ગુજરાત પેટાચૂંટણી : અલ્પેશ ઠાકોર લડે છે એ રાધનપુરમાં ગત ચૂંટણી કરતાં મતદાન ઘટ્યું

રાધનપુરમાં મતદાન

ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે. લોકસભાની ચૂંટણી બાદ રાજ્યમાં આ પ્રથમ પેટાચૂંટણી છે. જેમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે.

અલ્પેશ ઠાકોર જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે તે રાધનપુરમાં બેઠક પર ગત વિધાનસભાની ચૂંટણીની સરખામણીમાં આ વર્ષે મતદાન ઘટ્યું છે.

2017ની વિધાનસભાની ચૂંટણી વખતે રાધનપુર બેઠક પર 68 ટકા મતદાન થયું હતું, જોકે આ વખતે મતદાનની ટકાવારી ઘટીને 62.95 ટકા થઈ છે.

આ છ બેઠકોમાંથી રાધનપુર અને બાયડની પેટાચૂંટણીની રાજ્યામાં ચર્ચા થઈ રહી છે. રાધનપુર પર અલ્પેશ ઠાકોર અને બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા ચૂંટણી લડી રહ્યા છે. આ બંને પહેલાં કૉંગ્રેસમાં હતા.

વર્ષ 2019ની લોકસભા ચૂંટણી બાદ બંને ભાજપમાં જોડાયા હતા અને ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દીધું હતું.

કેટલીક જગ્યાએ ઈવીએમ ખરાબ થવાની ફરિયાદો આવી હતી. શરૂઆતના કલાકોમાં કેટલાક વિસ્તારોમાં મતદારોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો ન હતો. જોકે, કેટલાંક ગામોમાં સવારથી જ મતદાન માટે લાઇનો લાગી હતી.

આ તરફ મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાન પૂર્ણ થયું છે.

રાધનપુરમાં ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર સામે કૉંગ્રેસના રઘુભાઈ દેસાઈ ચૂંટણી લડી રહ્યા છે.


અત્યાર સુધી કઈ બેઠક પર કેટલું મતદાન?

બેઠક મતદાન (ટકાવારીમાં)
થરાદ 68.95%
રાધનપુર 62.95%
ખેરાલુ 46.15%
બાયડ 61.01%
અમરાઈવાડી 34.75%
લુણાવાડા 51.23%
સરેરાશ મતદાન 53.68%

રાધનપુરમાં કેવો હતો માહોલ?

કૉંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ લોકોને તેમનાં ઘરોમાંથી બહાર કાઢીને પોલિંગ બૂથ સુધી લઈ જઈ રહ્યા હતા. રાધનપુર શહેરમાં પણ પોલિંગ બૂથ પર લોકોની નબળી સંખ્યા જોવા મળી હતી.

સ્થાનિક અમૃતભાઈ સેંઘવ સાથે જ્યારે આ વિશે વાત કરી તો તેમણે કહ્યું કે આ ચૂંટણી પ્રચારમાં લોકોની મૂળ સમસ્યા પર કોઈ વાત થઈ ન હતી અને અલ્પેશ ઠાકોર સહિત ભાજપના નેતાઓએ માત્ર રાષ્ટ્રીય મુદ્દાઓ પર જાહેરસભાઓ સંબોધી હતી, જેને કારણે લોકોમાં કોઈ ઉત્સાહ રહ્યો ન હતો.

જોકે આર. પી. બારોટ નામના એક અગ્રણીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે લોકો નરેન્દ્ર મોદીના શાસન અને તેમની કામગીરીને ધ્યાનમાં લઈને વોટ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે કાશ્મીર જેવા મુદ્દાને કારણે લોકો ભાજપની તરફેણમાં મતદાન કરશે.

ઘણા સ્થાનિકોનું માનવું છે કે રાધનપુર વિધાનસભામાં જે કોઈ નેતા પક્ષ બદલીને ચૂંટણી લડે છે, તેમને જનતા જાકારો આપે છે.

"આજ સુધી તો એવું જ બન્યું છે કે પક્ષ બદલીને ચૂંટણી લડનાર વ્યક્તિ અહીંથી જીતી નથી, જો અલ્પેશ ઠાકોર જીતે તો તે એક નવો ઇતિહાસ બનશે." એવું સ્થાનિક વિનોદ મકવાણાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું.


રાધનપુરના લોકો શું કહે છે?


નજર રાધનપુર અને બાયડની પેટાચૂંટણી પર

રાધનપુરની બેઠક ઉપરથી ભાજપે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે, જેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે કૉંગ્રેસની ટિકિટ ઉપર અહીંથી વિજેતા થયા હતા.

બાયડની બેઠક ઉપરથી ભાજપે ધવલસિંહ ઝાલાને ટિકિટ આપી છે. ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી સમયે ઝાલા આ બેઠક ઉપરથી કૉંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટાયા હતા.

દારૂબંધીના આંદોલનથી જાણીતા બનેલા અલ્પેશ ઠાકોર 2017 અગાઉ પોતે કદી રાજકારણમાં નહીં આવે એમ કહેતા હતા.

જોકે 2017ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઠાકોરસેના સાથે સંકળાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કૉંગ્રેસમાં જોડાયા હતા અને ધારાસભ્ય બન્યા.

2019ની લોકસભાની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ તેમણે કૉંગ્રેસથી અંતર રાખવાનું શરૂ કર્યું હતું અને પ્રચારથી અળગા થઈ ગયા હતા.

તેમણે અને ધવલસિંહ ઝાલાએ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હતું.

મે-2019માં લોકસભા ચૂંટણી પરિણામો બાદ જુલાઈ મહિનામાં બંને ઔપચારિક રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા.

અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ કરવાની માગણી પણ કૉંગ્રેસે કરી હતી.

ઠાકોર તથા ઝાલાએ તેમની વિધાનસભા બેઠકો ઉપરથી રાજીનામાં આપી દીધાં હતાં, જેથી ખાલી પડેલી બેઠકો ઉપર પેટાચૂંટણી યોજવાની જરૂર ઊભી થઈ હતી.

કૉંગ્રેસે રાધનપુરની બેઠક ઉપરથી રઘુભાઈ દેસાઈ અને બાયડમાંથી જસુભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યા છે.

2017ની ચૂંટણીમાં રાધનપુર બેઠક પર 68 ટકા મતદાન થયું હતું. એ ચૂંટણીમાં કૉંગ્રેસની ટિકિટ પરથી અલ્પેશ ઠાકોરનો અંદાજે 15,000 મતોથી વિજય થયો હતો.

કૉંગ્રેસને 48.33 ટકા મત મળ્યા હતા અને ભાજપને 39.96 ટકા મત મળ્યા હતા.


અમરાઈવાડી, ખેરાલુ, થરાદ અને પંચમહાલ

ડિસેમ્બર-2017માં પંચમહાલ જિલ્લાની લુણાવાડા બેઠક ઉપરથી રતનસિંહ રાઠોડ અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા અને ભાજપે તેમને લોકસભાની ચૂંટણીમાં પંચમહાલની બેઠક પર ટિકિટ આપી હતી અને તેઓ જીત્યા પણ હતા.

મે-2019ની લોકસભા ચૂંટણી દરમિયાન અમદાવાદની અમરાઈવાડી બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય હસમુખ પટેલ અમદાવાદ (પૂર્વ)ની લોકસભા બેઠક ઉપરથી વિજેતા થયા હતા.

મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક ઉપરથી ધારાસભ્ય ભાજપના ભરતસિંહ ડાભી પાર્ટીની ટિકિટ ઉપર પાટણની બેઠકથી સંસદસભ્ય બન્યા છે.

બનાસકાંઠા જિલ્લાની થરાદ વિધાનસભા બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય પરબતભાઈ પટેલ મે મહિનામાં બનાસકાંઠાના સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

આમ, સંસદસભ્ય બન્યા બાદ હસમુખ પટેલ, ભરતસિંહ ડાભી, રતનસિંહ રાઠોડ તથા પરબતભાઈ પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામાં આપ્યાં હતાં.

આ ચારેય બેઠક ઉપર મહદ્અંશે ભાજપ અને કૉંગ્રેસની વચ્ચે સીધી ટક્કર છે.

Image copyright Getty Images
ફોટો લાઈન ચૂંટણી પરિણામની ગુજરાતની રૂપાણીની સરકાર ઉપર કોઈ અસર નહીં

અમરાઈવાડીની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર જગદીશભાઈ પટેલની ટક્કર ધર્મેન્દ્રભાઈ પટેલ સાથે છે અને થરાદ પરથી જીવરાજભાઈ પટેલનો મુકાબલો ગુલાબસિંહ રાજપૂત સાથે છે.

ખેરાલુની બેઠક ઉપરથી ભાજપના અમજલભાઈ ઠાકોરનો મુકાબલો બાબુજી ઠાકોર સાથે છે, જ્યારે લુણાવાડાની બેઠક ઉપરથી જિગ્નેશભાઈ સેવકની ટક્કર ગુલાબસિંહ ચૌહાણ સાથે છે.

કાયદાકીય જોગવાઈઓ મુજબ વિધાનસભા (કે પરિષદ)ના ધારાસભ્ય અને સંસદસભ્ય એક કરતાં વધુ ગૃહનું પ્રતિનિધિત્વ એક જ સમયે ન કરી શકે અને બેમાંથી એક ગૃહમાંથી રાજીનામું આપવું પડે.

ખાલી પડેલી બેઠક ઉપર છ મહિનાની અંદર પેટાચૂંટણી યોજવી પડે, જેનો કાર્યકાળ વિધાનસભા કે લોકસભાના કાર્યકાળ સાથે જ પૂર્ણ થાય છે.


ક્યાં કેટલા મતદાર?

Image copyright Hindustan Times

ચૂંટણી પંચના આંકડા પ્રમાણે, અમદાવાદ શહેરમાં આવતી અમરાઈવાડી (નંબર 50) બેઠક ઉપર (148754 પુરુષ, 129536 મહિલા તથા અન્ય ત્રણ) સહિત કુલ 278293 નાગરિકોને મતાધિકાર મળેલો છે.

મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક (નંબર 20) ઉપર 209533 મતદાર છે, જેમાં 108894 પુરુષ, 100636 મહિલા તથા અન્ય ત્રણ મતદારોનો સમાવેશ થાય છે.

બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક (નંબર 8) ઉપર કુલ 217699 મતદાર છે, જેમાં પુરુષ (115625) અને મહિલા (102074) મતદાર છે.

પાટણ જિલ્લાની રાધનપુર (નંબર 16) બેઠક ઉપર કુલ 269659 મતદાર છે, જેમાં (પુરુષ 140190, મહિલા 129466 તથા અન્ય ત્રણ)નો સમાવેશ થાય છે.

મહિસાગર જિલ્લાની લુણાવાડા બેઠક (નંબર 122) ઉપર પુરુષ (137785), મહિલા (130812) તથા અન્ય ત્રણ સહિત કુલ 268600 નાગરિક મતાધિકાર ધરાવે છે.

અરવલ્લી જિલ્લાની બાયડ (નંબર 32) બેઠક ઉપર 118817 પુરુષ તથા 112286 મહિલા સહિત કુલ 231103 લોકો ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.


ગુજરાતની રૂપાણી સરકારને અસર

Image copyright Getty Images
ફોટો લાઈન ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી (વચ્ચે) અને ધવલસિંહ ઝાલા (ડાબે) અને અલ્પેશ ઠાકોર

ગુરૂવારના ચૂંટણી પરિણામ હોય, તેના કારણે ગુજરાતમાં વિજય રુપાણીના નેતૃત્વવાળી ભાજપની સરકારને કોઈ જોખમ ઊભું થાય તેવી શક્યતા નથી.

કુલ 182 વિધાનસભ્યવાળા ગૃહમાં સાદી બહુમતી માટે 92 ધારાસભ્યની જરૂર રહે છે, જોકે રુપાણી પાસે 104 ધારાસભ્યનું સમર્થન છે.

એપ્રિલ-2019માં ધ્રાંગધ્રા (સુરેન્દ્રનગર), માણાવદર (જૂનાગઢ), જામનગર-ગ્રામીણ તથા ઊંઝા (મહેસાણા) એમ ચાર બેઠક ઉપર પેટાચૂંટણી યોજાઈ હતી.

આ ચારેય બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો. ડિસેમ્બર-2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે ભાજપને કુલ 99 બેઠક મળી હતી.


182માંથી 179

કુલ 182 ધારાસભ્યવાળી વિધાનસભામાં હાલમાં કુલ 173 ધારાસભ્ય છે, છ બેઠક ઉપરની પેટા ચૂંટણી બાદ સભ્યસંખ્યા 179 ઉપર પહોંચશે.

એપ્રિલ-2019માં કોર્ટના આદેશોને પગલે, દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા બેઠક ઉપર ભાજપના ધારાસભ્ય પબુભા માણેકને ગેરલાયક ઠેરવવામાં આવતાં આ બેઠક ખાલી પડી છે.

માણેકે વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેમનું ઉમેદવારી ફૉર્મ ભરવામાં ભૂલ કરી હતી, જેને કૉંગ્રેસના ઉમેદવાર મેરામણભાઈ ગોરિયાએ હાઈકોર્ટમાં પડકારી હતી.

ગીર-સોમનાથ જિલ્લાની તલાલા બેઠક (નંબર 91) ઉપરથી કૉંગ્રેસના ધારાસભ્ય ભગવાન ભરવાડને ગેરકાયદેસર ખાણકામના કેસમાં નીચલી કોર્ટે બે વર્ષ અને નવ માસની જેલની સજા ફટકારી હતી.

આથી, કેન્દ્રીય ચૂંટણીપંચ લોકસભાની ચૂંટણી સાથે જ ત્યાં પેટાચૂંટણી યોજાવાનું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટે તેની ઉપર સ્ટે મૂક્યો હતો. હાલમાં આ કેસ સર્વોચ્ચ અદાલતમાં પડતર છે.

લોકપ્રતિનિધિત્વ કાયદાની જોગવાઈઓ પ્રમાણે, બે વર્ષથી વધુ સમય માટે જો કોઈ લોકપ્રતિનિધિને સજા થાય તો તે આપોઆપ ગેરલાયક ઠરે છે અને ચૂંટણીની જરૂર ઊભી થાય છે.

પંચમહાલ જિલ્લાના મોરવા હરફની બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ખાંટ શિડ્યૂલ્ડ ટ્રાઇબ (અનુસૂચિત જનજાતિ) માટેની અનામત બેઠક ઉપર વિજેતા થયા હતા.

જોકે, જાતિ અંગેનું તેમનું સર્ટિફિકેટ ખોટું હોવાનું જણાતા ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને ગેરલાયક ઠેરવવા ભલામણ કરી હતી.

તેમની આ ભલામણના આધારે તત્કાલીન રાજ્યપાલ ઓ. પી. કોહલીએ ખાંટને ગેરલાયક ઠેરવ્યા હતા. ખાંટ અપક્ષ ચૂંટણી લડ્યા તે પહેલાં કૉંગ્રેસ સાથે જોડાયેલા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ