#100women : રેપ અને ડિપ્રેશનની પીડામાંથી બહાર આવવા યોગે કેવી રીતે મદદ કરી?

નતાશા નોએલ Image copyright Natasha Noel
ફોટો લાઈન નતાશા નોએલ

ત્રણ વર્ષની ઉંમરે નતાશા નોએલને પોતાનાં માતાની આત્મહત્યા જોવી પડી. સાત વર્ષની ઉંમરે એક ઘરઘાટીએ તેમની સાથે દુષ્કર્મ કર્યું. પછીના વર્ષોમાં તેમના પિતરાઈઓ દ્વારા તેમનું જાતીય શોષણ થયું.

આ ઘટનાઓ અને આઘાતને કારણે તેમનો આત્મવિશ્વાસ તૂટી ગયો. તેમનાં મનમાં ડર પેસી ગયો અને તેઓ માનસિક તણાવનો ભોગ બની ગયાં.

આજે નતાશાએ પોતાની જાતને સ્વીકારી લીધી છે અને આ માનસિક સ્થિતિમાંથી ઉભરી રહ્યાં છે.

આ માનસિક સ્થિતિમાંથી બહાર આવવા માટે યોગની વિવિધ મુદ્રાઓએ તેમને મદદ કરી અને સાથે જ તેમને માનસિક અને શારીરિક તાકાત પણ આપી.

21 વર્ષની ઉંમરે નતાશાની સ્વસ્થ થવાની સફર શરૂ થઈ. તેમનાં બૉયફ્રેન્ડે તેમની સાથે સંબંધ તોડીને તેમને પોતાનાથી દૂર કરી દીધાં.

હવે આ તેમની અંદરના કોલાહલને સાંભળવાનો સમય હતો. પરંતુ ઘાવ બહુ ઊંડા હતાં.

ત્રણ વર્ષની કુમળી વયે તેમણે પોતાની નજર સામે પોતાનાં માતાને અગ્નિસ્નાન કરતાં જોયાં. તેમનાં માનસિક બીમાર પિતાને રિમાન્ડ હોમમાં મોકલી આપવામાં આવ્યા. તેથી નતાશા પોતાના દાદા-દાદી સાથે રહેવાં લાગ્યાં.

Image copyright Natasha Noel
ફોટો લાઈન નતાશાના બાળપણની તસવીર

સાત વર્ષની ઉંમરે તેમનાં ઘરમાં કામ કરનાર એક માણસે તેમની સાથે દુષ્કર્મ કર્યું. તેણે બળજબરીપૂર્વક નતાશાને પછાડી અને તેમનાં પર હાવી થઈ ગયો. નતાશાએ કોઈને એક શબ્દ પણ ન કહ્યો.

એક પિતરાઈ દ્વારા તેમનું જાતીય શોષણ કરવામાં આવ્યું ત્યારે પણ નતાશા કશું ન બોલ્યાં કે એક પિતરાઈ બહેને જ્યારે તેમને અયોગ્ય સ્પર્શ કર્યો ત્યારે પણ તેઓ કશું જ બોલ્યાં નહીં.

તેઓ બીબીસીને જણાવે છે, "મારું બાળપણ ખૂબ ગ્લાનિ અને પીડામાં વીત્યું. મેં હંમેશા મારી જાતને જ દોષ આપ્યો."

"મને દોષી બની રહેવું ગમવા લાગેલું કારણ કે એ મારી પીડાથી ઘણું નજીક હતું. મને લાગતું કે હું એને જ લાયક છું."

પોતાના દેખાવ પર વિશ્વાસની સમસ્યાઓ બાદ તેમને ડાન્સથી આઝાદીનો અનુભવ થયો. ડાન્સના માધ્યમથી તેઓ પોતાની જાતને વિશ્વાસપૂર્વક વ્યક્ત કરી શક્યાં.

મુંબઈમાં એક સ્થાનિક ડાન્સ ઇન્સ્ટિટ્યુટમાં તેમણે જૅઝ, બૅલે અને કન્ટેમ્પરરી ડાન્સની તાલીમ લીધી.

પરંતુ તેમનાં ઘૂંટણમાં ઇજા પહોંચી અને તેમને ડાન્સ અટકાવવો પડ્યો.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
નતાશા નોએલ દુષ્કર્મની પીડા અને ડિપ્રેશનમાંથી બહાર આવી યોગશિક્ષિકા કેવી રીતે બન્યાં?

આટલી મુશ્કેલીઓ ઓછી હોય તેમ તેમને ડિસ્લેક્સિયાને કારણે શાળામાં ઘણી મજાક અને સતામણીનો સામનો કરવો પડ્યો, જીવનના મહત્ત્વનાં પડાવ પર તેમણે અભ્યાસ છોડવો પડ્યો.

તેઓ ગ્રેજ્યુએટ થવાં માગતાં હતાં. ત્યારે તેમના પાલક માતાએ તેમને શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા કહ્યું, જેમાં થોડી સુરક્ષા હોય છે.

નતાશા કહે છે કે તેમના નવા પરિવારે હંમેશા તેમને બની શકે એટલો વધુ પ્રેમ આપ્યો. પણ એ તેમના માટે ક્યારેય પુરતો નહોતો. "એ મારી સમસ્યા હતી, હું ક્યારેય સ્વીકારવા કે ખુલવા તૈયાર જ નહોતી."

"મારા મનમાં એટલું નક્કી હતું કે મારે ટીચર તો નથી જ બનવું."

પછી આવ્યો બ્રેક અપનો સમય, જેણે પરિવર્તન ફરજિયાત બનાવી દીધું.

તેઓ કહે છે, "મને ખબર હતી, મારે સારું થવું જ પડશે."


બધું જ વ્યર્થ હોવાની લાગણી

Image copyright Natasha Noel

એ એક સમય હતો જેણે તેમને શીખવ્યું, "તમારે પોતે જ તામારી માનસિક સ્થિતિની કાળજી રાખવી પડશે, કારણ કે બીજું કોઈ તેમાં મદદ કરશે નહીં."

નતાશાને સમજાયું તેઓ તેમનાં શરીર બાબતે શરમ અને પોતાની જાત પર ઘૃણાની ભાવનામાંથી બહાર આવી રહ્યાં હતાં.

તેઓ કહે છે, "મારા માટે ડિપ્રેશન એટલે આત્યંતિક વર્તન. હું શ્વાસ ન લઈ શકું ત્યાં સુધી ખાધા કરીશ અને પછી બાકીનું ફેંકી દઈશ અને ક્યારેક મારી જાતને ભૂખથી મારવાની કોશિશ કરીશ. હું આખો દિવસ ઊંઘતી રહીશ અથવા તો બિલકુલ નહીં ઊઁઘું."

માનસિક બીમારીને ઘણી વખત અવગણવામાં આવે છે કારણ કે ભારતમાં એક પ્રકારનો સંકોચ અને અણગમો છે.

ડિપ્રેશન સૌથી મહત્ત્વનો મુદ્દો છે અને વર્લ્ડ હૅલ્થ ઓર્ગેનાઇઝેશના આંકડા મુજબ દર ચારમાંથી એક વ્યક્તિ માનસિક તણાવનો ભોગ બની હોય છે.

નતાશાને યુવા વયે માનસિક સારવાર લેવી પડી હતી. પરંતુ આ વખતે તેમણે પોતે પણ પોતાની સંભાળ લેવા માટે કેટલીક ટેક્નિક અપનાવી.

જેમાં એક દૃષ્ટિકોણ વિકસાવવા માટે જે બાબતો અને વ્યક્તિઓ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની હોય તેની એક યાદી બનાવી તેમજ આ પ્રવૃત્તિમાં સિદ્ધ કરવા લક્ષ્યોની પણ એક યાદી બનાવી.

નતાશા કહે છે, "મારાં ડિપ્રેશન અને વ્યાકુળતાએ જ મને તેમાંથી બહાર નીકળવા પ્રેરણા આપી."

"શરૂઆતમાં મેં ટૂંકા ગાળાનાં લક્ષ્ય નક્કી કર્યાં. જમકે દરરોજ મારા વાળ ઓળવાથી લઈને પાંચ મિનિટ ચાલવા માટે ઘરમાંથી બહાર નીકળવા જેવી પ્રવૃત્તિઓ શરૂ કરી."

અને જે દિવસે તેઓ આ કામ ન કરી શકતાં ત્યારે તેમણે પોતાની જાત સાથે નરમ વલણ આપનાવવાનું નક્કી કર્યું.

"મેં મારી જાતને કહેતાં શીખી લીધું હતું કે નિષ્ફળ જવામાં કોઈ વાંધો નહીં અને કાલે ફરી પ્રયત્ન કરી શકાય છે. બીજો કોઈ વિકલ્પ મળે ત્યાં સુધી મેં મારી જાતને પ્રેમ કરવાનું ચાલું રાખ્યું."

તેમણે વિવિધ બાબતો સાથે જે રીતે કામ લીધું તે જ મુખ્ય પરિવર્તન હતું. "મને યાદ છે, મારા થેરાપિસ્ટ જ્યારે મને પૂછતાં કે હું કેમ છું, ત્યારે હું તેમને કહેતી કે હું તો મજામાં છું, તમે કેમ છો?"

તેઓ યાદ કરતાં કહે છે,"હું બીજા લોકોને પ્રેમ કરવા માટે એટલી ટેવાયેલી હતી કે જાત માટે કંઈ વિચારતી જ નહોતી."


યોગથી મદદ મળી

Image copyright Natasha Noel

ડિપ્રેશન અને એન્ક્ઝાઇટીમાંથી બહાર અવવાની નતાશાની સફરમાં યોગ અને ધ્યાનની ભૂમિકા મહત્ત્વની છે.

યોગએ તેમને શારીરિક અને માનસિક બંને રીતે મજબૂત બનવામાં મદદ કરી.

તેઓ જણાવે છે,"મારી ઇજા બાદ હું ડાન્સ કે અન્ય કોઈ શારીરિક કસરત કરી શકું તેમ નહોતી. પણ મેં દુનિયાભરની મહિલાઓને સોશિયલ મીડિયા પર સુંદર મુદ્રાઓમાં યોગના ફોટો પોસ્ટ કરતાં જોઈ અને તે બહુ મજાનું હતું."

તે એક જ પગલામાં ત્યાં પહોંચવા માંગતાં હતાં.

તેનો અર્થ હતો કે માત્ર આસનો નહીં પરંતુ પ્રાણાયામ દ્વારા શ્વાસ પર નિયંત્રણ રાખીને માનસિક સંતોષ અનુભવવો.

નતાશા કહે છે,"મનને તંદુરસ્ત રાખવા માટે મને યોગ મદદ કરે છે. પ્રક્રિયા ધીમી હતી પણ તેનાથી આવેલાં પરિવર્તને મને પ્રોત્સાહન પૂરું પાડ્યું."

પાંચ વર્ષમાં તેમણે પોતાની જાતને અલગ જ જગ્યાએ પ્રાપ્ત કરી.

"આજે હું કોઈ પણ સંજોગોમા વહેલી સવારે યોગ કરું છું અને પછી થોડી વાર માટે ધ્યાન કરું છું."

તેનાથી તણાવભર્યા દિવસ સરળ બન્યા છે અને તેમણે પહેલાં ક્યારેય નહોતી અનુભવી તેવી લાગણી જાતને પ્રેમ કરીને અનુભવી.

નતાશાએ આ જ આદતને તેમની લાઇફસ્ટાઇલ બનાવી દેવાનું નક્કી કર્યું અને યોગની પદ્ધતિસર તાલીમ લીઘી અને યોગ શિક્ષક બની ગયા.


મારી જાતને બહાર કાઢી

આજે 27 વર્ષની ઉંમરે પણ તેમનાં જીવનમાં ખરાબ દિવસો આવે છે, પણ તેમણે ચાલતાં રહેવાનું શીખી લીધું છે.

નતાશા આજે એક યોગા ટીચર છે તેમજ સોશિયલ મીડિયા પર માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાનું કામ કરે છે. તેઓ આને પોતાની જાતને સ્વીકારવાની સફર તરીકે ઓળખાવે છે.

તેઓ એમની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર લખે છે, "તમે મારાં માટે જે શબ્દો બોલો છો, તેનાં કરતાં પણ વધુ ખરાબ શબ્દો હું મારી જાતને કહી ચૂકી છું અને વિચારી ચૂકી છું."

નતાશા ઇન્સ્ટાગ્રામ પર પોતાનાં 245 હજાર સબસ્ક્રાઇબર્સને યોગ અપનાવીને બૉડી પોઝિટિવિટી મેળવવા અંગે જાગૃત કરે છે. અહીં તેઓ પોતાના અલગ અલગ મૂડ અને અનુભવો વિશે પણ માહિતી આપતાં રહે છે.

"હું સતત દોષભાવથી પીડાતી હતી. મેં તેમાંથી મારી જાતને બહાર કાઢી. કારણ કે બીજું કોઈ નહીં હું જ મારી જાતને અંદર ખેંચી રહી હતી."

સોશિયલ મીડિયા પર એક જાણીતી વ્યક્તિ હોવાથી તેમને આજે પણ લોકો ટ્રોલ પણ કરે છે, કોઈ તેમને 'ચારિત્ર્યહીન' કહે છે તો કોઈ તેમને 'નાલાયક' કહે છે તો કોઈ 'સરળ કે બહુ સારાં નથી લાગતાં' એવી કમેન્ટ્સ કરે છે.

આ વખતે હવે નાતાશા હવે અકળાતા નથી. "મેં મારો દૃષ્ટિકોણ બદલી નાંખ્યો છે અને તેને સારા કામમાં લગાડું છું."

"અહીં પહોંચતા મને 20 વર્ષ લાગ્યા છે અને હજુ હું સંપૂર્ણ સફળ થઈ નથી. હજુ હું દરેક શ્વાસે મારી જૂની સ્થિતિમાંથી બહાર આવી રહી છું."


100 Women શું છે?

બીબીસી 100 Womenમાં દર વર્ષે વિશ્વની 100 પ્રભાવશાળી મહિલાઓની યાદી તૈયાર કરવામાં આવે છે. અમે તેમના પર દસ્તાવેજી ફિલ્મો બનાવીએ છીએ અને તેમના જીવન વિશે તેમના ઇન્ટરવ્યુ કરીએ છીએ, જેનું કેન્દ્ર મહિલા હોય તેવી કહાણીઓને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે.

બીબીસી 100 Womenમાં સામેલ ભારતીય મહિલાઓ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ