દુષ્યંત ચૌટાલા : હરિયાણામાં 11 મહિના પહેલાં પાર્ટી બનાવી અને હવે ભાજપ સાથે સરકાર બનાવશે

દુષ્યંત ચૌટાલા અને ખટ્ટર

ઇમેજ સ્રોત, Getty Images

હરિયાણામાં ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને જનનાયક જનતા પાર્ટી (જેજેપી) વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ ગઈ છે.

એટલે હવે એ નક્કી થઈ ગયું છે કે રાજ્યમાં ભાજપ-જેજેપીની સરકાર બનશે.

ગૃહમંત્રી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં સૂચિત કર્યું કે મુખ્ય મંત્રી ભાજપના અને ઉપમુખ્ય મંત્રી જેજેપીમાંથી બનશે.

બંને પક્ષોના નેતા શનિવારે રાજ્યના રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો કરશે.

અમિત શાહે કહ્યું, "જનતાએ બંને પક્ષોને જનાદેશ આપ્યો છે અને બંને પક્ષોના નેતાઓએ એ નક્કી કર્યું છે કે હરિયાણામાં ભાજપ અને જેજેપી સરકાર બનાવશે."

અમિત શાહે કહ્યું કે અપક્ષ ધારાસભ્યોએ પણ આ ગઠબંધનને સમર્થન કર્યું છે.

અમિત શાહે મુખ્ય મંત્રી અને ઉપ મુખ્ય મંત્રીનું નામ નથી જણાવ્યું પરંતુ માનવામાં આવી રહ્યું છે કે મનોહર લાલ ખટ્ટર મુખ્ય મંત્રી અને દુષ્યંત ચૌટાલા ઉપ મુખ્ય મંત્રી બનશે.

જનનાયક જનતા પાર્ટી અને સરકાર

ઇમેજ સ્રોત, Ani

ગુરુવારે આવેલા વિધાનસભા ચૂંટણી પરિણામમાં ભાજપને 40, કૉંગ્રેસને 31, જેજેપીને 10 અને અપક્ષોને 7 બેઠકો મળી છે. તેમજ આઈએનએલડી અને હરિયાણા લોકહિત પાર્ટી પાસે એક-એક બેઠક છે.

જેજેપીના પ્રમુખ 31 વર્ષીય દુષ્યંત ચૌટાલાએ શુક્રવારે કહ્યું હતું કે જે પક્ષ રોજગાર, વૃદ્ધોના પેન્શનમાં વધારો સહિતના મુદ્દાઓ પર સહમત થશે તેમને સમર્થન આપીશું.

શુક્રવારે બપોરે દિલ્હીની તિહાડ જેલમાં પોતાના પિતા અજય ચૌટાલા સાથે મુલાકાત કર્યા બાદ દુષ્યંત ચૌટાલાએ પત્રકાર પરિષદ કરી હતી.

જેજેપીના ધારાસભ્યોની બેઠકમાં દુષ્યંત ચૌટાલાને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.

કોણ છે દુષ્યંત ચૌટાલા?

ઇમેજ સ્રોત, Twitter/Dushyant Chautala

હરિયાણામાં ભાજપને સમર્થન આપ્યા બાદ લગભગ એ નક્કી થઈ ગયું છે કે દુષ્યંત ચૌટાલા હરિયાણાના ઉપમુખ્ય મંત્રી બનશે.

દુષ્યંત ચૌટાલા પૂર્વ નાયબ વડા પ્રધાન ચૌધરી દેવી લાલના પ્રપૌત્ર છે. દેવી લાલ વી. પી. સિંહની સરકારમાં ભારતના નાયબ વડા પ્રધાન બન્યા હતા.

દેવીલાલે 1996માં હરિયાણા લોક દળ પક્ષની સ્થાપના કરી હતી. એ સમયે દુષ્યંત ચૌટાલા આઠ વર્ષના હતા.

બે વર્ષ બાદ આ પક્ષનું નામ બદલીને ભારતીય નેશનલ લોક દળ કરવામાં આવ્યું અને દેવી લાલના પુત્ર ઓમ પ્રકાશ ચૌટાલા પક્ષના મુખ્ય નેતા બની ગયા.

દુષ્યંતના દાદા ઓમ પ્રકાશ ચૌટાલા અને તેમના પિતા અજય ચૌટાલા હાલ ભ્રષ્ટાચારના એક કેસમાં જેલમાં છે.

ઓમ પ્રકાશ ચૌટાલા ચાર વખત હરિયાણાના મુખ્ય મંત્રી રહી ચૂક્યા છે.

ઓમપ્રકાશ ચૌટાલાના બે દીકરા અજય અને અભય વચ્ચેના ઝઘડાના કારણે પાર્ટી તૂટી ગઈ હતી.

અભય ચૌટાલાએ દુષ્યંતને પાર્ટીમાંથી કાઢી મૂક્યા હતા. જે બાદ દુષ્યંતે જનનાયક જનતા પાર્ટીની સ્થાપના કરી.

રાજકીય નિષ્ણાતોના કહેવા મુજબ દુષ્યંત ખુદને દેવી લાલના સાચા વારસ ગણાવી રહ્યા છે અને મતદારો પાસે તેઓ આ જ વારસાને લઈને ગયા હતા.

હરિયાણાના હિસાર અને હિમાચલ પ્રદેશના સાનવારમાંથી પોતાનો સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરીને દુષ્યંત ચૌટાલા અભ્યાસ માટે વિદેશ ગયા અને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી કૉલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો.

એવું માનવામાં આવે છે કે હરિયાણામાં જાટ રાજકારણનો એક નવો અધ્યાય દુષ્યંત ચૌટાલાએ શરૂ કર્યો છે.

તેમણે ડિસેમ્બર 2018માં જનનાયક જનતા પક્ષની સ્થાપના કરી હતી અને માત્ર 11 મહિનામાં તેઓ ઉપમુખ્ય મંત્રીની રેસમાં છે.

ચૌટાલા પરિવારમાં અંદરોઅંદર વિવાદ

ઇમેજ સ્રોત, Twitter/Dushyant Chautala

આ પરિવારનાં મૂળ રાજસ્થાન સાથે જોડાયેલાં છે, પરંતુ હરિયાણામાં સિરસાનું ચૌટાલા ગામ આ પરિવારના નામથી જ ઓળખાય છે.

આઇએનએલડી હરિયાણા વિધાનસભામાં મુખ્ય વિપક્ષી પાર્ટી છે. તેની સ્થાપના ઓમ પ્રકાશ ચૌટાલાના પિતા દેવીલાલે કરી હતી.

દેવીલાલ 1971 સુધી કૉંગ્રેસમાં રહ્યા હતા. તેઓ બે વખત હરિયાણાના મુખ્ય મંત્રી રહ્યા. 1977માં દેવીલાલ જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા અને 1987માં લોકદળમાં જતા રહ્યા. 1989માં દેવીલાલ ભારતના નાયબ વડા પ્રધાન બન્યા હતા.

દેવીલાલની ગ્રામીણ મતદારો પર સારી પકડ હોવાનું મનાય છે. આગળ ચાલીને દેવીલાલના મોટા પુત્ર ઓ.પી. ચૌટાલા પણ હરિયાણાના ચાર વખત મુખ્ય મંત્રી બન્યા હતા. ઓ.પી. ચૌટાલા આઈએનએલડીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.

ઓ.પી. ચૌટાલા અને તેમના મોટા પુત્ર અજય સિંહ જૂનિયર બેઝિક ટ્રેનિંગ ટીચર ભરતીમાં ગોટાળાના આરોપમાં 10 વર્ષની જેલની સજા કાપી રહ્યા છે.

ઓ.પી. ચૌટાલા જેલમાંથી જ પાર્ટીના તમામ મહત્ત્વના નિર્ણય લે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો