મહારાષ્ટ્ર : ભાજપના 'નાના ભાઈ' શિવસેનાને હવે શું જોઈએ છે?

શિવસેના Image copyright Getty Images

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનામાં મોટા ભાઈ કોણ, એની ચર્ચા છાશવારે થતી રહે છે. ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કરી દીધું છે કે હવે મોટા ભાઈ કે નાના ભાઈ એવું કંઈ નહીં ચાલે, બંને એક સમાન ભાગીદાર છે.

શિવસેનાએ પોતાના મુખપત્ર 'સામના'ના તંત્રીલેખમાં લખ્યું હતું કે ચૂંટણીપરિણામો સંકેત આપી રહ્યાં છે કે જનતા હવે સત્તામાં બેઠેલા લોકોનો 'અહંકાર' સહન નહીં કરે.

જાણકારોનું માનવું છે કે શિવસેનાનો આ સંદેશ પોતાના 'મોટા ભાઈ' એટલે કે ભારતીય જનતા પક્ષ તરફ ઇશારો છે.

પરિણામો બાદ શિવસેનાએ ભારતીય જનતા પક્ષ પર દબાણ વધારવાનું શરૂ કર્યું છે. હવે શિવસેના સત્તામાં 50-50 ભાગીદારીની ફૉર્મ્યુલા પર વાદે ચડી છે. તેનો એક અર્થ એવો પણ છે કે અડધા કાર્યકાળ સુધી ભારતીય જનતા પક્ષના મુખ્ય મંત્રી હોય અને અડધા કાર્યકાળ સુધી શિવસેનાના.

જોકે, દેવેન્દ્ર ફડણવીસે જ્યારે ગુરુવારે મોડી સાંજે પત્રકારો સાથે વાત કરી તો એવું લાગ્યું કે તેઓ કોઈ વાદવિવાદમાં પડવા માગતા નથી.

તેમણે 50-50 ફૉર્મ્યુલાનો ઉલ્લેખ તો કર્યો પરંતુ સ્પષ્ટ ન કર્યું કે આ ફૉર્મ્યુલા લાગુ કઈ રીતે કરાશે. અલબત્ત તેમણે 15 અપક્ષ ઉમેદવારોના સંપર્કમાં હોવાની વાત કરી.


ભાજપને અપક્ષોની જરૂર કેમ?

Image copyright Getty Images

અહીં સવાલ એ પણ છે કે જો બધું જ બરોબર હોય તો પછી યુતિને પૂર્ણ બહુમત મળવા છતાં ફડણવીસ અપક્ષ ઉમેદવારોના સંપર્કની વાત કેમ કરી રહ્યા છે?

વરિષ્ઠ પત્રકાર અનુરાગ ત્રિપાઠીના મતે યુતિને પૂર્ણ બહુમત મળવા છતાં જો ભાજપ અપક્ષ ઉમેદવારોના સંપર્કમાં હોય તો કંઈક ગડબડ છે.

તેઓ કહે છે, "પૂર્ણ બહુમત મળ્યા પછી તો રાજ્યપાલને મળવું જોઈએ, અપક્ષ ઉમેદવારોને નહીં. આ જ સંકેત છે કે બધું બરાબર નથી. આમ પણ ભારતીય જનતા પક્ષનાં નગારાં મુંબઈમાં તો મૌન જ રહ્યાં જ્યારે શિવસેનાના ઠાકરે પરિવારના રાજકુમાર ગણાતા આદિત્ય ઠાકરેએ મન ભરીને જીતનો જલસો માણ્યો."

જો બંને પક્ષોની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં વર્ષ 1995થી વર્ષ 1999 સુધી શિવસેના 'મોટા ભાઈ' ભૂમિકામાં હતી અને 'ભાજપ'ને નાનો ભાઈ બનવું પડ્યું હતું.

આ વાત એટલા માટે મહત્ત્વની છે કે એ દરમિયાન અપક્ષ ઉમેદવારોના સમર્થનથી સરકાર બની હતી. એ સરકારમાં શિવસેનાના બે મુખ્ય મંત્રી હતા, મનોહર જોશી અને નારાયણ રાણે.

એ વિધાનસભાની ચૂંટણીમાં શિવસેનાને 73 બેઠકો મળી હતી જ્યારે ભાજપને 65. આ કારણે અપક્ષોનું સમર્થન સરકાર માટે જરૂરી હતું.


શું કોઈ રસીકસી છે?

Image copyright Getty Images

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો દાવો છે કે તેમણે પોતાના સાથી એટલે કે ભાજપ સાથે મળીને ગઠબંધન માટે નિશ્ચિત શરતો પર કામ કર્યું અને 288માંથી 124 બેઠકો પર ચૂંટણી લડી.

બાકીની બેઠકો ભારતીય જનતા પક્ષ માટે છોડી દીધી હતી. આ બધું ગઠબંધનમાં પહેલાંથી નક્કી કરાયેલી શરતો મુજબ થયું હતું.

પરંતુ હવે તેઓ કહે છે કે 'નાના ભાઈ' અને 'મોટા ભાઈ' જેવું કશું નથી અને એક સમાન ભાગીદારીથી સરકાર ચાલી શકે છે.

શિવસેનાના આ વલણે ગઠબંધનના ભવિષ્ય પર કેટલાક જૂના સવાલો ફરી સર્જી દીધા છે. ભાજપના નેતાઓ કંઈ કહેવાને બદલે બધું બરાબર હોવાનો દાવો કરી રહ્યા છે.

પક્ષનાં પ્રવક્તા શ્વેતા શાલિની પણ કહે છે કે સંગઠનમાં સરકાર બનાવવાને લઈને કોઈ જ રસાકસી નથી.

પરંતુ કેટલાક નેતાઓ દબાયેલા સ્વરમાં કહી રહ્યા છે કે આ વખતે શિવસેનાને મનાવવામાં મુશ્કેલી થશે. કારણ કે ઠાકરે પરિવારમાંથી કોઈએ પહેલી વખત ચૂંટણી લડી છે અને જીતી છે.

એટલે શિવસેના ઇચ્છશે કે મુખ્ય મંત્રી પણ તેમના જ હોય. તેઓ આદિત્ય ઠાકરે તરફ સંકેત કરી રહ્યા હતા, જેમણે મુંબઈની વરલી વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી જીતી છે.


દિવાળી બાદ સ્પષ્ટ થશે તસવીર

શિવસેના અને ભારતીય જનતા પક્ષની યુતિ એક સ્વાભાવિક યુતિ માનવામાં આવે છે, જે વર્ષ 1986થી સાથે મળીને ચૂંટણી લડે છે.

જોકે, વર્ષ 2014ની વિધાનસભાની ચૂંટણીમાં આ બંને વચ્ચે પહેલાં તો કોઈ જોડાણ નહોતું થયું અને જે પણ જોડાણ થયું તે ચૂંટણી પછી થયું.

આ ચૂંટણીમાં ભાજપને 122 બેઠકો મળી હતી જ્યારે શિવસેનાને 63 બેઠકો મળી હતી.

આ વખતે બંનેએ મળીને ચૂંટણી લડી પરંતુ બંનેને પહેલાંની સરખામણીએ ઓછી બેઠકો મળી છે.

અહીં એ વાત પણ નોંધવી રહી કે ચૂંટણીપ્રચાર વખતે ભાજપે એકલપંડે 200 બેઠકો જીતવાનો દાવો કર્યો હતો.

હાલની રાજકીય પરિસ્થિતિમાં વિશ્લેષકોને બે શક્યતાઓ જણાઈ રહી છે. એક એ કે 50-50 ફૉર્મ્યુલા પર ભાજપ સહમત થઈ જાય અને બીજી એ કે એનસીપી અને અપક્ષો ભાજપને સમર્થન આપે.

એનસીપી ભાજપને સમર્થન આપે તેવી શક્યતા ઓછી છે. ત્રીજી શક્યતા એવી હોઈ શકે કે શિવસેનાને એનસીપી અને અપક્ષો સમર્થન આપી દે. જોકે, હજુ સુધી રાજકીય સ્થિતિમાં તેના કોઈ એંધાણ વર્તાતાં નથી.

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક નિખિલ વાગલેના મતે તો એનસીપી કે કૉંગ્રેસ બંનેમાંથી કોઈ આવું ન ઇચ્છે. કારણ કે બંનેને પોતાની મતબૅંક છે, જે ભાજપ અને શિવસેનાની વિચારધારા સાથે સહમત નથી.

હાલ તો રાજકીય રસાકસી ચાલી રહી છે અને એવું લાગ છે કે સંપૂર્ણ તસવીર દિવાળી પછી જ સ્પષ્ટ થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો