 ઑક્ટોબર દિલ્હીમાં યોજાવાની છે, ત્યાં તેમને મળી શકવાની તક છે.

આ યાદીમાં સામેલ બધી જ નારીઓ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો