TOP NEWS: ભાજપના ઉમેદવારનો વીડિયો વાઇરલ, ગમે તે બટન દબાવો મત કમળને

પ્રતીકાત્મક તસવીર Image copyright AFP

હરિયાણા અને મહારાષ્ટ્રમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલાં ઈવીએમ મામલે ભારતીય જનતા પક્ષના એક ધારાસભ્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં હરિયાણાની અસંધ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય બક્શીશ સિંહ વિર્કને એ કહેતા સાંભળી શકાય છે કે ઈવીએમમાં બટન ગમે તો દબાવો, પણ મત તો ભાજપને જ જશે.

આ વીડિયોના વાઇરલ થવા મામલે ઘણા ન્યૂઝપેપરમાં સમાચાર પ્રકાશિત થયા છે.

ધ હિંદુના રિપોર્ટ પ્રમાણે આ વીડિયોના વાઇરલ થયા બાદ ચૂંટણીપંચે પૂર્વ પ્રશાસનિક અધિકારી વિનોદ જુત્શીને હરિયાણાની અસંધ સીટ માટે ખાસ નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ચૂંટણીપંચે ઇનેલો સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓની ફરિયાદને ધ્યાનમાં રાખતા પૂર્વ પેટાચૂંટણી કમિશનર જુત્શીને કરનાલ જિલ્લાની અસંધ વિધાનસભા બેઠક માટે વિશેષ નિરીક્ષક તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે.

બક્શીશસિંહ હાલ ધારાસભ્ય છે અને હરિયાણાની અસંધ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે.


ગુજરાતમાં બે સફાઈકર્મીઓનાં મૃત્યુ

Image copyright SUDHARAK OLVE

અમદાવાદના વિશાલા સર્કલ પાસે ગટરમાં કામ કરતા 2 સફાઈકર્મીઓનાં મૃત્યુ થયાં છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રકાશિત અહેવાલ અનુસાર સરખેજ વિશાલા સર્કલ પાસે ગટરમાં સફાઈ કરતા 3 મજૂરો પૈકી 2નાં મૃત્યુ થયાં હતાં અને 1 મજૂરનો બચાવ થયો છે.

આ મજૂરો પાણીની લાઇનના જોડાણના પ્રોજેક્ટ અંતર્ગત કામ કરી રહ્યા હતા.

મોટા ભાગે ગટરના પાણીમાં ગૅસ હોવાને કારણે આ પ્રકારને મૃત્યુ થાય છે .

પરંતુ અમદાવાદ ફાયર અને ઇમર્જન્સી સર્વિસના અધિકારી રાજેશ ભટ્ટ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ મજૂરો ગટર લાઇનમાં કામ કરી રહ્યા ન હતા.

તેમણે ઉમેર્યું, "મજૂરોના મૃત્યુ પાછળનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવી પડશે."

"પ્રાથમિક માહિતી પ્રમાણે એવું માનવામાં આવી રહ્યું છે કે મજૂરો પાઇપલાઇનની અંદર પડી જતા તેમને આંતરિક ઇજા પહોંચી હતી, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું."


ગુજરાતની 100 શાળાઓ બોર્ડના રડારમાં

Image copyright Getty Images

રાજ્યમાં આવેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

શાળાઓ દ્વારા જો 400 કરતાં વધુ વિદ્યાર્થીઓના બોર્ડનાં ફૉર્મ ભરવામાં આવશે તો તેવી શાળા વિરુદ્ધ ખાસ તપાસ હાથ ધરવામાં આવશે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે હાલ રાજ્યની 100 કરતાં વધુ શાળાઓ બોર્ડના રડારમાં છે જેની સામે ખાસ તપાસ હાથ ધરવામાં આવશે.

ધોરણ 10 અને 12 માટે ફૉર્મ ભરવાની પ્રક્રિયા શનિવારથી શરૂ થઈ છે કે જે 18 નવેમ્બર સુધી ચાલશે.

તેવામાં બોર્ડે નક્કી કર્યું છે કે તે એવી સ્કૂલોની છંટણી કરીને તપાસ કરશે કે જે 400 કરતાં વધારે વિદ્યાર્થીઓના ફૉર્મ ભરશે.

પાછલાં વર્ષોમાં પણ ઘણી શાળાઓ એવી હતી કે જેમાંથી 400 કરતાં વધારે વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી.


અયોધ્યા પર ચૂકાદો લાખો લોકોને અસર કરશે : મુસ્લિમ પક્ષ

Image copyright Getty Images

અયોધ્યા મામલે હિંદુ પક્ષકારોના વિરોધ બાદ મુસ્લિમ પક્ષે ઍફિડેવિટના માધ્યમથી મૉલ્ડિંગ ઑફ રિલીફ પર પોતાની નોટ નોંધાવી છે.

હિંદુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે નોટમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટનો જે કંઈ નિર્ણય હશે, તે દેશના ભવિષ્ય અને આવનારી પેઢીઓની વિચારધારા પર અસર કરશે.

નિર્ણય દેશની સ્વતંત્રતા બાદ બંધારણમાં વિશ્વાસ ધરાવતા કરોડો નાગરિકો પર પણ અસર કરશે.

તેમાં લખવામાં આવ્યું છે કે હવે નિર્ણયનો સમય આવી ગયો છે તો કોર્ટ નિર્ણય આપતા સમયે પક્ષોની દલીલ, પુરાવા અને દસ્તાવેજો સાથે આ પ્રભાવોનું પણ ધ્યાન રાખે.

મુસ્લિમ પક્ષકારોએ પોતાની નોટમાં આશા વ્યક્ત કરી છે કે મૉલ્ડિંગ ઑફ રિલીફના માધ્યમથી પણ કોર્ટ આ મહાન દેશની ઐતિહાસિક, સામાજિક અને સાંસ્કૃતિક વિરાસતનું ધ્યાન રાખશે.


ચિલીમાં વિરોધ પ્રદર્શન

Image copyright AFP

ચિલીમાં વિરોધ પ્રદર્શનની બીજી રાત્રે સેંટિયાગો સ્થિત એક સુપર માર્કેટની અંદર આગ લાગવાથી ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે.

સેંટિયાગોના રીજનલ ગવર્નર કાર્લા રુબિલકરે જણાવ્યું કે બે લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે અન્ય એક વ્યક્તિએ હૉસ્પિટલમાં જીવ ગુમાવ્યો હતો.

તેમણે જણાવ્યું કે સ્ટોરમાં લૂટ પણ કરવામાં આવી હતી.

ચિલીમાં મેટ્રોના ભાડામાં કરવામાં આવેલા વધારાના પગલે અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે. રાષ્ટ્રપતિ સેબેસ્ટિયન પિનેરાએ હાલ ભાડામાં થયેલા વધારા પર રોક લગાવી દીધી છે.

જોકે, તે છતાં અશાંતિની સ્થિતિ યથાવત છે. સરકાર તરફથી ઇમર્જન્સીની ઘોષણા કરવામાં આવી છે અને સાથે જ રાત્રિના સમયે કર્ફ્યૂ પણ લગાવવામાં આવ્યું છે.

જે જગ્યાએ પ્રદર્શન ચાલી રહ્યા છે ત્યારે સૈનિકો અને ટૅન્કોની તહેનાતી કરવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો