મેક્સિકોએ યૂએસમાં ગેરકાયદેસર પ્રવેશ મેળવવા ગયેલાં 311 ભારતીયોને પરત મોકલ્યાં

મેક્સિકોથી પરત Image copyright ANI

મેક્સિકોએ યૂએસમાં ગેરકાયદેસર પ્રવેશ મેળવવા ગયેલાં 311 ભારતીયોને અમેરિકાના દબાણને પગલે પરત મોકલી દીધાં છે.

ઇમિગ્રેશન વિભાગના જણાવ્યા અનુસાર આ ભારતીયો છેલ્લાં કેટલાંક મહિનાઓમાં ગેરકાયદેસર રીતે મેક્સિકો સુધી પહોંચ્યા હતાં. તેમને કેટલાંક આંતરરાષ્ટ્રિય એજન્ટ દ્વારા ગેરકાયદેસર રીતે પ્રવેશ કરાવાનું વચન આપવામાં આવ્યું હતું.

આવા 311 ભારતીયો અને કેટલાક સુરક્ષાદળો સાથેનું એક વિમાન આજે દિલ્હી ખાતે પહોંચ્યું છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મેક્સિકો સરહદે દીવાલ બાંધવાની યોજના છે.

એમણે મેક્સિકો જો ગેરકાયદે પ્રવાસીઓને પરત નહીં મોકલે તો અનેક પ્રતિબંધો અને કર વધારવાની ચેતવણી પણ આપી હતી.

એક વરિષ્ઠ ઇમિગ્રેશન અધિકારીએ ઓળખ ન આપવાની શરતે જણાવ્યા અનુસાર, "આ લોકોને ભારતથી કેટલાંક ટ્રાવેલ એજન્ટે બે ખાનગી ઍરલાઇનની મદદથી મેક્સિકો મોકલ્યા હતા. તેમની પાસેથી વ્યક્તિ દીઠ 25-30 લાખ વસૂલવામાં આવ્યા હતાં."

તેમણે જણાવ્યું, "આ રકમમાં તેમની હવાઈ મુસાફરીનું ભાડું, રહેવા તથા ભોજનની વ્યવસ્થાનો સમાવેશ થાય છે. એજન્ટ એક અઠવાડિયાથી એક મહિનામાં આ લોકોને યૂએસમાં પ્રવેશ અપાવતા."

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
શરણાર્થી સંકટ : ‘તેઓ મારી દસ વર્ષની દીકરીને ખરીદવા માગતા હતા’

સ્રોતના જણાવ્યા અનુસાર બૉઇંગ 747-400 વિમાન સ્પેનના મેડ્રિડ થઈને દિલ્હી પહોંચ્યું છે.

વિમાનમાં સવાર ભારતીયોને એક વખત ભારતમાં ફરી પ્રવેશવા માટે ઇમરજન્સી સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે.

જે નાગરિકોના પાસપોર્ટ માન્ય ન હોય, અથવા તે ખોવાઈ ગયા હોય કે ખરાબ થઈ ગયા હોય તેને આ પ્રકારનું સર્ટિફિકેટ આપવામાં આવે છે.

વૉશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, "મેક્સિકોનાં નેશનલ ઇમિગ્રેશન ઇન્સ્ટિટ્યુટ એ બુધવારે એક નિવેદન બહાર પાડ્યું, કે તેમણે ટોલુકાથી 310 પુરુષો અને એક મહિલાને પરત મોકલ્યા છે."

આ અહેવાલમાં આગળ જણાવાયું હતું કે મેક્સિકોએ યૂએસના દબાણના પગલે તેના ઇમિગ્રેશનના નિયમો કડક બનાવી દીધાં છે.

એક વરિષ્ઠ ઇમિગ્રેશન અધિકારીએ જણાવ્યા અનુસાર,"સરકારી વિભાગો દ્વારા પરત આવેલા લોકોની 3થી 4 કલાક સુધી પૂછપરછ થશે. તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે."

પરત આવનારા મોટા ભાગના પ્રવાસીઓ પંજાબના હોવાનું કહેવાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા