ભારતના મોબાઇલ-માર્કેટમાં આવી રીતે છવાઈ ગઈ ચીનની કંપનીઓ

શિયોમી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના સસ્તા ભાવના સ્માર્ટફોનના વિશાળ માર્કેટમાં ચીનની ટેક-કંપની શાઓમીએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં પોતાનું પ્રભુત્વ સ્થાપી દીધું છે. આવું કઈ રીતે બન્યું એ સમજવા માટે બીબીસીનાં કૃતિકા પાથીએ ટેકનૉલૉજીના નિષ્ણાતો સાથે વાત કરી હતી.

શાઓમીના લૅટેસ્ટ સ્માર્ટફોન રેડમી નોટ-8ને ફ્લૅશ સેલ માટે ઑનલાઈન મૂકવામાં આવ્યો એની 15 જ મિનિટમાં એ મૉડલના તમામ ફોન વેચાઈ ગયા હતા.

જોકે, શાઓમી કંપનીની પ્રોડક્ટ માટે આ કોઈ નવી વાત નથી અને ભારતમાં વેપારની વ્યૂહરચનાનો એ મહત્ત્વનો હિસ્સો છે.

ટેકનૉલૉજી જર્નાલિસ્ટ માલા ભાર્ગવે બીબીસીને કહ્યું હતું કે "આવા ફ્લેશ સેલ માટે તમારે પહેલાં ઑનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું હોય છે અને તેના પર નજર રાખવી પડે છે. સેલ શરૂ થાય કે તમે ખરીદી કરી શકો છો."

શાઓમીના મોબાઇલ દુકાનમાંથી પણ ખરીદી શકાય છે, પણ તેના મોટા ભાગનાં નવાં મૉડલનું વેચાણ પહેલાં ઑનલાઈન કરવામાં આવે છે અને એ વેચાણ કંપનીના કુલ વેચાણનો અડધાથી વધારે હિસ્સા જેટલું હોય છે.

ટેલિકૉમ રિસર્ચ ફર્મ કન્વર્ઝેન્સ કૅટલિસ્ટના પાર્ટનર જયંત કોલાએ કહ્યું હતું કે "આ બ્રાન્ડે મોટા પ્રમાણમાં જે ઑનલાઈન ગ્રાહકો મેળવ્યા છે એ આશ્ચર્યજનક છે."

જયંત કોલાના જણાવ્યા મુજબ, શાઓમી 2015માં ભારતમાં પ્રવેશી ત્યારે તેણે પોતાના સ્ટોર્સ ઊભા કરવામાં રોકાણ કર્યું નહોતું. તેમણે તેમની પ્રોડક્ટના ઑનલાઈન વેચાણ પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.

તેને કારણે તેમની ડિસ્ટ્રિબ્યુશન કૉસ્ટ ઓછી રહી અને તેને કારણે તેમના મોબાઇલ ફોન સસ્તા બની શક્યા છે.

જયંત કોલાએ ઉમેર્યું હતું કે "ઑનલાઈન મજબૂત હાજરી હોવાને કારણે કંપનીને ભારતમાં વફાદાર ચાહકો-ગ્રાહકો મળ્યા છે. પરિણામે શાઓમી કંપની ભારતમાં સ્માર્ટફોનના ચંચળ બજારમાં પોતાનું મજબૂત સ્થાન બનાવી શકી છે."

ભારતના 45 કરોડ ગ્રાહકો સાથેના, સતત વિકસતા જતાં, સ્માર્ટફોનના અંદાજે આઠ અબજ ડૉલરના બજારમાં ચીનની કંપનીઓ હવે અડધાથી વધારે હિસ્સો ધરાવતી થઈ ગઈ છે.

ઇમેજ સ્રોત, Getty Images

એક સમયે 'ગરીબ માણસના આઈફોન' તરીકે ઓળખવામાં આવતી શાઓમીનો ભારતીય માર્કેટમાં 28 ટકા હિસ્સો છે. જે કંપની 2016માં માત્ર ત્રણ ટકા હિસ્સો ધરાવતી હોય તેના માટે આ વધારો નોંધનીય કહેવાય.

માલા ભાર્ગવે કહ્યું હતું કે "કંપનીએ આઈફોન જેવા સ્માર્ટફોન્સ બજારમાં મૂકવાનું શરૂ કર્યું હતું. પ્રારંભિક તબક્કાના ફોનની સરખામણી એપલની પ્રોડક્ટ સાથે સાથે કરવામાં આવતી હતી અને એ માટે કંપનીની ટીકા પણ થઈ હતી."

હકીકતમાં શાઓમીના ફોન આઈફોન જેવા હતા ત્યાં જ વાત પૂરી થતી નથી. શાઓમીના સ્માર્ટફોનમાં સંખ્યાબંધ ફીચર્સ અને મજબૂત હાર્ડવેર પણ હતાં. તેથી ભારતીયોને એવો અહેસાસ થયો હતો કે તેમને તેમણે ખર્ચેલાં નાણાંનું વધારે વળતર મળી રહ્યું છે.

દાખલા તરીકે, કંપનીના ફ્લેગશિપ રેડમી રેન્જના ફોનમાં 64 મેગાપિક્સલનો કૅમેરા હોય છે, પણ તેની કિંમત પોસાય તેવી હોય છે. તેની પ્રાઈસ રેન્જ 9,999 રૂપિયાથી શરૂ કરીને 17,999 રૂપિયા સુધીની છે.

આઈફોન જેવા દેખાતા પણ તેની એક-તૃતિયાંશ કિંમતે મળતા આ ફોન ભણી ભારતીય ગ્રાહકો ઝડપથી આકર્ષાયા છે.

"બધાને આઈફોન જોઈએ છે, પણ આઈફોન ખરીદવાનું પરવડે ત્યાં સુધી તેઓ તેના જેવો ફોન ખરીદીને સંતોષ માને છે."

એવું કહેતા જયંત કોલાએ ઉમેર્યું હતું કે પોતાની ખર્ચવાપાત્ર આવકમાં વધારો થાય એટલે ભારતીય ગ્રાહકો તેમના સ્માર્ટફોન અપગ્રેડ કરતા હોવાનું અમારી ફર્મના રિસર્ચમાં જાણવા મળ્યું હતું. એ ગ્રાહકો મોટાભાગે એપલ કે સેમસંગના મોબાઈલ ખરીદતા હોય છે.

જયંત કોલાએ કહ્યું હતું કે "ભારતમાં શાઓમીની લોકપ્રિયતાનું કારણ ફોનની કિંમત સંબંધી તેમની કુશળતા છે. ગ્રાહકોને ઓછી કિંમતે અગાઉની સરખામણીએ બહેતર ફીચર્સ મળે છે."

4G ક્ષમતાના અભાવે ભારતની દેશી મોબાઇલ બ્રાન્ડ ધીમે-ધીમે તૂટી પડી અને એ શાઓમી તથા બીજા ચીની સ્માર્ટફોન ઉત્પાદકોની પ્રગતિનું બીજું કારણ છે.

કાઉન્ટરપૉઇન્ટ રિસર્ચના ટેક્નૉલૉજી ઍનાલિસ્ટ નેઇલ શાહે કહ્યું હતું કે "ભારતીય માર્કેટમાં એક સમયે માઇક્રોમૅક્સ જેવી સ્થાનિક બ્રાન્ડ મોખરે હતી, પણ 2016 અને 2017માં ભારતમાં 4Gની શરૂઆત થઈ પછી બધું બદલાઈ ગયું."

ભારતમાં 4Gનું આગમન થયું ત્યારે ચીની કંપનીઓ 4G ટેક્નૉલૉજીવાળા સસ્તા સ્માર્ટફોન આસાનીથી ઉપલબ્ધ કરાવી આપવા તૈયાર હતી. તે ચીનમાં તો એવા ફોન વેચતી જ હતી.

નેઇલ શાહે કહ્યું હતું કે "એ કારણે ભારતમાં તેમના મોબાઇલ 3Gમાંથી રાતોરાત 4Gમાં પરિવર્તિત કરવાનું તેમના માટે આસાન થઈ ગયું હતું. તેને કારણે ભારતીય બ્રાન્ડનો મૃત્યુઘંટ વાગી ગયો હતો."

અલબત, ભારતીય માર્કેટમાં જોરદાર સ્પર્ધાનું વાતાવરણ છે અને કોઈ એક કંપની લાંબા સમય સુધી માર્કેટ પર છવાયેલી રહી શકતી નથી.

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય માર્કેટમાના શાઓમીના 28 ટકા હિસ્સામાં ગયા વર્ષથી કોઈ વધારો થયો નથી, જે પ્રગતિ થંભી ગયાનો સંકેત આપે છે.

25 ટકા હિસ્સા સાથે કોરિયાની વિરાટ ટેક્નૉલૉજી કંપની સેમસંગ બીજા સ્થાને છે. રીઅલમી જેવી નવી ચીની બ્રાન્ડ પણ ભારતીય ગ્રાહકોમાં લોકપ્રિય બની રહી છે.

શાઓમી K-20 સીરિઝની નવી મોબાઇલ ફોન રેન્જ સાથે પ્રીમિયમ સ્માર્ટફોન માર્કેટમાં આ વર્ષની શરૂઆતમાં શા માટે પ્રવેશી એ ઉપરોક્ત પરિસ્થિતી પરથી સમજી શકાય તેમ છે.

'હિંદુ' દૈનિકને જુલાઈમાં આપેલી એક મુલાકાતમાં શાઓમી ઇન્ડિયાના ડિરેક્ટર મનુ જૈને કહ્યું હતું કે "થોડાં વર્ષો અગાઉ ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં પ્રીમિયમ ફોનનો હિસ્સો ત્રણ કે ચાર ટકા હતો. તેમાં હવે વધારો થયો છે."

તેમણે ઉમેર્યું હતું કે શાઓમીએ હવે તેની નજર પોસાય તેવા સ્માર્ટફોનના માર્કેટથી આગળ ઠેરવી છે.

જોકે, શાઓમીના પ્રીમિયમ સ્માર્ટફોનની પ્રાઇસ રેન્જ 20,000થી 30,000 રૂપિયાની છે, આઈફોન અને ગેલેક્સી સ્માર્ટફોનની કિંમતની સરખામણીએ ઓછી છે.

નેઇલ શાહે કહ્યું હતું કે "એ વધારે પણ નથી કે ઓછી પણ નથી."

જયંત કોલાના જણાવ્યા મુજબ, શાઓમીએ એપલ કે સેમસંગની હરોળમાં બિરાજવું હોય તો "વધારે મહેનત કરવી પડશે."

તેમણે કહ્યું હતું કે "તેઓ નાવિન્ય સાથેની નવી પ્રોડક્ટ્સ નહીં રજૂ કરી શકે તો સસ્તા ફોન વેચતા રહેવામાં અટવાયેલા રહેશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો