ગુજરાત પેટાચૂંટણી : અલ્પેશ ઠાકોર ચૂંટણીજંગમાં કેમ હાર્યા, આ કારણો છે જવાબદાર

  • અર્જુન પરમાર
  • બીબીસી ગુજરાતી
અલ્પેશ ઠાકોર

ઇમેજ સ્રોત, Getty Images

પાટણ જિલ્લાની રાધનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરને પેટાચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ સામે પરાજયનો સામનો કરવો પડ્યો છે.

નોંધનીય છે કે ઠાકોરસેનાના અગ્રણી અને દારૂબંધીના આંદોલનકારી તરીકે ઓળખાતા અલ્પેશ ઠાકોર વર્ષ 2017માં ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ તેઓ જુલાઈ, 2019માં પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈ ગયા.

હવે જ્યારે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીનાં પરિણામોમાં અલ્પેશ ઠાકોરની હાર થઈ છે ત્યારે અલ્પેશ ઠાકોર કોણ છે, કેમ તેઓ ગુજરાતના રાજકારણમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે તેમજ કૉંગ્રસના ઉમેદવાર તરીકે રાધનપુર બેઠક પરથી જીતેલા અલ્પેશ ઠાકોરને હાલ યોજાયેલી પેટાચૂંટણીનાં પરિણામોમાં કેમ પછડાટ મળ્યો એ જાણવું રસપ્રદ બની જાય છે.

અલ્પેશ ઠાકોરના પરાજયનાં કારણો

ઇમેજ સ્રોત, FB/ALPESHTHAKOR

અલ્પેશ ઠાકોરના પરાજયનાં કારણો અંગે વાત કરતાં વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ જણાવે છે કે, "અલ્પેશ ઠાકોરની હાર એ ગુજરાતની પ્રજા ક્યારેય પક્ષપલટુઓને સ્વીકારતી નથી એ વાતની સાબિતી પૂરી પાડે છે. અલ્પેશ ઠાકોરે આ ચૂંટણીમાં માત્ર ઠાકોરવાદ ચલાવ્યો હતો."

"રાધનપુર મતવિસ્તાર સાંતલપુર, સમી-હારિજ અને રાધનપુર વિસ્તારમાં વહેંચાયલો છે. જ્યાં ઠાકોર મતદારોની સંખ્યા 60 થી 65 હજાર છે, પરંતુ તેની સામે આંજણા પટેલ, ચૌધરી સમાજના લોકો અને સ્થાનિક મુસ્લિમ સમાજના લોકો પણ તેનાથી નારાજ હતા."

"તેમજ મુસ્લિમ સમાજ, બ્રાહ્મણ સમાજ અન આહિર સમાજે પોતાની વફાદારી કૉંગ્રેસ પક્ષ તરફ રાખી હતી. આમ ઠાકોર સમાજ વિરુદ્ધ ત્યાંના બધા સમાજો ભેગા થઈ ગયા."

"આ કારણે અલ્પેશ ઠાકોર પાસે ભાજપ જેવું સંગઠન હોવા છતાંય તેમને હારનો સામનો કરવો પડ્યો."

"તેમજ ચૂંટણીપ્રચાર દરમિયાન તેમણે કરેલા વાણીવિલાસે પણ તેમની હારમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે."

"ચૂંટણીપ્રચારમાં તેઓ સતત કહેતા રહ્યા કે હવે હું નાયબ મુખ્ય મંત્રી બનવાનો છું અને તમારાં બધાં કામો હવે માત્ર હુકમ આપ્યાથી થઈ જશે. આવાં નિવેદનોના કારણે ઠાકોર સમાજ સિવાયના અન્ય સમાજના લોકોમાં અલ્પેશ અને ભાજપ પ્રત્યે નારાજગી જોવા મળી હતી."

"અલ્પેશ ઠાકોરને ટિકિટ મળવાના કારણે ભાજપના સ્થાનિક કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. કાર્યકર્તાઓની આ નારાજગી પણ ભાજપ અને અલ્પેશની હારનું મુખ્ય કારણ બન્યું હતું."

"ચૂંટણીપ્રચારમાં પક્ષના આદેશને અનુસરીને શંકરસિંહ ચૌધરી અલ્પેશને મદદરૂપ થવા હંમેશાં તત્પર રહ્યા, પરંતુ તેમના ટેકેદારોનું સમર્થન અલ્પેશને ન મળી શક્યું. જે અલ્પેશના વિરુદ્ધમાં ગયું."

હાર અલ્પેશની કે ભાજપની?

ઇમેજ સ્રોત, Getty Images

અલ્પેશ ઠાકોરની હારનાં કારણો અંગે વાત કરતાં એમ. એસ. યુનિવર્સિટી, વડોદરાના પોલિટિકલ સાયન્સ વિભાગના પ્રોફસર અમિત ધોળકિયા જણાવે છે કે, "આ હાર ભાજપની હાર કરતાં અલ્પેશ ઠાકોરની વ્યક્તિગત હાર વધુ છે."

"તેમજ વ્યક્તિગત મહત્ત્વકાંક્ષાને પગલે પક્ષપલટો કરતા નેતાઓ માટે આ હાર એક પદાર્થપાઠ બની જશે."

અલ્પેશ ઠાકોરના રાજકીય ભવિષ્ય અંગે વાત કરતાં અમિત ધોળકિયા જણાવે છે, "હવે અલ્પેશ ઠાકોરનું રાજકારણમાં કોઈ ભવિષ્ય હોય એવું નથી લાગતું, કારણ કે ભાજપ પાસે અગાઉથી ઘણા વરિષ્ઠ નેતાઓ છે."

"તેથી ભાજપને એક હારેલા નેતાની જરૂરિયાત હોય એવું લાગતું નથી. તેમજ કૉંગ્રેસ સાથે તો તેમને અણબનાવ થઈ જ ચૂક્યો છે."

જાતિવાદી રાજકારણના કારણે પોતે હાર્યા હોવાના અલ્પેશ ઠાકોરના નિવેદન અંગે અમિત ધોળકિયા જણાવે છે કે, "અલ્પેશનો પોતાનો ઉદય જાતિવાદી રાજકારણને કારણે જ થયો હતો. તેથી તેની હાર માટે માત્ર જાતિવાદ જ જવાબદાર છે એવું ન કહી શકાય."

"તેમની હારનું સૌથી મોટું કારણ તો પક્ષપલટાના કારણે ઊભી થયેલી તેમની છાપ છે. તેમજ તેણે પોતાની મહત્ત્વકાંક્ષાઓના કારણે પોતાના સમાજ અને પક્ષમાં પણ પોતાના દુશ્મનો ઊભા કરી દીધા હતા."

"આ કારણે પણ રાધનપુરની જનતાએ તેમને નકારી દીધા છે એવું કહી શકાય."

"ટૂંકમાં પોતાની રાજકીય મહત્ત્વકાંક્ષા અને થોડા સમયમાં ઘણું બધું મેળવી લેવાની મહેચ્છાએ અલ્પેશ ઠાકોરની હારમાં મોટો ભાગ ભજવ્યો છે."

કોણ છે અલ્પેશ ઠાકોર?

ઇમેજ સ્રોત, Getty Images

ગળથૂથીમાં રાજકારણના પાઠ મેળવી ચૂકેલા અલ્પેશ ઠાકોર ગુજરાતમાં પછાતવર્ગના નેતા તરીકે જાણીતા છે.

તેઓ ઓબીસી, એસસી અને એસટી એકતા મંચના સંયોજક પણ છે. ન્યૂઝ 18 ડોટ કૉમના અહેવાલ પ્રમાણે અલ્પેશ ઠાકોર ગુજરાતમાં પાટીદારોના અનામત આપવાની માગનો વિરોધ કર્યો હતો.

તેમણે તેના વિરોધમાં સમાંતર આંદોલન પણ ચલાવ્યું હતું. ત્યાર બાદ યુવાનોમાં બેરોજગારીની સમસ્યા અને દારૂબંધી માટે ગુજરાત સરકાર સામે મેદાને પડ્યા હતા.

બીબીસી ગુજરાતી સાથે થયેલી વાતચીત પ્રમાણે 1975માં જન્મેલા અને કૉલેજ અધૂરી છોડી દેનારા અલ્પેશ ઠાકોરે ગુજરાતમાં 2011માં 'ગુજરાત ક્ષત્રિય ઠાકોરસેના' નામનું એક મજબૂત સંગઠન બનાવ્યું હતું.

ઠાકોરસેનાના માધ્યમથી યુવાનોમાં વ્યાપેલા વ્યસનના દૂષણને ડામવા માટે તેઓ કાર્યરત થયા અને તેમાં તેમને ઘણા સારાં પરિણામો પણ હાંસલ થયાં.

તેઓ આ વાતચીતમાં જણાવે છે કે, "આ સાથે હું એ પણ સ્વીકારું છું કે આ કાર્ય માટે હજુ પણ મહેનત કરવાની છે.

"પહેલાં મને એવું લાગતું હતું કે એક વાર પીવાનું છોડી દીધા બાદ બધું બરોબર થઈ જશે, પરંતુ એવું ન થયું."

તેમણે યુવાનોના સંગઠનને વધુ મજબૂત બનાવ્યું અને યુવાનોના શિક્ષણ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. આમ એક પછી એક પ્રયાસો દ્વારા તેઓ ઠાકોરસેનાને મજબૂત બનાવતા ગયા.

2017માં તેમના સહિત ઠાકોરસેના સાથે જોડાયેલા અન્ય ચાર સભ્યો ગુજરાત કૉંગ્રેસની ટિકિટ પર ઉત્તર ગુજરાતમાંથી ધારાસભ્ય બન્યા.

તેઓ પોતે રાધનપુરથી, સાબરકાંઠાના બાયડથી ધવલસિંહ ઝાલા, મહેસાણાના બહુચરાજીથી ભરતસિંહ ઠાકોર અને બનાસકાંઠાના વાવથી ગેનીબહેન ઠાકોર ચૂંટાયાં હતાં.

અલ્પેશ ઠાકોરનું વજન ગુજરાતના રાજકારણમાં એટલા માટે વધ્યું હતું કે ગુજરાતના 26 જિલ્લા, 176 તાલુકા અને 9500 ગામોમાં ઠાકોરસેનાનું સંગઠન ઊભું થયું છે.

કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યો

ઇમેજ સ્રોત, Getty Images

ન્યૂઝ 18 ડોટ કૉમના અહેવાલ પ્રમાણે 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ અલ્પેશ ઠાકોર કૉંગ્રેસમાં જોડાઈ ગયા.

કૉંગ્રેસમાં જોડાવવા માટે તેમણે પોતાના સમર્થકોનો મત જાણવા માટે ટેલિફોનિક સર્વે કરાવ્યો હોવાનું કહેવાય છે.

જેમાં તેમના મોટા ભાગના સમર્થકોએ એ સમયે તેમને કૉંગ્રેસ પક્ષમાં સામેલ થવાની સલાહ આપી હતી.

હવે પોતાના સમર્થકોના મતને માન આપીને કૉંગ્રેસમાં જોડાયલા અલ્પેશ ઠાકોર અચાનક કેમ ભાજપમાં જોડાઈ ગયા એ પ્રશ્ન થાય એ પણ સ્વાભાવિક છે.

ધ હિન્દુ બિઝનેસ લાઇનના અહેવાલ પ્રમાણે જુલાઈ માસમાં રાજ્યસભાની બેઠકોની ચૂંટણીમાં કૉંગ્રેસના સૂચન વિરુદ્ધ જઈ અલ્પેશ ઠાકોર અને તેમના સહયોગી ધવલસિંહ ઝાલાએ ભાજપના ઉમેદવારો એસ. જયશંકર અને જુગલજી ઠાકોરના પક્ષમાં મતદાન કર્યું હતું.

જે બાદ કૉંગ્રેસ પક્ષ સાથેનો અલ્પેશ અને તેમના સહયોગીઓના મતભેદ જગજાહેર બની ગયા હતા.

ભાજપમાં કેમ જોડાયા?

ઇમેજ સ્રોત, Getty Images

ન્યૂઝ 18 ડોટ કૉમના અહેવાલ પ્રમાણે ઓબીસી, એસસી, અને એસટી એકતા મંચના અગ્રણી અલ્પેશ ઠાકોરે દાવો કર્યો હતો કે તેઓ અને તેમના સમુદાયના લોકો ગુજરાતમાં કૉંગ્રેસનો સાથ આપીને 'ઠગાયેલા' અને 'ઉપેક્ષિત' અનુભવી રહ્યા છે.

તેમણે ગુજરાત કૉંગ્રેસની કમાન 'કેટલાક કમજોર નેતાઓ' પાસે હોવાની વાત કરી હતી.

તેમણે આ વિશે કહ્યું હતું કે, "કૉંગ્રેસ પક્ષમાં મારા સમુદાયને યોગ્ય પ્રતિનિધિત્વ નથી મળી રહ્યું. રાજ્યમાં બનનારી દરેક ખરાબ ઘટના માટે અમને દોષી માનવામાં આવી રહ્યા છે."

"જો મારા લોકોને કંઈ નહીં મળે તો હું ચૂપચાપ ધારાસભ્યના પદ પર ચાલુ ન રહી શકું."

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર વર્ષ 2018માં ગુજરાતમાં પરપ્રાંતીયો પર થયેલા હુમલાઓનો આરોપ પણ અલ્પેશ ઠાકોર પર લગાવવામાં આવ્યો હતો.

કૉંગ્રેસ સાથેના મનભેદ બાદ તેઓ કૉંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપીને જુલાઈ, 2019માં ભાજપમાં જોડાઈ ગયા.

ભાજપમાં જોડાયા બાદ તેમને ફરીવાર રાધનપુર વિધાનસભા બેઠક પરથી જ ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.

જેમાં તેમને રાધનપુર બેઠક પર કૉંગ્રેસના રઘુ દેસાઈ સામે પરાજયનો સામનો કરવો પડ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો