રાધનપુરથી હાર્યા બાદ હવે અલ્પેશ ઠાકોરનું રાજકીય ભવિષ્ય શું હશે?

  • ટીમ બીબીસી ગુજરાતી
  • નવી દિલ્હી
જિતુ વાઘાણી અને અલ્પેશ ઠાકોર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

જિતુ વાઘાણી અને અલ્પેશ ઠાકોર

24 ઑક્ટોબરે ગુજરાતમાં યોજાયેલી છ બેઠકોનું પરિણામ આવ્યું. છ બેઠકમાંથી કૉંગ્રેસને ત્રણ અને ભાજપને પણ ત્રણ બેઠક મળી છે. રાધનપુર, થરાદ, બાયડ કૉંગ્રેસે અને અમરાઈવાડી, લુણાવાડા અને ખેરાલુ બેઠક ભાજપે જીતી છે.

આ પેટાચૂંટણીમાં સૌથી વધુ નજર હતી પાટણ જિલ્લાની રાધનપુર બેઠક પર.

આ બેઠક પર એક સમયે કૉંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી જિતેલા અલ્પેશ ઠાકોરે આ વખતે ભાજપમાંથી ચૂંટણી લડી હતી.

જોકે 2017માં કૉંગ્રેસમાંથી ધારાસભ્ય બનેલા અલ્પેશ ઠાકોર આ પેટાચૂંટણીમાં રાધનપુર પરથી કૉંગ્રેસના રઘુ દેસાઈ સામે હારી ગયા.

કૉંગ્રેસ છોડવાના કારણમાં મીડિયા સાથેની વાતચીતમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે તેઓને જોઈએ એટલું મહત્ત્વ મળ્યું નથી. આથી તેઓ પ્રજાના કામ કરવા માટે અને વિકાસની રાજનીતિ માટે ભાજપમાં જોડાઈ રહ્યા છે.

સત્તાધારી પાર્ટી ભાજપમાં જોડાયા અને પેટાચૂંટણીમાં હારી જતાં અલ્પેશ ઠાકોરનું રાજકીય ભવિષ્ય કેવું રહેશે એ પણ ચર્ચાનો વિષય બન્યું છે.

રાજકીય વિશ્લેષકો માને છે કે ગુજરાતમાં હવે અલ્પેશ ઠાકોરનું ભવિષ્ય ધૂંધળું જણાઈ રહ્યું છે. તો એવું પણ કહેવામાં આવે છે કે ગુજરાતમાં ભાજપ સત્તામાં છે અને તેનો લાભ અલ્પેશ ઠાકોર પણ મળી શકે છે.

અલ્પેશ ઠાકોરનું હવે રાજકીય ભવિષ્ય શું?

ઇમેજ સ્રોત, FACEBOOK/ALPESH THAKOR

બીસીસી ગુજરાતી સાથે વાત કરતાં રાજકીય વિશ્લેષક અજય ઉમટ જણાવે છે કે અતિશય મહત્ત્વાકાંક્ષા ક્યારેક રાજકીય દૃષ્ટિએ ઘાતક નીવડે એનો બોલતો પુરાવો અલ્પેશ ઠાકોર છે.

તેમના મતે કૉગ્રેસ પાર્ટીમાં અલ્પેશ ઠાકોરની સ્થિતિ રાજા જેવી હતી, પણ આજે એ રંક બની ગયા છે.

ઉમટ જણાવે છે, "કૉંગ્રેસ પાર્ટીએ તેમને ધારાસભ્યની ટિકિટ આપી હતી, એમના સમર્થકોને પણ પાર્ટીએ ટિકિટ આપી હતી. એમને પાર્ટીમાં ઘણું મહત્ત્વ અપાતું હતું."

"નવ જેટલી કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. બિહારમાં સહપ્રભારી બનાવાયા હતા."

"આટલું બધું કરવા છતાં તેઓ માત્ર રાજકીય મહત્ત્વાકાંક્ષા માટે મને કૉંગ્રેસમાં જોઈએ એટલું મહત્ત્વ મળતું નથી એવું ત્રાગું કરીને કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા ગયા. "

તેઓ જણાવે છે, "હવે અલ્પેશ ઠાકોર હાંસિયામાં ધકેલાઈ જવાના છે. જોકે તેમણે ધીરજ રાખી હોત તો કૉંગ્રેસ પાર્ટીમાં તેમના માટે ઉજ્જવળ ભવિષ્ય હતું."

"કૉંગ્રેસ પાર્ટીએ એમને બધું જ આપ્યું હતું, પરંતુ તેઓ રાજકીય સોદાબાજી કરવા ગયા એ મોટી ભૂલ હતી."

અજય ઉમટ ગુજરાતની પ્રજાના મિજાજ અંગે જણાવે છે કે પક્ષપલટુંઓને ગુજરાતની પ્રજા સ્વીકારતી નથી.

"અલ્પેશને પણ નથી સ્વીકાર્યા ને ધવલસિંહ ઝાલાને પણ નથી સ્વીકાર્યા. કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડા અપવાદ છે, તેઓ તેમની વ્યક્તિગત પ્રતિભા અને જ્ઞાતિવાદના કારણે ચૂંટણી જીતતા હતા."

તેઓ ઉમેરે છે કે આ એક એવા ઉમેદવાર છે જેમના પરાજયની ખુશી ભાજપમાં પણ છે અને કૉંગ્રેસમાં પણ છે. કેમ કે ભાજપમાં પણ પાયાના કાર્યકરો તેમનાથી નારાજ હતા.

'ભાજપ સત્તામાં હોવાથી ફાયદો થઈ શકે'

ઇમેજ સ્રોત, FACEBOOK/ALPESH THAKOR

તો ભાજપમાં ગયેલા અલ્પેશ ઠાકોરનું રાજકીય ભવિષ્ય ખૂબ ઉજ્જવળ રહેશે એવું રાજકીય વિશ્લેષક હરિ દેસાઈ માને છે.

તેમનું કહેવું છે, "સત્તા પક્ષ સાથે જોડાયેલા લોકો જે હેતુ સાધવાના હોય એ સાધી શકે છે. અલ્પેશ ઠાકોરને સત્તા સાથે જોડાવવાના લાભ મળશે."

"રાજકારણમાં હોદ્દો હોય, ધારાસભ્ય હોય કે મંત્રીપદ હોય તો જ લાભ મળે એવું નથી હોતું."

"અલ્પેશ ઠાકોર ગુજરાતમાં દારૂના અડ્ડા બંધ કરાવવા માટે નીકળ્યા હતા પરંતુ ખરેખર કેટલા બંધ થયા એ કોઈને ખબર નથી."

"ઠાકોરસેનાના ખભા પર ચડીને તેઓ ધારાસભ્ય થયા. ધારાસભ્ય બન્યા પછી એમણે પક્ષપલટો કર્યો. પક્ષપલટો કર્યો ત્યારે તો તેઓ પ્રજાને પૂછવા નહોતા ગયા. એટલે પ્રજાને તો બંને બાજુ મરવાનો વારો જ આવે છે."

સાચો નેતા કોને કહેવાય એ વાત કરતાં હરિ દેસાઈ કહે છે કે એમણે સેવા જ કરવી હોત તો પાંચ વરસ કૉંગ્રેસના ધારાસભ્ય રહીને પણ સેવા કરી શક્યા હોત."

શું છે અલ્પેશ ઠાકોરની ઠાકોરસેના?

ઇમેજ સ્રોત, Getty Images

2015માં 25 ઑગસ્ટના દિવસે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલે પાટીદાર અનામત માટે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું હતું.

શરૂઆતમાં પાટીદારોની માગ હતી કે તેમને 'ઓબીસી'ના નેજા હેઠળની અનામત આપવામાં આવે.

જો પાટીદારોને ઓબીસી અનામત મળે તો ઠાકોરોનું હિત જોખમાય તેમ હતું એટલે 'ઠાકોરસેના' સક્રિય બની.

ઠાકોર સમાજની આર્થિક સ્થિતિ સુધરે, સમાજમાં પ્રવર્તમાન સામાજિક તથા આર્થિક દૂષણોને નાબૂદ કરવા અને સમાજમાં એકતા સ્થાપિત કરવાના હેતુથી અલ્પેશ ઠાકોરે 2011માં 'ઠાકોરસેના'ની સ્થાપના કરી હતી.

ઠાકોરસેવાનું વડુંમથક અમદાવાદમાં આવેલું છે.

અલ્પેશ ઠાકોર ગુજરાતના યુવા બેરોજગારો, આંગણવાડી બહેનો, આશાવર્કરોના પ્રશ્નોને લઈને 2014-17 દરમિયાન રાજ્યભરમાં અનેક આંદોલનો કર્યાં હતાં.

ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે ઠાકોરસેનાએ દારૂના અડ્ડાઓ પર જનતારેડ શરૂ કરી, જેમાં ઠાકોર સમાજનાં મહિલાઓ અને યુવા જોડાયાં હતાં.

નાગરિકોના દબાણને કારણે ગુજરાત સરકારે દારૂબંધીનો કાયદો વધુ કડક કરવો પડ્યો હતો.

આ મંચ અને સરકાર સામેના કાર્યક્રમોને કારણે અલ્પેશ ઠાકોર 'ઓબીસી સમાજનો ચહેરો' બન્યા હતા.

2017ની વિધાનસભા ચૂંટણી અગાઉ તેઓ કૉંગ્રેસમાં જોડાયા અને ચૂંટણી આવતાં રાધનપુર પરથી ધારાસભ્ય બન્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો