દિલીપભાઈ પરીખ : એ ઉદ્યોગપતિ જે ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા

  • જયનારાયણ વ્યાસ
  • બીબીસી ગુજરાતી માટે
દિલીપ પરીખ

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ગુજરાતના તેરમા મુખ્ય મંત્રી, લાયન્સ ક્લબના પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ પ્રમુખ, ભાજપના ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ, કંડલા પૉર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી, સ્ટેટ બૅન્ક ઑફ સૌરાષ્ટ્રના ડિરેક્ટર તેમજ ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બરમાં અને ફિક્કીમાં ડિરેક્ટર, મારા સાથી અને પરમ મિત્રશ્રી દિલીપભાઈ રમણલાલ પરીખનું આજે 82 વરસની જઈફ વયે નિધન થયું છે.

દિલીપભાઈ પરીખ એટલે છંછેડાય નહીં ત્યાં સુધી અત્યંત સૌમ્ય અને સૌજન્યશીલ વ્યક્તિત્વ. કોઈ મુદ્દા પર જો એ છંછેડાઈ જાય તો કાબૂમાં રાખવા મુશ્કેલ પડી જાય એવો એમનો ગુસ્સો.

અર્થશાસ્ત્ર સાથે મુંબઈની ઍલ્ફિસ્ટન કૉલેજમાં ભણીને ગ્રૅજ્યુએટ થયા અને ત્યારબાદ કાયદાશાસ્ત્રની ડિગ્રી પણ મેળવી. દિલીપભાઈ પરીખ પોતે પ્લાસ્ટિક કન્વર્ઝન ક્ષેત્રે ઔદ્યોગિક એકમ ધરાવતા ઉદ્યોગપતિ હતા.

આ કારણથી વર્ષ 1973-74માં એ ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશનના પ્રમુખ વરાયા અને એનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું. તેઓએ 1979માં પ્લાસ્ટિક ઍન્ડ રબર ઇન્ડસ્ટ્રીને પણ નેતૃત્વ પૂરું પાડ્યું.

મારો દિલીપભાઈ પરીખ સાથેનો પરિચય 1989માં તેઓ ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ હતા અને હું ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યૂરો નામની ગુજરાતની ઔદ્યોગિક પ્રમોશન માટેની સંસ્થાનો સ્થાપક મૅનેજિંગ ડિરેક્ટર હતો ત્યારથી છે.

તે સમયના ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખોનો એક જ્વલંત ઇતિહાસ હતો.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

સરકાર અને સમાજ બંને ઉપર એમનું વજન પડતું. એટલે ચેમ્બર દ્વારા આયોજિત પ્રસંગો કે સેમિનારમાં સરકારની નીતિઓ સમજાવવા તેમજ ઉદ્યોગોના પ્રશ્નો સમજાવવા જવાનું થતું.

દિલીપભાઈના અગાઉના પ્રમુખો સાથે પણ મારે ઘરોબો હતો. દિલીપભાઈ સાથે પણ ખૂબ ટૂંકા સમયમાં જ એવો જ ઘરોબો અને મિત્રતા ઊભી થઈ.

મૂળ અર્થશાસ્ત્રના વિદ્યાર્થી અને પાછા ઉદ્યોગપતિ એટલે દેશની અર્થવ્યવસ્થા તેમજ ઔદ્યોગિક આલમના પ્રશ્નોની સૂઝ દિલીપભાઈમાં હતી.

એમનો બીજો ગુણ હતો ટીમવર્ક. ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં એ વખતે ખૂબ સક્ષમ અને જમાનાના ખાધેલ કહી શકાય એવા ઈશ્વરલાલ એમ. કણિયા સેક્રેટરી હતા.

હવે આ હોદ્દાનું નામ બદલીને સેક્રેટરી જનરલ થયું છે પણ આજે જો કણિયા હયાત હોત તો હોદ્દાની આગળ નહીં પણ એમના નામની આગળ જનરલ લગાવવું પડે એવો એમનો પ્રભાવ હતો.

વિષયની ઊંડી સૂઝ અને સાચી વાત પ્રમુખ સમક્ષ મૂકવાની કણિયાની કાબેલિયત અને હિંમત એમની લાક્ષણિકતા હતી.

કણિયાના આ ગુણો પ્રત્યે પ્રમુખ તરીકે દિલીપભાઈ ખૂબ આદર ધરાવતા.

ક્યાંક દૂઝણી ભેંસની લાત ખાવી પડે એવી વિઝડમ વાપરી નાનો-મોટો મતભેદ કોઈની સાથે થાય તો એ વાત કુનેહથી નિપટાવી લેતા.

સરકારના મંત્રીઓને પણ જરાય દિલ ચોર્યા વગર ઉદ્યોગપતિઓના હિતની વાત એ કહેતા.

અમે 1990-95ની આઠમી વિધાનસભામાં પહેલી વાર ચૂંટાયા. દિલીપભાઈ ધંધુકાથી અને હું સિદ્ધપુરથી. પ્રાથમિક પરિચય તો હતો જ, ધીરેધીરે એ પરિચય મિત્રતામાં ફેરવાયો.

થોડા સમયમાં જ વકીલ હરિશ્ચંદ્રભાઈ પટેલ સુરેન્દ્રનગરથી ચૂંટાયેલા રણજિતસિંહ ઝાલા, અમારો વિધાનસભામાં ખૂબ ઓછો સાથ રહ્યો એવા લીમડીના ધારાસભ્ય શ્રી જીતુભા રાણા અને હું એમ અમારી પાંચ મિત્રોની પાક્કી ટુકડી જામી.

ક્યારેક-ક્યારેક એમાં વડોદરાથી ચૂંટાયેલા પૂર્વ પોલીસ કમિશનર જસપાલસિંહ અને જામનગરના સિંધી ઉદ્યોગપતિ પરમાનંદ ખટ્ટર પણ ભળે.

આમ પહેલી વિધાનસભામાં અમારું આઠ-દસ મિત્રોનું આ ટોળું એકબીજા સાથે સંકલન કરીને વિધાનસભામાં પ્રજાના પ્રશ્નોનો પડઘો પાડવામાં અગ્રેસર રહેતું.

ઉદ્યોગોના પ્રશ્નો હોય કે આર્થિક મુદ્દા ઉપર બોલવાનું હોય તો વિશેષતઃ એ મારા અને દિલીપભાઈના ભાગે આવતું અને અમે એ જવાબદારી બખૂબી નિભાવતા.

જમિયતપુરા ઇનલૅન્ડ કન્ટેનર ડૅપોની જમીન બાબત ખેડૂતોના વળતરનો પ્રશ્ન હોય તો હરિશ્ચંદ્રભાઈ અને હું અડીખમ બનીને ઊભો રહેતા.

એ જ રીતે સુરેન્દ્રનગર નજીકના એક કેમિકલ યુનિટના બેફામ પ્રદૂષણ બાબતમાં પૂરો અભ્યાસ કરીને દિલીપભાઈ, રણજિતસિંહ અને મેં તત્કાલીન વિધાનસભામાં સદગત ચીમનભાઈ પટેલ જેવા મુખ્ય મંત્રીને ભીંસમાં મૂક્યા હતા.

દિલીપભાઈનાં પત્ની પ્રીતિબહેન, બે પુત્રીઓ સચિ અને રીની, આ ચાર માણસોનું કુટુંબ.

નવરંગપુરા માર્કેટથી આગળ જઈએ ત્યારે ચાર રસ્તા પાસે જમણી બાજુ વળીએ એટલે બીજો કે ત્રીજો બંગલો દિલીપભાઈનો આવે.

બાજુમાં એમના પિતરાઈનો બંગલો અને ખાસ્સી મોકળાશમાં નવરંગપુરા જેવા પોશ વિસ્તારમાં દિલીપભાઈનો બંગલો.

કૂતરા પાળવાનો શોખ એટલે દરવાજો ખોલીને કમ્પાઉન્ડમાં ઘૂસતાં પહેલાં પેલા કૂતરાની ચિંતા કરવી પડે.

દિલીપભાઈ સામાન્ય વર્ગના માણસ નહોતા. He was a man of class. સમાજના ઉચ્ચવર્ગ સાથે એમનું હળવા મળવાનું થાય.

રહેણીકરણી પણ એ ધારાધોરણ મુજબ જ. પોતાના ઘરે લોકોને જમવા બોલાવવા એ પણ એમનો એક શોખ.

પ્રીતિબહેન ત્યારે એક આદર્શ યજમાન તરીકેની ભૂમિકામાં બધું સંભાળી લે.

દિલીપભાઈની મહત્ત્વાકાંક્ષાઓ પોષવામાં પ્રીતિબહેન અને એમના એક મિત્ર વકીલ ધીરેશભાઈનો ખાસ્સો ફાળો એવું હું માનું છું.

ધીરેશભાઈ પડછાયાની જેમ દિલીપભાઈની સાથે જ હોય. મને લાગે છે કે આ કેળવણી અને કૉમરેડશિપ એ દિલીપભાઈને લાયન્સ ક્લબની ભેટ હતી.

લાયન્સ ક્લબના સિનિયર મોસ્ટ પ્રમુખ રોહિતભાઈ મહેતાથી માંડી બધા સાથે એમને ઘરોબો. આ સર્કલમાં એમને ફરવાનું પણ થતું હશે અને ભળવાનું પણ થતું હશે એમાં કોઈ શંકા નહીં.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન,

1996માં શંકરસિંહ વાઘેલા સાથે દિલીપ પરીખ

વળી પાછા વિધાનસભાની વાત પર આવીએ. ભારતીય જનતા પક્ષ હજુ માંડ સત્તાનાં સપનાં જોવા માંડ્યો હતો ત્યારે શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલને ચિત્રલેખા મૅગેઝિનના કોઈ પત્રકારે પૂછ્યું હતું કે તમારી પાર્ટીને વહીવટનો કોઈ અનુભવ નથી તો સત્તા ઉપર આવશો તો ગુજરાતનું રાજ્ય કઈ રીતે સંભાળશો.

મને હજુયે એવુંને એવું યાદ છે કે જવાબમાં કહેવાયું હતું કે નિવૃત્ત આઇએએસ ઑફિસર પ્રેમશંકરભાઈ ભટ્ટ, ચેમ્બર ઑફ કૉમર્સના પ્રમુખ દિલીપભાઈ પરીખ અને પંદર વરસ સુધી ગુજરાતના ઔદ્યોગિક વિકાસને જેમણે વેગ આપ્યો છે એવા જયનારાયણ વ્યાસ, ડૉ. કીર્તિ દવે વિગેરે નીવડેલ નિષ્ણાત અને વહીવટદાર માણસો પાર્ટીમાં જોડાયા છે. અમે એમનો પૂરતો ઉપયોગ કરીશું.

પણ રાજનીતિમાં તો પવન બદલાય તેમ બધું બદલાતું હોય છે. જનતાદળ ગુજરાત સાથે સરકાર રચાઈ. મંત્રીમંડળ બનાવ્યું.

ચીમનભાઈ મુખ્ય મંત્રી બન્યા, કેશુભાઈને બીજા નંબરનું સ્થાન મળ્યું ત્યારે આવડતને આધારે નહીં પણ પાર્ટીની સિનિયૉરિટી કે કોમને આધારે સુરેશ મહેતા, વજુભાઈ વાળા, દિલીપ સંઘાણી, અશોક ભટ્ટ વિગેરેને કૅબિનેટમાં સ્થાન મળ્યાં.

જયનારાયણ વ્યાસ અને દિલીપ પરીખ જેવાં નામો સિનિયૉરિટીનું નામ આગળ કરીને હાંસિયામાં ધકેલી દેવાયાં.

1995ના અંતમાં જનતા દળ ગુજરાત અને ભારતીય જનતા પક્ષ છૂટા પડ્યા. 1995 સુધીનો ગાળો અમારે માટે વિરોધ પક્ષમાં બેસવાનો હતો.

આ ગાળામાં મુક્તમને પ્રજાના પ્રશ્નો ઉઠાવવા અમારી ટુકડી સંકલન કરીને ચાલતી. અને હું માનું છું ત્યાં સુધી પ્રભાવી પાર્લિયામેન્ટ્રિયન તરીકેની છાપ વિપક્ષમાં હતો ત્યારે અમે ઊભી કરી શક્યા.

દિલીપ પરીખ પણ વિધાનસભામાં રજૂઆતના મુદ્દે સરસ રીતે ટૂંકી અને મુદ્દાસર વાત કરી શકતા.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન,

દિલીપ પરીખ અને શંકરસિંહ વાઘેલા

પાછી 1995માં ભાજપ જંગી બહુમતીથી એકલા હાથે ચૂંટાઈ આવ્યો. મંત્રીમંડળ બન્યું.

આત્મારામ પટેલ, જયનારાયણ વ્યાસ, દિલીપ પરીખ જે સ્વાભાવિક રીતે જ મંત્રીમંડળમાં સ્થાન પામે તેવી અપેક્ષા હતી એ વાત કોઈક જબરજસ્ત આંતરિક રાજનીતિના ભાગરૂપે ઉડાડી દેવાઈ.

કેશુભાઈ મુખ્ય મંત્રી તો બન્યા પણ ગમે તે કારણસર એમના અવિચલિત અને ઓજસ્વી ધારાસભ્યોને ત્યારે પણ બાજુમાં મૂકી દેવાયા.

દિલીપભાઈ તો 1990થી 1994 સુધી ભારતીય જનતા પક્ષના ઉપપ્રમુખ તરીકે કાર્યરત હતા.

કદાચ એમને માથે શંકરસિંહ વાઘેલાના માણસ તરીકેનું ટીલું વાગ્યું હશે એટલે એમની કારકિર્દી પર બ્રેક વાગી.

જ્યારે અન્યાય થાય છે જે જેને લાયક હોય તેનો હક છીનવાય છે ત્યારે એક એવી પરિસ્થિતી સર્જાય છે કે અંતે તે જવાળામુખી વિસ્ફોટ બનીને ફાટે છે.

1995માં જંગી બહુમતીથી ચૂંટાયેલી કેશુભાઈની સરકાર આંતરિક ખટપટોના રાજકારણમાં ભરાઈ પડી. બળવો થયો. ખજુરાહો પ્રકરણ થયું.

આ બધાની આગેવાની શંકરસિંહ વાઘેલાએ લીધી. એમને કોઈએ પૂછ્યું કે તમને લાગે છે કે તમે રાજ્ય ચલાવી શકશો? ત્યારે બાપુનો જવાબ હતો, 'રાજ કરેગા રાજપા (રાષ્ટ્રીય જનતા પાર્ટી) - ટનાટન અને ભાગ જાયેગા ભાજપા'. શંકરસિંહે જે કહ્યું તે કરી બતાવ્યું.

1995ના અંતમાં જ્યારે રાજપા નામના અલગ પક્ષનું સર્જન કર્યું, દિલીપભાઈ બીજી વાર ધંધૂકાથી ધારાસભ્ય તરીકે વિધાનસભામાં ચૂંટાયેલા હતા.

ભાજપના આ વિરોધી ગ્રૂપની માયનોરિટી ગવર્નમેન્ટને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે બહારથી ટેકો આપ્યો અને શંકરસિંહ વાઘેલાએ મુખ્ય મંત્રી તરીકેના શપથ લીધા.

દિલીપ પરીખ ઉદ્યોગમંત્રી બન્યા. નાણાખાતું બાબુભાઈ મેઘજી શાહના ફાળે ગયું. પણ કૉંગ્રેસ સાથેનું હનીમૂન લાંબું ચાલ્યું નહીં. તે વખતે ગુજરાતના ગવર્નર કૃષ્ણપાલ સિંહ હતા.

શંકરસિંહ વાઘેલાની કાર્યપદ્ધતિથી નારાજ કૉંગ્રેસે 20 ઑક્ટોબર, 1997 રોજ પોતાનો ટેકો પાછો ખેંચી લેવાની ધમકી આપી.

એક અઠવાડિયાની કશમકશને અંતે એક શરતે સમજૂતી સધાઈ કે શંકરસિંહ વાઘેલા મુખ્ય મંત્રીપદ છોડી દેશે.

આ સમજૂતીના ભાગરૂપે શંકરસિંહ વાઘેલાએ મુખ્ય મંત્રી પદ છોડ્યું અને દિલીપભાઈ પરીખ ગુજરાતના તેરમા મુખ્ય મંત્રી બન્યા.

182 સભ્યોની વિધાનસભામાં તે સમયે રાષ્ટ્રીય જનતા પાર્ટીના માત્ર 46 સભ્યો હતા, ભાજપના 76, 15 અપક્ષ અને બાકીના કૉંગ્રેસના સભ્યો હતા. પણ આ બધો જુગાડ કઈ લાંબો ચાલ્યો નહીં.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન,

દિલીપ પરીખ અને શંકરસિંહ વાઘેલા

દિલીપભાઈએ પોતાનું રાજીનામું 4 માર્ચ, 1998ના દિવસે આપ્યું. ફરીથી ચૂંટણી થઈ અને ભાજપ 117 સીટ મેળવીને વિધાનસભામાં ચૂંટાઈ આવ્યો.

ગુજરાતની પ્રજાએ પક્ષપલટુઓને જાકારો આપ્યો. સૂકા સાથે લીલું પણ બળી જાય એ ન્યાયે ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન કાર્યાલયમંત્રી ભરત પંડ્યાએ દિલીપભાઈને હરાવ્યા.

રાજપાના તત્કાલીન શંકરસિંહનો કરિશ્મો ચાલ્યો નહીં અને માત્ર આવડત અને વ્યક્તિત્વના બળે ધંધૂકાથી ચૂંટાયેલા દિલીપ પરીખની કારકિર્દીનો અકાળે અંત આવ્યો.

ત્યાર બાદ તેઓ કૉંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા. એ માણસની ખાનદાની એટલી કે શંકરસિંહના કારણે આ બધું થયું તેમ છતાં ક્યારેય કોઈ કચવાટ કે કડવાશ એમના મોઢે ન આવી.

એ ધીરેધીરે જાહેરજીવનથી અલગ થતા ગયા. છેલ્લે તો જાણે કે એકાંતવાસ સ્વીકારી લીધો હોય એવી સ્થિતિમાં રહેવું અને મિત્રવર્તુળથી પણ જાણે કે મોઢું ફેરવી લીધું હતું.

એક બાહોશ, ખાનદાન, પ્રામાણિક અને દક્ષ વ્યક્તિ પોતાનો ધંધો બાજુ પર મૂકીને સમાજજીવનમાં એને મળેલા વિવિધ મોભાઓને ફગાવી દઈ ભાજપમાં આવી.

જો એ લાયન્સ ક્લબમાં ચાલુ રહ્યા હોત તો ઇન્ટરનેશનલ ડિરેક્ટર બન્યા હોત અને જો ફિક્કી કે સીઆઈઆઈમાં સક્રિય રહ્યા હોત તો આ સંસ્થાઓમાં કોઈ એકનું પ્રમુખપદ શોભાવ્યું હોત.

ઘણું બધું થઈ શક્યું હોત. અજ્ઞાતવાસ વેઠવાનો વારો ન આવ્યો હોત.

ભાજપ તો એમને ન જાળવી શક્યો. કદાચ શંકરસિંહ વાઘેલા સાથે ગયા એ એમની રાજકીય ભૂલ હતી પણ કૉંગ્રેસમાં પણ માથાની. કોમવાદ, ભાષાવાદ અને જૂથવાદની રાજનીતિમાં એક સારી વ્યક્તિ હોમાઈ ગઈ.

દિલીપભાઈ જેવા માણસો જાહેરજીવનમાં ભાગ્યે જ આવતા હોય છે. અગાઉ આવું જ એક ઉદાહરણ નવલભાઈ શાહનું ઊભું થયેલું.

દિનેશ શાહ કે મકરંદ દેસાઈ પણ લાંબું ન ટકી શક્યા. આ બધા જ સત્ત્વશીલ હતા. તેજસ્વી હતા. એટલે કોકને એમની બીક લાગતી હતી.

આજના આધુનિક સમયમાં મારી આ પેઢી લગભગ વિલીન થવાને આરે છે ત્યારે દિલીપભાઈ પરીખના જવાથી ગુજરાતના રાજકારણમાં જે રહી સહી પણ લાજશરમ હજુ બાકી છે, જે રહી સહી સજ્જનતા બાકી છે તે પણ અહીંતહીં ફંગોળા લાગી છે.

સારું કરવા માટે પોતાનું કાંઈક છોડીને આવેલ લોકો હાંસિયામાં ધકેલાઈ જાય છે એમાંના એક અમારા પારદર્શક, પ્રમાણિક અને સ્પષ્ટવક્તા, સૌજન્યશીલ અને નમ્ર પણ સિદ્ધાંતની વાત માટે જ્યારે અડી જાય ત્યારે વજ્ર જેવા કઠોર એવા દિલીપભાઈ પરીખ સદેહે આપણી વચ્ચે નહીં હોય એનો મને રંજ છે.

વ્યક્તિગત તો મને ખૂબ મોટી ખોટ પડી છે પણ એમના જવાથી ગુજરાતની અનેક સંસ્થાઓ અને જાહેરજીવન રાંક બન્યાં છે. મારા સાથી અને મિત્ર દિલીપ પરીખને ભીની આંખે હ્રદયપૂર્વકની શ્રદ્ધાંજલિ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો