સુરતની મીઠાઈના ડબ્બાથી ગુજરાત એટીએસે કેવી રીતે કમલેશ તિવારી મર્ડર કેસ ઉકેલી નાખ્યો?

  • રોક્સી ગાગડેકર છારા
  • બીબીસી સંવાદદાતા
કમલેશ તિવારી

ઇમેજ સ્રોત, KAMLESH TIWARI FB

કમલેશ તિવારીની હત્યાના બે દિવસ પહેલાં સુરતની ધરતી સ્વિટ્સમાંથી લગભગ રાત્રે નવ વાગ્યે ફૈઝાન યુનૂસ અને તેમના એક મિત્રે સુરતની પ્રખ્યાત ઘારી ખરીદી કરી હતી અને તેનું કમ્પ્યૂટરાઇઝ્ડ બિલ મેળવીને એક ડબ્બામાં મૂકી રાખ્યું હતું.

કમલેશ તિવારીની હત્યા માટે જેમની ધરપકડ થઈ છે એ બે લોકો આ ડબ્બો લઈને લખનૌ માટે રવાના થઈ ગયા હતા.

હત્યા બાદ આ ડબ્બો (જેની ઉપર દુકાનનું નામ અને સરનામું લખેલું હતું) અને તેની અંદરનું બિલ આ બન્ને કથિત આરોપી ગુનાના સ્થળે જ મૂકીને ભાગી છૂટ્યા હતા.

આ ડબ્બાની વિગત જ્યારે ઉત્તર પ્રદેશ પોલીસે ગુજરાતની ATS (Anti Terrorism Squad )ને આપી તો અહીંની ત્રણ ટીમોએ ગણતરીના કલાકોમાં આ મીઠાઈ ખરીદનાર ફૈઝાનની અટકાયત કરીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો.

ગુજરાત પોલીસે અગાઉ ત્રણ લોકોની ધરપકડ કરીને ઉત્તર પ્રદેશ પોલીસને તેમની કસ્ટડી સોંપી હતી.

મંગળવારે પકડાયેલા બીજા બે લોકોની કસ્ટડી પણ ગુજરાત પોલીસે ઉત્તર પ્રદેશ પોલીસને સોંપી છે.

પોલીસને કેવી રીતે કામ આવ્યો મીઠાઈનો ડબ્બો?

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC

કમલેશ તિવારીની હત્યા બદલ ગુજરાત ATSએ અશફાક હુસૈન (34) અને મોઇનુદ્દીન પઠાણ (27)ની મંગળવારે ધરપકડ કરી હતી. આ બન્ને સુરતના રહેવાસી છે.

તારીખ 16 ઑક્ટોબરના રોજ તેઓ રાતની ટ્રેનમાં બેસીને સુરતથી લખનૌ તરફ જવા રવાના થયા હતા.

પોલીસના કહેવા પ્રમાણે તેમણે અગાઉથી જ કમલેશ તિવારી સાથે એક મિટિંગ ફિક્સ રાખી હતી અને તેઓ બન્ને 18 ઑક્ટોબરે તિવારીને મળવાના હતા.

એક શુભેચ્છા મુલાકાત લાગે તે માટે તેમણે તેમના મિત્ર ફૈઝાન યુનૂસને કહ્યું હતું કે તેઓ તેમના માટે ધરતી સ્વિટ્સમાંથી મીઠાઈ લઈ આવે.

મીઠાઈનો આ ડબ્બો લઈ બન્ને લખનૌ ગયા અને ત્યાં કમલેશ તિવારીની હત્યા બાદ આ ડબ્બો અને તેની અંદરનું બિલ ત્યાં જ મૂકીને ભાગી ગયા હતા.

ઉત્તર પ્રદેશ પોલીસે ડબ્બાની વિગત ગુજરાત ATSને આપી તો અહીંની પોલીસ પણ હરકતમાં આવી હતી.

જોકે, પોલીસને આ ડબ્બા વિશે ચોક્કસ માહિતી હતી. આ ડબ્બાની અંદરના કમ્પ્યૂટરાઇઝ્ડ બિલ પ્રમાણે આ ખરીદી 16 ઑક્ટોબરે રાત્રે લગભગ નવ વાગ્યે થઈ હતી.

પોલીસના કહેવા મુજબ તે સમયનાં સીસીટીવી ફૂટેજ જોતાં જે લોકો અમને શંકાસ્પદ લાગ્યા તેમને અમે પૂછપરછ માટે બોલાવ્યા હતા.

ગુજરાત ATS, Operationsના DIG હિમાંશુ શુક્લાએ પોલીસની ત્રણ ટીમ બનાવીને ટીપ ઑફના આધારે સુરતમાં પાંચ લોકોની ટૂંક સમય માટે અટકાયત કરી હતી, જેમાં એક ફૈઝાન પણ હતા.

સ્થાનિક પોલીસે ફૈઝાનની વીડિયો ક્લિપમાંથી તેમના ફોટાની પ્રિન્ટઆઉટ લઈને આખા જિલ્લાની પોલીસને મોકલી હતી.

ત્યારબાદ જે લોકોની અટકાયત કરવામાં આવી હતી, તેમની પૂછપરછ કરતા ફૈઝાને આખી વાત કરી હતી.

આ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં હિમાંશુ શુક્લા કહે છે, "ફૈઝાને જે લોકો સામેલ હતા અને અન્ય લોકો વિશે માહિતી આપી દીધી હતી. ત્યારબાદ અન્ય લોકોને પકડવામાં અમને સરળતા થઈ હતી."

પોલીસે ફૈઝાને આપેલી વિગતોને આધારે મૌલાના મોહસીન શેખ અને રશિદ પઠાણ નામના અન્ય બે લોકોની અટકાયત કરી હતી.

આ ત્રણેય લોકો સુરતના જ રહેવાસી છે અને એકબીજાના સંપર્કમાં હતા.

અશફાક, ફૈઝાન અને મોઇનુદ્દીનના પરિવારજનો સાથે જ્યારે બીબીસી ગુજરાતીએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તેઓ મળી શક્યા નહોતા.

તો અશફાકના પિતા ઝાકીર શેખે બીબીસી ગુજરાતી સાથે વાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

કેવી રીતે પકડાયા કથિત મુખ્ય આરોપીઓ?

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC

ઇમેજ કૅપ્શન,

કમલેશ તિવારીનાં માતા કુસુમ તિવારી

ગુજરાત ATSના કહેવા પ્રમાણે અશફાક અને મોઇનુદ્દીન કમલેશ તિવારીની હત્યા કર્યા બાદ નેપાળ તરફ રવાના થયા હતા, પરંતુ ત્યાં તેમને કોઈ પણ પ્રકારની મદદ ન મળતાં તેઓ ગુજરાત પરત આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

તિવારીની હત્યા કર્યા બાદ આ બન્ને બરેલી ગયા હતા. ત્યાંથી દિલ્હી, નેપાળ અને પછી ઉત્તર પ્રદેશના પાલિયા, શાહજહાંપુર, પાછા દિલ્હી, પછી અજમેર અને ત્યારબાદ શામળાજી તરફ આવવા નીકળ્યા હતા.

અશફાકે તેમનાં પત્નીને ફોન કર્યો હતો અને તેમની પાસે બિલકુલ પૈસા નથી તેવી વાત કરી હતી. તેઓએ મોટા ભાગે રોડમાર્ગનો ઉપયોગ કર્યો હતો.

જોકે અશફાકનાં પત્નીનો ફોન પણ પોલીસ સર્વેલન્સમાં હોવાથી પોલીસને તેમની હરકતની જાણ થઈ ગઈ હતી.

આ વિશે વાત કરતાં ગુજરાત ATSના બી. એ. ચાવડા (આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ) બીબીસી ગુજરાતીને જણાવે છે કે તેઓ પૈસા લેવા જ્યારે શામળાજી બૉર્ડર પર આવવાના હતા. ત્યારે અમે તેમને પકડી લીધા હતા.

કેવી રીતે કરી હત્યા?

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC

ઇમેજ કૅપ્શન,

કમલેશ તિવારીનાં પરિવાજનો

અશફાકે ફેસબુક પર પોતાના એક મિત્ર રોહિત સોલંકીની જાણ બહાર તેમના આધારકાર્ડનો ઉપયોગ કરીને ફેસબુક પર એકાઉન્ટ ખોલી કમલેશ તિવારીની હિન્દુ સમાજ પાર્ટીમાં જોડાવવા માટે સંપર્ક કર્યો હતો.

ફેસબુક પર વાત થયા બાદ તેમની મિટિંગ 18 ઑક્ટોબરે થઈ હતી. જ્યારે અશફાક અને મોઇનુદ્દીન લખનૌ તેમના ઘરે પહોંચ્યા હતા ત્યારે તિવારી ઘરે એકલા હતા.

બન્નેની અટકાયત કર્યા બાદ ગુજરાત ATSને પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે બન્નેએ સુરતમાંથી જ એક છરી અને એક પિસ્તોલની ગોઠવણી કરી હતી.

ચાવડાએ વધુમાં બીબીસી ગુજરાતીને જણાવ્યું, "મારે તમને કાનમાં કંઈક કહેવું છે, તેમ કહીને મોઇનુદ્દીન તિવારીની સામેની ખુરશી પરથી ઊઠીને તિવારી તરફ આવ્યો હતો અને તેની નજીક જઈ તેને પાછળથી પકડી ગળા પર છરી ફેરવી દીધી."

"ત્યારબાદ મોઇનુદ્દીને તિવાહીના મોઢાને હાથથી પકડી રાખ્યું અને અશફાકે તિવારીના મોઢા પર ગોળી મારી. તે સમયે ગોળી મોઇનુદ્દીનના હાથની આંગળીઓ પર વાગીને તિવારીના મોં પર લાગી હતી."

જોકે ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી જઈ હોટલ ખાલસા ઇન્નના પોતાના રૂમમાં જતા રહ્યા હતા. યુપી પોલીસે તપાસ કરતાં તેમના રૂમમાંથી છરી અને તેમનાં લોહીવાળાં કપડાં મળ્યાં હતાં.

ગુજરાતથી કોની-કોની ધરપકડ થઈ અને તેમની શું ભૂમિકા હતી?

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન,

કમલેશ તિવારીનાં પરિવાજનો મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને મળ્યાં હતાં

ફૈઝાન યુનૂસ - તિવારી હત્યાકેસમાં મુખ્ય આરોપીઓ ગણાતા અશફાક અને મોઇનુદ્દીનના મિત્ર ફૈઝાનની સૌથી પહેલાં ધરપકડ થઈ હતી. ધરતી સ્વિટ શૉપનાં CCTV ફૂટેજમાં તેમનો ચહેરો દેખાયો હતો. જોકે પોલીસનું માનવું છે કે તેઓ મોટા ષડયંત્રમાં સામેલ નથી.

મૌલાના મોહસીન શેખ - સુરતના રહેવાસી મોહસીન શેખ (24) પાસે જ્યારે અશફાક સલાહ લેવા આવ્યા કે તિવારીની હત્યા કરવી જોઈએ કે નહીં. ત્યારે શેખે તેઓએ મોહમ્મદ પયંગબરનું અપમાન કર્યું છે, માટે તેમનું ખૂન 'વાજીબ-ઉલ-કતલ' છે, તેવી સલાહ આપી હતી. ત્યારબાદ હત્યાનું પ્લાનિંગ કરવા માટે પણ તેમણે મદદ કરી હતી.

રશિદ પઠાણ - થોડા મહિના પહેલાંથી જ દુબઈથી સુરત આવીને રહેતા રશિદ પઠાણ પર આરોપ છે કે તેમણે આ હત્યા માટે પૈસા પૂરા પાડ્યા હતા. તેમણે કુલ 70,000 રૂપિયા આપ્યા હતા, જેમાંથી અશફાકે 50,000ની પિસ્તોલ ખરીદી હતી અને બાકીના પૈસાનો ગુનાના કામ માટે જ ઉપયોગ કર્યો હતો.

અશફાક શેખ - આ ગુનાના મુખ્ય આરોપી અશફાક ગણાય છે. પોલીસનું કહેવું છે કે તિવારીને મારવાનો પ્લાન સૌથી પહેલાં અશફાકના મગજમાં આવ્યો હતો અને તેણે અન્યને ગુના માટે ભેગા કર્યા હતા. તેઓ તિવારીના ઘરમાં ઘૂસીને તેમને મારવા માટે ગયા હતા.

મોઇનુદ્દીન પઠાણ - તિવારીને મારવા માટે તેમના ઘરમાં ઘૂસનારા અશફાકની સાથે મોઇનુદ્દીન પણ હતા.

આરોપીઓના પરિવારનું શું કહેવું છે?

આ વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ અશ્ફાકના પિતા ઝાકીર શેખ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે કહ્યું કે તેમનો દીકરો આવું કંઈ કામ કરી રહ્યો છે, તેમની તેમને કોઈ જાણકારી ન હતી.

તેઓ કહે છે કે, મારા દીકરાએ આવું પગલું ભરવાની જરૂર ન હતી, પરંતુ તમામ મીડિયા રિપોર્ટ્સ જોઈને લાગે છે કે તેણે આ કામ કર્યું હોય.

તેઓ કહે છે, "મહમદ પયગંબર વિશે જે વાત કહેવામાં આવી હતી, કદાચ તેનાથી તેને બહુ ખરાબ લાગ્યું હશે અને આ કામ કર્યું હશે, જોકે આ બનાવ પછી તેની સાથે મારી કોઈ વાત નથી થઈ, માટે હું કંઈ વધારે નહીં કહીં શકું."

જોકે પોલીસની તપાસની દીશા અને તેમાં ખૂટતી કડીઓ વિશે માનવ અધિકારો માટે લડતા વકીલ શમશાદ પઠાણ કહે છે, "હું આ કેસ સંદર્ભે સુરતમાં ઘણા લોકોને મળી આવ્યો છું."

"પોલીસ તપાસમાં હજી સુધી એ નથી આવ્યું કે હત્યા કર્યા બાદ આ બન્ને આટલી સહેલાઈથી લોહીવાળાં કપડાં સાથે તે વિસ્તાર કેવી રીતે છોડી શક્યા."

પોલીસની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવતા તેમણે એ પણ કહ્યું કે હોટલના રૂમના CCTV ફૂટેજમાં પોલીસે આ બન્ને રૂમ બુક કરાવે છે તે ફૂટેજ વાઇરલ કર્યાં છે પરંતુ તેઓ લોહીવાળાં કપડાં પહેરીને પાછા હોટલમાં પ્રવેશે છે, તે ફૂટેજ ક્યાં છે? પોલીસે માત્ર સિલેક્ટેડ ફૂટેજ જ કેમ રીલીઝ કર્યાં છે.

આવી જ રીતે તેઓ એ પણ માને છે કે સુરતથી ધરપકડ કરાયેલી ૩ વ્યક્તિનો કોઈ સીધો રોલ નથી પરંતુ તેમને આ ગુનાને એક મોટું કાવતરું સાબીત કરવા માટે પકડી લીધા હોય તેવું લાગી રહ્યું છે.

શું છે કમલેશ તિવારીનો હત્યાકેસ?

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC

કમલેશ તિવારી ઓછી જાણીતી એવી હિન્દુ સમાજ પાર્ટીના પ્રમુખ છે. તેમણે 2015માં ઇસ્લામ ધર્મ વિરુદ્ધ એક ટિપ્પણી કરી હતી. બાદમાં તેમની સામે ફરિયાદ થઈ હતી અને દેશભરમાં ઘણાં ઇસ્લામિક સંગઠનોએ તેમનો વિરોધ કર્યો હતો.

ઉત્તર પ્રદેશના બીજનોરનાં મોહમ્મદ કાઝમી અને ઇમામ અનવરુલ હકે તો 2016માં એવી જાહેરાત કરી હતી કે તેમને મારનાર વ્યક્તિને તેઓ 1.5 કરોડ રૂપિયાનું ઇનામ આપશે.

ATSના DIG હિમાંશુ શુક્લાએ કહ્યું કે તિવારીના આ ભડકાઉ ભાષણ બાદ જ અશફાકના દિમાગમાં તેને મારી નાખવાનો ખ્યાલ આવ્યો હતો અને 2015થી જ તે આની તૈયારીમાં લાગી ગયો હતો."

એવો રિપોર્ટ નોંધાયો છે કે આ કેસમાં હજુ ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશના બે અને નાગપુરથી એક વ્યક્તિની ધરપકડ થઈ છે. કેસ પર ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની ટીમ કામ કરી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો