RCEP : ગુજરાતના કાપડઉદ્યોગ પર ચીનના ડરનો પડછાયો કેમ?

ગુજરાત કાપડ ઉદ્યોગ Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

ચીન અને અન્ય દેશોને સસ્તા દરે કાપડની નિકાસ ભારતમાં કરવાની અનુમતિ આપવાની યોજનાથી ગુજરાત સહિત ભારતના સમગ્ર કાપડ ઉદ્યોગમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

સુરતમાં અનેક લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી આનો વિરોધ પણ કર્યો છે.

નોંધનીય છે કે ભારત સરકાર રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકૉનૉમિક પાર્ટનરશિપ (RCEP) હેઠળ ચીન સહિત અન્ય 15 દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવા જઈ રહી છે.

જો RCEP યોજના પ્રસ્તાવિત માળખા સાથે મંજૂર કરી લેવાશે અને ભારત આ કરારમાં સહી કરી દેશે તો તેની ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર માઠી અસર પડે એવી સંભાવના છે.

પહેલાંથી મંદીનો માર વેઠી રહેલા કાપડઉદ્યોગ માટે કેન્દ્ર સરકારનો આ નિર્ણય મોટો ફટકો સાબિત થશે.

આખા દેશનાં કાપડઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ આ પ્રસ્તાવિત યોજના અંગે વધુ સ્પષ્ટતા કરવા કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકાત કરશે.

અહીં નોંધનીય છે કે ભારતનો કાપડઉદ્યોગ પ્રત્યક્ષરૂપે 4.5 કરોડ લોકોને જ્યારે પરોક્ષપણે 6 કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છે.

દેશની કુલ રોજગારી પૈકી 21% રોજગારી કાપડ ઉદ્યોગ દ્વારા જ સર્જાય છે. તેમજ દેશની જીડીપીમાં પણ આ ક્ષેત્રનો ભાગ 2% જેટલો છે.

આટલા મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન કરતો ઉદ્યોગ હાલ મંદીનો માર સહન કરી રહ્યો છે.


આ RCEP છે શું?

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
સુરતમાં કાપડનો ઉદ્યોગ બંધ થવાને આરે?

RCEP એ આસિયાન દેશો અને તેમના પાર્ટનર દેશો વચ્ચેની પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર યોજના છે. આ યોજના સાથે કુલ 16 દેશો સંકળાયેલા છે.

આ દેશોનું વિશ્વના જીડીપી દરમાં કુલ 25 ટકા યોગદાન છે, જ્યારે વિશ્વના કુલ વેપારમાં 30 ટકા આ દેશોનો ફાળો છે.

આ યોજના અંતર્ગત સંકળાયેલા દેશો એક બીજા દેશમાં મુક્ત રીતે વેપાર કરી શકે છે.

આ યોજના ખરેખર તો વૈશ્વિક વેપારને પ્રોત્સાહન આપવા માટે ઘડાઈ છે, પરંતુ નિષ્ણાતોના મતે આ યોજના અંગેની અસ્પષ્ટતાના કારણે કાપડઉદ્યોગ અને અન્ય ઉદ્યોગોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

યોજનાના ઘડતર દરમિયાન તેની શરતોને આખરી ઓપ આપવા ભારતના સંબંધિત ઉદ્યોગોના પ્રતિનિધિઓને સામેલ કરાશે તો કદાચ આ અસ્પષ્ટતા દૂર થઈ જશે.

RCEP અંગે પોતાનો મત રજૂ કરતાં ગુજરાત વિવર્સ ઍસોસિએશનના પ્રમુખ અશોક જીરાવાલા જણાવે છે કે, "RCEP યોજના એ મેક ઇન ઇન્ડિયાની વાતની તદ્દન વિરુદ્ધ છે. જો પ્રસ્તાવિત માળખા પ્રમાણે આ યોજના લાગુ થઈ જશે તો સ્થાનિક કાપડઉદ્યોગની હાલત હમણાં છે એના કરતાં વધારે બગડી જશે."

"RCEP લાગુ થઈ ગયા બાદ સૌથી મોટો ભય ગુજરાતના કાપડ ઉદ્યોગને ચીનનો રહેશે, કારણ કે ચીન પોતાનો સસ્તો માલ ભારતમાં ઠાલવી સ્થાનિક ઉદ્યોગોની કમર તોડી નાખશે એવો ભય છે."


ચીનથી ગુજરાતના કાપડઉદ્યોગને ડર કેમ?

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

નિષ્ણાતો પ્રમાણે ગુજરાતમાં કાપડઉદ્યોગ પહેલાંથી મંદીનો સામનો કરી રહ્યો છે.

આવી પરિસ્થિતિમાં જો RCEP યોજનાને પ્રસ્તાવિત માળખા પ્રમાણે સ્વીકારી લેવાશે તો ગુજરાતનો કાપડઉદ્યોગ પડી ભાંગશે.

ચીન આખી દુનિયામાં સસ્તા દરે માલ સપ્લાય કરવા માટે પ્રખ્યાત છે. ત્યાંના વેપારની પરિસ્થિતિઓ અંગે વિશ્વને વધારે ખબર નથી.

તેમ છતાં તેઓ સસ્તા દરે, નવીન ટેક્નૉલૉજી ધરાવતી વસ્તુઓનું ઉત્પાદન કરે છે તેમાં કોઈ બેમત નથી.

પરંતુ ચીનની આ જ વિશેષતાઓ ગુજરાત અને તેના કાપડ ઉદ્યોગ માટે માથાનો દુખાવો બની શકે છે.

જો ચીનને મુક્ત વેપારના કરાર હેઠળ છૂટો દોર આપી દેવાશે તો અગાઉથી મંદીમાં સપડાયેલો કાપડઉદ્યોગ વધુ મુશ્કેલીમાં ઘેરાઈ જશે.

RCEP અને ચીનના ભય અંગે વાત કરતાં અશોક જીરાવાલા જણાવે છે કે, "ચીનમાં ઉદ્યોગો માટે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી આપે છે."

"આ સિવાય ત્યાં ઉદ્યોગોમાં ક્લસ્ટર સિસ્ટમનો મોટા પાયે ઉપયોગ થાય છે."

"ભારતની સરખામણીમાં ચીનમાં મજૂરીખર્ચ અને બીજો વહીવટીખર્ચ ખૂબ જ ઓછો હોય છે."

"તેમજ ત્યાં મોટા ભાગનાં યુનિટો સંગઠિત ક્ષેત્રમાં જ ચલાવાતાં હોય છે. તેમજ ટેક્નૉલૉજીમાં પણ ચીન આપણા કરતાં ખૂબ જ આગળ છે."

"તેથી તેઓ સસ્તા દરે માલનું ઉત્પાદન કરી શકે છે. જ્યારે નિકાસ કરવાની વાત આવે છે ત્યારે ચીન દ્વારા ઉત્પાદિત માલ આયાત થઈને આવ્યા બાદ પણ ભારતમાં ખૂબ સસ્તો જ બની જ રહે છે."

"તેમજ અહીં મજૂરીખર્ચ અને અન્ય જરૂરી ખર્ચા પણ ચીનની સરખામણીમાં ખૂબ જ વધારે છે. જે કારણે સ્વાભાવિકપણે આપણા અહીં ઉત્પાદિત થયેલા માલની કિંમત વધુ જ રહેવાની."

"હવે જો ભયની વાત કરીએ તો, જો સરકાર એવું વિચારીને આ યોજના ઘડી રહી હોય કે આપણા દેશના લોકોને પણ સસ્તી વસ્તુઓ મળી શકશે. તો જો સ્થાનિક રોજગારી આપતાં યુનિટો જ બંધ થઈ જશે તો સામાન્ય માણસ પાસે પૈસા ક્યાંથી આવશે."

ચીનના ભય અંગે વાત કરતાં ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સના કારોબારી પરિષદનાં સભ્ય મીના કાવીયા જણાવે છે, "RCEP લાગુ થવાથી તમામ ભાગીદાર દેશોમાં ઇમ્પૉર્ટ-ઍક્સપૉર્ટ ડ્યૂટી શૂન્ય બનાવી દેવાશે અથવા તો ઘટાડી દેવાશે."

"તેથી જો ચીન જેવા મોટા ટેક્સટાઇલ ઉત્પાદક દેશો ભારતમાં પોતાનો માલ ડમ્પ કરશે તો સ્થાનિક ઉત્પાદકોની મુશ્કેલીઓમાં વધારો થઈ જશે."

"ચીનમાં સમગ્ર ટેક્સટાઇલ ક્ષેત્રની ઉત્પાદકતા ખૂબ જ વધારે છે. તેમજ ચીનના ઉદ્યોગોમાં સરકારની દરમિયાનગીરી પણ વધુ છે."

"ચીનના ઉત્પાદકો પૉલીએસ્ટરનું તૈયાર શર્ટ 2.5 થી 3 ડૉલર સુધીની કિંમતે યુરોપીયન દેશોમાં નિકાસ કરે છે. જ્યારે ભારતમાં 2-2.25 ડૉલરનું માત્ર શર્ટનું કાપડ પડતું હોય છે."

"તેથી ચીનના ઉત્પાદકોને જો ભારતમાં યોગ્ય હરીફાઈનું નિર્માણ કર્યા વગર પોતાનો માલ ડમ્પ કરવાની પરવાનગી અપાશે તો ભારતના ટેક્સટાઇલઉદ્યોગ પર તેની ખરાબ અસર તો પડવાની જ છે."


ગુજરાતમાં કાપડઉદ્યોગની હાલની સ્થિતિ?

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

સુરત ખાતેની સહજાનંદ ટેક્સટાઇલ કંપનીના માલિક હરિભાઈ કથીરિયા ગુજરાતના કાપડઉદ્યોગની પ્રવર્તમાન સ્થિતિ અંગે વાત કરતાં જણાવે છે કે, "હાલ ગુજરાતનો કાપડઉદ્યોગ મોંઘું વીજળીબિલ, વધેલો મજૂરીખર્ચ, કામદારોના પ્રશ્નો અને માળખાકીય સુવિધાઓના અભાવ સામે ઝઝૂમી રહ્યો છે."

"જો RCEP યોજના પ્રસ્તાવિત માળખા પ્રમાણે મંજૂર થઈ જાય તો અમારે અમારી ફેકટરીઓને તાળાં મારવાનો વારો આવશે."

ગુજરાતમાં હાલ કાપડઉદ્યોગની સ્થિતિ અંગે વાત કરતાં અશોકભાઈ જીરાવાલા જણાવે છે કે, "ગુજરાતમાં એક અનુમાન પ્રમાણે 8.5 થી 9 લાખ લૂમ હતાં. જ્યારે હવે GST બાદ તેની કુલ સંખ્યા ઘટીને 6.5 લાખ જેટલી થઈ ગઈ છે."

"GST બાદ ઘણા વેપારીઓએ 1 લાખ રૂપિયાનાં લૂમ માત્ર 15 હજાર રૂપિયામાં વેચી દીધાં છે."

"તેમજ ગુજરાતમાં ઉદ્યોગોના સંચાલનની સરળતા માટે વનવિન્ડો પ્રોગ્રામની ગેરહાજરી પણ તેના વિકાસને અવરોધે છે."

"તેથી જો RCEP પ્રસ્તાવિત માળખા પ્રમાણે લાગુ થઈ જશે તો માત્ર ગુજરાત જ નહીં પણ આખા દેશના કાપડઉદ્યોગ પર માઠી અસર થશે."

ગુજરાતના કાપડઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિ અંગે વાત કરતાં આકાશ પ્રેસ ઍન્ડ પ્રિન્ટ્સના માલિક અને ધી અમદાવાદ ટેક્સટાઇલ પ્રોસેસર્સ ઍસોસિએશનના ઉપપ્રમુખ નરેશ શર્મા જણાવે છે કે, "હાલ કાપડઉદ્યોગમાં મંદીનો માહોલ છે, તેમજ નોટબંધી પછી તો ખાસ આ ક્ષેત્ર મંદીનો માર સહન કરી રહ્યું છે."

"હાલ ગુજરાતમાં યાર્ન અને ગ્રે ઉદ્યોગની પણ પરિસ્થિતિ સારી નથી. તેમજ વેપારમાં ઉધાર વ્યવહારમાં છેતરપિંડીના કિસ્સા વધતા કાપડઉદ્યોગનાં યુનિટોને નુકસાન વેઠવું પડે છે."

"જો પ્રસ્તાવિત માળખા પ્રમાણે જ સરકાર RCEP યોજના લાગુ કરી દેશે તો ગુજરાતના કાપડઉદ્યોગની દશા બેસી જશે."

"કાપડની મિલો બંધ થઈ જશે અને રોજગારીનો વિકટ પ્રશ્ન આપણી સામે આવીને ઊભો રહી જશે."

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે ગુજરાતમાં ટેક્સટાઇલ પ્રોસેસિંગ યુનિટો દ્વારા 40% સુધી ઉત્પાદન ઘટાડી દેવાયું છે.

સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં કાપડની માગમાં ઘટાડો થતાં ગુજરાતનાં ટેક્સટાઇલ પ્રોસેસિંગ યુનિટોએ આ નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે.

જોકે, મંદીના મારથી ગુજરાતના આ ગૌરવવંતા ઉદ્યોગને બચાવવા માટે સરકારે કોઈ જ પ્રયત્ન નથી કર્યા એવું નથી.

ધ હિન્દુ બિઝનેસ લાઇનના એક અહેવાલ પ્રમાણે ગુજરાત સરકારે ટેક્સટાઇલઉદ્યોગની સહાય માટે 'ધ સ્કીમ ફૉર આસિસટન્સ ટુ સ્ટ્રેન્ધન સ્પેસિફિક સૅક્ટર્સ ઇન ટેક્સટાઇલ વેલ્યુ ચેઇન' નામક યોજના શરૂ કરી છે.

જે અંતર્ગત ગુજરાતના સ્થાનિક કાપડઉદ્યોગોને વ્યાજ અને પાવર ટેરિફમાં સબ્સિડી મારફતે પ્રોત્સાહન અપાશે.

તેમજ આ યોજના દ્વારા કાપડ ઉદ્યોગમાં નવી ટેક્નૉલૉજી અપગ્રેડ કરવા માટે પણ સહાય કરાશે. તેમજ કાપડ ઉદ્યોગના વિકાસ માટે ટેક્સટાઇલ પાર્ક બનાવવાની પણ યોજના છે.


ભારતનો કાપડ ઉદ્યોગ અને ગુજરાત

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

ગુજરાત કાપડઉદ્યોગમાં સમગ્ર દેશમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. દેશમાં કાપડઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત ટેક્સટાઇલ સ્ટેટ ઑફ ઇન્ડિયા, માન્ચેસ્ટર ઑફ ઇસ્ટ અને ડેનિમ કૅપિટલ ઑફ ઇન્ડિયા જેવાં નામોથી જાણીતું છે.

ગુજરાતના કાપડઉદ્યોગની અગત્ય સમજવા માટે દેશના અર્થતંત્રમાં કાપડઉદ્યોગનું પ્રદાન જાણવું પડે.

8મી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં રજૂ કરાયેલા આંકડાઓ પ્રમાણે વર્ષ 2017માં ગુજરાતના કાપડઉદ્યોગનું કદ લગભગ 25 બિલિયન ડૉલર જેટલું હતું.

ગુજરાતમાં લગભગ 1500 જેટલાં મોટાં અને મધ્યમ કદનાં ટેક્સટાઇલ યુનિટો આવેલાં છે.

તેમજ ભારત દ્વારા ટેક્સટાઇલ ઉત્પાદનોની નિકાસમાં ગુજરાતનો ભાગ 12% છે.

દેશના ઉત્પાદન સૅક્ટરમાં ગુજરાત ટેક્સટાઇલઉદ્યોગ 25%નો હિસ્સો ધરાવે છે.

દેશમાં સૌથી વધુ 600 કરતાં વધુ મધ્યમ અને મોટા કદનાં ટેક્સટાઇલ પ્રોસેસિંગ હાઉસ ગુજરાતમાં જ આવેલાં છે.

ગુજરાત કપાસના ઉત્પાદન અને નિકાસની બાબતમાં ભારતમાં સૌથી આગળ પડતું છે.

દેશમાં કુલ કપાસના ઉત્પાદનના 33% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. તેમજ દેશમાંથી કરાતી કુલ કપાસની નિકાસ પૈકી 60% નિકાસ ગુજરાત દ્વારા કરાય છે.

ભારતમાં સૌથી વધારે ડેનિમ કાપડનું ઉત્પાદન પણ ગુજરાતમાં જ થાય છે. ડેનિમ ઉત્પાદનની બાબતમાં વિશ્વમાં ગુજરાત ત્રીજા સ્થાને આવે છે.

દેશમાં સુતરાઉ કાપડના ઉત્પાદનમાં પણ ગુજરાત દેશમાં બીજા સ્થાને આવે છે. નોંધનીય છે કે ગુજરાતમાં વાર્ષિક 3.9 કરોડ મિટર સુતરાઉ કાપડનું ઉત્પાદન થાય છે.

તેમજ ટેક્સટાઇલઉદ્યોગમાં વપરાતી પ્રોસેસિંગ મશીનરી ઉત્પાદકો પૈકી 50% ઉત્પાદકો ગુજરાતમાં છે.

જ્યારે વીવિંગ મશીનરી ઉત્પાદકોની કુલ સંખ્યા પૈકી 90% ઉત્પાદકો ગુજરાતમાં આવેલા છે.

ફાયનાન્સિયલ એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે માત્ર સુરતના કાપડઉદ્યોગનું ટર્નઓવર વાર્ષિક 40 હજાર કરોડ રૂપિયા જેટલું છે.

ઇન્ડિયા બ્રાન્ડ ઇક્વિટી ફાઉન્ડેશનના અહેવાલ પ્રમાણે ભારતના કાપડઉદ્યોગનું કદ વર્ષ 2018માં 150 બિલિયન ડૉલર જેટલું હતું.

જે વર્ષ 2019માં 250 બિલિયન ડૉલર થવાનું અનુમાન છે. વર્ષ 2017-18માં ભારતના કુલ ઔદ્યોગિક પેદાશમાં કાપડઉદ્યોગ 7% જેટલો ભાગ ધરાવે છે.

ફાયનાન્સિયલ એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે હાલ ગુજરાતમાં 144 કમ્પોઝિટ મિલો આવેલી છે, જેમાં સ્પિનિંગ મિલો પણ સમાવિષ્ટ છે. તેમજ સમગ્ર ગુજરાતમાં 897 જેટલાં જિનિંગ અને પ્રોસેસિંગ યુનિટો આવેલાં છે.

આ સિવાય 22 સર્જિકલ કોટન યુનિટ, 2362 પ્રોસેસિંગ રેડીમેડ ગાર્મેન્ટ યુનિટ, 362 ટેક્નિકલ ટેક્સટાઇલ યુનિટ, 513 પાવર પ્રોસેસિંગ યુનિટ અને 1146 હેન્ડ પ્રોસેસિંગ યુનિટ આવેલાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ