જી. સી. મુર્મુ : ગુજરાત કૅડરના અધિકારીને જમ્મુ-કાશ્મીરનું સુકાન સોંપાયું

વડા પ્રધાન મોદી સાથે જી સી મુર્મુ Image copyright NARENDRAMODI.IN
ફોટો લાઈન વડા પ્રધાન મોદી સાથે જી સી મુર્મુ

ગિરીશચંદ્ર મુર્મુને જમ્મુ અને કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ બનાવાયા છે તો રાધાકૃષ્ણ માથુરને લદ્દાખના ઉપરાજ્યપાલ બનાવાયા છે.

બન્ને સનદી અધિકારી રહી ચૂક્યા છે. આ સાથે જ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકની બદલી કરીને તેમને ગોવાના રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવી છે.

જ્યારે પી.એસ. શ્રીધરન પિલ્લઈને મિઝોરમના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

અહીં નોંધનીય છે કે ભારતીય સંસદે 5 ઑગસ્ટે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી તેને કેન્દ્રશાસિત રાજ્ય બનાવી દીધું હતું.

Image copyright FACEBOOK/SATYAPAL.MALIK.35
ફોટો લાઈન સત્યપાલ મલિક હવે ગોવાના રાજ્યપાલ હશે.

આ સાથે જ લદ્દાખને પણ પ્રદેશમાંથી અલગ કરીને કેન્દ્રશાસિત રાજ્યનો દરજ્જો અપાયો હતો.

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ 31 ઑક્ટોબરથી અધિકૃત રીતે કેન્દ્રશાસિત પ્રદેશના રૂપે અસ્તિત્વમાં આવશે.

જેને પગલે આવા સંવેદનશીલ માહોલમાં આ બન્ને પ્રદેશના ઉપરાજ્યપાલની જવાબદારી કોને સોંપવામાં આવે એની રાહ જોવાઈ રહી હતી.

રાજ્યમાં રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ઉપરાજ્યપાલ સર્વોચ્ચ વહિવટી અધિકારી હોય છે. રાષ્ટ્રપતિ દ્વારા પાંચ વર્ષ માટે તેમની નિમણૂક કરવામાં આવતી હોય છે.


ગિરીશચંદ્ર મુર્મુ કોણ છે?

મુર્મુ ગુજરાત કૅડરના 1985ની બૅચના આઈએએસ અધિકારી છે.

નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્ય મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન મુર્મુ પ્રદેશના પ્રધાન સચિવ હતા.

59 વર્ષના મુર્મુ ભારત સરકારના નાણામંત્રાલયના વ્યયસચિવ રહી ચૂક્યા છે. વ્યયસચિવની સરળ વ્યાખ્યા ભારત સરકારના ખજાનાના પ્રભારીના રૂપે પણ કરી શકાય.

ગુજરાત સરકારના વહિવટી વિભાગની વેબસાઇટ અનુસાર મુર્મુ ઓડિશાના મયૂરગંજ જિલ્લાના રહેવાસી છે અને તેમણે રાજનીતિશાસ્ત્રમાં માસ્ટર્સ અને જાહેર સેવાઓમાં એમ.બી.એ.નો અભ્યાસ કર્યો છે.


રાધાકૃષ્ણ માથુર કોણ છે?

માથુર 1977 બૅચના મણિપુર-ત્રિપુરા કૅડરના સેવાનિવૃત આઈએએસ અધિકારી છે.

તેઓ ભારત સરકારના મુખ્ય સૂચનાઅધિકારીના પદ પરથી નવેમ્બર 2018માં નિવૃત થયા હતા.

તેઓ મે 2013થી મે 2015 સુધી ભારતના સંરક્ષણસચિવ રહ્યા હતા.

તેમણે વર્ષ 2003માં ત્રિપુરાના મુખ્ય સચિવ તરીકે પણ કામ કર્યું છે.

તેમણે આઈઆઈટી કાનુપરમાંથી મૅકેનિકલ એંજિનયરિંગમાં ગ્રૅજ્યુએશન કર્યું અને બાદમાં આઈઆઈટી દિલ્હીથી એંજિનયરિંગમાં જ માસ્ટર્સ કર્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો