ગાંધી'વધ' કેસમાં સાવરકર નિર્દોષ બહાર આવ્યા હતા - ગડકરી

નીતિન ગડકરી Image copyright Getty Images

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનું પ્રચાર-અભિયાન ચાલી રહ્યું છે. ભાજપ કાશ્મીર અને અનુચ્છેદ 370ને ચૂંટણીનો મુદ્દો બનાવી રહી છે. આની સાથે જ ભાજપે જાહેર કરેલા પોતાના ઘોષણાપત્રમાં કહ્યું છે કે તેમની સરકાર ફરીથી આવશે તો સાવરકરને ભારતરત્ન આપવામાં આવશે.

કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરી ભાજપના એક પ્રભાવશાળી નેતા છે અને આ તેમનું હોમગ્રાઉન્ડ છે. નાગપુર તેમનું કાર્યક્ષેત્ર રહ્યું છે.

જોકે ચૂંટણીપ્રચારની શરૂઆતમાં તેઓ બહુ જોવા મળ્યા નહોતા, પરંતુ હવે અચાનક પ્રચારમાં સક્રિય થયા છે.

બીબીસી મરાઠી સર્વિસના સંપાદક આશિષ દીક્ષિતે ગડકરીનો ઇન્ટરવ્યૂ કર્યો અને આ તમામ વિષયો પર ચર્ચા કરી.

Image copyright Getty Images

પ્રશ્ન : મહારાષ્ટ્રની ચૂંટણી થઈ રહી છે. ત્યાં પહેલાં દુષ્કાળ હતો પછી પૂર આવ્યું, પરંતુ ત્યાં ચર્ચા કાશ્મીરની થાય છે, 370ની. વિપક્ષ વારંવાર પૂછી રહ્યો છે કાશ્મીર ક્યાંથી આવ્યું મહારાષ્ટ્રની ચૂંટણીમાં.

જવાબ : જુઓ, કાશ્મીર એક રાષ્ટ્રીય અને મહત્ત્વનો મુદ્દો છે. કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ આ મુદ્દાના વિરોધમાં સતત ચર્ચા કરી રહ્યા છે અને જ્યારે મહારાષ્ટ્ર દેશમાં છે ત્યારે રાષ્ટ્રીય પ્રશ્નોની ચર્ચા થવી સ્વાભાવિક છે.

પ્રશ્ન : પણ આર્થિક સંકટ છે, પૂર છે દુષ્કાળ છે, તેની ચર્ચા ક્યારે થશે?

જવાબ : પૂર અને દુષ્કાળ હાલ તો નથી. સરકારના કારણે પૂર અને દુષ્કાળ હોતાં નથી. આ પાણી વધારે ઓછું થવાના કારણે થાય છે. આ પ્રકૃતિનું ચક્ર હોય છે. પરંતુ સરકારે રાહત અને બચાવને લઈને ખૂબ જ સારું કામ કર્યું છે અને આ વખતે કોઈ વિવાદ નથી.

પ્રશ્ન : જો 370 ચર્ચા કરીએ તો કાશ્મીરમાં પહેલાં જેવી સ્થિતિ હતી તેવી જ હાલત હતી. હાલ જનજીવન પાટે આવ્યું નથી. તો આગળનો શું વિચાર છે?

જવાબ : મને આવું લાગતું નથી. હાલ કાશ્મીરમાં સ્થિતિ ઘણી સામાન્ય છે. આતંકવાદી ઘટનાઓની સંખ્યા ઘણી ઘટી ગઈ છે.

પાકિસ્તાન ત્યાં સતત બિનજરૂરી હરકત કરતું હતું, આતંકવાદી અને આતંકવાદી સંગઠનોને મોકલવા માટે મદદ કરે છે. આને કાબૂમાં કરતા ભારતનું સૈન્ય અને પોલીસના લોકો શહીદ થયા છે અને કાશ્મીરની સ્થિતિ સામાન્ય છે. ત્યાં પણ વિકાસ થશે. હું મારા વિભાગ દ્વારા કાશ્મીર માટે વિશેષ નીતિ પણ બનાવી રહ્યો છું.

Image copyright EPA

પ્રશ્ન : તમે કહીરહ્યા છો કે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે. પ શ્રીનગરમાં અમારા જે રિપોર્ટર છે તે હાલ પણ કહી રહ્યા છે કે કાશ્મીર સામાન્ય થયું નથી. હાલ પણ બાળકો શાળાએ જતાં નથી, દુકાનો ખૂલી રહી નથી. હાલમાં ત્યાં એક મજૂરની હત્યા પણ થઈ છે, તો તમે કેવી રીતે કહી શકો છો કે સ્થિતિ સામાન્ય છે?

જવાબ : એક-બે નાનીમોટી ઘટનાઓ થતી હશે. પરંતુ સામાન્ય રીતે બાળકો શાળાએ જઈ રહ્યાં છે. તેમનું જનજીવન સામાન્ય સ્થિતિમાં આવી ગયું છે અને ઉદ્યોગ-વ્યવસ્થા પણ સારી રીતે ચાલી રહી છે. સફરજનની ખરીદદારી પણ થઈ. રસ્તાઓનું કામ પણ શરૂ થયું છે અને આવનારા દિવસોમાં કાશ્મીરમાં જે 370ના કારણે વિકાસની ગતિ ધીમી પડી હતી, તે ગતિશીલ થશે. આઈટી કંપની, હોટલ જશે. પર્યટનનો વ્યવસાય વધશે અને કાશ્મીરની અર્થવ્યવસ્થા મજબૂત થઈને નવી રોજગારીનું સર્જન થશે.

પ્રશ્ન : જો આ સામાન્ય થવાની સ્થિતિ છે તો મામલો શું છે, જો મોટા પ્રમાણમાં સુરક્ષાદળોને ત્યાં રાખવામાં આવ્યા છે તો તેમને ક્યાં સુધી ઘટાડાશે?

જવાબ : ધીમેધીમે તેમની સંખ્યા ઘટશે. જુઓ, આનાં સામાજિક અને આર્થિક પાસાં પણ મહત્ત્વનાં છે. કાશ્મીરમાં ભૂખમરો અને ગરીબી ખૂબ છે. અને હાલ સુધી ભારત સરકારે જે પૈસા મોકલ્યા છે તે લોકો સુધી પહોંચ્યા નથી. એટલા માટે જ આ વખતે કાશ્મીરમાં શિક્ષણ, સ્વાસ્થ્ય સેવાઓ, સારું મૂળભૂત માળખું અને રોજગારી, હૅન્ડલૂમ, હૅન્ડિક્રાફ્ટને વિકસિત કરીને તેની નિકાસ વધારવાની જરૂરિયાત છે.

Image copyright Getty Images

પ્રશ્ન : મહારાષ્ટ્ર ચૂંટણીના છેલ્લા તબક્કામાં તમે મેદાનમાં આવ્યા છો. આટલી વાર કેમ થઈ? શું તમને સાડલાન કરવામાં આવ્યા?

જવાબ : જે દિવસે ફૉર્મ ભરાયાં ત્યારે મોટી રેલી થઈ. દેવેન્દ્રજી અને મેં જઈને ફૉર્મ ભર્યાં. બીજા દિવસથી હું પ્રચારમાં લાગ્યો છું. વિદર્ભમાં વધારે સમય આપ્યો છે, કારણ કે વિદર્ભથી મેં મારા કામની શરૂઆત કરી હતી અને જે સરકાર બની તે વિદર્ભના કારણે જ બની છે. મને કોઈ સાઇડલાઇન ન કરી શકે છે અને ન કર્યો છે.

પ્રશ્ન : સાવરકરનું એકવાર ફરીથી નામ ચર્ચામાં છે, કારણ કે બીજેપીએ પોતાના મૅનિફેસ્ટોમાં કહ્યું છે કે તેમની સરકાર બની તો સાવરકરને ભારતરત્ન અપાશે. કૉંગ્રેસનું કહેવું છે કે તેમનું નામ ગાંધીહત્યામાં જોડાયેલું હતું.

જવાબ : ન્યાયાલયે જે નિર્ણય આપ્યો છે, તેમાં ગાંધી'વધ'ના કેસમાં સાવરકર નિર્દોષ બહાર આવ્યા છે. સાવરકર એક પ્રકારે દેશભક્ત છે, તેમનું જીવન અને તેમના પરિવારના લોકોએ આખું જીવન દેશ માટે સમર્પિત કર્યું છે. સાવરકર જેવું ત્યાગ-બલિદાન કોઈએ આપ્યું નથી. અને આના માટે સાવરકરનું અપમાન થશે. એક દેશભક્ત, એક ક્રાંતિકારીનું અપમાન કોઈએ કરવું જોઈએ નહીં. તેમના વિચારોના વિશે મતભેદ હોઈ શકે છે. સાવરકર અમારા પ્રેરણાસ્રોત છે. અને એટલા માટે મહાત્મા જ્યોતિબા ફુલે અને સ્વાતંત્ર્યવીર સાવરકર- આ બંનેને ભારતરત્ન આપવો જોઈએ. આવો વિષય આગળ આવ્યો, અને દેવેન્દ્રજીએ કહ્યું કે આની ભલામણ અમે ભારત સરકારને કરીશું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ