Exit Poll : મહારાષ્ટ્રમાં ભાજપ બહુમતી મેળવી શકશે? કોને કેટલી બેઠક મળી શકે?

મતદાન કરતી મહિલાઓ Image copyright Getty Images

મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે.

અત્યાર સુધી મળતા આંકડા પ્રમાણે મહારાષ્ટ્રમાં 60 ટકા મતદાન થયું છે, જ્યારે હરિયાણામાં સરેરાશ 65.57 ટકા મતદાન થયું છે.

બંને રાજ્યોમાં ગત વિધાનસભામાં ભાજપની સરકારો હતી. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના ગઠબંધનવાળી સરકાર હતી.

ઍક્ઝિટ પોલના તારણ મુજબ રાજ્યમાં ફરી એક વખત યુતિની સરકાર બનશે તથા કૉંગ્રેસ-એનસીપીના ગઠબંધનને વધુ પાંચ વર્ષ માટે વિપક્ષમાં બેસવું પડશે.

બીબીસી કોઈ ઍક્ઝિટ પોલ સર્વે કરતું નથી અને ઍક્ઝિટ પોલના આંકડા દર વર્ષે સાચા જ હોય છે એવું પણ નથી.


મહારાષ્ટ્રમાં ઍક્ઝિટ પોલમાં કોને કેટલી બેઠકો?

Image copyright Getty Images

ટાઇમ્સ નાઉના ઍક્ઝિટ પોલમાં ભાજપ અને શિવસેનાના ગઠબંધનને 230 બેઠકો આપવામાં આવી છે. જ્યારે કૉંગ્રેસ અને એનસીપીને 48 બેઠકો તથા અન્યને 10 બેઠકો આપવામાં આવી છે.

ઇન્ડિયા ટૂડે-માય ઍક્સિસના ઍક્ઝિટ પોલમાં ભાજપ-શિવસેનાને 166-194, કૉંગ્રેસ-એનસીપીને 72-90 તથા અન્યને 22-34 બેઠકો આપવામાં આવી છે.

ટીવીનાઇન મરાઠીના ઍક્ઝિટ પોલમાં ભાજપ-શિવસેનાને 197, કૉંગ્રેસ-એનસીપીને 75 તથા અન્યને 16 બેઠકો મળી રહી છે.

સીએનએન ન્યૂઝ 18-આઈપીએસઓએસના ઍક્ઝિટ પોલમાં ભાજપ-શિવસેનાને 243, કૉંગ્રેસ-એનસીપીને 41 તથા અન્યને 4 બેઠકો મળશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે.

એનડીટીવીના પોલ ઑફ પોલ્સમાં ભાજપ-શિવસેનાને 211, કૉંગ્રેસ-એનસીપીને 64 અને અન્યને 13 બેઠકો મળશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે?


હરિયાણામાં ઍક્ઝિટ પોલ શું કહે છે?

Image copyright Getty Images

હરિયાણામાં વર્તમાન સરકાર ભાજપની છે અને મનોહરલાલ ખટ્ટર મુખ્ય મંત્રી છે.

ટાઇમ્સ નાઉના ઍક્ઝિટ પોલમાં અહીં ભાજપને 71, કૉંગ્રેસને 11, આઈએએલડી (ઇંડિયન નેશનલ લોકદળ) -અકાલીને 0 તથા અન્યને 8 બેઠકો આપવામાં આવી છે.

ઇન્ડિયા ન્યૂઝ-પોલસ્ટ્રાટના ઍક્ઝિટ પોલમાં ભાજપને 75-80, કૉંગ્રેસને 9-12, આઈએએલડી-અકાલીને 0-1, અન્યને 1-3 બેઠકો આપવામાં આવી છે.

ટીવીનાઇન ભારતવર્ષના ઍક્ઝિટ પોલમાં 69, કૉંગ્રેસને 11, આઈએએલડી-અકાલીને 1, તથા અન્યને 9 બેઠકો મળશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે.

એનડીટીવીના પોલ ઑફ પોલ્સમાં ભાજપને 66, કૉંગ્રેસને 14 અને આઈએનએલડી-અકાલીને 2 બેઠકો મળશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે.


કેવી રીતે થાય છે ઍક્ઝિટ પોલ?

દેશની મુખ્ય સર્વે સંસ્થા સીએસડીએસના નિદેશક સંજય કુમાર કહે છે કે ઍક્ઝિટ પોલ અંગે ધારણા છે કે મતદાતા મત આપીને મતદાનમથક બહાર નીકળે ત્યારે તેમને પૂછવામાં આવે છે.

સર્વેમાં મતદારોને ઘણા સવાલો પૂછવામાં આવે છે. જોકે, તેમાં સૌથી મહત્ત્વનો સવાલ હોય છે કે તમે કોને મત આપ્યો છે?

હજારો મતદારોનાં ઇન્ટરવ્યૂ કરીને આ આંકડા એકઠા કરવામાં આવે છે. આંકડાનું વિશ્લેષણ કરીને અંદાજ કાઢવામાં આવે છે, એટલે કે એ શોધવામાં આવે છે કે કયા પક્ષને કેટલા ટકા મત મળ્યા હશે.

ઍક્ઝિટ પોલ કરવા, આંકડા ભેગા કરવા અને તે આંકડાને લોકો સમક્ષ લાવવા માટે ઘણી મહેનત અને લાંબી પ્રક્રિયા હોય છે.

એવું નથી કે દરેક વખતે ઍક્ઝિટ પોલ સાચા જ સાબિત થાય, જેનું તાજું ઉદાહરણ છે 2015ની વિધાનસભાની ચૂંટણી. 2015ની ચૂંટણીના ઍક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા.


ઍક્ઝિટ પોલ ખોટા કેવી રીતે પડે છે?

ઍક્ઝિટ પોલ મોટા પાયે ખોટા કેવી રીતે પડે છે? એવો સવાલ પણ થાય છે.

આ સવાલના જવાબમાં સંજય કહે છે, "ઍક્ઝિટ પોલ ફેલ જવાનું સૌથી મોટું ઉદાહરણ 2004ની લોકસભાની ચૂંટણીઓ છે. જેમાં પણ ઍક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા."

"સર્વે કરનારાઓએ એ વાતનો ખ્યાલ રાખવો જરૂરી છે કે તેઓ દરેક તબક્કાના મતદારો પાસે જાય."

"આપણે ત્યાં મતદાનને ગુપ્ત મતદાન કહેવામાં આવે છે. એવામાં મતદારો પાસેથી એ જાણવું કે તેમણે કોને મત આપ્યો છે તે પણ એક પડકાર છે. કેટલીક વખત તેઓ સાચું બોલે છે કે નહીં તેના પર પણ શંકા હોય છે."

જોકે, સંજયને તેનાથી આશ્ચર્ય થતું નથી. તેઓ કહે છે કે મોટા ભાગના મતદારો સાચું બોલે છે. એવું બની શકે કે કોઈ મતદાર ખોટું બોલી જાય. મતદારો સાચું બોલ્યા કે ખોટું તેનો નિર્ણય ચૂંટણીનાં પરિણામો આવ્યાં બાદ થઈ જાય છે.

સંજય કહે છે કે જો તમે છેલ્લાં 10-15 વર્ષના ઍક્ઝિટ પોલ જોશો તો પરિણામો આ સર્વેની આજુબાજુ જ આવ્યાં છે.


જ્યારે સાચા પડ્યા ઍક્ઝિટ પોલ

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ઍક્ઝિટ પોલના અનુમાનની ખૂબ જ નજીક આવ્યું હતું.

જોકે, કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે બેઠકોનું અંતર ખૂબ ઓછું હતું, પરંતુ રાજ્યમાં ભાજપની સરકાર બની હતી.

ઇન્ડિયા ન્યૂઝ-સીએનએક્સે ઍક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપને 110થી 120 અને કૉંગ્રેસને 65થી 75 બેઠકો મળવાનું અનુમાન કર્યું હતું.

ટાઇમ્સ નાઉ-વીએમઆરના ઍક્ઝિટ પોલમાં ભાજપને 115 અને કૉંગ્રેસને 65 બેઠકો મળવાનું અનુમાન કરવામાં આવ્યું હતું.

ન્યૂઝ 18-સીવોટરે ઍક્ઝિટ પોલમાં ભાજપને 108 અને કૉંગ્રેસે 74 બેઠકોનું અનુમાન લગાવ્યું હતું.

ઇન્ડિયા ટુડે-માય ઍક્સિસે ભાજપને 99થી 113 અને કૉંગ્રેસને 68થી 82 બેઠકો મળવાનું અનુમાન કર્યું હતું.

વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપને 99 અને કૉંગ્રેસને 77 બેઠકો મળી હતી, જ્યારે અન્ય પક્ષોને 6 બેઠકો મળી હતી.

2016માં પશ્ચિમ બંગાળનાં પરિણામો ઍક્ઝિટ પોલની નજીક જ રહ્યાં હતાં.

ઉપરાંત 2018માં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં યોજાયેલી ચૂંટણીમાં કૉંગ્રેસ જીતી હતી.

આ ચૂંટણીમાં ઇન્ડિયા ટુડે, આજતક, રિપબ્લિક ટીવી અને એબીપી ચૅનલોએ કૉંગ્રેસને જ તેમના સર્વેમાં જીતતી બતાવી હતી.


બીબીસી આવા કોઈ સર્વે કરતી નથી

બીબીસીના નામે દેશમાં ચૂંટણીના માહોલમાં મતદાન અગાઉ અને મતદાન બાદ અનેક પ્રકારના સર્વે સોશિયલ મીડિયા પર ફરતા હોય છે.

જોકે, બીબીસી આવા કોઈ પણ પ્રકારના સર્વે કરતી નથી. જો બીબીસીના નામે આવો કોઈ સર્વે તમારી પાસે આવે તો તેને ખોટો ગણવો.

આવા સર્વે સચોટ હોતા નથી, સર્વેની આસપાસનાં પરિણામો આવે છે, પરંતુ તે સચોટ પરિણામ જણાવી શકતા નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ