TOP NEWS : વિજય રૂપાણીએ કહ્યું મોદી સરકારનો સમગ્ર દેશમાં NRC લાગુ કરવાનો પ્લાન છે

વિજય રૂપાણી Image copyright Getty Images

ગુજરાતમાં હાલમાં વિધાનસભાની પેટાચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પાટણ જિલ્લાના રાધનપુરમાં ચૂંટણીસભા સંબોધી હતી.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે વિજય રૂપાણીએ દાવો કર્યો કે ગેરકાયદે રહેતા લોકોને કાઢવા માટે કેન્દ્ર સરકારનો દેશભરમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન (NRC) યોજના લાગુ કરવાનો પ્લાન છે.

રેલીને સંબોધન કરતાં રૂપાણીએ એવો પણ આરોપ લગાવ્યો કે કૉંગ્રેસે વોટબેંકની રાજનીતિ માટે ગેરકાયદે લોકોને કાયમી ધોરણે દેશમાં રહેવાની પરવાનગી આપી હતી.

"કૉંગ્રેસે આવી સ્થિતિ પેદા કરી એટલે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો."

મુખ્ય મંત્રી વિજય રૂપાણી કૉંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અને હાલમાં રાધનપુર વિધાનસભા પર ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા અલ્પેશ ઠાકોરના પ્રચાર માટે રાધનપુર આવ્યા હતા.

ગુજરાતમાં છ સીટ માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે, જેમાં રાધનપુરનો પણ સમાવેશ થાય છે.


'અમે સાવરકર નહીં તેમની વિચારધારાની વિરુદ્ધ છીએ'

Image copyright AFP

પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે કહ્યું કે અમે સાવરકરની વિરુદ્ધમાં નથી પણ તેમની વિચારધારાની વિરુદ્ધ છીએ.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે મુંબઈમાં એક પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું કે કૉંગ્રેસ સાવરકરની વિચારાધારાની વિરુદ્ધમાં છે.

તેમણે કહ્યું કે 'સાવરકરજીએ જેમને સંરક્ષણ આપ્યું અને જેમનું સમર્થન કરતાં રહ્યા', કૉંગ્રેસ તેમના પક્ષમાં નથી.

મનમોહન સિંહે કહ્યું, "ઇંદિરા ગાંધીએ વડા પ્રધાન તરીકે સાવરકરની યાદમાં ટપાલટિકિટ બહાર પાડી હતી. અમે સાવરકરજીની વિરુદ્ધમાં નથી પરંતુ એ વિચારધારાની વિરુદ્ધમાં છીએ જેના પક્ષમાં તેઓ (સાવરકર) ઊભા હતા."


'ઈવીએમ એટલે - Every Vote for Modi'

Image copyright Getty Images

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે ઈવીએમનો અર્થ જણાવ્યો- Every Vote for Modi.

એનડીટીવી ઇન્ડિયામાં છપાયેલા સમાચાર મુજબ હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે બુધવારે એક ટ્વીટ કર્યું હતું. જેમાં લખ્યું કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન માટેના સંક્ષિપ્ત રૂમ EVMનો અર્થ 'Every Vote for Modi' (દરેક વોટ મોદી માટે) 'Every Vote for Manohar' (દરેક વોટ મનોહર માટે) થાય છે.

જોકે થોડા સમય પછી ડિલીટ કરી દેવાયેલા આ ટ્વીટમાં એક વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં મનોહરલાલ ખટ્ટર ચૂંટણીરેલી દરમિયાન કહેતા હતા, "આ મશીનનું નામ EVM છે, તેને ટૂંકમાં આ રીતે પણ સમજી શકાય - Every Vote for Modi..."

"પરંતુ જો કોઈ એમ કહે કે આ ચૂંટણી વિધાનસભા માટે છે, સંસદ માટે નહીં. તો EVMનો અર્થ Every Vote for Manohar પણ થઈ શકે છે."

છેલ્લા કેટલાક સમયથી EVM પર વિવાદ થતો રહ્યો છે અને વિપક્ષ પાર્ટીઓ એવો આરોપ લગાવે છે કે સત્તારૂઢ પાર્ટીના ઇશારે તેમાં ચેડાં કરી શકાય છે.


'દિવાળી પછી હીરાઉદ્યોગની હાલત વધુ કફોડી થશે'

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

સુરતમાં હીરાઉદ્યોગ કેન્દ્ર દિવાળીની રજાઓમાં એક મહિના માટે બંધ રહેશે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે દિવાળી બાદ હીરાઉદ્યોગમાં ભારે નુકસાન થાય તેવી હીરાઉદ્યોગના યુનિયનોને ભીતિ છે.

ગુજરાત ડાયમંડ વર્કર્સ યુનિયન (GDWU)નું કહેવું છે કે દિવાળી બાદ શહેરના લગભગ 25 ટકા નાના એકમો મંદીને કારણે ખૂલી ન શકે તેવી શક્યતા છે.

"વર્તમાન સમયમાં છેલ્લા એક અઠવાડિયામાં 250થી વધુ નાના એકમોએ કામ બંધ કરી દીધું છે અને 25 હજારથી વધુ હીરાના કારીગરો સુરત શહેર છોડીને તેમના વતન સૌરાષ્ટ્રમાં જતા રહ્યા છે."

(GDWU)ના અધ્યક્ષ રણમલ જિલારિયાનું કહેવું છે કે દિવાળી બાદ હીરાઉદ્યોગમાં સ્થિતિ ખરાબ થવાની છે.

તેમના અનુસાર શ્રમિકોની મજૂરી લગભગ 50 ટકા ઓછી થઈ ગઈ છે અને મંદીને લીધે કામ પણ વધુ થયું નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો