ઇબ્રાહીમ અને અંજલિની એ લવસ્ટોરી જે લવજેહાદને નામે સુપ્રીમ કોર્ટ પહોંચી

અંજલિ જૈન Image copyright ARYAN

કેરળના બહુચર્ચિત હાદિયા કેસની જેમ છત્તીસગઢના ધમતરી જિલ્લાના ઇબ્રાહીમ-અંજલિનાં પ્રેમલગ્નનો મામલો વધુ ગૂંચવાઈ રહ્યો છે.

રાજ્યમાં આ મામલે ઘણી વાર ધરણાં-પ્રદર્શન અને બંધના એલાનના કાર્યક્રમો અપાઈ ચૂક્યા છે.

સ્થાનિક કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીની કાર્યવાહીમાં અટવાયેલાં અંજલિ જૈન છેલ્લા સાત મહિનાથી રાયપુરના સરકારી સખી સેન્ટરમાં રહે છે.

અંજલિ જૈને બીબીસીને કહ્યું, "હું આ નર્કમાંથી હવે મુક્તિ મેળવવા માગું છું. મેં ઇબ્રાહીમને પ્રેમ કર્યો છે, લગ્ન કર્યાં છે અને મારી જિંદગી તેની સાથે જ વિતાવવા માગું છું."

"પોતાની આબરૂ માટે મારા પિતા મામલાને સાંપ્રદાયિક રંગ આપીને કોર્ટ-કાર્યવાહીમાં ગૂંચવી રહ્યા છે."

બીજી તરફ અંજલિના પિતા અશોક જૈન આ મામલાને સીધેસીધો 'લવજેહાદ' ગણાવીને ધાર્મિક સંગઠનોને એકજૂથ કરવામાં લાગ્યા છે.

તેઓ સતત ધર્મગુરુઓનો સંપર્ક કરી રહ્યા છે અને ભાજપ અને કૉંગ્રેસના ટોચના નેતાઓને મળી રહ્યા છે.

તેમનો દાવો છે કે પોલીસે બંદૂકના નાળચે તેમની પુત્રીને ઘરેથી ઉઠાવી અને તેને રાયપુરના સખી સેન્ટરમાં રાખી, જ્યાં તેમને મળવા પણ દેવાતા નથી.

પરંતુ ધમતરી જિલ્લાના પોલીસ અધિકારી બાલાજીરાવ સોમાવાર અંજલિ જૈનના પિતા અશોક જૈનના દાવાને સંપૂર્ણ ફગાવી રહ્યા છે.

તેઓ કહે છે, "અંજલિ જૈન પુખ્ત વયનાં છે અને તેમની ફરિયાદને આધારે તેમના પિતાના ઘરેથી બચાવાયાં હતાં."

"તેમને સરકાર સંચાલિત રાયપુરના સખી સેન્ટરમાં રાખવામાં આવ્યાં છે. જેઓ પોતાના પરિવાર સાથે રહેવાં માગતાં નથી"

"જેમની પાસે અન્ય કોઈ જગ્યાએ રહેવાની વ્યવસ્થા ના હોય તેવાં મહિલાઓને આ સેન્ટરમાં રાખવામાં આવે છે."


મામલો શું હતો?

Image copyright ARYAN

છત્તીસગઢના ધમતરીના નિવાસી 33 વર્ષીય મોહમ્મદ ઇબ્રાહીમ સિદ્દીકી અને 23 વર્ષીય અંજલિ જૈન 2 વર્ષથી એકબીજાને ઓળખતાં હતાં.

તેમણે 25 ફેબ્રુઆરી, 2018ના રોજ રાયપુરના આર્ય મંદિરમાં લગ્ન કરી લીધાં.

ઇબ્રાહીમનો દાવો છે કે તેમણે લગ્ન પહેલાં હિંદુ ધર્મ અંગીકાર કરી લીધો હતો.

મોહમ્મદ ઇબ્રાહીમ સિદ્દીકી ઉર્ફે આર્યન આર્ય અનુસાર, "લગ્નના સમાચાર મારાં પત્ની અંજલિના પરિવારજનોને મળતાં જ તેમણે મારાં પત્નીને ઘરમાં કેદ કરી લીધાં."

"મેં તેની સાથે મુલાકાત કરવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ એ શક્ય ન બન્યું."

ત્યાર બાદ ઇબ્રાહીમે છત્તીસગઢ હાઈકોર્ટમાં બંદી પ્રત્યક્ષીકરણની અરજી દાખલ કરી અને ન્યાયાલયને પોતાની પત્ની પાછી મેળવી આપવા માટે વિનંતી કરી.

છત્તીસગઢ હાઈકોર્ટે આ મામલે અંજલિ જૈનને વિચારવા માટે સમય આપવા છાત્રાવાસમાં કે માતાપિતા સાથે રહેવાનો આદેશ આપ્યો.

અંજલિ જૈને માતાપિતા સાથે રહેવાના બદલે છાત્રાવાસમાં રહેવાનું મંજૂર રાખ્યું.

ત્યાર બાદ ઇબ્રાહીમે હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી.

ગયા વર્ષ ઑગસ્ટ મહિનામાં અંજલિને સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયાં. જ્યાં અંજલિએ પોતાનાં માતાપિતા સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી.

અંજલિના આ નિવેદનને આધારે એવું માની લેવાયું કે આ મામલો હવે શાંત થઈ ચૂક્યો છે.

પરંતુ ફેબ્રુઆરીમાં આ મામલામાં ફરી એક નવો વળાંક આવ્યો.

અંજલિ સાથે લગ્ન કરવા માટે પોતાનો ધર્મ બદલનાર મોહમ્મદ ઇબ્રાહીમ સિદ્દીકી ઉર્ફે આર્યન આર્ય જણાવે છે કે, "અંજલિએ મને ફોન કરીને કહ્યું કે તેમણે સુપ્રીમ કોર્ટમાં તેમનાં માતાપિતા સાથે જવાની ઇચ્છા એટલા માટે વ્યક્ત કરી હતી, કારણ કે તેમને આશ્વાસન અપાયું હતું કે તેમનાં ટૂંક સમયમાં જ સામાજિક રીતરિવાજ પ્રમાણે આર્યન આર્ય સાથે જ લગ્ન કરાવી દેવાશે."

અંજલિનો દાવો છે કે ઘરે પરત ફર્યા બાદ તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો.

તેમણે આરોપ લગાવ્યો કે અંજલિનાં માતાપિતાએ તેમને દવા ખવડાવવાનું શરૂ કરી દીધું, જે કારણે તેઓ સતત બીમાર રહેવાં લાગ્યાં.

અંજલિ અનુસાર તેમણે ક્યાંકથી રાજ્યના પોલીસ મહાનિદેશકનો ફોન નંબર મેળવ્યો અને પછી તેમને ફોન કરીને પિતાના ત્રાસમાંથી મુક્ત કરાવવા માટે વિનંતી કરી, તેમને ઘરેથી છોડાવીને લઈ જવાનો અનુરોધ કર્યો.

ત્યાર બાદ પોલીસે તેમને ઘરમાંથી મુક્ત કરાવ્યાં અને રાયપુરના સખી સેન્ટરમાં તેમને રાખવામાં આવ્યાં. જ્યાં તેઓ છેલ્લા સાત મહિનાથી છે.


પ્રેમલગ્ન અને લવ જેહાદની કહાણી

Image copyright ALOK PUTUL

અંજલિ જણાવે છે કે, "અમે માત્ર પ્રેમલગ્ન કર્યાં છે. અમે એકબીજા સાથે પ્રેમ કર્યો છે, પરંતુ અમારાં લગ્નને લવજેહાદનું નામ આપી દેવાયું છે."

"મારા પિતા, હિંદુ સંગઠન અને સમાજના લોકો મળીને અમારાં લગ્નને સાંપ્રદાયિક અને રાજકીય રંગ આપી રહ્યા છે."

તેઓ જણાવે છે કે તેમના પિતાએ આ લગ્નને પોતાની આબરૂનો પ્રશ્ન બનાવી દીધો છે, તેથી તેમની હું મરું કે જીવું એ વાતની પણ ફિકર નથી.

અંજલિ જણાવે છે, "મને મારી મરજીથી મારું જીવન જીવવાનો અધિકાર આપવામાં આવે."

અંજલિના પિતાનું માનવું છે કે તેમની પુત્રીને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે.

તેમનો દાવો છે કે તેમણે પોતાની પુત્રી મામલે સ્થાનિક કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી 7 અરજીઓ દાખલ કરી છે.

અશોક જૈન જણાવે છે કે, "આ લોકો લવજેહાદ મારફતે છોકરીઓને ફસાવે છે અને અન્ય ક્યાંક પાર્સલ કરી દે છે. તેમને વિદેશ મોકલી દેવાય છે અને તેમની કિડની, લીવર વગેરે બધું વેચી દેવાય છે. આ હ્યુમન ટ્રાફિકિંગનો મામલો છે."


પરિવારજનોનો આરોપ

Image copyright ALOK PUTUL

અશોક જૈન જણાવે છે કે તેમને તેમની દીકરીને મળવાની મંજૂરી મળતી નથી.

તેઓ ઇચ્છે છે કે ઓછામાં ઓછું એક વાર એવું તો જોઈ લે કે તેમની દીકરી રાયપુર સખી સેન્ટરમાં છે કે ક્યાંક બીજે જતી રહી.

અશોક જૈને કહ્યું કે, "દુર્ગની અમારી એક પરિચિત મિત્ર છે એસપી ઋચા મિશ્રા અને અન્ય એક સમાજસેવિકા મમતા શર્મા છે. એ લોકો વચ્ચે આવ્યા અને કહ્યું કે અમે તમને મળવા લઈ જઈશું. હું એક પોલીસ અધિકારી છું અને દીકરી સાથે બાપ ન મળી શકે?"

ધમતરીના પોલીસ અધિકારી બાલાજી રાવ આ આરોપને ખોટો ગણાવી રહ્યા છે.

તેમનું કહેવું છે કે અંજલિ જૈનને મળવા માટે કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી અને સખી સેન્ટર દ્વારા નક્કી કરાયેલા સમય દરમિયાન કોઈ પણ વ્યક્તિની મુલાકાત લઈ શકાય છે.

અંજલિ જૈન પણ પિતાના દાવાને પાયાવિહોણો ગણાવી રહ્યાં છે અને તેમનું કહેવું છે કે તેમના પિરિવારજનો અને પિતા સતત તેમનાથી મળી રહ્યા છે.

અંજલિએ સખી સેન્ટરમાં પિતા સહિત અન્ય લોકો સાથે થઈ રહેલી મુલાકાતો વિશે તારીખવાર માહિતી આપી હતી.

અંજલિએ એવું પણ કહ્યું કે સખી સેન્ટરના અધિકારી, બીજા જિલ્લાના પોલીસ અધિકારી અને ધાર્મિક સંગઠનોના લોકો પણ તેમને મળવા આવનારને હેરાન કરે છે.

હાલમાં જ તેમના આમંત્રણ પર પહોંચેલાં સામાજિક કાર્યકર્તા અને વકીલ પ્રિયંકા શુક્લા પર અશોક જૈનનાં મિત્ર દુર્ગનાં રેડિયો એસપી ઋચા મિશ્રા અને સામાજિક કાર્યકર્તા મમતા શર્મા દ્વારા હુમલો કરવાની, મોબાઇલ છીનવી લેવાની ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. આ કેસમાં પ્રિયંકા શુક્લાને પણ આરોપી બનાવાયાં છે.


નિર્ણય કોર્ટ પર

Image copyright ALOK PUTUL

અંજલિ જૈને પણ રેડિયો એસપી ઋચા મિશ્રા અને સામાજિક કાર્યકર્તા મમતા શર્મા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

આ સિવાય કૉંગ્રેસ સાથે સંકળાયેલા વકીલ અને રાયપુરના કિરણમયી નાયકે પણ અંજલિના પિતા વિરુદ્ધ દબાણ કરવાની ફરિયાદ નોંધાવી છે.

પ્રિયંકા શુક્લા જણાવે છે કે, "ધાર્મિક સંગઠનો સાથે મળીને બીજા જિલ્લાના પોલીસ અધિકારી આ મામલામાં રસ લઈ રહ્યા છે, તેઓ ડરાવવા-ધમકાવવાનું કામ કરી રહ્યા છે અને પોતાના અધિકારક્ષેત્રની બહાર જઈને હસ્તક્ષેપ કરી રહ્યા છે."

"રાજ્ય સરકારે જેઓ સમાજમાં સાંપ્રદાયિક સદ્ભાવનું વાતાવરણ બગાડવાના પ્રયત્ન કરે છે એવા અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ"

પરંતુ અંજલિ જૈનના પિતા અશોક જેન સાથે ઊભેલા સામાજિક કાર્યકર્તા મમતા શર્માનો પોતાનો જ તર્ક છે.

તેમનું કહેવું છે કે ધાર્મિક અને સામાજિક માન્યતાઓ આધારે તેઓ કામ નથી કરતાં. અંજલિ જૈનના પિતાએ તેમની મદદ માગી હતી, તેથી તેઓ આ મામલામાં તેમની મદદ કરી રહ્યાં છે.

મમતા શર્મા જણાવે છે કે, "છોકરીના પિતાએ ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. અમે પણ છોકરીના પિતાને કહ્યું કે જો છોકરી પુખ્ત વયની હોય તો તેની પર દબાણ ન કરવું જોઈએ."

"જો આ વિવાહને સામાજિક માન્યતા મળી હોત તો ખૂબ સારું હતું. આ સિવાય રાયપુરના સખી સેન્ટરના નાના અધિકારીઓ જે રિપોર્ટ આપી રહ્યા છે. તેની પર કોઈ જ કાર્યવાહી નથી કરાઈ રહી. આ ચિંતાજનક બાબત છે."

મમતા શર્માએ આરોપ લગાવ્યો કે સખી સેન્ટરમાં થયેલા વિવાદને લઈને જે પણ કાર્યવાહી થઈ રહી છે, તેમાં નિષ્પક્ષતા નથી જળવાઈ રહી.

નિષ્પક્ષતાને લઈને આવા જ આરોપ અશોક જૈન પણ લગાવી રહ્યા છે, અંજલિ અને આર્યન આર્યના પણ, પરંતુ બધાની નજર હાલ તો કોર્ટના નિર્ણય પર મંડાયેલી છે.

ત્યાં સુધી કદાચ અંજલિએ સખી સેન્ટરમાં જ દિવસો વિતાવવા પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો