નરેન્દ્ર મોદીનું પાંચ ટ્રિલિયન ઇકૉનૉમીનું સ્વપ્ન આ બાબતને ધ્યાને લીધા વિના સાકાર થશે?

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

ભારત દુનિયાનો સૌથી યુવાન દેશ છે. ભારતની સરેરાશ ઉંમર 29 વરસ છે.

35 વરસથી નીચે હોય એવી 70 ટકા વસતિ ધરાવતો આ દેશ 18થી 60 વર્ષના વયજૂથમાં દેશની અડધો અડધ કરતાં વધુ વસતિ (55 થી 60 ટકા) ધરાવે છે.

આ વયજૂથ "Productive Age Group" એટલે કે ઉત્પાદક વયજૂથ ગણાય છે.

આ ઉંમરના ગાળા વચ્ચે વ્યક્તિ જેટલી તંદુરસ્ત તેટલી તેની કામ કરવાની ક્ષમતા અને ઉત્પાદકતા વધારે.

આ પરિસ્થિતિમાં એની જીવનપદ્ધતિ પણ આરોગ્યપ્રદ હોવી જોઈએ.

જો એની જીવન પદ્ધતિ તનાવપૂર્ણ, બેઠાડું અને ખાવા પીવાની ખોટી ટેવોવાળી હોય તો એ પૂરી ક્ષમતાએ કામ ન કરી શકે.

એટલું જ નહીં પણ હૃદય રોગ અથવા સ્ટ્રોક જેવા તેમજ ડાયાબિટીસને કારણે અકાળે મૃત્યુ થતાં કે પછી શરીર ક્ષમતા ઘટી જતાં વ્યક્તિની અસરકારકતા ઉત્પાદક આયુષ્ય મર્યાદા અને ઉપલબ્ધ માનવદિનની મોટી સંખ્યામાં ઘટાડો થાય છે.

અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ પણ એક મોટું નુકસાન છે.

આ સંદર્ભમાં રોગોની બદલાઈ રહેલી રીત તેમજ સંલગ્ન બાબતો અંગે તાજેતરમાં વિશ્વ આરોગ્યદિન નિમિત્તે આયોજિત સેમિનારમાં આ સંદર્ભમાં જે ચર્ચાઓ થઈ તેના કેટલાક અગત્યના મુદ્દા સમજવા જેવા છે.


ભારતમાં હૃદયરોગને કારણે થતાં મૃત્યુમાં વધારો

Image copyright Thinkstock

દુનિયામાં આવનાર સમયમાં ચેપી રોગોથી નહીં પણ જીવન પદ્ધતિને કારણે ઊભા થતા રોગોથી વધુમાં વધુ માણસો મરશે એવું કેટલાંક વર્ષો પહેલા વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું.

આ આગાહીને સાચી પાડતો હોય તેમ આજે કાર્ડિયો વાસ્ક્યુલર ડિસીઝ એટલે કે હૃદયરોગ દુનિયામાં મોત માટેનું એક નંબરનું કારણ બન્યો છે.

બીજા કોઈ પણ રોગથી મરતાં હોય તેના કરતાં વધુ માણસો હૃદયરોગએટલે કે CVDથી મરે છે.

છેલ્લાં 26 વર્ષમાં ભારતમાં હૃદયરોગને કારણે થતાં મૃત્યુમાં 34 ટકા વધારો થયો છે.

એનાથી તદ્દન વિરુદ્ધ 1990 અને 2016 વચ્ચેના 26 વર્ષના ગાળામાં અમેરિકામાં આ રોગથી મરનાર વ્યક્તિઓની સંખ્યામાં 41 ટકા ઘટાડો થયો છે.

ભારતમાં એક લાખની વસ્તીએ 209 લોકોનાં મૃત્યુ CVDના કારણે થાય છે.

વિશ્વની વાત કરીએ તો લગભગ 17.9 મિલિયન એટલે કે 1.8 કરોડ જેટલા લોકો દુનિયામાં CVDને કારણે મોતને ભેટે છે.

દુનિયામાં થતાં કુલ મૃત્યુ આંકના આ 31 ટકા છે. આમાંથી 85 ટકા મોત હાર્ટઍટેક અને સ્ટ્રોકને કારણે થાય છે.

ધ્યાન દેવા જેવી બાબત તો એ છે કે 75 ટકા કરતાં વધારે CVDથી થતાં મોત મધ્યમ અને નીચી આવક ધરાવતા એટલે કે ગરીબ દેશોમાં થાય છે.

અગાઉ કહ્યું તેમ ભારતમાં આ મૃત્યુઆંક 34 ટકા વધ્યો, એ જ ગાળામાં (1990-2016) અમેરિકામાં આ આંક 41 ટકા ઘટ્યો છે.

સરેરાશ આયુષ્ય સાથે સરખાવીએ તો આનો અર્થ એ થાય કે એકલા 2016માં ભારતમાં 6.25 કરોડ અને અમેરિકામાં 1.27 કરોડ જીવન વર્ષ CVDને કારણે ટૂંકાયાં.

આજે ભારતમાં વ્યક્તિગત રીતે જોઈએ તો સૌથી વધુ હૃદયરોગ છે, જ્યારે આ કારણોમાં સ્ટ્રોક પાંચમા નંબરે છે.


અમેરિકા અને ભારતની જીવનશૈલીમાં તફાવત

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

અમેરિકા અને ભારત વચ્ચેના આ તફાવતનું એક પાયાનું કારણ આરોગ્યપ્રદ જિંદગી જીવવા માટેની સભાનતા અને સાધનો, બંનેની આપણે ત્યાં ઊણપ છે.

છાતીમાં દુ:ખાવો થાય, જેને ઇશ્ચેમીક હાર્ટઍટેક પેઇન કહે છે, તે અટકાવવા માટે આજે સારામાં સારી દવાઓ ઉપલબ્ધ છે.

બાયપાસ સર્જરી અને એન્જિયોગ્રાફી જેવી ઇન્ટરવેન્સનિસ્ટ ટ્રીટમેન્ટ પણ ઉપલબ્ધ છે.

બેઠાડું જીવન પદ્ધતિનો ત્યાગ અને તાણથી મુક્ત રહો તો હૃદયરોગ તમારાથી દૂર રહેશે. સાથે-સાથે જંકફૂડથી માંડીને આરોગ્યને હાનિપ્રદ એવો ખોરાક ખાવો અને વખતબેવખત ગમે તે પેટમાં નાખવું એ પણ એટલું જ નુકસાનકારક છે.

હૃદયરોગ આ કારણથી લાઇફસ્ટાઇલ ડિસીઝ એટલે કે જીવન પદ્ધતિને કારણે ઊભો થતો રોગ કહેવાય છે.

બેઠાડું જિંદગી, અપૂરતી ઊંઘ, વખતબેવખત પેટમાં નાખે રાખવું, જંકફૂડ, કસરતનો અભાવ તેમજ આજના દોડાદોડી અને સ્પર્ધાના જમાનામાં તણાવપૂર્ણ જીવનપદ્ધતિ આ રોગને કંકોત્રી લખીને ઘરે બોલાવવાનું કામ કરે છે.

જીવનપદ્ધતિમાં બદલાવ, નિયમિત કસરત, સિગારેટ-બીડી-દારૂ વગેરે વ્યસનનો ત્યાગ અને પ્રાણાયામ તેમજ યોગથી પણ આ રોગ સામે રક્ષણ મેળવી શકાય છે.

તમે સ્ટેન્ટ મુકાવી દો એટલે દસ-પંદર વર્ષ કોઈ ચિંતા જ નહીં એ ભ્રમ પણ ખોટો છે. ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની જો પૂરતી કાળજી લેવામાં ન આવે તો એ પણ CVD તરફ દોરી જવામાં મોટો ફાળો આપે છે.

આમાં કસરત, યોગ અને પ્રાણાયામ તેમજ જીવનપદ્ધતિમાં બદલાવ અને આરોગ્યપ્રદ આહારથી આ રોગ સામે પ્રતિરોધક શક્તિ ઊભી કરી શકાય છે.

અર્થવ્યવસ્થામાં મોટો ફાળો કેળવાયેલા તેમજ શ્રમયોગી તરીકે કામ કરતા માનવબળનો છે અને એટલે જ જ્યારે આપણી અર્થવ્યવસ્થાને 2024 સુધીમાં પાંચ ટ્રિલિયન ડૉલર સુધી પહોચાડવાની વાત કરતાં હોઈએ ત્યારે એ માટે જરૂરી માનવબળ (Human Resources) પણ ચુસ્ત દુરસ્ત હોવું જોઈએ.

તે રીતે આ ચર્ચાનું મહત્ત્વ વ્યક્તિગત સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તો છે જ પણ દેશની અર્થવ્યવસ્થાની પ્રગતિ માટે સામૂહિક સ્વાસ્થ્યના સંદર્ભમાં પણ એટલી જ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો