બનાસકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ડિપ્થેરિયાથી બાળકોનાં મૃત્યુ કેમ થઈ રહ્યાં છે?

વોર્ડ Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

રાજસ્થાન બૉર્ડરને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ડિપ્થેરિયાના કેસમાં છેલ્લા એક મહિનાથી સતત વધારો થઈ રહ્યો છે.

જિલ્લા ચીફ હેલ્થ ઑફિસરના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં સાત બાળકોનાં શંકાસ્પદ ડિપ્થેરિયાથી મૃત્યુ થયાં છે.

કેસની સંખ્યાને જોતાં જિલ્લાના ધાનેરા તાલુકામાં સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ પણ ઊભો કરવામાં આવ્યો છે.

જિલ્લામાં અલગઅલગ ટીમો બનાવીને રોગને પહોંચી વળવા ઘરેઘરે જઈને રસીકરણની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે.


જિલ્લા અને તાલુકામાં શું કામગીરી આરંભાઈ છે?

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં સાબરકાંઠાના C-DHO (ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઑફિસર) મનીષ ફેન્સીના જણાવ્યા પ્રમાણે, સાત બ્લૉક (તાલુકા)માં ડિપ્થેરિયા કુલ 63 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાં સાત બાળકોના શંકાસ્પદ ડિપ્થેરિયાથી મોત થયાં છે. પાંચ મોત ધાનેરા તાલુકા અને બે મોત ડીસા તાલુકામાં નોંધાયા છે.

તેમના જણાવ્યા પ્રમાણે હાલમાં અંદાજે 15-20 દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લા-તાલુકાની ટીમ તમામ સ્તરે કામગીરી કરી રહી છે.

અધિકારીના જણાવ્યા પ્રમાણે, "પાલનપુરમાં દર્દીઓની સંખ્યા વધતાં ધાનેરા, ડીસા તાલુકામાં પણ આઇસોલેશન વોર્ડ શરૂ કરાયો છે."

"રાજ્ય સરકાર તરફથી પણ જરૂર દવાઓનો જથ્થો મંગાવી લેવામાં આવ્યો છે. ડિપ્થેરિયા માટેની રસી (DPT) પણ આપવામાં આવી રહી છે."

"ધાનેરા તાલુકામાં 90 લોકોની ટીમ, ડીસા તાલુકામાં 60 લોકોની ટીમ બનાવી છે, જે હાલમાં કાર્યરત છે."

"આ ટીમ આગામી 10-15 દિવસમાં ઘરેઘરે પહોંચીને રસીકરણની કામગીરી કરશે. તેનાથી ઘણો ફેર પડી શકે તેમ છે."

આ બીમારીથી લોકોને બચાવવા, તેનાં લક્ષણ કેવાં હોય અને શું-શું કાળજી રાખવી જોઈએ એ માટે એક જાગૃતિ-અભિયાન પણ શરૂ કરાયું છે.

તેમજ સાર્વજનિક સ્વાસ્થ્ય કેન્દ્ર (PHC)નો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.

અધિકારીના કહેવા પ્રમાણે શનિવારે મધ્યપ્રદેશમાં ઇન્દોરમાં સૅમ્પલ મોકલવામાં આવ્યા છે, જેથી કરીને રોગ વિશેની ચોક્કસ માહિતી મેળવી શકાય.

આ રોગ અન્યમાં ફેલાતો અટકે એ માટે જે પણ શંકાસ્પદ ડિપ્થેરિયાના કેસ મળે એમના તમામ કુટુંબીજનો, બાળક જો આંગણવાડીનું હોય તો ત્યાં અને સ્કૂલમાં હોય તો સ્કૂલનાં તમામ બાળકોને રસીકરણ કરવાનું અને જરૂરી દવા આપવાનું નક્કી કરાયું છે.

સ્થિતિને પહોંચને વળવા માટે રાજ્ય સરકાર તરફથી પણ નિષ્ણાતો, પ્રોફેસરોની ટીમ જિલ્લામાં આવી ગઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

ચીફ હેલ્થ ઑફિસર કહે છે કે ટીમ જે રસીકરણ સહિત દવાઓ આપી રહી છે એ જોતાં એકાદ મહિના પછી કેસમાં ઘટાડો થઈ શકે છે.

રસીની અસર 21 દિવસ પછી થતી છે. અમે જાહેરાતો આપી છે અને લોકોને જાગૃત કરી રહ્યા છીએ.


બનાસકાંઠામાં કેસ વધવાનું કારણ શું?

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

બનાસકાંઠાના CDHOના કહેવા પ્રમાણે, ધાનેરા તાલુકો આમ તો સમૃદ્ધ તાલુકો ગણાય છે, પણ અહીંના લોકો મોટા ભાગે ખેતરોમાં રહે છે.

મહિલાઓમાં સાક્ષરતાનું પ્રમાણ પણ ઓછું છે, આથી બાળકોમાં રસીકરણનું પ્રમાણ પણ બહુ ઓછું છે.

તેઓ કહે છે, "બાળકોને પાંચ વર્ષ સુધી ડિપ્થેરિયાની રસી (DPT) આપવાની હોય છે, પરંતુ મોટા ભાગનાં માતાપિતાએ તેમનાં બાળકોને આ રસી અપાવી નથી."

"બીજું કે લોકો ખેતરોમાં રહેતા હોવાથી રસીકરણની સમસ્યા નડે છે. જો તેઓ ગામમાં રહેતા હોત તો આંગણવાડી કે શાળામાંથી બાળકોને બોલાવીને પણ રસીકરણ કરી શકાય, પરંતુ ખેતરોમાં રહેતા હોવાથી મુશ્કેલી પડી રહી છે."

રસીકરણમાં પડતી મુશ્કેલી અંગે અધિકારી જણાવે છે કે આશાવર્કરોને ખેતરોમાં ત્રણ-ચાર કિલોમિટર સુધી ચાલીને રસીકરણ માટે જવું પડે છે.

આથી બહુ ઓછાં બાળકોને રસી આપી શકાય છે.


ડિપ્થેરિયા શું છે અને કેવી રીતે ફેલાય છે?

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

ચીફ હેલ્થ ઑફિસર કહે છે કે 15 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં આ રોગ જોવા મળતો હોય છે.

આ બૅક્ટેરિયા આમ તો બહુ નુકસાન નથી કરતાં, પણ તેમાંથી જે ટોક્સિન ઉત્પન્ન થાય છે તે બહુ નુકસાનકારક છે, તેનાથી હાર્ટફેલ પણ થઈ શકે છે.

"આ રોગ એકબીજાના સંપર્કમાં આવવાથી ફેલાય છે. જો કોઈને શરદી કે ખાંસી થઈ હોય ને છીંક આવે, તો અન્યમાં ફેલાવવાની શક્યતા વધી જાય છે."

"સ્કૂલ કે આંગણવાડીનાં બાળકને આ રોગ લાગુ થયો હોય તો અન્યને પણ થઈ શકે છે."


ડિપ્થેરિયાનાં લક્ષણો અને ઉપાય શું?

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

સામાન્ય તાવ આવવો, શરદી-ખાંસી અને ગળામાં સોજો આવવો. ગળામાં સોજો હોવાથી પાણી ઉતારવામાં પણ તકલીફ પડતી હોય છે.

શું કાળજી રાખવી જોઈએ એ પૂછતાં અધિકારી જણાવે છે કે જો પહેલાં તો રસી ન લીધી હોય તો રસી લેવી જોઈએ, જે સરકાર તરફથી મફતમાં આપવામાં આવે છે.

તાવ આવે ત્યારે તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. દિવસમાં ત્રણ વાર નવશેકા પાણીના કોગળાથી ગળાનો સોજો ઓછો થઈ શકે છે.

ધાનેરા તાલુકા હેલ્થ ઑફિસર પીએમ ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે ધાનેરામાં હાલમાં કુલ 20 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં 13 બાળકોને સારવાર અપાઈ ચૂકી છે.

તેઓ કહે છે કે રાજસ્થાન બૉર્ડરનાં લવારા, નેનાવા વગેરે ગામોમાંથી આ કેસ આવ્યા છે.

તેઓ કહે છે કે જાગૃતિ અંગેના કાર્યક્રમો પણ શરૂ કરવામાં આવ્યા છે. તાલુકાકક્ષાએ બનાવેલી ટીમો ઘરેઘરે જઈને બાળકોને રસી આપી રહી છે.

ધાનેરા (CHC)માં પણ સ્પેશિયલ બોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. વધુ સારવારની જરૂર જણાય તેવા દર્દીઓને પાલનપુરની હૉસ્પિટલમાં રિફર કરવામાં આવે છે.

જિલ્લા ચીફ જિલ્લા આરોગ્ય અધિકારીએ હજુ પણ કેસની સંખ્યા વધે તેવી આશંકા વ્યક્ત કરી છે, કેમ કે તેમના મતે રાતે ઠંડી પડે છે અને દિવસે ગરમી પડે છે.

તેઓ કહે છે કે શરૂઆતમાં લોકો આરોગ્ય કેન્દ્રમાં આવતા નહોતા, પણ જિલ્લામાં સાત બાળકોનાં શંકાસ્પદ મોત થવાથી લોકો હવે આરોગ્ય કેન્દ્રમાં આવવા લાગ્યા છે.

તેઓ કહે છે કે અમદાવાદ કે અન્ય જગ્યાએ કેસને મોકલવામાં આવે તો મોડું થઈ શકે છે, તેનાથી બૅક્ટેરિયા વધુ સક્રિય થઈ શકે છે. આથી અહીં જિલ્લા (બનાસકાંઠા)માં જ સ્પેશિયલ વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ