TOP NEWS: બ્રાઝિલ જવા માટે ભારતીયોએ હવે નહીં લેવા પડે વિઝા

ક્રાઇસ્ટ ધ રિડીમર સ્ટેચ્યુ પાસે પ્રવાસીઓ

ઇમેજ સ્રોત, Getty Images

બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝાયર બોલ્સોનારોએ ભારતીયોને એક સારી ભેટ આપી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે બ્રાઝિલના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે હવે ભારતીય પર્યટકોને બ્રાઝિલ ફરવા માટે વિઝાની જરૂર નહીં પડે.

ભારત સિવાય બ્રાઝિલ ચીની પર્યટકો અને બિઝનેસ ટૂર પર જનારા યાત્રિઓને પણ વિઝા ફ્રી એન્ટ્રી આપશે.

દક્ષિણપંથી બોલ્સોનારોએ આ જ વર્ષે સત્તા સંભાળી છે અને ઘણા વિકાસશીલ દેશોના લોકો માટે તેઓ વિઝાની અનિવાર્યતાને ખતમ કરવાની નીતિ બનાવવાની વાત કરતા રહ્યા છે.

આ વર્ષે બ્રાઝિલ સરકારે અમેરિકા, કેનેડા, જાપાન અને ઑસ્ટ્રેલિયાના પર્યટકો તેમજ બિઝનેસમૅન માટે વિઝાની અનિવાર્યતા ખતમ કરી હતી.

જોકે, આ દેશોએ બદલામાં બ્રાઝિલના નાગરિકો માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી નથી.

સંસદ હુમલા કેસમાં મુક્ત થયેલા પ્રોફેસર ગિલાનીનું અવસાન

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હી વિશ્વવિદ્યાલયના પૂર્વ પ્રોફેસર એસએઆર ગિલાનીનું ગુરુવારની સાંજે નિધન થયું છે. તેમને વર્ષ 2001માં થયેલા સંસદ હુમલામાં આરોપી ગણાવવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તેમને આરોપમાંથી મુક્ત કરી દીધા હતા.

ગિલાનીના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ જણાવવામાં આવ્યું છે.

સમાચાર એજન્સી PTIની માહિતી પ્રમાણે ગિલાનીના પરિવારના સભ્યએ જણાવ્યું છે, "કાર્ડિયાક અરેસ્ટના પગલે ગુરુવારની સાંજે તેમનું મૃત્યુ થયું છે."

વર્ષ 2016માં પ્રોફેસર ગિલાની પર એ આરોપ લાગ્યો હતો કે તેમણે નવી દિલ્હી સ્થિત પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયામાં સંસદ હુમલાના આરોપી અફઝલ ગુરુની વરસી પર એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

ત્યારે તેમની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ પણ દાખલ થયો હતો.

ગિલાનીના સહયોગી રહી ચૂકેલા લેખક અને પ્રોફેસર સુધીશ પચૌરીએ બીબીસી સંવાદદાતા સંદીપ રાયને જણાવ્યું કે 'ગિલાની ખૂબ શાંત સ્વભાવના વ્યક્તિ હતા. સંસદ હુમલા મામલે તેમનું નામ આવ્યા બાદ તેમને કૉલેજમાંથી પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.'

ઇમેજ સ્રોત, Getty Images

પચૌરીએ જણાવ્યું, "કૉલેજમાં તેમની વધારે ઓળખાણ ન હતી. તેઓ આવતા હતા અને એક જગ્યાએ બેસી જતા. અમે લોકો આશ્ચર્યમાં હતા કે તેમનું નામ સંસદ હુમલા કેસમાં કેમ આવ્યું?"

એસ. એ. આર. ગિલાની સાથે નજીકના સંબંધ ધરાવતા લોકોનું કહેવું છે કે તેઓ મૂળ કાશ્મીરના બારામુલ્લ જિલ્લાના રહેવાસી હતા.

ભારતીય સંસદ પર 13 ડિસેમ્બર 2001ના રોજ થયેલા હુમલામાં સામેલ હોવાની શંકા પર તેમની ધરપકડ થઈ હતી.

પોટા કાયદા અંતર્ગત ગિલાની સાથે અફઝલ ગુરુ અને શૌકત હુસૈનની પણ ધરપકડ થઈ હતી. આ મામલે ગિલાનીને પણ ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.

આ સજા વિરુદ્ધ ગિલાની સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા, જ્યાં તેમને આરોપમાંથી મુક્ત કરાયા હતા.

ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસમાં ભારત 63માં નંબર પર

ઇમેજ સ્રોત, Getty Images

ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ મામલે ભારત પહેલાં કરતાં સારી સ્થિતિમાં પહોંચ્યું છે.

એનડીટીવીમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ભારત આ વર્ષે ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસની યાદીમાં 63મા નંબર પર પહોંચી ગયું છે.

ભારતને સૌથી સારું પર્ફૉર્મ કરતા ટૉપ 10 દેશોમાં ત્રીજી વખત સામેલ કરવામાં આવ્યું છે.

વર્લ્ડ બૅન્કની આ રૅન્કિંગ એવા સમયે આવી છે, જ્યારે RBI, વર્લ્ડ બૅન્ક અને IMF જેવી સંસ્થાઓ ભારતની અર્થવ્યવસ્થામાં મંદીની વાત કરી રહી છે.

વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા હતા, તે સમયે ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ મામલે ભારત 190 દેશોની યાદીમાં 140મા નંબર પર હતું.

2018 સુધી તે 100મા નંબરે પહોંચ્યું હતું. તો ગત વર્ષ ભારતે 77મા નંબરે સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

આ મામલે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે અમારું લક્ષ્ય રૅન્કિંગમાં ટોચના 50 દેશોમાં સ્થાન મેળવવાનું છે.

સીતારમણે ઉમેર્યું કે GSTને વધારે સરળ બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે કે જેથી ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ રૅન્કિંગમાં સુધારો કરવામાં મદદ મળે.

'50-50 ફૉર્મ્યુલા લાગુ કરવાનો સમય આવી ગયો છે'

ઇમેજ સ્રોત, Getty Images

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. રાજ્યમાં ભાજપને 105 અને શિવસેનાને 56 બેઠક મળી છે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતી માટે 145 બેઠકની જરૂર છે અને ભાજપ- શિવસેના ગઠબંધનને 161 સીટ મળી છે, એટલે સરકાર બનાવવામાં તો કોઈ મુશ્કેલી ઊભી નહીં થાય.

પરંતુ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પરિણામ બાદ સ્પષ્ટ કહી દીધું છે કે મુખ્ય મંત્રી પદ માટે ભાજપ સાથે 50-50 ફૉર્મ્યુલા પર વાત થઈ હતી અને તેમની પાર્ટી એ અંગે ઝૂકશે નહીં.

શિવસેના પ્રમુખે સ્પષ્ટ કર્યું છે કે મોટાભાઈ અને નાનાભાઈનો કોઈ ફર્ક નથી અને શિવસેના 50-50 ફૉર્મ્યુલા મામલે ઝૂકશે નહીં.

ફૉર્મ્યુલા નક્કી થયા બાદ જ સરકાર રચવાનો દાવો રજૂ કરવામાં આવશે.

'2014 પહેલાં ભાજપ જુનિયર પક્ષ રહેતો'

ઇમેજ સ્રોત, BJP/TWITTER

આ તરફ ચૂંટણી પરિણામ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા, જ્યાં તેમણે શિવસેના સાથે ગઠબંધન મામલે વાત કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, "2014 પહેલા ભાજપ હંમેશાં મહારાષ્ટ્રમાં જુનિયર પાર્ટનર રહ્યો, અમે શિવસેનાની સાથે રહ્યા."

"સરકાર પણ બની તો અમારા લોકોને કામ શીખવાનો થોડો ઘણો અવસર મળ્યો."

"છેલ્લાં 50 વર્ષમાં એક પણ મુખ્ય મંત્રી મહારાષ્ટ્રમાં પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નથી.

50 વર્ષ બાદ પહેલી વખત ભાજપ- શિવસેનાના કારણે પાંચ વર્ષ સુધી એક મુખ્ય મંત્રીએ સતત કામ કર્યું છે."

તેમણે ઉમેર્યુ કે ભાજપ અને શિવસેનાએ મળીને પાંચ વર્ષ સુધી મહારાષ્ટ્રમાં સ્થિર શાસન કર્યું છે અને આ વખતે પણ આ ગઠબંધનને મહારાષ્ટ્રની જનતાએ વિજયી બનાવ્યું છે.

27થી 30 ઑક્ટોબર સુધી RTO બંધ રહેશે

ઇમેજ સ્રોત, cot.gujarat.gov.in

ગુજરાતમાં રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ એટલે કે RTO 27- 30 ઑક્ટોબર સુધી બંધ રહેશે.

ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે દિવાળીના અવસરને ધ્યાનમાં રાખીને ગુજરાતના દરેક જિલ્લાની RTO ઓફિસ 27થી 30 ઑક્ટોબર સુધી બંધ રહેશે.

આ નિર્ણય ત્યારે સામે આવ્યો છે જ્યારે 31 ઑક્ટોબરથી રાજ્યમાં નવો મોટર વ્હીકલ ઍક્ટ લાગુ થવાનો છે.

અગાઉ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે નવા મોટર વ્હીકલ ઍક્ટ લાગુ થવાના કારણે લોકોની ભીડમાં વધારો થયો છે, તેના કારણે શનિવાર અને રવિવારના રોજ પણ RTOની ઓફિસ ખુલ્લી રાખવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો