વિધાનસભા ચૂંટણી પરિણામ : મહારાષ્ટ્ર, હરિયાણામાં ભાજપ ફરી સત્તા મેળવશે કે કૉંગ્રેસ મારશે બાજી?

મહિલા મતદાતા Image copyright Getty Images

મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીનું ગુરુવારે પરિણામ આવશે અને એ સાથે ગુજરાતમાં છ બેઠકોનું પરિણામ પણ જાહેર થશે.

મહારાષ્ટ્રમાં શિવસેનાના આદિત્ય ઠાકરેની વરલી બેઠક, ગુજરાતમાં પક્ષ બદલી ભાજપમાં ગયેલા અલ્પેશ ઠાકોરની રાધનપુર બેઠકના પરિણામ પર નજર રહેશે.

હરિયાણામાં ખટ્ટર ફરી જીતશે કે નહીં અને મહારાષ્ટ્રમાં મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ ફરી સરકાર બનાવી શકશે કે નહીં નક્કી થશે.

મહારાષ્ટ્ર અને હરિયાણામાં બંને રાજ્યોમાં મહદંશે કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર હતી. હવે જોવાનું એ રહેશે કે આ બંને રાજ્યોમાં કયો પક્ષ બાજી મારે છે.

આ ઉપરાંત મહારાષ્ટ્ર નવનિર્માણ સેના તથા હરિયાણામાં ઇન્ડિયન નેશનલ લોકદળ અને જનનાયક જનતા પાર્ટીની કેવી અસર રહેશે તે પણ 24 ઑક્ટબરે ખબર પડશે.

મહારાષ્ટ્રમાં 60.83 ટકા અને હરિયાણામાં 68.47 ટકા મતદાન થયું હતું.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની કુલ 288 બેઠકો પર અને હરિયાણામાં વિધાનસભાની કુલ 90 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.

મહારાષ્ટ્રમાં કુલ 8,95,62,706 મતદારો હતા. હરિયાણામાં 1,82,98,714 મતદારો હતા.

મહારાષ્ટ્રમાં કુલ 96 હજાર 661 કેન્દ્રો પર મતદાન થયું હતું. હરિયાણામાં 19,578 કેન્દ્રો પર મતદાન થયું હતું.


ઍક્ઝિટ પોલમાં બરાબરીનો જંગ

ચૂંટણી બાદ આવેલા ઍક્ઝિટ પોલમાં હરિયાણામાં કટોકટીનો જંગ દેખાઈ રહ્યો છે.

મહારાષ્ટ્રમાં મોટા ભાગના ઍક્ઝિટ પોલમાં ભાજપ અને શિવસેનાના ગઠબંધનને બહુમતી મળે તેવું અનુમાન કરવામાં આવ્યું છે.

જ્યારે હરિયાણામાં કેટલાક ઍક્ઝિટ પોલે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે રસાકસી થશે એવું અનુમાન કર્યું છે.

ઇન્ડિયા ટુડે-ઍક્સિસ માય ઇન્ડિયાના ઍક્ઝિટ પોલમાં ભાજપને 38 અને કૉંગ્રેસ અને સાથી પક્ષોને 36 બેઠકો આપવામાં આવી છે, જ્યારે અન્યને 16 બેઠકો આપવામાં આવી છે.

ટીવીનાઇન ભારતવર્ષના ઍક્ઝિટ પોલમાં ભાજપને 47, કૉંગ્રેસ તથા સાથી પક્ષોને 23 થતા અન્યને 20 બેઠકો આપવામાં આવી છે.

જોકે, ટાઇમ્સ નાઉના હરિયાણાના ઍક્ઝિટ પોલમાં ભાજપને 71, કૉંગ્રેસ અને સાથી પક્ષોને 11 તથા અન્યને 8 બેઠકો આપવામાં આવી છે.


આદિત્ય ઠાકરે પર રહેશે નજર

Image copyright Getty Images

મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપનું જોડાણ છે અને બાળ ઠાકરેના પૌત્ર આદિત્ય ઠાકરેએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે.

અત્યાર સુધી ઠાકરે પરિવાર પરોક્ષ રીતે રાજકારણ પર અંકુશ રાખતો રહ્યો છે, પરંતુ પરિવારમાંથી કોઈ ચૂંટણી લડ્યું નહોતું.

આ વખતે આદિત્ય ઠાકરે વરલીથી ઉમેદવાર છે તો મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ નાગપુરથી ઉમેદવાર છે.

ઉપરાંત ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટિલ પૂણેના કોઠરુડથી ઉમેદવાર છે.

કરજત જામખેડથી શરદ પવારના પૌત્ર રોહિત, પારલીથી પંકજા મુંડે, કરાડ દક્ષિણથી કૉંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્ય મંત્રી પૃથ્વીરાજ ચૌહાણ ઉમેદવાર છે.

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન છે. ભાજપ 164 બેઠકો પર અને શિવસેના 126 બેઠક પર ચૂંટણી લડી છે.

Image copyright Getty Images

સામે કૉંગ્રેસ સાથે જોડાણ ધરાવતા શરદ પવારના પક્ષ એનસીપીએ 121 બેઠક પર ચૂંટણી લડી છે.

કૉંગ્રેસે 147 બેઠક પર ઉમેદવાર ઊભા રાખ્યા હતા.

મહારાષ્ટ્રની તમામ બેઠક પર માયાવતીની બહુજન સમાજ પાર્ટી લડી છે.

રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ 101 બેઠકો પર ચૂંટણી લડી છે.

આ સિવાય સીપીઆઈએ 16 ઉમેદવારો પર અને સીપીઆઈ (એમ)એ 8 બેઠક પર ઉમેદવારો ઊભા રાખ્યા છે.

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે એવું કહ્યું હતું કે કોઈ વિપક્ષ જ નથી અને વિજય નિશ્ચિત છે.

જોકે, આ વાતની સામે તેમના જ સહયોગી શિવસેનાએ સવાલ કર્યો હતો કે જો સ્પર્ધા નથી તો નરેન્દ્ર મોદી અને અમિત શાહે મહારાષ્ટ્રમાં આટલી બધી રેલીઓ શું કામ કરી હતી?

મહારાષ્ટ્રમાં ઉમેદવારોની સંખ્યાની રીતે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ખાસ અંતર નથી.

વળી શિવસેના અને એનસીપીના ઉમેદવારોની સંખ્યા પણ સમાન છે. તો મનસે 101 બેઠક પર લડે છે.

આ સંજોગોમાં ચૂંટણી પહેલાંનાં જોડાણો છતાં અનેક અટકળો સેવાય છે.

ખાસ કરીને આદિત્ય ઠાકરેની ઍન્ટ્રી થતાં અનેક લોકો એમને ભાવિ મુખ્ય મંત્રી પણ કહી રહ્યા છે.


મહારાષ્ટ્ર વિધાનસભાની આંકડાકીય માહિતી

Image copyright Getty Images
ફોટો લાઈન મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ 288 બેઠકો પર મતદાન થયું, જેમાં 29 અનુસૂચિત જાતિ 25 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવી છે.

2014માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 122, શિવસેનાએ 63, કૉંગ્રેસે 42 અને એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી)એ 41 બેઠકો પર વિજય મેળવ્યો હતો.

આ ચૂંટણીમાં કુલ 1.8 લાખ બૅલેટિંગ યુનિટ્સનો ઉપયોગ થશે. જ્યારે 1.28 લાખ કંટ્રોલ યુનિટ્સ અને 1.39 લાખ વી.વી.પી.એ.ટી. (વોટર વેરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેલ)નો ઉપયોગ કરવામાં આવશે.

2014માં મહારાષ્ટ્રમાં કુલ 90,403 મતદાનમથકો હતાં. જ્યારે આ વખતે 95,473 મતદાનમથકો હતા.

ભાજપ અને શિવસેના અહીં ગઠબંધનમાં સરકાર ચલાવે છે અને રાજ્યમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય મંત્રી છે.

અહીં મુખ્ય સ્પર્ધા ભાજપ અને શિવસેનાના ગઠબંધન સામે એનસીપી અને કૉંગ્રેસના ગઠબંધનની છે.


હરિયાણામાં ફરી આવશે ખટ્ટર કે સરકાર બદલાશે?

Image copyright Getty Images
ફોટો લાઈન હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટર

હરિયાણમાં હાલ ભાજપની સરકાર છે અને મનોહરલાલ ખટ્ટર રાજ્યના મુખ્ય મંત્રી તરીકે પાંચ વર્ષથી સરકાર ચલાવી રહ્યા છે.

ભાજપનું અહીં શિરોમણી અકાલી દળ સાથે ગઠબંધન હતું, પરંતુ ચૂંટણી પહેલાં જ આ ગઠબંધન તૂટી ગયું છે.

આ વખતે ભાજપે એકલા હાથે હરિયાણાની ચૂંટણી લડી છે.

હરિયાણા વિધાનસભાની કુલ 90 બેઠકો પર મતદાન થયું જેમાં 17 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકો હતી.

હાલ સત્તામાં રહેલા રહેલા ભાજપ સામે કૉંગ્રેસ, ઇન્ડિયન નેશનલ લોકદળ અને નવી જનનાયક જનતા પાર્ટી મેદાનમાં છે.

2014માં થયેલી હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 47, કૉંગ્રેસને 15, ઇન્ડિયન નેશનલ લોકદળને 19 બેઠકો મળી હતી.


ગુજરાતમાં અલ્પેશ ઠાકોર પર નજર

Image copyright FB/ALPESHTHAKOR

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂટંણી સાથે જ ગુજરાતમાં વિધાનસભાની છ બેઠક પર મતદાન થયું હતું.

ગુજરાતમાં છ બેઠકો પર સરેરાશ 50.35 ટકા મતદાન થયું હતું.

જેમાં રાધનપુરમાં 59.87 ટકા, બાયડ 57.81 ટકા, ખેરાલુ 42.81 ટકા, થરાદ 65.47 ટકા, લુણાવાડા 47.54 ટકા અને અમરાઈવાડીમાં 31.53 ટકા મતદાન થયું હતું.

લોકસભાની ચૂંટણી બાદ રાજ્યમાં આ પ્રથમ પેટાચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે.

ખાસ કરીને આ છ બેઠકમાંથી રાધનપુર અને બાયડની પેટાચૂંટણીની રાજ્યમાં ચર્ચા થઈ રહી છે.

રાધનપુર પર અલ્પેશ ઠાકોર અને બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા ચૂંટણી લડી રહ્યા છે. આ બંને નેતા પહેલાં કૉંગ્રેસમાં હતા.

કૉંગ્રેસે રાધનપુરની બેઠક ઉપરથી રઘુભાઈ દેસાઈ અને બાયડમાંથી જસુભાઈ પટેલને ઉમેદવાર છે.

2017ની ચૂંટણીમાં રાધનપુર બેઠક પર 68 ટકા મતદાન થયું હતું. એ ચૂંટણીમાં કૉંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોરનો અંદાજે 15,000 મતથી વિજય થયો હતો.

અમરાઈવાડીની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર જગદીશભાઈ પટેલની ટક્કર ધર્મેન્દ્રભાઈ પટેલ સાથે, થરાદ પરથી જીવરાજભાઈ પટેલનો મુકાબલો ગુલાબસિંહ રાજપૂત સાથે, ખેરાલુની બેઠક ઉપરથી ભાજપના અમજલભાઈ ઠાકોરનો મુકાબલો બાબુજી ઠાકોર સાથે અને લુણાવાડાથી જિજ્ઞેશભાઈ સેવકની ટક્કર ગુલાબસિંહ ચૌહાણ સાથે છે.લોકસભાની ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો કબજે કરી હતી અને એ પછી આ પ્રથમ પેટાચૂંટણી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો