ભારતના વિકાસને બેફામ વસતિવધારો નડી રહ્યો છે?

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

કોઈપણ દેશમાં બધાં જ આર્થિક સાધનો ભેગાં થઈને જે કુલ આવક ઊભી થાય તેને એની સમગ્ર વસતિ વચ્ચે વહેંચી દઈએ તો દેશમાં સૌથી પૈસાદારમાં પૈસાદાર અને દેશમાં સૌથી ગરીબમાં ગરીબ આવકની એ સમઘાત વહેંચણી ગણી શકાય.

આથી વિપરીત જ્યારે કોઈ પણ દેશની આવક સપ્રમાણ વહેંચાયેલી ન હોય ત્યારે આવકની અસમાનતા ઊભી થાય છે.

જો પૈસાદારો પૈસાદાર જ થતા જાય અને ગરીબો ગરીબ થતા જાય તો તેમાંથી અસંતોષ અને નારાજગી (unhappiness)નું સર્જન થાય છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતની વસતિનો મોટો ભાગ ઘસાતી જતી આવકો અને ગરીબ તેમજ તવંગર વચ્ચે વધતી જતી ખાઈનો ભોગ બનતો આવ્યો છે.

દેશમાં કોઈ પણ સરકાર આવે, આર્થિક સમાનતા અને સંશાધનોની સમાન વહેંચણીની વાત અચૂક કરે છે.

ગરીબને ગરીબીની રેખાથી ઉપર લઈ જવાની વાત પણ અચૂક થાય છે. ગરીબ અને તવંગર વચ્ચેના ભેદની ખાઈને પૂરવાની વાત પણ અચૂક થાય છે.

ભૂતકાળની સરકારો આ બાબતે અપ્રમાણિક હતી એવું કહેવાનો કોઈ ઈરાદો નથી પણ તેમણે જે કઈ નીતિઓ અપનાવી તેને કારણે દેશની આવક અને સંશાધનોની વહેંચણી અસંતુલિત રીતે થઈ છે.

ગરીબ વધુ ગરીબ બન્યો છે અને તવંગર વધુ તવંગર.

દેશના પ્રમાણમાં નીચી આવકવાળા ગરીબ અને બાંધી આવકે જીવન નિભાવી જનારા મધ્યમ વર્ગ લગભગ ત્યાંના ત્યાં જ રહ્યા છે.

સરકારો આવી અને ગઈ એમની પરિસ્થિતિમાં કોઈ ફેર પડ્યો હોય એવું દેખાતું નથી.

છેલ્લાં સિત્તેર વર્ષમાં આપણી માથાદીઠ આવક જરૂર વધી છે પણ વસતિ વધારાના રાક્ષસે કંઈ ઝાઝું ઉકળવા દીધું નથી.

આટલા બધા પ્રયત્નો છતાંય ભારત આઝાદ થયો ત્યારે દેશની કુલ વસતિ હતી બરાબર તેટલી જ વસતિ આજે ગરીબીની રેખા નીચે જીવે છે. બરાબર તેટલી જ વસતી આજે નિરક્ષર છે.

દેશની વાત કરીએ તો છેલ્લા આંકડા પ્રમાણે હજુ પણ આ દેશની કુલ વસતિના 40 ટકા લોકો ફરજિયાત શૌચ માટે ખુલ્લામાં જાય છે.

દેશમાં 1.77 મિલિયન લોકો પાસે પોતાનું મકાન નથી અને 1.63 કરોડ લોકોને હજુ પણ પીવાનું સ્વચ્છ પાણી મળતું નથી.


દેશે પ્રગતિ કરી પણ વસતિવધારો ભરખી ગયો

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

આપણા દેશે પ્રગતિ તો ઘણી કરી છે પણ વસતિવધારો એ પ્રગતિને ભરખી જાય છે. આપણે 2025 સુધીમાં 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવાનો નિર્ધાર કર્યો છે.

જોકે, આજની સ્થિતિ એ ઉપલબ્ધ આંકડાઓ પ્રમાણે અન્ય દેશોની સરખામણીમાં આપણો માથાદીઠ જીડીપી આપણા કરતાં નાના દેશો જેવા કે ભૂતાન, ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ તેમજ થાઇલૅન્ડ કરતાં પણ નીચો છે જેનું મુખ્ય કારણ વસતિવધારો છે.

માથાદીઠ ઘરઘથ્થુ ઉત્પાદનની દ્રષ્ટિએ આપણે ક્યાં ઊભા છીએ એનો ખ્યાલ નીચેના કોઠા પરથી આવી શકશે.


માથાદીઠ ઘરગથ્થુ ઉત્પાદન

(per capita GDP)

દેશ માથાદીઠ ઘરગથ્થુ ઉત્પાદન (અમેરિકન ડૉલરમાં)
લક્ઝમબર્ગ 114,341
સ્વિત્ઝર્લૅન્ડ 82,839
સિંગાપોર 64,582
અમેરિકા 62,641
ઑસ્ટ્રેલિયા 57,305
જર્મની 48,196
કેનેડા 46,125
યુએઈ 43,005
યુનાઈટેડ કિંગ્ડમ 42,491
ઇઝરાયલ 41,614
ફ્રાન્સ 41,464
જાપાન 39,287
યુરોપિયન યુનિયન 36,532
ઇટાલી 34,318
સ્પેન 30,524
સાઉદી અરેબિયા 23,219
ચીન 11,311
રશિયા 11,289
મલેશિયા 11,239
તુર્કી 9,311
બ્રાઝિલ 8,921
થાઇલૅન્ડ 7,274
પાકિસ્તાન 5,527
ઇન્ડોનેશિયા 3,894
બાંગ્લાદેશ 3,869
ભુતાન 3,361
ફિલિપાઈન્સ 3,103
ભારત 2,016
વૈશ્વિક સરેરાશ 11,297

સંદર્ભ : વર્લ્ડ બૅન્ક 2018 રિપોર્ટ

ભારત કરતાં પાડોશી દેશોનું માથાદીઠ ઘરગથ્થુ ઉત્પાદન (અમેરિકન ડોલરમાં) ઊંચુ છે.

આનું કારણ ત્યાંની વસતિ આર્થિક સ્થિતિની સાપેક્ષે ઓછી છે જેથી માથાદીઠ ઘરગથ્થુ ઉત્પાદન વધ્યું છે.

આમ ભારતમાં આ દેશો કરતાં વિકાસ ખૂબ સારો કહી શકાય પણ આપણો વસતિવધારો આર્થિક વિકાસને ધોઈ નાખે છે.


આવકની અસમાનતા

Image copyright Getty Images

આવકની અસમાનતાની વાત કરીએ તો 1980થી 2016 વચ્ચે ભારતમાં ટોચની એક ટકા વસતિની આવક 857 ટકા વધી છે.

જ્યારે તળિયાની 50 ટકાની આવક માત્ર 107 ટકા વધી છે. જેને આપણે મિડલ ક્લાસ કહીએ છીએ એના માટે પણ ખુશીના સમાચાર નથી.

ભારતની 40 ટકા વસતિની આવક માત્ર 122 ટકા વધી છે. આમ મધ્યમ વર્ગ માટે પણ કંઈ વધારે નથી.

આ બધાનું સીધું પરિણામ શું આવે છે? ભારતમાં ટોચની એક ટકા વસતિ પાસે 73 ટકા મિલકતો (વેલ્થ) છે. એવું ઓક્સફામનો એક અભ્યાસ કહે છે.

માનવના જીવનની સુખાકારી અને ગુણવત્તાનો આંક વર્લ્ડ હ્યૂમન ડેવલપમૅન્ટ ઇન્ડેક્સ રિપોર્ટ 2018ના પ્રાપ્ત આંકડા પરથી જોઈ શકાય છે પ્રાપ્ત આંકડા મુજબ 189 દેશોની તુલનામાં ભારત 130મા ક્રમે છે.

જ્યારે આપણા કરતાં નાના દેશો જેવા કે મલેશિયા(57), શ્રીલંકા(76), થાઇલૅન્ડ(83), ફિલિપિન્સ(113), ઇન્ડોનેશિયા(116) આપણા કરતાં આગળ છે.

આપણું સરેરાશ આયુષ્ય ભલે 70નું વર્ષ થયું હોય પણ આજની પરિસ્થિતિમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડા પ્રમાણે ભારતમાં ઇન્ફન્ટ મોરાલિટી (શિશુ મૃત્યુદર) દર 1000 જન્મદીઠ 34 છે.

જ્યારે અમેરીકામાં 6 અને વિશ્વનો સરેરાશ બાળ મૃત્યુદર પ્રતિ 1000 જન્મદર સામે બાળમૃત્યુ દર 29 જેટલો છે.

આમ ભારતમાં હજૂ પણ બાળમૃત્યુનું પ્રમાણ વિશ્વની સરેરાશ કરતાં ઊંચું છે.

વસતિની સપ્રમાણતા એટલે કે સ્ત્રી અને પુરુષની સંખ્યા વસતિમાં સરખી હોય તે ગણાય. કમનસીબે આપણે ત્યાં 1000 પુરુષ દીઠ 930 સ્ત્રીઓ છે.

આને પરિણામે વ્યાપક સામાજિક તેમજ સિંગલ પર્સન ફેમિલીને કારણે એઇડ્સ જેવી બીમારીઓ આપણને પીડે છે.

આ પરિસ્થિતિમાં વિતતા સમયની સાથોસાથ આવકની અસમાનતા કોઈ પણ દેશના અર્થશાસ્ત્રીઓ અને રાજકીય શાસકો માટે મોટો પ્રશ્ન બનતો જાય છે.

આમ ગરીબો વધારે ગરીબ બનતા જાય છે. બીજી બાજુ વસતિવધારાને કારણે સરકારની અત્યાર સુધીમાં કેટલીય યોજનાઓ આવી ને ગઈ પણ પરિસ્થિતી જેમની તેમ છે.

શહેરી ઝૂંપડપટ્ટી, કથળતી જતી આરોગ્ય સેવાઓ અને શિક્ષણ, શહેરી ગંદકી, બિસ્માર રસ્તાઓ, પીવાના પાણીની સમસ્યા જેવી અનેક સમસ્યાઓ વકરી છે.

આ પડકારોને પહોચી વરવા માટે કોઈ પણ સરકાર સક્ષમ નથી.

દેશની આ સમસ્યાઓ ઉપર કાબૂ મેળવવા ચીનની જેમ વસ્તી વધારા ઉપર નિયંત્રણ લાવવું અત્યંત જરૂરી છે નહીંતર 5 ટ્રિલિયન ઇકૉનૉમી બનીશું તો પણ કાંઈ વળવાનું નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો